સરવાળા-બાદબાકી

બીજે જ દિવસથી બધું શરૂ થઈ ગયું હતું. પ્રિયાએ કબાટ ખોલ્યું ને એક પછી એક સાડીઓ, ઘરેણાંનો બોક્સ, બંગડીઓના રોલ, ચોરખાનાની ચાવી ને એમ ઘણું બધું કાઢીને ફર્શ પર મૂક્યું.

“આ સાડી તો હૈદરાબાદ થી લાવેલા પપ્પા.”

“મમ્મીએ ઘસી ઘસીને વાપરી એ સાડી તો”

“આ ડ્રેસ પણ કચ્છથી લાવેલા ને આ શાલ....”

બધું જ ખોલાયું. એકબીજાને બતાવાયું. પ્રિયા બોલી,

“પહેલાં પપ્પાને તો પૂછો કોઇ એમની શું મરજી છે તે !”

રામેશભાઈને કોઇએ ડૂબતા બચાવ્યા હોય તેમ ઓચિંતા સપાટી પર આવ્યા.

“એમાં મને શું પૂછવાનું ?”

“મમ્મી હોત તો તેને..” પ્રિયા ડુસકાઈ ગઈ.

‘મમ્મી હોત તો આ વાત જ ન હોત ને ! ’ રામેશભાઈ અંદરોઅંદર બોલ્યા. પછી પ્રિયા તરફ જોઇને ઉમેર્યું,

“તારી મમ્મીનું મંગળસૂત્ર તું લઈ જજે. એનાં સાંકળા, વીંટી, બોરમાળા એ બધું નીનાને આપીએ શું કહે છે અદ્વૈત ? ”

“પપ્પા” અદ્વૈત દાગીના ના ડબ્બા પરથી નજર ઉઠાવીને બોલ્યો,

“જેવી તમારી મરજી નીનાને કોઇ લોભ નથી. તમે જે આપશો તે.....” નીનાની નજરથી અદ્વૈત કતરાઈ ગયો. નીનાએ એવી રીતે જોયું કે ,

‘બસ આટલું જ ? ’ અદ્વૈતે વધારે જોયું હોત તો નીનાની આંખો બોલતી દેખાઈ હોત ,

“ચાર ચાર વર્ષ ઢસરડાં કર્યા ને મમ્મીને પડખે ને પડખે રહી તેને આમ ચાપુચપટી જ ? ”

પણ રામેશભાઇ ની નજર બધે ફરતી હતી. ચૈતસીએ દવાનો કબાટ ખોલ્યો. કેટલીક દવાઓ તો વપરાઇ જ નહોતી. ચૈતસી બોલી યે ખરી ,

“એ તો મેડીકલ સ્ટોરવાળાને પાછી આપીને રોકડી કરી લેવાશે. પણ જે પતકડાં ફાટેલાં છે તેનું શું કરવું ? ”

“બેટા ચૈતી, જે કંઈ ગોદડું, ગાભલું, ઊલટીનું ટબ, વધેલી દવાઓ ... આ બધું જ નાકેની કચરાપેટીમાં નાખી આવ..” રામેશભાઈનો અવાજ તીવ્ર થઈ ગયો.

“હા, હવે આ કચરાનો કોઇ ઉપયોગ નથી.” અદ્વૈત ધીમેથી બોલ્યો.

રામેશભાઈ કચરાપેટીમાં નાખવાનું તો બોલ્યા પણ અંદરથી જીવ કકળતો હતો.

‘લેખા ને ગયે તો હજી..’ રામેશભાઈએ આંખો લૂછી નાંખી જાણે કચરું પડ્યું હોય પ્રિયા હૈદરાબાદી સાડી પહેરીને રામેશભાઈ પાસે આવી,

“કેમ લાગું છું ને મમ્મી જેવી ?”

રામેશભાઈને ગળે ડૂમો બાઝ્યો. આમ જ બોલી હતી લેખા,

“કેવી લાગું છું ?” રામેશભાઈ ત્યારે લેખાને પોતાની પાસે ખેંચી લીધી હતી. તેઓ થથરી ગયા જાણે લેખા સાડી પહેરી ને બધા રૂમમાં ફરી વળી.

“પપ્પા” ચૈતસી રામેશભાઈની સામે આવી ગઈ.

“હમણાં જ નાખી આવું બધું કચરાપેટીમાં. કચરાની ગાડી આવતી જ હશે.” અને ચૈતસી નીકળી ગઈ બહાર પોટલાં ઉંચકીને . રામેશભાઈને થયું થોડીવાર પછી લઈ ગઈ હોત તો..... ? પણ કંઈ બોલ્યા નહીં.

લેખા પરણીને આવેલી એ સાડી પ્રિયાએ કાઢી.

“પપ્પા ચાળીસ વર્ષ સુધી મમ્મી એ આ સાડી સાચવી રાખી ! પપ્પા આને તો કોઇ પહેરવાનું નથી કોઇ વાસણવાળો પણ નહી લઈ જાય.”

“તને જોઇતી હોય તો તું લઈ જા.” રામેશભાઈ એ પ્રિયાને કહ્યું, “જો ન ફાવતી હોય તો નીનાને આપ. તેને સાડી નો શોખ છે.”

“ના પપ્પા મને એવું જુનું પુરાણું નહી ફાવે.” નીના તડૂકી.

“પ્રિયા તને જોઇએ છે ?”

“ના પપ્પા.”

“તો એને કબાટમાં જ રહેવા દે.”

“પપ્પા, હવે મમ્મી જ નથી રહી ત્યાં સાડી રાખી ને શું કરશો ?”

“છો રહેતી. એ હશે તો લેખા...”

“એનાં કરતાં તો એની ચોખ્ખી જરી કાઢી ને વેચીએ તો બીજી બે સાડી આવે પપ્પા. ”

પણ રામેશભાઈ તો લેખાને ગૃહપ્રવેશ કરતી જોઇ રહ્યાં હતાં. બંનેના માથા પરથી કોઇકે પાણી ઓવારી ને સડક પર ફેંકી દીધું હતું. પછી કંકુનાં પાણીમાં રામેશભાઈએ વીંટી નાખી અને લેખાને તે જડી ગઈ હતી. રામેશભાઈ થોડા ખસિયાણા પડી ગયા. તે જોઇને લેખા શરમાતું બોલી,

“તમે મને જીત્યાં એટલે હું વીંટી જીતી.”

દોઢનો ટકોરો પડ્યોને રામેશભાઇ ચમક્યા. કાલે આટલા વાગે જ લેખાએ દેહ.....

“પપ્પા.” અદ્વૈત બબડ્યો. “તમારું ધ્યાન ક્યાં છે પપ્પા ?”

“શું થયું ?” રામેશભાઇ વળી ખસિયાણા પડી ગયાં.

“પપ્પા તમે પૈસા આપો તો હોસ્પિટલનું બિલ ભરી આવું.”

“હવે કાલે જજે ને બધું હમણાં જ..” રામેશભાઇએ હોઠો ભીડી દીધા.

“કાલે હું ઓફિસે જવાનો છું એટલે મને એમ કે આજે રજા છે તો..”

“સારું સારું પછી ચેક આપું છું.” બોલતા રામેશભાઈ ઉભા થઈ ગયા. સૂઈ રહેલી લેખાની કોઇ પરત તેમને વળગી હોય તેમ લેખાને લપેટી લીધી. કાલે જ બોલી હતી,

“મારા પછી તમારું....” પછી બોલાયું નહોતું ને એકટક લેખા રામેશભાઈને તાકી રહી હતી. રામેશભાઇએ જ પછી આંખો પર હાથ ફેરવી તેને બંધ કરી હતી.. પછી તો ફોન, રડારોળ, અવરજવર નનામી, શબવાહિની, સ્મશાન ગેસ ચેમ્બર ને.... લેખાના અસ્થિ જ હાથ આવ્યાં હતાં. પીડા જીવીએ તેની જ હોય છે. પછી તો કંઈ થતું નથી. કેટલું કકળી હતી આ લેખા,

“મને છોડાવો કોઇ.” ને છૂટી ગઈ. પછી એ રડતી બંધ થઈ અને આખું ઘર ડૂસકે ચડ્યું હતું. કાલનો દિવસ આજે ફરી ભજવાતો હોય એમ રામેશભાઈ ઉભા ઉભા બધું જોઇ રહ્યા. ત્યાંતો નાનકડો આકાશ મોટું કવર પરાણે ઉપાડતો આવ્યો.

“દાદા આમાં દાદીના ઘણાં બધા ફોટા છે.” રામેશભાઇએ જોયું તો લેખાના એક્સ-રે હતા. તેમણે એક એક્સ-રે કાઢીને સામેની લાઈટમાં ધર્યો. એવું લાગ્યું જાણે એક્સ-રે માંથી લેખા શરીર બની રહી છે. એક્સ-રે પર એમણે એ રીતે હાથ ફેરવ્યો જાણે લેખાના શરીર પર ફેરવતા હોય. એકદમ રડી પડાશે તેવું લાગતાં તેઓ એક્સ-રે ફગાવી બાથરૂમમાં ભરાઇ ગયાં. ફૂટી જતું ડૂસકું તેમણે હાથ વડે દાબ્યું. થોડું પાણી છાંટી ચહેરો ધોયો. થોડાં આંસુ પણ ધોવાયાં. થોડીવારે બહાર આવ્યા. આખું ઘર લેખાની ચીજવસ્તુઓ સગેવગે કરવામાં પડ્યું હતું. ધારેલી ચીજ ન મળતાં નીનાનું મોં વંકાતું રહેતું હતું.

થોડીવારે લેખાનો બેડ ઉભો કરી દેવાયો. તેનું ગાદલું બહાર સૂકાવા નાખ્યું. એક્સ-રે ની કોથળી બહાર હીંચકા પર અદ્વૈત પકડીને બેઠો હતો એમ વિચારતો કે આનું શું કરવું ? સોફા બહાર કઢાયો. ઝાપટ ઝુપટ ચાલુ થઈ. ફિનાઈલના પોતા મરાયાં.. થોડીવારમાં તો બધું ચકાચક થઈ ગયું. જાણે કંઈ થયું જ નહોતું. રામેશભાઈને તો લાગ્યું પણ કે તે કોઇ બીજાના ઘરમાં બેઠા છે. કશુંક એવું ચુંથાતું હતું કે એમને જરા પણ ચેન પડતું નહોતું. પ્રેશરની ગોળી લેવાનો વિચાર આવ્યો પણ તે ઉઠ્યા નહી. બીજી તરફ ઘરમાં બધું ઉઠી ગયું હતું. ઉઠમણાં ને ય વાર હતી. લોકો આવીને અંદર જુએ તો મોંમા આંગળા નાખી જાય કે લેખાબહેન અહી હતાં તેવું તો કંઈ જડતું જ નહોતું. ત્યાં ઉઠમણાં માં મૂકવા અદ્વૈતે ભીંત પરથી લેખાનો ફોટો ઉતાર્યો ને રામેશભાઈ બરાડ્યા,

“શું કરે છે ? આ તારી મા ને ઘસી ઘસી ને મેલ કાઢતો હોય તેમ બહાર કાઢી રહ્યો છે. ”

અદ્વૈત તો સડક જ થઈ ગયો. “પપ્પા ઉઠમણાં માં ...”

“શટ અપ ! જસ્ટ શટ અપ !” રામેશભાઈ એકદમ રડી ઊઠતાં બોલ્યાં,

“હું તારી મમ્મી ને રહી રહીને વસાવવા મથું છું ને તમે લોકો તેને વાળીઝૂડી ને બહાર...”

અદ્વૈત ફોટા સાથે દોડીને “પપ્પા” કહેતો વીંટળાઈ વળ્યો.

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.