અમૃતનાં આચમનની જેમ

“બા...!”

ક્યારેય એવું લાગ્યુ નથી કે તું અદેહી છે. મનમાં તો જ્યારે વાત કરવી હોય ત્યારે આંખ મીચું ને તું હાજર જ હોય.. “ બોલ બેટા શું તકલીફ છે? અને બા તને બધીજ વાત કહેવી ગમે. મને ખબર છે તું મારી સામે જોઇને મલક્યાં જ કરતી હોય..પણ મને હૈયે જબરી ટાઢક રહેતી. મને ખબર કે બા તને મારી ૯૦% વાતો સમજાતી નહીં અને આમેય લખી શકાય કે વાંચી શકાય એટલી જ શાળા તમારા જમાનામાં હોતી તેથી હું મારા સોફ્ટ્વેરનાં અને બીઝનેસનાં પ્રશ્નો કહું ત્યારે હસતા હસ્તા તું એટલું જ બોલે “ સૌ સારુ થઇ જશે ભાઇ.. એક વાતનું ધ્યાન રાખવાનું ભલેને દુશ્મન હોય તો પણ આપણા સ્વાર્થમાં તેમનું અહીત નહીં કરવાનુ, બરોબરને ભાઇ!”

મારા પ્રશ્નો સાંભળતા સાંભળતા તેની માળા તો ચાલુ હોયજ.. અને ઘરમાં બધા જાણે બા અને તેમનો દીકરો ધાબે થી બરાબર ૪૫ મિનિટે ઉતરશે_ ત્યારે દીકરો એટલે કે હું પ્રફુલ્લિત હોઇશ અને બા તેમનું લાખેણું સ્મિત વેરતા નીચે આવશે.

“ પણ બા..તને કહેવાનું રહી ગયું આજે ..કરતા કરતા નીચે આવીને ઓસરીમાં બીજી વાતો કરે. પછી બા તેમના દીવા કરે અને હું પપ્પાને સાથે લાવીને બધા ભાઇ બહેન આરતી કરીયે.જમવાનું પતે અને આખુ ઘર “હમલોગ” જોવા સાથે બેસીએ.કેવા સુંદર દિવસો હતા. મારું આખુ કુટૂંબ,, પપ્પા અને ભાઇ બહેનો કોઇ અમારા આ કાર્યક્રમમાં માથું ના મારે.

મોટો ભાઇ તો હસતા હસતા કહે પણ ખરો “ બા ને શું કરવા હેરાન કરે છે?”

ત્યારે બા જ મારો પક્ષ લેતા કહે..”ના તે તો મારો ડાહ્યો શ્રવણ દીકરો છે તેની સાથે આ મારો એક કલાકનો સત્સંગ સમય છે. અને મને ખબર છે એ મારી સાથે વાત કરશે તો તેનું મન ખાલી થશે અને તેને બીજા દિવસે કામ કરવાનું ટોનિક મળશે.

મારા પત્ની હસતા હસતા બોલે પણ ખરા.. “મારી સાથે હીંચકે બેસવાનું કહું તો તેમને મચ્છરા કરડે પણ બા સાથે કલાક ધાબા પર સત્સંગ જરુર થી કરે.”.

બા ત્યારે કહે પણ “તે તું પણ આવને અને બેસને..મને તો ગમશે.દીકરો અને વહુ બંને સાથે બેઠા”

“ ના બા હું તે વખતે મારા છોકરા સાથે બેસુંને? તમારો વારસો બધી જ રીતે લેવાનો ને...”તે વખત ત્રણેય પેઢી મલકતી અને સુખનાં મોગરા ઘરમાં મહેંકતા.

. સાવ નાની માંદગીમાં તેમનો જીવ જતો રહ્યો. ઘરમાં એક સોપો પડી ગયો.ત્યારે મોટી બેન બોલી

માબાપ કદી મરતા નથી . મરે છે તેમનો નશ્વર દેહ

તે તો સદાય હસતા રહે છે અમ સંતાનોનાં હ્રદયે છેક

આજે તેમના દેહ્ત્યાગને વર્ષો વહી ગયા છે. પણ સ્મૃતિમાં તે સહેજ પણ ઝાંખા થયા નથી. જ્યારે જ્યારે સાંજે ચાલવા કે જીમ માં જઉં છું ત્યારે ચાલતા ચાલતા જાપ કરતા કરતા સ્મૃતિઓનાં માટલાઓ વિંછળાતા હોય અને એજ અમિવચનો શબ્દો બની મનવીણાને ઝણ ઝણાવતા હોય છે.મારા બાપુજીએ સમજણ દીધી પણ મારી મા એ મને નાની નાની વાતો કરી મારા વ્યક્તિત્વમાં કુમાશ અને પ્રેમાળ વર્તન ભર્યુ.

અહીં અમેરિકામાં મધર્સ ડે અને ફાધર્સ ડે ઉજવવાની વાત આવે છે ત્યારે મારું મન કહે કે તે પૂનિત ચહેરા અને પાવન આત્માને તો કંઇ ભુલવાનાં હોય...? આખ મીંચુ અને હસતા હસતા બંને “ કલ્યાણ થાવ”નાં આશિર્વાદ આપતા હોય છે.આ તેમનો સ્નેહ અને વહાલ છે જેના આજીવન આપણે ઋણી છીયે...આ ભાવો જેમ જેમ આપણે આપણા સંતાનો માટે કેળવતા જતા હોય ત્યારે સ્વયંભૂ તેવાં જ વિચારો માબાપ માટે જન્મતા હોય છે. અમૃતનાં આચમનની જેમ.

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.