ભોલાપુર નામનાં નાનાં પ્રાંતમાં એક રાજા રહેતો હતો.રાજાને ત્રણ કુંવર હતાં.તેમને પાણી માંગે ત્યાં દૂધ મળતું. રાજાએ તેમને રાજવી રીતભાત અને કળા-કૌશલ્ય શીખવ્યા કે જેથી તેઓ ભવિષ્યમાં સારા રાજવી બની શકે.મોટા બે કુંવર નવાબી ઠાઠ અને રસમો શીખ્યા.પણ સૌથી નાનો રૂપાળો રાજકુમાર સાવ જુદો હતો.

તેને ડોળ-દેખાવ કરવાનું ગમતું નહિ.તેને ચાકરોએ ઉપાડેલી પાલખીમાં બેસવું ગમતું નહિ.તે સાદા કપડાં અને સાવ ઓછાં આભૂષણો પહેરતો.રાજાને તેની ચિંતા રહેતી કે કોઈ તેને બનાવી જશે. તે સવારનાં વહેલો ઉઠી એકલો મહેલની બહાર ફરવા નીકળી પડતો.ગામની ભાગોળે અને જંગલમાં ભમ્યા કરતો. તે કઠિયારા, ખેડૂત,પનિહારી-બધા લોકોને મળતો, ગપ્પાં મારતો. તેમને જરૂર હોય તો મદદ કરતો.તેથી તેને આ બધાં લોકો બહુ પ્રેમ કરતાં. દૂરનાં પ્રાંતો સુધી તેનાં સ્વભાવની સુવાસ ફેલાવા લાગી.

એક દિવસ તે નદીકિનારે ફરી રહ્યો હતો.ત્યાં એક સુંદર છોકરી ઝાડ નીચે ઉભી હતી.રૂપાળા રાજકુમારે તેને ધ્યાન ન આપ્યું.છોકરી દોડતી તેની પાસે આવી. ‘મારે પેલી ડાળખી પરથી ફૂલ જોઈએ છે.’

‘તો લઇ લે’ કુમારે તેની સામે જોયા વિના નફિકરાઈ થી કહ્યું.

‘પણ ફૂલ તો છેક ઉપરની ડાળીએ છે ને.....હું તો આટલીક જ છું ને?’ તેણે હાથથી પોતાની ઊંચાઈ બતાવી. કુમાર તેની સામે જોઈ હસી પડ્યો. છોકરી પણ ખીલખીલ કરી હસવા મંડી.ફૂલો મળતાં જ તે ખુશ થતી દોડી ગઈ. પછી તો લગભગ રોજ કુમાર તેને ફૂલ તોડી આપતો અને છોકરીનાં ગાલ ખાડા પડતા.જાણે ગાલ પર ફૂલ ખીલતા.

‘મને પંખી અને ફૂલ બહુ ગમે છે. સામા કાંઠે લાલ કાંઠલાવાળી દેવચકલી છે તે જોઈ છે?’છોકરીએ પૂછ્યું.

કુમાર પેલાં કાંઠે ગયો જ ન હતો. બંને ત્યાં ચાલ્યા.ચકલી પાણી પીવા આવે તેની રાહ જોતા જંગલના ઝરણાંમાં નાહ્યા અને રમ્યા.

એક દિવસ રૂપાળા રાજકુમારે પૂછ્યું: ‘તારું નામ શું છે?’

છોકરીએ લટકો કર્યો: ‘કેમ? મેં તને તારું નામ પૂછ્યું?’

‘હું તને ઝાકળ કહીશ. તારામાં ઝાકળ જેવી જ નાજુકી અને તાજગી છે.’ કુમારે કહ્યું.

‘અને હું તને વાદળ કહીશ.તું વાદળ જેમ બધે છવાઈ જાય છે. અને વાદળ જેવો જ પારદર્શક છે.’

વાદળ અને ઝાકળની દોસ્તી એટલી જામી કે બંનેએ સાથે રહેવાનું નક્કી કરી દીધું.નદીકિનારે વડની છાંય નીચે મઝાની ઝુંપડી બાંધી દીધી.

રાજાને મોટો આઘાત લાગ્યો. તેને કુમાર કોઈ મોટા રાજ્યની રાજકુમારી સાથે પરણે તેવી ઈચ્છા હતી.તે ગુસ્સે થયો. કુમારનાં ભાઈઓ પણ તેનાં વિશે બૂરું બોલવા લાગ્યા. હવે રાજવી કુટુંબે તેની સાથે સંબંધ તોડી જ નાંખ્યો.વાદળ અને ઝાકળે આ વાતને સાંભળી. વાદળ તો સ્વભાવ પ્રમાણે અલગારી હતો, તેણે આ વાતને મહત્વ આપ્યું નહિ. ઝાકળને થયું આ બાબત કૈક તો કરવું જોઈએ.

થોડાંક દિવસો પસાર થઇ ગયા.એક દિવસ ઝાકળે કહ્યું:

‘રાજાજીનો જન્મદિન આવે છે તો મહેલ જઈ તેમને મળી આવો.’

‘તેમને મને મળવાનું નહિ ગમે.’ વાદળે વિરોધ કર્યો.

‘ચિંતા ન કરો. તમારે કહેવાનું કે આશિર્વાદ લેવા આવ્યો છું.’

પણ કુમારની આનાકાની ચાલુ રહી.ઝાકળે લાડથી કહ્યું:

‘ઓ વાદળ વહાલા વાદળ,તમે ન જાણો દુનિયાની રીત,

તમે ન માનો મારી વાત,કેમ ટકશે આપણી પ્રીત?’

કુમાર આખરે જવા તૈયાર થયા. તે જ વખતે ઝાકળે આવી તેને એક નાનો પથ્થર આપ્યો.

‘આને તમારી મુઠ્ઠીમાં રાખો.મુઠ્ઠી રાજા પાસે પહોંચો પછી જ ખોલવાની છે.તે જન્મદિનની ભેટ છે.’

‘પથ્થર...? આ શું? આવું ન લઇ જવાય.’

‘ઓ વાદળ વહાલા વાદળ,તમે ન જાણો દુનિયાની રીત,

તમે ન માનો મારી વાત,કેમ ટકશે આપણી પ્રીત?’

રાજકુમાર બંધ મુઠ્ઠી રાખી મહેલ પર પહોંચ્યો. તેનાં બંને ભાઈ રાજાની આસપાસ બેઠાં હતાં.એકનાં હાથમાં સોનેરી મુગટ હતો જેમાં રત્ન જડેલાં હતાં. બીજા પાસે રાજવી અંગરખું હતું,જેમાં સોના ચાંદીના તારથી ભરત કરેલું. રાજકુમાર તો શરમાયો. તેને નક્કી કર્યું કે મારી મુઠ્ઠી જ નહિ ખોલું. ત્યાં જ તેને ઝાકળનાં શબ્દો યાદ આવ્યા.તેણે મુઠ્ઠી ખોલી અને આખો ય મહેલ ઝળહળી ઉઠ્યો-જાણે બીજો સૂર્ય ન ઉગ્યો હોય!

‘કોહીનુર!’ બંને ભાઈઓ પોકારી ઉઠ્યા.પહેલી વાર તેમને આ નાનકો કુમાર પણ કમ નથી તેનું ભાન થયું.

રાજકુમાર ખુશ થતો ઘેર પાછો ફર્યો. તેણે ઝાકળને બધી વાત કરી.

‘ચમત્કાર સર્જાઈ ગયો! તેણે વિસ્મયથી કહ્યું.

‘કોઈ ચમત્કાર નથી.તું દિલથી ભોળો અને પવિત્ર છે. ભગવાન નિર્મળ મનનાં માનવને મદદ કરે છે.’ ઝાકળે જવાબ આપ્યો.

દિવસો વીતતાં ચાલ્યા. ઝાકળ અને વાદળ તો મોજથી રહેતાં હતાં અને મઝા કરતાં હતાં. એક દિવસ ઝાકળે કહ્યું: ‘આપણે રાજા અને બીજા કુંવરોને ઘેર બોલાવીએ તો?’

‘તે લોકો નહિ આવે..હું જાણું ને.’

‘પણ એકવાર કહી તો જુઓ.’

‘તેઓ સ્વપ્નમાં પણ અહીં આવવાનું ન વિચારે.’

‘ઓ વાદળ વહાલા વાદળ,તમે ન જાણો દુનિયાની રીત,

તમે ન માનો મારી વાત,કેમ ટકશે આપણી પ્રીત?’ ઝાકળે લાડથી કહ્યું.

રાજકુમારે સહુને પોતાને ત્યાં આવવા આમંત્રણ આપ્યું.બધાએ તે સ્વીકાર્યું. ભાઈઓને હીરાની ભેટ પછી તેનું ઘર જોવાની ઘણી તાલાવેલી હતી.રાજકુમારને ચિંતા થતી હતી:

‘ઝાકળ આપણે કેવી રીતે વ્યવસ્થા કરીશું? આ ઘરમાં તો....’

‘ચિંતા ન કરો. ભગવાન ભોળાને મદદ કરે જ છે.પહેલાં હું એક પરીને ત્યાં કામ કરતી હતી. તે પોતાનો મહેલ આપણને એક દિવસ વાપરવા આપશે જ. મને ખાતરી છે.’

રાજા, કુંવરો અને તેમનો રસાલો પધાર્યા.ઝાકળ તેને નદીકિનારે એક વિશાળ વડની નીચે લઇ ગઈ. ત્યાં એક મોટો પથ્થર પડ્યો હતો. તે તેણે સહેજ ખેંચતા જ ખૂલી ગયો અને નીચે અંદર જવાનાં પગથિયા દેખાયા.ત્યાં તો એક ભવ્ય અને સુંદર મહેલ હતો.તેમાં નાનકડા ઝરણાં અને રંગીન ફુવારાઓ હતાં.લીલોછમ બગીચો અને ફળોથી લદાયેલી વાડી હતી.રાજ-પરિવારે તો આવો મહેલ ક્યારેય જોયો ન હતો.ભોજનમાં એટલાં તો પકવાન હતાં કે તેમને શું ખાવું અને શું ન ખાવું તે જ સમજાતું ન હતું.રાજા તો નાના કુંવર પાસે સુખ-સાહ્યબી છે જાણી ખૂબ ખુશ થયો. પણ બીજા કુંવરોને ઇર્ષ્યા થઇ આવી. પાછાં ફરતાં બંનેના મનમાં એક જ વિચાર રમતો હતો કે નાનાની મિલકત કેવી રીતે હડપ કરવી.બંનેએ એક વ્યૂહ ગોઠવ્યો.તેમણે નાનાં અને ઝાકળને ભોજન માટે આમંત્રણ આપવાનું નક્કી કર્યું. ભોજનમાં ઝેર ભેળવી તેઓને મારી નાંખી મહેલની માલિકી લઇ લેવી.

વાદળને તો આમંત્રણ મળ્યું તેથી આનંદ થયો.ભવિષ્યમાં હવે તેઓ બધાં હળી-મળીને રહી શકશે.ઝાકળને લાગ્યું કે હજી હમણાં સુધી નાનાં ભાઈની અવગણના કરતાં કુંવરોને અચાનક પ્રેમ ક્યાંથી ઉભરાઇ આવ્યો.વાદળને તો એમ જ કે ગમેતેમ હોય, આખરે તે મારાં ભાઈ છે. ઝાકળ નકામી શંકા કરે છે.

પછી તો બંને નિયત દિવસે ભોજન માટે રાજાને ત્યાં ગયા.તેમનો ખૂબ આદરસત્કાર થયો.થાળી પર બેસતાં જ ઝાકળે કહ્યું:

‘મારે વ્રત છે તો હું પહેલાં ગાયમાતા ને જમાડી લઉં પછી જ આપ સૌ પણ ભોજનની શરૂઆત કરશો.’ તે સીધી પોતાની અને કુંવરની થાળી લઇ તબેલામાં જઈ ગાયને ખવડાવ્યું.થોડીક જ વારમાં ગાય ભાંભરવા લાગી.તેની પીડા વધતી ચાલી અને થોડીક ક્ષણોમાં જ તેનો પ્રાણ ચાલી ગયો.

રાજા ગુસ્સાથી લાલ થઇ ઉઠ્યો: ‘આવું કાવતરું કેમ કર્યું? અને તે પણ તમારાં ભાઈ સામે?’

બંને કુંવરોના ચહેરા પર જાણે શાહી ઢળી ગઈ.

‘હું કહું છું, પિતાજી તેઓ અમારા મહેલને જોઈ અંજાઈ ગયાં હતાં.અમે ન હોઈએ તો મહેલ અને મિલકત તેમને મળી જાય.જયારે ભોજનનું આમંત્રણ મળ્યું ત્યારે જ મને શંકા ગઈ હતી.’ ઝાકળે જવાબ આપ્યો.પછી તે કુંવરો તરફ ફરી: ‘લો આ મહેલની ચાવી. મહેલ મને મારી પરી-મા એ ભેટ આપેલો. આજથી એ તમારો.અમારે એમ પણ એની જરૂર નથી. તેનો તમે આવ્યા ત્યારે એકવાર જ ઉપયોગ થયો છે.

‘તું પરી છે?’ રાજાએ પૂછ્યું.

‘હા, મારી સુંદરતા, સંપતિ અને સત્તા જોઈ ઘણાં કુંવર મારી સાથે લગ્ન કરવાં માંગતા હતાં.પણ મારે એવો જીવનસાથી જોઈતો હતો જેનામાં હ્રદયની સુંદરતા,નિર્દોષતાની સંપતિ અને ઉદારતાની સત્તા હોય. કુંવરને હું કોણ છું તેની અત્યારે જ ખબર પડે છે. તેણે તો અમે પહેલી વાર મળ્યા ત્યારે મારા જેવી સુંદર કન્યા સામે જોયું પણ નથી.એટલે જ હું આ અલગારી કુંવર પાસે આવી.’

‘દીકરી, તે તો ખુદને અને મારાં કુંવરને બચાવ્યો છે.બંને પર ભગવાનનાં આશીર્વાદ ઉતરે.’

વાદળનાં વિસ્મયનો પાર ન હતો. તે અવાક બની ગયો હતો.

બંને તેમનાં નાનાં,રળિયામણા ઘરમાં પાછા ફર્યા.

વાદળે કહ્યું: ‘ તું બહુ હોશિયાર અને ચાલાક છે. આ બધી તું કેવી રીતે કરી શકે છે?’

કારણકે

‘ઓ વાદળ વહાલા વાદળ,તમે ન જાણો દુનિયાની રીત,

તમે તો માનો મારી વાત, હંમેશ ટકશે આપણી પ્રીત’

ઝાકળે લાડથી કહ્યું.
gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.