રાજીપો

અંગત મિત્રોને,રોટરી કલબના મેમ્બર્સને, પાડોશીઓને, સ્ટાફના સભ્યોને સહુ કોઈને અચરજ થયું,થોડુંક કુતુહલ પણ થયું કે રમેશભાઈ તથા તેમના પત્ની તરફથી આવું સીધું- સાદુ અને કૈંક વિચિત્ર,કૈંક અવનવા અવનવા એવા પ્રકારનું સાવ નાનું-ટૂંકુ એવું નિમંત્રણ મળ્યું. નિમંત્રણમાં સરસ મઝાના હસ્તકલાના કાગળ પર, જે રમેશભાઈના પોતાના હાથે લખેલા શબ્દોનો બ્લોક હતો, તેમાં કેવળ માત્ર આટલા જ શબ્દો હતા :-

"ભાઈશ્રી/બહેનશ્રી,

આપ સહુને સપરિવાર અમારા આયોજિત 'આનંદોત્સવ'માં સમ્મિલિત થવા માટે હાર્દિક નિમંત્રણ છે.સાથે જણાવેલા સ્થળે અને દિવસે અવશ્ય પધારવા કૃપા કરશોજી."

પ્રસંગનો,ઉજવણીના આશયનો કોઈ ઉલ્લેખ જ નહિ.ફોનથી કોઈ કોઈએ પૂછ્યું પણ ખરું કે occasion શું છે તો હસીને કહે 'આનંદોત્સવ' એટલે આનંદોત્સવ.આવો,માણો અને ખુશ થાઓ.

નિર્ધારિત તારીખે-દિવસે જણાવેલા વિશાળ પાર્ટીપ્લોટમાં બધા પહોંચ્યા તો ત્યાનું ડેકોરેશન,મ્યુઝિક,સુંદર છોકરીઓ દ્વારા સર્વ થઇ રહેલા જ્યુસ અને એપિટાઇઝર્સ ઇત્યાદિ જોઈ સહુ કોઈ પ્રસન્ન પણ થયા અને પ્રભાવિત પણ થયા.રમેશભાઈના પત્ની રેખાબહેન આ ઉમરે પણ પંજાબી પોષાકમાં જાજરમાન લાગી રહ્યા હતા.રમેશભાઈ પોતે પણ કુર્તા-ચોરણીમાં પ્રૌઢ હોવા છતાં ય જવાન લગતા હતા.મજાકમાં જયારે- ત્યારે એ સહુને કહેતા પણ ખરા 'હું તો જવાન નહિ,નવજવાન છું અને રહેવાનો કારણ કે હસો અને હસાવો,ખાઓ અને ખવડાવો,પીઓ અને પીવડાવો,નાચો અને નચાવો...... બસ, આ મળેલી એક લાઇફને ભરપૂર એન્જોય કરો.જિંદગી છે જ એન્જોય, એન્જોય અને એન્જોય કરવા માટે."

તેમના હસતા પ્રફુલ્લિત ચહેરા પરથી,તેમની રમતિયાળ ચમકતી આંખોમાંથી અત્યારે પણ એ જ મેસેજ મૂક સ્વરૂપે મુખરિત થઇ રહ્યો હતો.રેખાબહેન વિષે તો સહુ જાણતા હતા કે બેઉ જોડિયા દીકરીઓનાની હતી ત્યારે રાતે દૂધ ગરમ કરતા કરતા તેઓ ભયંકર દાઝી ગયેલા,સળગી ગયેલા અને મહાવીર સ્વામીની કૃપાથી જીવતા રહી શક્યા.ચહેરા અને બે હથેળીઓને અને પગની પાનીઓને છોડી તેઓ પૂરે પૂરા દાઝી ગયેલા.એ પછી થોડા વર્ષો બાદ કેન્સર થતા તેઓ હતાશ-નિરાશ થઇ ગયેલા;પણ હિંમતવાળા મર્દ રમેશભાઈએ તેમને મૃત્યુના મુખમાંથી બચાવેલા.બંને દિકરીઓ મોટી થતા તેમના લગ્ન પણ ધામધૂમથી સંપન્ન કરેલા.

મુંબઈથી સિકન્દરાબાદ, પોતાને ત્યાં સો રૂપિયાના પગારે જયારે બનેવીએ તેડાવેલા, ત્યારે પણ રમેશભાઈ આટલા અને આવા જ આનંદી સ્વભાવના હતા.તેમના રેખાબહેન સાથે મુંબઈના કલ્યાણ પરામાં લગ્ન થયા ત્યારે સ્વમાની,સ્વાભિમાની રમેશભાઈએ કરોડાધિપતિ સસરા પાસેથી કંઈ કરતા કંઇ જ લીધું નહિ અને સિકન્દરાબાદ આવી બનેવીને પગાર વધારી આપવા વિનંતિ કરી.બનેવીને રમેશભાઈ બિનવહેવારિક લાગ્યા અને તેમણે તેમને ફેબ્રુઆરી મહિનાના પ્રથમ દસ દિવસના ત્રીસ રૂપિયાનો પગાર ચૂકવી છુટ્ટા કરી દીધા.સપ્લાય બિઝનેસની નેક ફાવી ગયેલ હોવાથી ત્રીસ રૂપિયાથી જ બિઝનેસમાં ઝંપલાવી આજે લાખો રૂપિયા સુધીના પોતે કરેલા વ્યાપાર- વિકાસ માટે તેઓ પોતાને ટાટા,અંબાણી કે બિરલા, અદાણીથી ઓછા સફળ ન માનતા.નોકર જગ્ગુ ની એકની એક દીકરીના લગ્નમાં તેમણે પત્નીની સાડીઓ તેમ જ ઘરેણા પણ ભેટમાં આપી દીધેલા, કારણ કે પત્ની રેખાબહેન તે પહેરી શકે તેમ જ ન હતા. પોતાની બેઉ દિકરીઓના લગ્નમાં મોંઘા ભાવનું સોનું ખરીદતી વખતે તેમના મનમાં એક ક્ષણ માટે ય એવો ખોટો વિચાર કે પસ્તાવાની લાગણી ન જન્મી કે ત્યારે નોકરની દિકરીના લગ્નમાં આમ સોનું ન લૂટાવી દીધું હોત તો આજે રાહત રહેત.બલ્કે તેને ત્યારે દર મહીને તેના વતી પોતા પાસે બચાવી રાખેલી રકમ પણ થેલો ભરીને આપી દીધેલી.એ 'અપૂર્વ કન્યાદાન' તો આ લેખકની વાર્તાનો પ્લોટ બની ગયેલો.આગળ તેના દિકરી-જમાઈને પોતાના પ્લોટ પર નાનું ઘર-કમ સીવણની દુકાન પણ બનાવડાવી દઈને ખુશ થયેલા.સહુ કોઈની ખુશીમાંજ પોતાની ખુશી જોનારા રમેશભાઈ-રેખાબહેન એટલે જ કાયમ કાયમ ખુશમિજાજ જોવા મળતા.

આજે આ આનંદોત્સવ પોતાના બેઉ દીકરી-જમાઈઓની મેરેજ- એનિવર્સરી ઉજવવા માટે આયોજિત કરેલો, જેમાં દિકરીઓની ફ્રેન્ડ્સને પણ સાસરેથી માનભેર તેડાવી, આ આનંદોત્સવમાં સમ્મિલિત કરવા નિમંત્રિત કરેલી.સ્ટાફના નાનામાં નાના સભ્યને પણ માન-સન્માન સાથે રીસીવ કરી તેમને સહુને તેમ જ પધારેલા બધા મેહમાનોને પણ સાશ્ચર્યાનંદમાં ગરકાવ કરી દીધા.હૈદરાબાદની સ્પેશ્યાલિટી જેવું બેસાડીને પીરસાતું ચોકીનું જમણ હતું અને ટોટલ સ્ટાફને પણ -ત્યાં સુધી કે ઘરે કામ કરતી કામવાળીના પરિવારને પણ આ ચોકીના જમણમાં પ્રેમથી આગ્રહપૂર્વક જમાડી ગમતાનો ગુલાલ કરી કરી પ્રસન્નતાના પારાવારમાં તેઓ બેઉ તરતા-ડૂબતા રહ્યા.

અંતે પધારેલા અતિથિઓ અને સ્ટાફ મેમ્બર્સને પણ મોંઘા ભાવના વજનદાર ચાંદીના મહાવીર સ્વામીના સિક્કાઓ ભેટ આપી,હૃદય પૂર્વક તેમનો અત્યંત આભાર માની તેમને પ્રેમપૂર્વક ભેટી ભેટી ભાવભીની ભાવભીનીવિદાયવિદાય આપી. દીકરીઓ-જમાઈઓ અને દીકરીઓની સાસરેથી આવેલી બધી બહેનપણીઓની ખુશીનો તો પાર જ ન રહ્યો- આવો મઝાનો, અનોખો, અદભુત,અભૂતપૂર્વ 'આનંદોત્સવ'જોઇને સહુથી વધુ રાજી તો થયા રમેશભાઈ અને રેખાબહેન પોતે, જેમને સહુના રાજીપામાં જ પોતાનો રાજીપો જોવાની ટેવ પડી ગઈ છે.

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.