સુરત શહેરના કોલાહલભર્યા વિસ્તારોથી દૂર થોડાં, અંતરિયાળ ગણાય એવાં વિસ્તારમાં આવેલું “બિલ્વમ” એપાર્ટમેન્ટ લગભગ દસેક વર્ષ જૂનું હતું. તે પોતાના છ માળમાં વસેલા લગભગ અઢારેક કુંટુંબોના દરેક સારા-માઠા પ્રસંગો અને ઘણાયે વ્યકિતઓના આવાગમનનું સાક્ષી હતું.

“બિલ્વમ” ના બીજા માળે ૨૦૧ માં રહેતાં વિભાબહેનનું કુંટુંબ છેક શરૂઆતથી આવી વસેલા કુંટુંબોમાનું એક હતું. આમ, તો જયારે વિભાબહેનનો પરિવાર વડોદરાથી સુરત આવ્યો ત્યારે તેમના પરિવારમાં વિભાબહેન પોતે તેમના પતિ શરદભાઇ સોળ વર્ષનો પુત્ર અશેષ અને સસરા રમણીકભાઇનો સમાવેશ થતો હતો. રમણીકભાઇના પત્ની રમાબહેનનું અવસાન અને શરદભાઇની સુરત બદલી, તેમના અહીં સુરત આવીને વસવાના બે મુખ્ય કારણો હતાં.

શરૂશરૂમાં તો વિભાબહેનને આ જગ્યા ખૂબ દૂર સૂમસામ એમ ભેંકાર જેવી લાગતી હતી. પણ ધીમે ધીમે બધું ગોઠતું ગયું. પણ સુરતનો આ ફલેટ ગમી જવાનું મુખ્ય કારણ હતું, વિભાબહેનનો કોલેજના છેલ્લા વર્ષમાં શરૂ થયેલો. સૂર્યોદય દર્શનનો શોખ વિભાબહેને ગુજરાતી વિષયમાં બી.એ.કર્યું હતું. પરિક્ષાના દિવસોમાં જયારે તે વહેલા વાંચવા ઊઠતાં, ત્યારે પથારીમાં બેઠાં બેઠાં ગેલરી બહાર થતો સૂર્યોદય જોવાની તેમને કયારે આદત પડી ગઇ એ તેમને ખબર નહોતી પડી. કોલેજ કાળના એ દિવસોમાં સૂર્યોદય જોતાં એ એવી કલ્પના કરતા કે જાણે ઊગતા સૂર્યના કિરણો, કયાંક પ્રકૃતિના ચિત્રમાં રંગો પૂરવા આવ્યાં છે અથવા પ્રકૃતિની કવિતામાં પ્રભાવશાળી શબ્દો મૂકવા આવ્યાં છે. સૂર્યોદયમાં ન્હાતી પૃથ્વી, તેમને રામના સ્પર્શથી સજીવન થતી, અહલ્યા જેવી લાગતી.

પક્ષીઓના ધીમા ગણગણાટને કલરવ સુધી સૂર્યોદયના તે સાક્ષી હતાં અને જીવસૃષ્ટિને ચેતના બક્ષનારો એ સૂર્યોદય તેમના રોમેરોમમાં અનોખો ઊર્જાસંચાર કરી જતો. પરણીને સાસરે ગયા ત્યાં સુધી તેમનો આ સૂર્યોદય દર્શનનો ક્રમ અકબંધ રહ્યો હતો. સાસરામાં સૂર્યદર્શનનો શોખ લગભગ ભુલાઇ ગયો, એનું કારણ હતું, વિરુધ્ધ દિશાનાં તેમના સાસરાનાં ઘરમાંથી સૂર્ય ઉગતો જોઇ શકાય તેમ ન્હોતું. વિભાબહેનને તેમના સાસુ એ જ પુત્ર શરદ માટે પસંદ કર્યાં હતાં. સુંદર, નમણાં અને સૌમ્ય વિભાબહેન તેમના સાસુને એકીનજરે ગમી ગયાં હતાં. લગ્નના એક-બે વર્ષમાં તો વિભાબહેનના સરળ, સાલસ, નિખાલસ, સ્વભાવ હંમેશા મોંઢા પર જળવાઇ રહેતું સ્મિત અને દરેકે દરેક કામને નિષ્ઠાપૂર્વક કરવાની આદત આ સૌએ શરદભાઇથી માંડીને ઘરના દરેક સભ્યોને એવી શાતા અર્પી હતી કે કુંટુંબની એકલયતાંનો મુખ્ય સૂર વિભાબહેન જ હતાં. ટૂંકી માંદગી બાદ રમાબહેને છેલ્લો શ્વાસ અકાળે પરંતુ સંતોષ સાથે વિભાબહેનના હાથમાં જ લીધો હતો. પુત્ર અશેષનો ઉછેર, કુંટુંબમાં નાની મોટી માંદગીઓ સામાજિક પ્રસંગો અને ઘરકામમાં વિલિન થયેલ. તેમનો સૂર્યોદય દર્શનનો શોખ સુરતના આ ફલેટમાં ફરી સજીવન થયો. નિત્ય સૂર્યોદય દર્શન તેમને રોજેરોજ ટુકડે ટુકડે વિશ્વ દર્શન કરાવતું હોય, એવી અનુભૂતિ અને આનંદ આપતું. અહીં તેની છટા જ કંઇ ઓર હતી. કારણ કે “બિલ્વમ” નો આ ફલેટ શહેરથી દૂર હતો અને તેમના બેડરૂમની બારીમાંથી જયાં નજર પહોંચે ત્યાં લીલાછમ ખેતરો જ પથરાયાં હતાં. સૂર્યોદય સમયનું છ્લોછલ પ્રકૃતિદર્શન તેમને દિવસે દિવસે સ્વસ્થ-સભર બનાવતું જતું હતું. “બિલ્વમ” ના કોઇપણ ફલેટમાં કોઇ માંદગી હોય, કોઇને ત્યાં સીઝનના અથાણાં-પાપડ કરવાના હોય, અનાજ-મરી મસાલા ભરવાના હોય કે તહેવારમાં કોઇ સામૂહિક પ્રોગ્રામ રાખ્યો હોય વિભાબહેન જરાય કંટાળ્યા વિના મુખ્ય યોગદાન આપતાં. કદાચ આટલી બધી ઉર્જા તેમને પેલાં સૂર્યકિરણો જ આપતાં હતાં.

હદયરોગનાં હુમલામાં રમણિકભાઇના અવસાન બાદ વિભાબહેનના કુંટુંબમાં લગભગ ત્રણ વર્ષ બાદ એક નવા સભ્યનો ઉમેરો એટલે કે સીએ થયેલાં પુત્ર અશેષની પત્ની વિધિનો ગૃહપ્રવેશ થયો. વિધિને અશેષે પસંદ કરી હતી અને શરદભાઇ અને વિભાબહેને એકમતે મંજૂરીથી મહોર લગાવી હતી. કારણ કે વિધિ હતી જ એવી મોકડી. પ્રેમાળ સાસુ-સસરાંની માર્ગદર્શનથી વિધિએ કુંટુંબની એક જૂથતાં અને એકલયતાના પાઠ, કોઇપણ પૂર્વધારણા વિના જીવસોંસરવા ઉર્તાયા હતા. શરદભાઇ અને વિભાબહેનને આવી સુંદર અને ગુણિયલ વહુ મેળવ્યાનો સંતોષ જ નહીં, ખૂબ હરખ હતો, વિશેષ કરીને શરદભાઇને “પપ્પા-પપ્પા” કરતી વિધિને શરદભાઇ જે નાના મોટા લાડ લડાવતાં હતાં તે જોઇ વિભાબહેનને ઊંડે ઊંડે સંતોષ થતો કે શરદભાઇની પુત્રી પ્રેમ પામવાની ઝંખના મોડે મોડે પૂરી થઇ ખરી!

પણ, કદાચ શરદભાઇના નસીબમાં પુત્રી પ્રેમનું સુખ અલ્પ જ લખાયું હતું. એક દિવસ જયોર વિભાબહેન નીચેવાળાં આરતીબહેનને ત્યાં મગજ શેકવા ગયાં હતાં ત્યારે સસરા અને વહુ ડાઇનિંગટેબલ પર ચા પીતાં-પીતાં કોઇક ............. પર ખુલ્લા દિલે મોટેમોટેથી હસતાં હતાં અને અચાનક શરદભાઇ ઢળી પડ્યાં. વિધિની લગભગ ચીસ સમાન બૂમ સાંભળી વિભાબહેન દોડતાં આવ્યાં, અશેષ આવ્યો. એમ્બ્યુલન્સ પણ આવી પણ ડોકટરોએ તેમને સારવાર શરૂ કર્યાના પાંચ-છ મિનિટ બાદ જ હદયરોગના હુમલાથી અવસાન થયું છે, એમ જણાવ્યું. કદાચ, “અતિ સર્વત્ર વજેયત” માં હરખનો પણ સમાવેશ થતો હશે!

શરદભાઇના મૃત્યુ બાદ એકાએક વિભાબહેન પૌઢ બની ગયા. ગમગીની ચૂપકીદીથી તેમના ઘરમાં પ્રવેશી અને ખૂણેખૂણે ફેલાઇ ગઇ અને ફરી એકવાર વિભાબહેનના અસ્તિત્વ સાથે વણાયેલ તેમનો સૂર્યદર્શનનો નિત્યક્રમ તૂટી ગયો. વિભાબહેન ભાગ્યે જ હસતાં હસતાં દેખાતાં, ખૂબ જ ઓછું બોલતાં અને આખો દિવસ કામમાં રહેતા અથવા તો ગીતા વાંચતા પણ કંઇ ફિલસૂઝીથી જીવન કાઢવું એ તેમને સમજાતું ન્હોતું. વિધિ અને અશેષ તેમને ખુશ રાખવાની પૂરી કોશિશ કરતાં. તેમને અકારણ વાત કરાવતાં, તેમનાં મનપસંદ જૂના ગીતો વગાડતાં, ગઝલ સંભળાવતાં બહાર લઇ જતાં પણ શરદભાઇ વિના વિભાબહેન વિભાબહેન ન્હોતા રહ્યાં. જે કામ કોઇ નથી કરી શક્તું તે સમય કરી આપે છે. એક દિવસે વિધિએ સૂર્યોદય સમયે વિભાબહેનને ચાના કપ સાથે સૂર્યોદય નિહાળતા જોયાં, ત્યારે તેને શાતાવળી કે સંજોગો સાથે સમાધાનનો અભિગમ અપનાવવાની શરૂઆત કદાચ થઇ હશે! ધીમે ધીમે શરદભાઇની ગેરહાજરી રોજીંદા જીવનક્રમાંથી વરતાતી ઓછી થવા લાગી.

પરંતુ પૂર્વવત ઉત્સાહ અને ઉમંગના વાતાવરણે ટુકડે ટુકડે ફરી પગપેસારો કર્યો, તેમના નવા પાડોશી રાજીવરાયના આગમન પછી વિભાબહેનને બરાબર યાદ હતા એ દિવસ કારણ કે એ દિવસે વસંતપંચમી હતી. આગલાં દિવસે જ શરદભાઇના જૂના મિત્ર કિશોરભાઇના પત્ની ચેતનાબહેનનો અમદાવાદથી ફોન આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે “તમારી બાજુમાં ૨૦૨ નંબરના ફલેટમાં અમારા એક સંબંધી રાજીવરાય રહેવા આવનાર છે. તેઓ રિટાયર્ડ પ્રોફેસર છે. વિધૂર છે. તેમના પત્ની ચાર વર્ષ પહેલાં જ ડેગ્યુમાં મૃત્યુ પામ્યા છે અને એકની એક દીકરીને અમેરિકા પરણાવી છે. સુરતમાં રહેતા રાજીવરાયના સંબંધીઓ અને પુત્રીનો આગ્રહથી તેઓ સુરત રહેવા આવનાર છે. તો જરા જોજો અને મદદ કરજો.” દસ-પંદર દિવસ પહેલાં જ ત્રણ-ચાર જણ આવીને બાજુના ફલેટની સફાઇ કરી ગયા હતાં. વિભાબહેન એ અનુમાન કર્યું હતું કે, “ કદાચ કોઇ એકાકી વૃદ્વ હશે. ચાલો બંધ બારણું જોયા કરવા કરતાં બાજુમાં થોડી વસ્તી થશે!”

વસંતપંચમીના દિવસે સવારે અગિયાર બાર વાગ્યાથી જ સામાન આવવાનો શરૂ થઇ ગયો હતો. સામાનમાં ખૂબ બધા છોડનાં કૂંડા જોઇ વિભાબહેનને ખૂબ સારું લાગ્યું હતું અને એવામાં જ એક લગભગ ૬ ફૂટ હાઇટ, સશક્ત શરીર, ગૌર મુખ, સ્વસ્થ સભર મુખાકૃતિ, ચશ્મા પાછળથી ડોકાંતી નિર્દોષ આંખો, અણિયાળું નાક અને ડાય કર્યા વિનાના લગભગ ધોળા પણ સરસ રીતે ઓળાયેલા વાળ અને ભરાવદાર મૂછોવાળા પ્રૌઢ પરંતુ યુવાન લાગતાં પુરૂષે સ્વપરિચય આપતાં પૂછ્યું હતું કે, “તેમ? વિભાબહેન? હું રાજીવ ચેતનાબહેને કદાચ ફોન કર્યો હશે.” પછી તો વિધિ અને વિભાબહેને મળીને સ્વભાવગત અતિથિનો બધી સગવડો સાચવી અને આગામી બે-ત્રણ દિવસ આખું કુંટુંબ તેમનું ઘર ચાલુ કરી આપવાની મદદમાં ગૂંથાયું. તેમની ઉષ્મા અને આવકારની મદદથી સરળ હદયી રાજીવરાય ખૂબ ટૂંકા સમયમાં જ નવા ઘરમાં સેટ થઇ ગયા.

રાજીવરાય રિટાયર્ડ પ્રોફેસર અને એકાંકી જીવન ધરાવતાં હોઇ તેમનો નિત્યક્રમ એક સરખો રહેતો. વહેલી સવારે ઊઠવું, યોગ-પ્રાણાયામ કરવા. ચા-પાણી પરવારી, કુંડાઓના છોડની માવજત કરવી. થોડાં પૂજા-પાઠ કરો રસોઇ જાતે જ બનાવી જમી લેતાં. બપોરે થોડો આરામ કરતાં, છાપાં કે સામાયિકો વાંચતાં સાંજે ચા પીને ચાલવાં જતાં. સમવયસ્કો સાથે વાતચીત કરતા કે પુસ્તકાલયમાં જતાં અને ૭-૮ વાગ્યાની આસપાસ સુપ-સેન્ડવીચ કે ખીચડી કે લાપસીનું થુલું કે કયારેક એકલાં ફળ ખાઇ નિરાંતે ટી.વી. પર ન્યુઝ, જૂની ફિલ્મો, કયારેક જૂના ફિલ્મી ગીતો કે કયારેક ગઝલો જોતાં આમ, તેમની હાજરી અન્યો માટે સાવ નિરુપટુવી રહેતી. આવતાં જતાં ડ્રોઇંગરૂમમાં કોઇપણ દેખાય તો, કેમ છો કરતાં અને ધીરે-ધીરે એ, “કેમ છો?” પછી નાની મોટી જરૂરિયાતો કે એક કપ ચા થી માંડીને ભાવતી વાનગીઓની આપ-લે થી નાના-નાના વિષયોની ચર્ચા પર થઇને વિસ્તરી અને પાંચ-છ મહિનામાં એક અજીબ ઋણાનબંધમાં પરિઠામ્યો હતો.

રાજીવરાય વિધિમાં પોતાની પુત્રીને જોતાં તેના હાથની ચા તેમને ખૂબ ભાવતી. વિધિ પણ શરૂ-શરૂમાં તેમને ચા-પીવા બોલાવતી, પણ પછી તો સાંઠની ચા વિભાબહેનના ઘરે જ રોજ રહેતી. તે સમયે વિભાબહેન અને રાજીવરાય જાતજાતની અને ભાતભાતની વાતો કરતાં બંને મોકળાશથી એકબીજા સામે ખુલતાં. અનેક પ્રસંગોએ રાજીવરાય પોતાની પત્નીનો ઉલ્લેખ કરતાં, ત્યારે તેમના મુખ પરની પ્રશંસા અને આંખની ભીનાશના સાક્ષી બનતા વિભાબહેન તો વળી, અનેક વાતોમાં વિભાબહેનને કોરી ખાતો શરદભાઇનો વિરહ રાજીવરાયથી છૂપો ન રહેતો. તેમના વાતના વિષયોની સૂચી ખૂબ લાંબી હતી. કયારેક રાજીવબાઇ તેમના મનપસંદ બાગકામ વિશે વિસ્તૃત વાતો કરતાં, તો કયારેક વિભાબહેન પન્નાલાલ પટેલ કે કનૈયાલાલ મુનશીની રચનાઓ વિશે જણાવતાં. કયારેક તેઓ જગજીતસોંગની ગઝેલાની રસપૂર્વક ચર્ચા કરતાં તો વળી, કોઇ વાર વિભાબહેન બારી બહાર દેખાતાં ખેતરોમાં વર્ષ દરમ્યાન શરૂઆતથી થતાં પોંક, તુવેર, દુધી-તુરિયા વિગેરેની માહિતી ઉત્સાહભેર આપતાં. કયારેક તેમની ચર્ચા જીવનદર્શન તાત્વિક વિષયો, ધ્યાન શબ્દાતીત અનુભવો પર પણ થતી. વિભાબહેને સૂર્યોદય દર્શનના તેમના શોખ વિશે તેમણે જણાવ્યું. ત્યારે રાજીવરાયે તેને ધ્યાનની અનુભૂતિ સાથે તેની સરખામણી કરી હતી. તેઓ વાતે વળગતા ત્યારે ઘણીવાર કેટલો સમય નીકળી ગયો, તેની ખબર જ ન પડતી અને રાત્રે વિધિના આગ્રહથી રાજીવરાય તેમના ઘરે જ જમી લેતાં. વિધિ અને અશેષને પણ રાજીવરાયનો સહવાસ ગમતો. તે એક પુરૂષ વડીલની ગરજ સારતા. અશેષનો પગ મોચવાયો ત્યારે એ જ કાર ડ્રાઇવ કરી ડોકટરને ત્યાં લઇ ગયાં હતા. વિધિને કોઇ વસ્ત બજારમાંથી છેલ્લે ટાણે જોઇતી હોય, તો એ નિ:સંકોચ રાજીવરાયને કહી દેતી. તેમના ઝભ્ભાના બટન હોય કે નાનુ મોટું સાંધકામ ઘરના સભ્યની જેમ વિભાબહેન જ કરી આપતાં. અજીબ નાતો થઇ ગયો હતો, આ ચાર વચ્ચે છેલ્લાં પાંચ-છ રવિવારથી તો વિભાબહેન અને રાજીવરાય એકસામટું આખા અઠવાડિયાનું શાક લઇ આવવા વહેલી સવારે સાથે જ સરદાર માર્કેટ જઇ આવતાં તો વળી કયારેક કોઇ ખૂબ સારું પીકચર આવ્યું હોય તો, ચારેજણ સાથે જતાં. સુરતમાં થયેલ લીટરેચર ફેસ્ટીવલમાં પણ વિભાબહેન તેમની સાથે ગયા હતાં અને તેમની સ્વરચિત કવિતાઓ શરમાતા શરમાતા તેમણે રાજીવરાયને બતાવી હતી.

પણ એક ઘટના ફરી એવી બની કે, વિભાબહેનનો સૂર્યોદય દર્શનનો નિત્યક્રમ ત્રીજીવાર તૂટ્યો. પાંચ-છ દિવસ પહેલાં રાત્રે સોસાયટીની જનરલ મીંટીંગમાંથી પાછા ફરતાં રાજીવરાય અને અશેષ બંનેના મુખ પર વ્યગ્રતા જણાઇ. અશેષ ખૂબ ગુસ્સામાં હતો. વિભાબહેનના પૂછવાથી એટલું જ બોલ્યો કે, “વિકૃત છે સાલાઓ!” બીજે દિવસે વિધિએ વિભાબહેનના ખૂબ આગ્રહપૂર્વક પૂછયા બાદ વિધિ એટલું જ બોલી કે, “મમ્મી મીટીંગમાં તમારા અને રાજીવ અંકલ વિશે...” અને લગભગ સમજી ગયેલા વિભાબહેનને આખી વાતનો તાગ મળી ગયો. તે ખૂબ જ બેચેન બની ગયા. વ્યગ્રતા અને અજંપો કુદકો મારી તેમના જીવનમાં પ્રવેશી ગયા. રાજીવરાય પણ છેલ્લાં ચાર દિવસથી ઘેર આવતા ન્હોતા અને સહેજે અવાજ કર્યા વિના બારણું બંધ ખોલ કરી તેમના ઘરમાં આવનજાવન કરતાં હતાં. ઘણાં વખત પછી ફરી ઉદાસ્ત વિભાબહેનને ઘેરી વળી અને આંખમાં સજ્જડ બારણા બંધ કરી બેસી ગયેલાં. આંસુ ધીમાં ધીમાં ઝરપતાં રહ્યાં. જીવન ભારેખમ થઇ ગયું. રહી રહીને વિભાબહેનને એક જ વિચાર પજવતો હતો કે, અશેષ ને વિધિને કેવું લાગતું હશે? તેઓ શું વિચારતાં હશે? રાજીવરાયને કેવું લાગ્યું હશે? તેમના મનમાં શું ચાલતું હશે?” આવું બધું વિચારીને તેઓ ન કરેલા અપરાધનાં અપરાધ ભાવ હેઠળ દબાઇ જતાં.

પહેલા શરદભાઇ હતાં અને કંઇક મુંઝવણ રહેતી તો, શરદભાઇ એટલું જ બોલતાં “રાતે બેસીશું” અને મસમોટાં પ્રશ્નો થોડી જ ચર્ચામાં સરળતાથી ઉકેલાઇ જતાં. આજે ઘણે વખતે વિભાબહેનને શરદભાઇની તીવ્ર ખોટ .................. પણ અશેષ ઓફિસ જતી વખતે ફરી, એ જ શબ્દો બોલ્યો કે, “મમ્મી, રાત્રે બેસીશું!” અને આખો દિવસ વિભાબહેને બેચેની અજંપા અને અગમ્ય ભયમાં વિતાવ્યો. રાત્રે અશેષ રાજીવરાયને પણ બોલાવી લાવ્યો. તે પ્રમાણમાં સ્વસ્થ દેખાયાં. વિભાબહેનને પહેલીવાર પોતે સંતાનોને આપેલા સંસ્કાર પર શંકા થઇ કે ક્યાંક અશેષ રાજીવરાયને ન બોલવાના શબ્દો ન બોલે તો સારું!

વાત શરૂ કરતાં અશેષે કહ્યું કે, જો મમ્મી! પપ્પાની ગેરહાજરીથી આપણા ઘરના સમીકરણો બદલાઇ જતાં નથી. મારું અને વિધિ બંનેનું માનવું એમ છે કે તમે હંમેશા પોતાના આત્માથી મોટી કોઇ અદાલત સ્વીકારી નથી. અમારી નજરમાં તમારી અને રાજીવ અંકલની મૈત્રી નિર્દોષ અને પવિત્ર છે અને એમાં જો કોઇને વિકૃતિ દેખાતી હોય તો એ તેમની નજરની વિકૃતિ છે એટલું જ નહિ, અગર તેમ બંને એકબીજાને ચાહતા પણ હો તો તમારા નિર્ણયમાં અમારી મંજુરી હંમેશા રહેશે.”

“અરે બેટા! આવો વિચાર મને અને હું જાણું છું ત્યાં સુધી વિભાબહેનને પણ કયારેય આવ્યો નથી.” આટલું બોલતાં રાજીવરાયની જ નહિ. ચારેય જણની આંખો એક સાથે ભરાઇ આવી.

તે રાત્રે સૌ નિરાંતે ઊંધી ગયા અને ફરી બીજે દિવસે જયારે વિભાબહેન સૂર્યોદયના સાક્ષી થયા ત્યારે તે દિવસનો સૂર્યોદય તેમને આખા વિશ્વને નવજયોતિ બક્ષનારો ઝળહળાટ ભર્યો પ્રતીત થયો.

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.