તું ક્યાં છો,કેવી સ્થિતિમાં છો...અમે સાવ અજાણ છીએ,અંધારા ફાંફાં મારીએ છીએ.અમારા સઘળા હથિયાર હેઠા પડ્યા છે.તારી યાદ સિવાય કશું હાથમા નથી.જીવનનો લય તૂટી ગયો છે,સઘળું છિન્નભિન્નને વેરવિખેર થઇ ગયું છે,સાવ નિરાધાર હોઈએ એવું અનુભવી રહ્યા છીએ.રાત જાયતો દિવસ જતો નથી ને દિવસ જાય તો રાત લાંબી થાય છે.જીવવું દુષ્કર થઇ ગયું છે.તારો અભાવ ને મારો સ્વભાવ રુંવેરુંવે ડંખે છે આટલું કબુલ્યા પછી કહું છું કે બેટા,આમ ઘર છોડીને ચાલ્યા જવું તે પ્રશ્નનું નિરાકરણ કે સમસ્યાનું સમાધાન નથી. ઘર છોડી ગયેલાં ઘણાં યુવાનોનો કોઈ પતો નથી. મા-બાપ રડતાંને ટળવળતા રહી ગયાં છે. મેં કહ્યું કે, કમા વાની ત્રેવડ નથી ને,પ્રેમ કરી પરણવાની વાત કરે છે? છેલ્લે મેં આટલું કહ્યું ને તને ભારોભાર લાગી આવ્યું. તે ઘર છોડી દીધું. હા, દરરોજ ટક ટક કરવી, કટુતાથી કહેવું તને સહન ન થતું એટલે મારાથી દૂર રહેવાનો પ્રયત્ન કરતો,મોં સંઘરતો.પછી તું નહિતો તારા મમ્મી પર સઘળો બળાપો કે કઢાપો કાઢતો.ખરેખરતો હું ખુદ એક સમસ્યા બની ગયો છું.પણ એટલું સમજવાની કોશિશ કરજે કે,હું એક બાપ છું,સાપ નથી.બાપ હોવાના લીધે આ મહાભારત સર્જાતું રહ્યું છે.તેમાં તારા મમ્મી મૂક સાક્ષી બની રહી.તે કહે તો કોને કહે ? બાપ-દીકરો, આપણી જગ્યાએ સાચા હતા.પતિને સાચું કહી શકતી નથીને પૂત્ર તરીકે તને સારું કહ્યા વગર રહી શકતી નથી. પતિના પડખે રહેવું તેની ફરજ હોય ને પૂત્ર પડખે રહેવું તેની મમત્વ મઢી ગરજ હોય છે. ગરજ ને ફરજ વચ્ચે હિજરાતી રહે છે. મા દીકરા પ્રત્યે કઠોરતા દાખવી ન શકે એમ બાપ દીકરી પ્રત્યે કટુતા ન દાખવી શકે. માતા હોવું તે હકીકત છે ને બાપ હોવું તે ધારણા છે. અત્યારે તારાં મમ્મી પાસે આંસુ સિવાય કશું જ નથી.લાચાર વદને, નીતરતી આંખે મૌન થઇ સઘળું જોયા ને રોયા કરે છે. તેનાં આંસુને જોઈ કે રોકી શકતો નથી.

સંતાન મા-બાપ થકી આ જગતમાં પગરણ કરે છે પણ મા-બાપ માટે જ છે એમ માનવું ભૂલ ભરેલું છે. હું તને સમજી ન શક્યો,કબુલ.પણ બાપને સમજવામાં યુવાસંતાન થાપ ખાય ત્યારે પથ્થર જેવાં મજબૂત ને પાણી જેવાં પાતળા સંબંધમાં વાંધો ને સાંધો ઊભો થાય છે.મા મમતાનું મંદિર છેતો બાપ બાવનગજની ધજા છે.મા લાગણી છલકતું સરોવર છેતો બાપ ઘૂઘવતો દરિયો છે.મા ધરતી છે તો બાપ આકાશ છે.મા ગંગા છેતો બાપ ગંગાનો ઘાટ છે.મા ત્રોફાનું પાણી છે તો બાપ પાકેલું નાળીયેર છે. બહારથી બરછટ હોય પણ અંદર તો મીઠું પાણી ને એથી મીઠું ટોપરું હોય છે ! કોઈનું મૂલ્ય ઓછું નથી.તું આવું સમજે એવી મારી અપેક્ષા કદાચ વધારે પડતી હોય એવું લાગે પણ તારી સમજદારીને સહેજ પણ ઓછી આંકતો નથી.હું બાપ એટલે બોલ બોલ કરતોને તું પાલ્ય,પૂત્ર હોવાથી ચૂપચાપ સાંભળીને સહન કરી લેતો.મેં મારી જાતને તારામાં,તારી ઉંમરમા મૂકી પલટાતા પ્રવાહને,બદલાતા સમયને જાગતા જગતને નવી નજરે જોવાનો પ્રયાસ કર્યો હોતતો કદાચ આપણા વચ્ચે તિરાડ પડવાના બદલે સ્નેહનો સેતુ રચાત.જગત એટલી ઝડપે પરિવર્તન પામી રહ્યું છે,તેટલી જ ઝડપે સ્વજનોના સંબંધોમા ઓટ,ચોટ ને ખોટ આવી રહી છે.લાગણીનું પોત ઢીલું,પાતળું ને જર્જરિત થવા લાગ્યું છે. મેં ચશ્માં બદલ્યા પણ નજર ન બદલી. ખરેખર તો નજર બદલો ને નજારો બદલાઇ જાય !

તે ઘર છોડ્યું કે અમને છોડ્યા નક્કી કરવું મુશ્કેલ છે.કદાચ જાણે-અજાણ્યે અમે જ તને,અમને છોડવાના સંજોગો ઊભા કર્યાને તારે ના છુટકે ઘર છોડવું પડ્યું એવું ચિઠ્ઠી પરથી સ્પષ્ટ થાય છે પણ એ સાચું નથી.

મારે ઓફિસે જવાના સમય સુધી તું પથારીમાં ઊંઘતો હો ને હું તારાં મમ્મીને તતડાવી નાખું,ન સાંભળી શકાય એવું બોલું ને માથેથી કહું:‘તે બગડ્યો છે,તારા લીધે જ આવો થયો છે.કમાતા શીખેતો પૈસાનું મૂલ્ય સમ જાય !’આવું કહેવું સાવ સામાન્ય થઇ ગયું હતું.પછી હથોડાની જેમ માથે મારવાનું,‘અમે તારી જેવડા હતા ત્યારે તો...’પછી પુરાણગાથા શરુ થતી.બાપનું માન જાળવી તું સાંભળી લેતો.મારે તારું ઘડતર કરવાનું હતું.આ દુનિ યામાં પગભરને સ્વમાનભેર જીવી શકે તેનાં પદાર્થપાઠ શીખવવાના હતાં તેનાં બદલે તને ટોકવાનું, કશુંક કરતા રોકવાનોને બિનજરૂરી બોધ આપવાનો.પરિણામે હું તારી નજરમાંથી ઉતરી ગયો,પિતાને પુત્રના સંબંધમાં ઊભી-આડી તિરાડ પડી.મારે કહેવું જોઈએ કે,તારા વોટ્સઅપમા ફોટાને મેસેજ જોયા ખરેખર હબકી ગયો હતો. તારી નાદાનીયત પર હસવું કે અમારાં ઉછેર,બેકાળજી પર રડવું.તને સારા-નરસાનું અમે ભાનન કરાવી શક્યા.

યુવાપૂત્ર મિત્ર સમાન સમજવો આવું જાણતો હતો છતાંય અમલ કરી શક્યો નહી.શારીરિક રીતે પિતા બની શકાય પરંતુ ખરાં અર્થમાં પિતા થવું અઘરું છે.યુવાપૂત્ર ભૂલ ન કરેતો જ નવાઇ !જેણે જીવનમાં ભૂલ નથી કરી તેણે કશું જ કર્યું નથી.પણ એક જ ભૂલ ફરીવાર થાયતો મુશ્કેલી સર્જાય.ભૂલ થાય ત્યાં તને ખભે હાથ મૂકી શાંતિથી સમજાવવાનો હતો.દરરોજ સાથે બેસી જમવાનું,દિનચર્યાની ચર્ચા કરવા સાથે થોડી મજાક-મસ્તી કરી લેવાની, કડવાશથી નહી હળવાશથી પૂછી લેવાનું-કોઈ લફરુંતો ચાલતું નથી ને ! આવો મૂક્ત ને સ્નેહાળ સંવાદ થાય ત્યાં વિવાદ ઊભો થતો નથી.પણ હું મારામાંથી નવરો પડુંતો આમ કરું ને ! જે પિતા પાસે સંતાન માટે સમય નથી તે સંતાન પાસે ભવિષ્યમાં સમય ન હોય અને ઘરડાંઘરમાં મુકવા જાય એવું બને.

તારા મમ્મીના મોબાઈલમાં મેસેજ મુક્યા કે,તમને ભૂલી શકું તો યાદનો પ્રશ્ન જાગે ને ! મારા માથે શું વીતશે,કેવા સંજોગો પેદા થશે,સમય સાથ આપશે કે કેમ ?અનેક પ્રશ્નોની વચ્ચે ઘર છોડ્યું છે,પણ કોઈ એવું કામ કરવા પૂર્વે મમ્મી તારું સ્મરણ કરીશ.પછી મારા દિલ સાથે સંવાદ કરીશ કે,હું જે કંઈ કરી રહ્યો છું તે મારાં મમ્મીને ગમશે !કોઈ ખોટા કે ખરાબ કામ કરતા પૂર્વે તારી યાદ મને ટોકશે ને રોકશે.મમ્મી આનાથી મોટું તારું બીજું કયું ઋણ હોઇ શકે ! પપ્પા મને ડગલેનેપગલે યાદ આવશે.મારી ભૂલો હતી પણ પપ્પા ભૂલોને સાફ ને મને માફ કેમ ન કરી શક્યા?આવા ઘણાં સવાલો મને મૂંઝવે છે.અકળાઉં છું,ગુસ્સો આવે છેને ગુસ્સા પરિણામ ઘર છોડવું તે છે.હા,પગલું ભરી જ લીધું છે પરિણામ શું આવશે તે સમય કહેશે પણ પપ્પાને એટલું જરૂરથી કહેજે, જેવા છો તેવા મારા પપ્પા છો,કદાચ પપ્પાનો વિકલ્પ મળશે પણ તેમની હૂંફ મને કયાંય નહી મળે.

બેટા ! તારામાં રહેલી આવી સમજદારીને ટાળી શકાય એમ નથી પણ વાળી શકાય એમ છે.મા-બાપ તરીકે અમારું કામ તમારામાં રહેલી શક્યતાઓ,સમજદારીને,અમારાં અનુભવનો અર્ક પાઇ યોગ્ય દિશા આપ વાનું છે.પણ સાવ સાચું કહું તો,મારી અધૂરી અપેક્ષાઓ તારામાં શોધતો ને માથે ઠોકતો રહ્યો.

તું ભટકી,આથડીને કયાંક ઠેકાણે પડીશ ને અમે ઝૂરી ઝૂરીને આયખું ઓછું કરીશું.પણ જીવનનો આ અર્થ નથી.જીવનની બાજીમાં હાર-જીત આપણા હાથમાં ન હોય પણ બાજી તો હાથમાં છે ને ? ચાલ સાથે બેસી રમી લઈએ ! હા, તું જે છોકરીના પ્રેમમાં છો તેનાં સંપર્કમાં હોઈશ.પ્રેમનો તંતુ એમ સરળતાથી તૂટતો કે છૂટતો નથી.આ મેસેજ તેનાં દ્વારા જ તને મળશે !-તું આવ,જ્યાં હો ત્યાંથી પાછો આવ. અમારાં હ્રદયના દ્વાર ખૂલ્લા છે. હા,આનો અર્થ એ નથી કે તારી જીદ સામે ઝુકી ગયાં છીએ.પણ સમજપૂર્વક સાથે રહીએ,સાથે જીવીએ,સાથે બેસી કરીએ સારા કામ ! સારા કામમાં સૌનો સાથ મળે અને તને સાથ ઉપરાંત મનગમતાનો હાથ મળે !

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.