ફલાવરવેલી

ફરી એક વાર લોકો જોવા આવવાનાં હતાં. ફરી એક વાર સારાં કપડાં પહેરી, પ્રસાધનો વડે બને તેટલાં સુંદર દેખાવાની કોશિશ કરી, લજ્જા ને વિનયશીલતાનું મહોરું પહેરી બધાંની સામે બેસવાનું હતું. પરીક્ષા થવાની હતી. પ્રશ્નો પુછાવાના હતા. તેને ભયંકર ગુસ્સો આવતો હતો. પણ માબાપની સ્થિતિ જોઈને તે ગુસ્સો ગળી ગઈ. અરીસા સામે તૈયાર થતાં તે વિચારી રહી : આ વખતે બધું પાર ઊતરશે ? કેટલામી વાર તે આ રીતે તૈયાર થતી હતી ! મનમાં જરા પણ સારું નહોતું લાગતું. ઠીક, પોતાની આંખો સુંદર હતી, તો રંગ જરા શ્યામ હતો, નાક જરા બેઠેલું હતું, પણ તેથી શું મનુષ્ય તરીકેની પોતાની કિંમત ઓછી થઈ જતી હતી ? આટલા બધા છોકરાઓ જોવા આવ્યા ને ના પાડીને ગયા; એ બધાને માત્ર ચહેરાની જ જરૂર હતી ? લોહી, માંસ, હાડથી ભરેલી એક જીવંત, ધબકતી, જીવનમાં કંઈ કંઈ કરવાની મહેચ્છા ધરાવતી વ્યક્તિની જરૂર નહોતી ? વાળના સ્થાને વિગ પહેરી શકાય એમ એકાદ સુંદર ચહેરાનું આવરણ જો પહેરી શકાતું હોત તો શું બધાનું જીવન ન્યાલ થઈ જાત ?

‘લેખા, તૈયાર થઈ ગઈ ?’ મા એ રૂમમાં આવતાં પૂછ્યું. ‘અને જો, પેલી પીળી સાડી પહેરતી નહિ, એમાં તારો શ્યામ રંગ વધારે શ્યામ લાગે છે, બીજી પહેરજે.’

લેખાનો દાંતિયો હાથમાં ને હાથમાં રહી ગયો. જે છોકરો જોવા આવવાનો હતો, એને એનાં માબાપે, ભાઈઓએ શું પહેરવું ને શું નહિ એની સૂચનાઓ આપી હશે ? પસંદગી માત્ર છોકરાઓએ જ કરવાની હતી ? ના, એમ તો નહિ. પણ હંમેશાં છોકરાઓ જ કેમ છોકરીઓને જોવા આવતા હતા ? છોકરીઓ કેમ જોવા નહોતી જતી ? તે કેમ પ્રશ્નો નહોતી પૂછતી ? તે કેમ શરતો નહોતી મૂકતી ?

‘વાતચીત થાય ને પ્રશ્નો પૂછે ત્યારે તારી આઝાદ રીતે ગમે તેમ બોલી નાખતી નહિ, સમજી ?’ મોટા ભાઈને આવીને કહ્યું.

લેખાએ જવાબ આપ્યો નહિ. પિતાને કૅન્સર હતું. ઘરની ઘણી સંપત્તિ ઘસાઈ ગઈ હતી. મોટાભાઈને મામૂલી નોકરી હતી. એક ભાઈ ને ત્રણ બહેનો. ત્રણેને હજુ પરણાવવાની હતી. બધાંનાં મન પર બોજો હતો. તેના સ્વતંત્ર વિચારોની બધાંને બીક લાગતી હતી. બી.એ. ગયા વર્ષે પૂરું કર્યું હતું પણ નોકરી મળતી નહોતી. નહિ તો ઘરનાં લોકોનો સામનો કરી શકત. એક સાધારણ નોકરી મેળવવાયે કેટલાં ફાંફા માર્યાં હતાં ! ‘સાસરે જઈને નોકરી કરજે,’ મા ધૂંધવાઈને કહેતી. ‘કરવા દેશે તો ને !’ ભાભી કટાક્ષ કરતી. એકવાર ઉગ્રતાથી લેખા બોલી પડી હતી : ‘એ લોકો રજા આપે તો જ હું આ કે તે કરી શકું, એમ ? મારી ઈચ્છાથી હું નોકરી કરી જ ન શકું ?’

મા વચ્ચે પડી હતી. ‘અરે બેટા, ભગવાનને પ્રાર્થના કરું છું કે તને પૈસાદાર સાસરી મળે. પછી નોકરી કરવી કે ન કરવી એની પંચાતમાં ઊતરવું જ ન પડે.’ લેખા ચૂપ થાય એમ નહોતી. ‘સાસરું પૈસાદાર હોય તોયે, મારા આનંદ ખાતર, મારી આર્થિક સ્વતંત્રતા ખાતર, મારી આવડતને પ્રગટ કરવા ખાતર હું નોકરી કરું પણ ખરી !’

‘આવા વિચારો રાખશો તો તમે સાસરે ટકી રહ્યાં, બહેન બા ! બીજે દિવસે એ લોકો તમને ઘેર મોકલી દેશે.’

‘ક્યા ઘેર ? પતિનું ઘર એ મારું ઘર નહિ ? કાયદાથી મારો એના પર હક થાય.’

ભાભી કટાક્ષપૂર્વક હસીને ચાલી ગઈ. ‘વખત આવ્યે ખબર પડશે. લગ્ન કાંઈ ફૂલોની પથારી નથી.’ લેખા સમસમી રહી.

‘પેલાં લોકો આવ્યાં…..’ નાની બહેને શ્વાસભેર આવીને કહ્યું.

‘આવી ગયાં ?’ માં હાંફળીફાંફળી થતી ઝટપટ આગલા રૂમ ભણી ચાલી. લેખાનું હૃદય ઘવાયું. સારું થયું, બહુ લોકો નહોતાં આવ્યાં. માત્ર છોકરો ને એનો એક મિત્ર, બે જ જણ હતા. ભાઈ બહાર જતાં જતાં વળી લેખા પાસે આવ્યો.

‘લેખા પ્લીઝ, સરખી રીતે જવાબ આપજે, આડુંતેડું કંઈ બોલતી નહિ,’ તેના અવાજમાં સાચે જ વિનંતી હતી. લેખા ભાઈનો ચહેરો જોઈ રહી. કેટલી ચિંતાઓથી ઘસાયેલો, તેજવિહીન ચહેરો હતો એ ! એને દયા આવી ગઈ. ઘરનું એકએક જણ, એને પરણાવી દેવા કેટલું ઉત્સુક હતું !

થોડી ઔપચારિક વાતો થઈ. લેખાએ ત્યાં સુધી અંદર રહેવાનું હતું. પછી ચા અને નાસ્તો લઈને બહાર જવાનું હતું. બહેને આવીને છેડો જરા સરખો કર્યો. ભાભીએ ‘બેસ્ટ લક’ કહ્યું.

બહાર આવીને તેણે બધાંને ચા આપી અને પછી શાંતપણે બેઠી. ભાઈ સચિંત ચહેરે તેની સામે જોઈ રહ્યો હતો. છોકરો તો સારો લાગે છે, પણ લેખા જરા વિનયપૂર્વક વાત કરે તો સારું. એના સ્વતંત્ર વિચારોનું હમણાં પ્રદર્શન ન કરે તો સારું. હે ભગવાન, હજી બીજી બે બહેનોનાં લગ્ન કરવાનાં છે અને ઘરમાં કાંઈ જ સગવડ નથી……

લેખાએ નજર ઊંચકીને છોકરાના મોં પર ઠેરવી. ચહેરા પરથી સજ્જન લાગ્યો. વિચારશીલ પણ. આ પહેલાં આવેલા છોકરાઓથી જુદો લાગ્યો. પણ શી ખબર, ચહેરા તો બધાં મહોરાં. અંદરથી કેવો હશે, કેવો નહિ, કોને ખબર !

છોકરો કાંઈ બોલ્યો નહિ, ઉત્સુકતાથી લેખા તરફ જોઈ રહ્યો માત્ર. એના મિત્રે વાત શરૂ કરી. શું અભ્યાસ કર્યો છે, કયા વિષયો ગમે, બહાર ક્યાંય ફર્યા છો – વગેરે. ફરવાની વાત નીકળતાં લેખા ઉત્સાહિત થઈ ગઈ. તેને ફરવાનો ખૂબ શોખ હતો, પણ બહુ તક મળી નહોતી. છોકરાએ પોતે કાશ્મીર ગયો હતો તેની વાતો કરી.

‘પણ મને મનાલી વધારે ગમ્યું. મનાલીથી આગળ રોહતાંગ પાસે છે, ત્યાં અમે ચાલતા ગયેલા,’ તે જરા અટક્યો. લેખાને સીધું પૂછ્યું :

‘તમે લાંબે સુધી ચાલી શકો ?’

‘ખૂબ’, લેખા ઉત્સાહથી બોલી. આજ સુધી બધાએ રસોઈ કે સંગીત કે ચિત્રકામની જ વાતો કરી હતી. આ છોકરો જુદી ભાતનો હતો. તેના હ્રદયમાં આનંદ પથરાવવા લાગ્યો.

‘ચાલવું, દૂર સુધી ચાલવું તો મને બહુ ગમે.’

‘બીજું શું ગમે ?’ છોકરાએ સહજભાવે પૂછ્યું.

‘વાંચવું ગમે, ઘણાંબધાં પુસ્તકો મારી આસપાસ પડ્યાં હોય એવું મને અતિશય ગમે.’ લેખાની સભાનતા ઓછી થઈ ગઈ.

‘અને શું ન ગમે ?’ છોકરાના પ્રશનમાં હવે હાસ્યની છાંટ હતી. લેખા પણ હસી. ‘સાવ સાચું કહું ?’

મા સ્વસ્થ થઈ. ભાઈએ રૂમાલ કાઢી કપાળ પર ફેરવ્યો.

‘ખોટું બોલી શકો છો ?’ લેખા ખુલ્લા હૃદયથી હસી.

‘ના, પણ આવા મેળાપમાં બધા લોકો બહુ ઠાવકી વાતો કરવાની અપેક્ષા રાખતા હોય છે. હું સાચું, કહું તે કદાચ તમને ન ગમે…’

ભાઈ હતાશ થઈ ગયો. આટલું બધું કહ્યું હતું, છતાંય ? તે છોકરાના મુખભાવ ભણી તાકી રહ્યો, પણ છોકરો આનંદમાં હતો. ‘મને તો લોકો સાચું બોલે તે જ ગમે.’ લેખા ઘડીક એને જોઈ રહી.

‘તો હું તમને એક પ્રશ્ન પૂછું ?’

‘હા, પૂછો ને !’

‘તમને સ્ત્રી સ્વતંત્ર વિચાર હોય તે ગમે કે તે એકદમ આજ્ઞાંકિત થઈને રહે તે ગમે ?’

સત્યનાશ ! આટલો સારો છોકરો હાથમાંથી જશે. ઓ ભગવાન, આ છોકરીને ક્યારે સદબુદ્ધિ આવશે ?’

છોકરો દાંત દેખાય તેટલું મોકળું હસ્યો. એના દાંત ચોખ્ખા, ડાઘ વગરના, એકસરખા હતા. ‘તો હું પણ તમને સાચી વાત કહું. આજ સુધી જે છોકરીઓ જોઈ એ બધી મને એવી સાવ અસ્મિતા વગરની લાગી હતી ! પહેલીવાર હું એક છોકરીમાં તેજ જોઉં છું. મને શું ગમે છે ? એમ તમે પૂછો તો હું કહું કે મને સામા પ્રશ્નો પૂછે એવી, પડકાર ફેંકે એવી છોકરી ગમે.’ લેખાના મોં પર લોહી ધસી આવ્યું. માનો ચહેરો હળવો થયો. ભાઈએ એક ઊંડો શ્વાસ લીધો.

‘અને બીજી એક સાચી વાત કહું ?’ ભાઈ ચમક્યો. હજી શું કહેવાનું છે ?

‘શું ?’

‘મને તમે ગમ્યાં છો. તમને હું પસંદ પડ્યો કે નહિ ખબર નથી, પણ તમારી હા હશે તો હું ખરેખર રાજી થઈશ.’ છોકરાના અવાજમાં નિખાલસતા હતી.

‘પણ મારી એક શરત છે.’ લેખાએ કહ્યું. વળી એક તંગ ક્ષણ, આશંકા અને ભય.

‘શી શરત છે ?’

‘મેં મનમાં વિચારેલું..’ લેખા સહેજ અચકાઈ.

‘કહો ને, શું વિચારેલું ?’

‘કે લગ્ન કરીને જે હનીમૂન માટે ફ્લાવરવેલી જવાનું વિચારી શકે તે માણસ સાથે મારો મેળ મળશે.’

‘ખરેખર !’ છોકરો ઊભો થઈને લેખા પાસે ધસી આવ્યો, ‘ખરેખર, તમે એમ વિચારેલું શું ? મેં પણ એમ વિચારેલું કે લગ્ન કરીને હિમાલયમાં હાઈકિંગ માટે જવું….’

લેખાનો ચહેરો પ્રસન્નતામાં નહાઈ રહ્યો. ખંડમાં એક ઉલ્લાસ ઢોળાઈ રહ્યો. અંદર ઊભા રહીને વાતો સાંભળતી ભાભી બહાર આવીને છોકરાને ઉદ્દેશી ટહુકતા સ્વરે બોલી : ‘કૉન્ગ્રેચ્યુલેશન્સ.’

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.