મનનો પત્ર

તને શું લખું? કેટલા દિવસથી આપણે મળ્યા નથી. છેલ્લે મળ્યા ત્યારે તું બહુ રડતી હતી. માંડ તને શાંત કરી. એ પછી તું કૉન્ટૅક્ટમાં જ નથી. શું થયું છે? નારાજ છે.? બહુ સંભળાવ્યું હતું ને તને તે દિવસે? એનું જ ખોટું લાગ્યું લાગે છે. નારાજ રહેવાના ઘણા બહાના મળી જાય.

હોપ હવે બધુ બરાબર હશે. હું ફક્ત અંદાજ લગાવી શકું છુ. સાચું શું છે એ તો તુજ કહી શકે. ના કહેવું હોય તોય તારી મરજી. પણ આમ નાની નાની વાતે હિમ્મત ના હારી જવાય. તું તો બહુ સ્ટ્રોંગ છોકરી છે. ક્યારેક કેવી ડાહી ડાહી વાતો કરે છે. બીજાને હિમ્મત આપે છે અને આમ પોતે જ હિમ્મત હારી જાય છે?

તે એક દિવસ કહ્યું હતું લાઇફ છે ચાલ્યા કરે. અને જીવનમાં બધાને બધું ના જ મળે. આ તારા જ શબ્દો હતા. આ જ શબ્દો તને ફરી યાદ કરવું છું. મોબાઈલમાં ગીતો સાંભળતા સાંભળતા તારી રેકર્ડેડ કવિતાય સાંભળી. અને તારી યાદ આવી ગઈ. મારો અવાજ સાંભળવો તને ગમશે નહીં એટલે પત્ર લખવા બેઠી. એમ નહીં વિચારતી પાછી કે સલાહ-સૂચનની સાથે સાથે હવે હું પત્રોય મોકલવા માંડી તને. જેમ તને વાંચવી ગમે એમ ક્યારેક તું મને વાંચે એવી અપેક્ષા થાય ખરી.

તને ખબર છે જ્યારે હું તને વાંચું છું ત્યારે મને હમ્મેશા આશાવાદી અને હિંમતવાળી છોકરી નજરે ચઢે છે. જેમજેમ તારા વિષે વિચારું તેમ તેમ થાય કે તું તો મારા કરતાં પણ વધારે બહાદુર છે. અરિસામાં જઈ જરા નિરખજે પોતાની જાતને. હું ઇચ્છું છું કે તું તને ફરી જડી જાય તો સારું.

બાળપણમાં થપ્પો રમતા રમતા તું કેવી છુપાઈ જતી એવી રીતે આજે છુપાઈ ગઈ છે. ફરક એટલો છે કે ત્યારે જડી જતી. આજે બૂમ પાડું છું તોય જડતી નથી. જિંદગી હમ્મેશા સંતરાની ખાટી મીઠી પીપર જેવી જ હોય. દરેક વખતે તું મીઠી પીપરની જીદ કરે તે ખોટું છે.

તું આમ ધીર-ગંભીર મોઢું લઈ ફરે છે એ મને જરાય ગમતું નથી. તારો પ્રોબ્લેમ છે કે તું સપનું તો જુવે છેઃ પછી એને ઢીલ નથી આપતી. નાનપણમાં કોઈ તારાથી કિટ્ટા કરે તો તું કેવા ગલગલિયા કરી એને માનવી લેતી. આજે જાતને એવા જ ગલગલિયા કરી તો જો. જ્યારથી તને આંખે ચશ્માં આવ્યા છે ત્યારથી જાણે ભવિષ્યમાં જોઈ શકતી હોય એ રીતે ચિંતા કર્યા કરે છે. તારા ચશ્માં અક્ષર ઉકેલી શકે... તારું ભવિષ્ય નહીં. એટલે ચિંતાના ચશ્માં ઉતારી નાખ.

જીવ ને થોડી ધરપત રાખ. એકતા કપૂરની સિરિયલ નો ડાઈલોગ કહું તો સબ ઠીક હો જાયેગા. આ શબ્દો બહુ ચવાઈ ગયેલા છે જાણું છું. પણ નવી લાઇફમાં પ્રવેશ કરવા માટે આ જૂના શબ્દો બહુ કામ આવશે. ધીરજ અને શાંતિ રાખવા તને બધા વારંવાર ટકોર કર્યા કરે છે ખબર છે મને. ત્યારે તારું મોઢું ચઢી જાય છે. એ લોકો ખોટા નથી. કોઈ તને મઠારે તો ખોટું ના લગાડવાનું હોય. સુધરવાના પ્રયાસ કરવાના હોય. થોડા દિવસ તું ડાહી ડાહી થઈ જાય ફરી એનું એજ. તને અવ્યવસ્થિત લોકો અને અવ્યવસ્થિત જિંદગીની ચીડ છે જાણું છું. તું લોકો ને નહીં સુધારી શકે. હા તારી અવ્યવસ્થિત જિંદગી ને સુધારી શકશે. તારી એનરજી તારી પાછળ વાપરે તો સારું.

આમ વાતે વાતે તને ઇરિટેશન થાય તો એ પરિસ્થિતી કે લોકોનો નહીં તારો પ્રોબ્લેમ છે. જીવનમાં આવેલી તકલીફોને તારા સ્વભાવની ખારાશ કેમ બનાવે છે?

ધાર્યું ના થાય એટલે દુનિયા ખરાબ એ તારી રીત ખોટી છે. રીત ખોટી એટલે દાખલો ખોટો જ પડે ને. બધું સમજે છે બસ અનુકરણ નથી કરતી. નાની નાની વાતે ખુશ રહેતી તું હવે નાની નાની વાતે દુખી થઈ જાય છે.

હું જે કહું છું એને સલાહ સૂચન તરીકે ના જોતી. મારી ફીલિંગ તરીકે જોજે. નજર બદલો નજરિયા બદલા જાયેગા મેરી જાન. તારા ઘરની સામેના ઝાડ પર આવતા પંખીને જોઈ કેવી મલકાઈ જાય છે. તે જ કહ્યું તું ઝાડ પર જુદા જુદા પંખી આવે છે. જુદા જુદા મધુર ટહુકા કરે છે. પણ કાગડા પંખીને ઝાડ પર બેસવા નથી દેતા. ઉડાડી મૂકે છે. પણ પંખીઓની આવનજાવન ચાલુ જ રહે છે. કાગડાથી પંખી ડરતા નથી. ફળ ખાઈ ઊડી જાય છે.

તનેય વ્યવહારિક જિંદગીમાં ઘણા કાગડા નડે છે જાણું છું. પણ એને કારણે સાવ તારા સપનાથી દૂર થઈ જવાય એ તો મૂર્ખાઈ છે. આપણે આપણું કામ કરતા રહેવાનું. મહેનત ક્યારેય એળે નથી જતી. અને જેટલું બધાને માફ કરતી જઈશ. લાઇફ સરળ બનતી જશે.

તને સ્ટ્રેસ ફીલ થાય ત્યારે તું તારી જાતે જ એમાથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. સારી વાત છે. પણ ક્યારેક શૅર કરી લેવાથી સોલ્યુસન મળી જાય. અંદરને અંદર ગૂંચવાયા કરીશ તો અટકી જઈશ. કોઇની આદત પડે એ તને મંજૂર નથી સારી રીતે સમજુ છું, પણ બહુ સ્વકેંદ્રી બનવું સારું નહીં. બીજા કોઈ સાથે નહીં .. તો એટલિસ્ટ મારી સાથે તો શૅર કરી જ શકે છે. તે જ એક શેર લખ્યો હતો : ભરપૂર જીવવાની એક મજા હોય છે... વેદનાઓ આપોઆપ ઓગળતી જાય છે.

બસ એટલું જ કહીશ કે ભરપૂર જીવ. હું તારી સાથે જ છું. અને ઈશ્વર તો છે જ. થોડીક ચિંતા એનેય કરવા દે. તારું જ હાઇકુ તને અર્પણ કરું છું ...

ઈશ્વર લખે

ડાયરી રોજે રોજ

પછી શી ચિંતા? –

બહુ બોલાઈ ગયું મારાથી. સાચું કહું? ...તું ચૂપ હોય ત્યારે મને શબ્દો ફૂંટે છે. ચોક્કસ મળજે મને.

લિખિતંગ તારું મન.

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.