કોબ્રા

અચાનક લાઇટ ગઇ .ખખડાટ કરતો પંખો ધીમે ધીમે શાંત થઇ ગયો .નાઇટલેમ્પના ગોળાનો ભદ્દિમ પીળો પ્રકાશ વેરાઇ ગયો –કણકણ અને રજરજ થઇને ..! તેણે –એટલેકે સ્વયમે પહેલાં આંખોના ડોળા પહોળા કર્યા અને પછી ઝીણા કર્યા ,અંધારાની વેરાયેલી રજકણો ભેગી કરી તેજલની જગ્યા ઉપર જાણે કે માઇક્રોસ્કોપ ગોઠવી દીધું હોય તે રીતે જોવાનો પ્રયત્ન કર્યો ...પણ ના... તેજલ ઉંઘતી હોય તેમ તેને લાગ્યું , લાઇટ ગઇ અને પંખો બંધ થયો તેના કારણે તેની ઉંઘમાં કોઇ ખલેલ પડી નહોતી .સ્વયમે ખુલ્લી બારીમાંથી દૂર દૂર સુધી જોવાનો પ્રયત્ન કર્યો , પણ ચોમેર અંધારૂં ,અંધારાની ચાદર ઓઢીને આખુંયે શહેર જાણેકે કોમામાં સરી પડ્યું હતું ,લાઇટ જવાના કારણે આજુબાજુના ઘરોમાં કેટલાક ઓળા અંધારાની ચાદરમાં બાકોરાં પાડીને ડોકિયાં કરતા હતા . તેણે ફરીથી પલંગની બીજી બાજુ ઉપર ઝીણી દષ્ટિ નાખી , ના...ના.... તેજલ ઉંઘતી જ હતી . ઉંઘે જ ને બિચારી –રાતે મોડા સુધી જાગતી તેણે જાતે જોઇ હતીને ?! હા.... પણ એ બિચારી કરે તો પણ શું કરે ? છેલ્લા બે મહિનાથી તેની આ હાલત હતી ..! રાતે મોડા સુધી જાગ્યા કરવું, વહેલાં ઉંઘ આવી ગઇ હોય તો અડધી રાતે પથારીમાં બેઠા થઇ જવું , અને જો સ્વયમ જાગી જાય અને કાંઇ પૂછે તો તરત જ પલંગમાં આડા પડી જવું , અને ઘસઘસાટ ઉંઘતી હોય તેવો ડોળ કરવો ...! શું તકલીફ હતી તેને ? હા... ગઇકાલે જ સ્વયમને ખબર પડી કે કોબ્રા તેની ઓફિસમાં બોસ બનીને આવ્યો હતો – છેલ્લા બે મહિનાથી ...! અને કદાચ તેજલને એ વાતનું જ ટેન્શન હશે ,કોઇને કાંઇ કહેતી નથી ,તે પૂછે તો પણ જાણે કે કાંઇ સાંભળ્યું જ ના હોય તેમ તેના તરફ તાકી રહે છે ... ગુમસુમ બનીને બેસી રહે છે ,પોતાની રોજિદી ક્રિયાઓ તો નિયમિત કરે છે . ખવાતું નથી એમ પણ નથી , રેગ્યુલર ઓફિસે જવા પણ નીકળે છે ,ટાઇમ ટુ ટાઇમ ઓફિસે પણ પહોંચી જાય છે અને સ્વયમનો મિત્ર રોમેશ કહેતો હતો તે પ્રમાણે ઓફિસનું કામ પણ વ્યવસ્થિત રીતે જ કરે છે .ક્યારેય કોઇ ભૂલ થતી નથી તેનાથી . કોબ્રા તેની ભૂલો શોધી તેને ખખડાવવા ઘણાં ફાંફા મારે છે , પણ તેજલ પોતાના કામમાં હોંશિયાર અને નિષ્ણાત છે , તે બોસ કોબ્રાને કોઇ તક આપવા માગતી નથી .તેનો કોઇ ફોલ્ટ કે ભૂલ થવા દેતી નથી , જેથી કોબ્રા તેને કાંઇ કહી શકે ,ખખડાવી શકે કે મેમો આપી શકે ... તો પણ સાલું જીવવાનું તો ટેન્શનમાં જ ને ...! કદાચ એટલે જ તે ગુમસુમ થઇ જતી હશે ... માથા ઉપર લટકતી તલવાર જેવું જ ને ?! એકે એક પગલાં સાચવી સાચવીને ભરવાનાં... અને તે પણ કેવા માણસથી ..?! જેનો ક્યારેય કોઇપણ પ્રકારે વિશ્ર્વાસ ના કરી શકાય તેવા માણસથી ડરી ડરીને ક્યાં સુધી જીવી શકાય ? ક્યાંસુધી નોકરી કરી શકાય ? અને પાછી સ્વયમને તો કશું જાણવા દેવા માગતી નથી ... રખેને સ્વયમ ટેન્શનમાં આવી જાય ...! પણ તેને ખબર નથી કે સ્વયમથી

આ બાબત છૂપાવવાથી ઉલ્ટાનો સ્વયમ તેની ચિંતામાં ને ચિંતામાં અડધો થઇ જશે ...! હા.... જ્યારથી તેણે જાણ્યું કે સ્વયમ તેજલનો બોસ બનીને , મેનેજીંગ ડીરેક્ટર બનીને તેની ઓફિસમાં આવ્યો ત્યારથી તેની તેજલ માટે ચિંતા વધી ગઇ છે ..! આખરે તે કોબ્રાને સારી રીતે ઓળખે છે , તેને એ પણ ખબર છે કે કોબ્રા તેજલ સાથે જ કોલેજમાં ભણતો હતો , તેજલથી એક વરસ આગળ હતો ... પણ કોલેજ દરમ્યાન જ તેણે તેજલને ફસાવવાની પૂરેપૂરી કોશિશ કરી હતી , તે એટલું પણ જાણતો હતો કે તેજલે તે વખતે તેને દાદ આપી નહોતી , તેના પ્રયત્નમાં સફળ થવા દીધો નહોતો પણ .....! અને એટલે જ સ્વયમને તેજલની ચિંતા વધારે થતી હતી , ક્યાંક કોલેજમાં તેજલને ફસાવવામાં મળેલી નિષ્ફળતાના કારણે જ તે વધારે આક્રમક બનીને તેજલ ઉપર તરાપ મારે .... તેજલને ફસાવવાનો પ્રયાસ કરે તો બિચારી તેજલની શી હાલત થાય ? ત્યાં ઓફિસમાં અને તેમાંય પાછું તેની કેબિનમાં તેનું કોણ ? તેને કોબ્રાથી બચાવનાર કોણ ? અને પાછી તેજલ આ વાત તેને તો જણાવવા માગતી નથી ...! અને એટલે જ સ્વયમને તેની વધારે ચિંતા થતી હતી , આ માણસ જ એવો હતો કે ઉડતાં ચકલાં પાડે ...! તેની જાળમાં ના ફસાય તો ... તેને શામ-દામ-ભેદ બધી જ નીતિ અજમાવતાં આવડતું હતું અને એટલે જ કોલેજકાળમાં તે કોબ્રા તરીકે ઓળખાતો હતો ..તેનું સાચું નામ તો શું હતું –તે કદાચ તે પોતે પણ ભૂલી ગયો હશે ...! બાકી કોબ્રા નામ તો તેને પોતાને પણ પ્રિય હતું ... તેના ફંદામાં આવવા આનાકાની કરનાર ઓરતને જો ના ખબર હોય તો તે પોતે જણાવી દેતો કે – તને ખબર નથી કે તારો પનારો કોની સાથે પડ્યો છે?! કોબ્રા નામ છે મારૂં ... કોબ્રાનો ડંખ લાગ્યો હોય તે પાણી માગવા પણ હયાત રહે નહીં ...! અને વાત તો તેની સાચી જ હતીને?! તેની નજર જે યુવતી ઉપર પડે ,અને જો તે યુવતી તેની આંખોમાં વસી જાય ...તો ... તો બસ થઇ જ રહ્યું ,કાં તો તે યુવતીનું શિયળ સલામત ના રહે અને અથવા તે યુવતી ...! તેના પોતાની જાતને બચાવવાના એકેય ઉપાય કારગત ના નીવડે...! કોલેજ કાળ દરમ્યાન જ તેણે એક યુવતીને હોસ્ટેલમાં તેની રૂમમાં જ ફસાવી હતી અને રેપ કરવાનો પ્રયત્ન કર્યો હતો ... તે યુવતીએ બૂમાબૂમ કરી અને રેક્ટર તેમ જ બીજા બધા લોકો ભેગા થઇ ગયા એટલે તરત જ તેણે પાઘડી બદલી નાખી ... અને સામો તે યુવતી ઉપર એટ્રોસિટીનો એવો તો કેસ ઠોકી બેસાડ્યો કે તેમાંથી છૂટવા આખરે તે સ્ત્રીએ સામે ચાલીને કોબ્રા પાસે જ તેમાંથી બચવા આવવું પડ્યું ..! અને કોબ્રાને તો એ જ જોઇતું હતું ....! આવા માણસનો શો ભરોસો ? તે તેજલથી આમેય દાઝેલો હતો ... એટલે પોતાનો બદલો લેવાનો પૂરો પ્રયત્ન કરે …! તો બિચારી તેજલ તો ફસાઇ જ જાયને ?અને એટલે જ સ્વયમને તેની ચિંતા થતી હતી . તેણે જ્યારથી જાણ્યું કે કોબ્રા મેનેજીંગ ડીરેક્ટર તરીકે તેજલની ઓફિસમાં બદલાઇને આવ્યો છે , ત્યારથી જ તેની ઉંઘ હરામ થઇ ગઇ હતી , તે પળેપળ તેની તેજલનું જ અવલોકન કર્યા કરતો હતો... જાગતાં –ઉંઘતાં –ઉઠતાં-બેસતાં ..... પણ ... તેજલ તેને કશું જણાવવા માગતી નહોતી એ વાત તો તેના વર્તન ઉપરથી સ્પષ્ટ થતી હતી અને એટલે જ સ્વયમ પણ મૂંઝાતો હતો કે શું કરવું ? જો તેજલ તેની સાથે ચોખવટ કરે તો બધી વાત થઇ શકે પણ હવે કરવું શું ? તેણે મોબાઇલમાં ટોર્ચ ચાલુ કરીને તેજલના બેડ ઉપર નાખી તો આમ તો તે તેને ઉંઘવાનો ડોળ કરતી હોય એવું લાગ્યું , તેણે ધીરેથી – જો તે ઉંઘતી હોય તો તેની ઉંઘમાં ખલેલ ના પડે તે રીતે બૂમ મારી – તેજલ ...તેજુ .... પણ તેજલના ઉંઘતા બદનમાં કોઇ પણ પ્રકારનો સળવળાટ ના થયો એટલે તેણે માની લીધું કે તેજલ ઉંઘતી જ હશે ...! પણ તેથી કાંઇ તેની તેજલ બાબતની ચિંતા ઓછી થતી નહોતી ...!

તેણે આડા પડી ઉંઘવાનો પ્રયાસ કર્યો પણ ઉંઘ આવતી નહોતી ..! અને હવે આવે એવું લાગતું નહોતું..! અને ક્યાંથી આવે ? એક તરફ તેનો આત્મા, તેનું જીવન કચડાઇ રહ્યું હોય અને તે પોતે તેને બચાવવા સમર્થ હોય તો પણ બચાવી ના શકતો હોય તો તેવા સંજોગોમાં તેને અને ઉંઘને બાર જોજનોનું છેટું જ પડી જાયને ?પણ તે કરે તો ય શું કરે ? અરે ..! આજે જ તેણે કોબ્રાની વાત જાણી હતી અને જેવી તેજલ ઓફિસેથી આવી કે તરત જ બારણામાં જ ,તેની આંખમાં આંખ પરોવી અને તેની ધ્રૂજતી આંખ જોઇ જાણવાનો પ્રયાસ કર્યો’તો .... તેજલ તેના ઉપર જ વરસી પડી ,આમ શું નવાં નવાં લગન થયાં હોય તેમ મારી તરફ તાકી રહો છો ? શરમ નથી આવતી ? “ અરે !હું તો તારી આંખની ભાષા વાંચવાનો અને એ લિપિ ઉકેલવાનો પ્રયત્ન કરૂં છું ... મને તારી આંખમાં બીક અને ધ્રૂજારી દેખાય છે “ તેણે કહ્યું હતું .. તે તરત જ ખડખડાટ હસી પડી હતી ,” અરે ! હું તો ભલભલાને બીવડાવું એવી છું પછી મારી આંખમાં ધ્રૂજારી શાની ? તમને કાંઇક થઇ ગયું લાગે છે મિસ્ટરસ્વયમ ...મને બીવડાવતાં પહેલાં બીવડાવનારે સાત જનમ લેવાપડે તેની તમને ખબર નહીં હોય એટલે જ આમ બાયલાપણું દર્શાવો છો ... ભૂલી જજો કે આ તેજલ એ તેજલ નહીં પણ સૂર્યનો ધગધગતો ગોળો છે કે જે તેની સામે નજર કરનારની દ્ષ્ટિ પણ છીનવી લેવાની તાકાત ધરાવે છે ..! “ ધગધગતા લાવા જેવા શબ્દો પણ તેને દઝાડતા હતા ,આમ છતાં પણ એ શબ્દોમાં ક્યાંક તો બોદો અવાજ આવતો હતો અને એ બોદો અવાજ જ તેને તેજલ અને કોબ્રા વિશે વિચારવા મજબૂર કરતો હતો .

લાઇટ આવી ગઇ તે ફરીથી પંખાના ખખડાટ ઉપરથી સમજાઇ ગયું , તે સૂતો સૂતો જ સીલિંગ તરફ તાકી રહ્યો , સીલિંગના એકબાજુના ખૂણા ઉપર એક ગરોળી તાક માંડીને ધીરે ધીરે સરકતા જીવડા તરફ જોઇ રહી હતી ..! કદાચ તેજલ તરફ તાકી રહેલો કોબ્રા ... ગરોળીની લપલપાતી જીભ ... તેને વિચારવા મજબૂર કરતી હતી . તેણે ઉંઘતી તેજલના મોંઢા તરફ જોયું , એક વાળની લટ આવીને તેની આંખ ઉપર .. તેણે હળવા હાથે એ લટ ખસેડી , તે તેના ચહેરા તરફ તાકી રહ્યો અને તેમાં ડર કે બીક્ની કોઇક રેખા દેખાય છે કે કેમ તે સમસ્યાઉકેલવાનો પ્રયત્ન કરતો જ રહ્યો . પણ અફસોસ.... તેને તેમાં સફળતા ન જ મળી . તે પલંગમાંથી બેઠો થઇ ગયો , ખુરસી ખેંચીને બેઠો , ટેબલ ઉપરથી અખબાર લઇ તેમાં ઉંઘ ના આવે ત્યાં સુધી મોં છૂપાવી સમય પસાર કરવાનો પ્રયાસ કરવા માંડ્યો . બાજુના ઘરના દિવાલ ઘડિયાળમાં જોરથી ટકોરા પડ્યા , તેને તો જાણેકે માથામાં ઘણ વાગતો હોય તેવું લાગ્યું ...! તેણે ટકોરા ગણવાનો પણ પ્રયત્ન ના કર્યો ...! અખબારનાં પાનાં પલટાવતો રહ્યો... પાનાં ફેરવતાં ફેરવતાં અચાનક જ એક સમાચાર ઉપર તેની નજર સ્થિર થઇ ગઇ – કોઇક કોલેજિયન યુવકે તેની લવર એટલે પ્રેમિકા ઉપર એસિડ નાખીને તેનો આખો ચહેરો જલાવી દીધો હતો કારણ માત્ર એટલું જ હતું કે તેની પ્રેમિકા તેના તાબે થઇ નહોતી ..! તે કાંપી ઉઠ્યો ... ક્યાંક તેની તેજલ ઉપર પણ આ કોબ્રા પણ ...!? તે ધ્રૂજી ઉઠ્યો... તેને લાગ્યું કે ક્યાંક આ શહેરમાં દવ તો નથી લાગ્યોને ?

તે પરસેવે રેબઝેબ થઇ ગયો , માથા ઉપર તેની ફૂલસ્પીડમાં પંખો ફરતો હતો પણ ... તે જેટલા જોરથી પવન ફેંકતો હતો તેના કરતાં વધારે ઝડપથી અવાજ કરતો હતો . તેણે નેપકીનથી માથા ઉપરનો પરસેવો લૂછ્યો અને ફરીથી નાઇટ્લેમ્પના ભદિમ પ્રકાશમાંતેજલનો ચહેરો જોયો ,તેને લાગ્યું કે ભલે તેજલ કશું બોલતી નથી પણ આ કોબ્રાને લઇને તે ચોક્કસ મૂંઝવણમાં છે તે નિરાંતે ઉંઘી પણ શકતી નથી અને આમતેમ પડખાં બદલતી જ રહે છે એ વાત નક્કી છે ..! શું કરવું આ કોબ્રાના બચ્ચાનું ? તેને પોતાને પણ મૂંઝવણ થતી હતી .. જાણે કે શરીરની રગોમાં દોડતું રૂધિર એકદમ સ્પીડથી દોડવા માંડયું હોય એવું તેને લાગવા માંડ્યું ...! તેજલ ફરીથી પડખું ફરી ...! તેની સાથે જ જાણે કે સ્વયમના દિલની ધડકનો વધી ગઇ ...!

“સ્વયમ” એક ચીસ જેવો અવાજ આવ્યો , કોણ બોલ્યું ? કોણે ચીસ પાડી ?ક્યાંક ઉંઘમાં ને ઉંઘમાં તેજલે તો નથી પાડીને ચીસ ? તે લગભગ દોડ્યો ... પણ તેજલનાં નસ્કોરાંમાંથી તો સ્પષ્ટ અવાજ આવતો હતો તો પછી ? સ્વયમ પોતાની જાત ઉપર કાબુ રાખી શક્યો નહીં ...! તેણે ઉંઘતી તેજલને હચમચાવી નાખી ..” શું ? શું થયું તેજલ ?” આંખો ચોળતી ચોળતી તેજલ બેઠી થઇ ગઇ ,” શું તું પણ સ્વયમ ?મારી ઉંઘ બગાડી નાખી ?! “ “ કેમ તેં ચીસ પાડીને ?”

“ મેં ચીસ પાડી ? તું ગાંડો તો નથી થઇ ગયોને ?”

“ તો પછી પેલો કોબ્રા ?” આખરે તેના મનમાં જે બીક હતી તે શબ્દો દ્વારા બહાર આવી જ ગઇ પણ તે સાથે જ તેજલ ખડખડાટ હસી પડી ,” કોબ્રા? હમ ... તે તો દાંત પાડેલો ઝેર વગરનો છે ?” સ્વયમને દુનિયા ચક્કર ચક્કર ફરતી ભાસી ..!

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.