આલિયાએ મનની મહામથામણ પછી આ નિર્ણય લીધો હતો.રક્ષાબંધનના દિવસે સંબંધની સરપ્રાઈઝ આપવી.આ સિવાય જીવનભર સંબંધને જાળવીકે સાચવી રાખવાનો બીજો કોઈ સારો ને સાચો વિકલ્પ જ નહો તો ને અથાગે જે કર્યું છે તેનો ઉપકારતો આ સ્નેહાળ સંબંધથી સરભર થઇ શકે તેમ નહોતો પણ પ્રયાસ હતો.

હોસ્પિટલમાં આવી ત્યારે આલિયાને તેનાં બદલાયેલા રુપ-રંગ જોઈ કોઈ ઓળખી કે સમજી શક્યું નહી.અથાગને રાખડી બાંધવા આવી છે કે ક્રૂર મશ્કરી કરવા !?સૌથી મોટો સવાલ નાગના જેમ ફેણ ચઢાવી ઊભો થયો હતો.આલિયા આવી આમ તેની જ નરી નવાઇ લાગી હતી.કદાચ અથાગ સાથેના સંબંધને એક ચોક્કસ નામ આપવા આવું નિમિત બનાવીને આવી હોય.જેથી બીજા કોઈ તર્ક-વિતર્ક કરવાના રહે નહી ! ભાઈ -બહેનના સંબંધની પવિત્રતા જ એટલી ઉન્નતને બહેતર છે કે,સાવ અજાણી વ્યક્તિ સાથે પણ આ સંબંધ બાંધી શકાય, તેની આપ-લે કરી શકાય.પણ આલિયાએ અહીં આવીને એક અણઉકેલ કોયડો રચી દીધો હતો.

આ અકસ્માત સર્જાયો તેની સાચી હકીકતતો માત્ર આલિયાને અથાગ જ જાણતાં હતાં.તેથી દોષા રોપણનો પ્રશ્ન પેદા થયો નહોતો. બનવાકાળે બની ગયું એમ સમજી સારવાર લેવાઇ રહી હતી પણ આલિયાના આત્માને ક્યાંય નિરાંત નહોતી.જીવનમાં ભૂલોતો થતી રહે પણ અમુક ભૂલોનો રંજ કાયમી રહી જતો હોય છે. માણસમાત્ર ભૂલને પાત્ર.પણ ફરી એવી ભૂલ ન થાય તેની કાળજી રાખનારને જીવનમાં દુઃખી થવાનું કે પસ્તા વું પડતું નથી.ભૂલનો ભારોભાર પસ્તાવો અનુભવતીતે અથાગને રાખડી બાંધવા આવી પહોંચી હતી.પ્રભુને પ્રાર્થના કરવાની છે કે,મારો વીર વહેલીતકે સાજો થાય.બહેન પાસે સૌથી મોટી મૂડી હોય તોતે વિપરીત સંજો ગોમાં પણ ભાઈનું ભલું ઇચ્છવું.આલિયાને એમ પણ છે કે,જીવનમાં જે ખોટ હતીતે ઈશ્વરે આ નિમિતે પૂરી કરાવી.ભાઈની ભેટ આપવા,ભેટો કરાવ્યો.ક્યાંક લોહી કરતાં લાગણીના સંબંધો સવાયા સાબીત થતાં હોય છે.

આલિયા પૂર્ણપોશાકમાં આવી હતી.મહેંદી મુકાવેલા હાથમાં પૂજાની છાબ હતી.માથામાં મોગરાના ફૂલ ની વેણી હતી.ગળામાં મનગમતીમાળા હતી.ને મોં પર સુંવાળા સ્મિત સાથેની સૌમ્યતા હતી.અથાગતો આંખો ફાડીને જોઈ રહ્યો હતો.ટી-શર્ટ જીન્સમાં જોઈ હતી.પણ આવા પૂર્ણ કે સંપૂર્ણ પોશાકમાં તે લાગે નહી કે આલિયા છે ! આવા વિવિધરૂપ ધરવાનું અને તેને સાર્થક કરવાનું વરદાન ઈશ્વરે સ્ત્રીને બક્ષીશમાં આપ્યું છે.

આલિયાને અથાગના મમ્મીએ એમ જ માંદલું સ્મિત આપ્યું પણ તેમાં અણગમો વ્યક્ત કર્યો કે આવકાર આપ્યો તેમાં ખુદ બેખબર રહ્યાં હતાં.આલિયાને પણ અદ્રશ્ય અણગમો આગની જેમ દઝાડી ગયો.આછો કંપ તન-મનને ધ્રુજાવી ગયો.વાત્સલ્યની ગંગાનો લય તૂટ્યો.આલિયાને થયું કે આવું શું કરવાં ? હુંતો સંબંધને એક નામ આપવા આવી છું.તેને પાછા ફરી જવાનું મન થઇ આવ્યું,પણ ફરી શકી નહી.થયું કે પહેલાં અથાગ સાથે મોબાઈલ પર વાત કરી લેવા જેવી હતી.પોતે એક–બે વાત પ્રયત્ન કર્યો હતો પણ મોબાઈલ તેનાં મમ્મી જ ઉપાડતા હતાં,અથાગ શું કરવાં નથી ઉપાડતો તે સવાલ પણ કુતરાની જેમ પુંછડી પટપટાવ્યા કરતો હતો.

‘આવ,બેટા !’અથાગના મમ્મીએ કહેવા ખાતર પણ કહ્યું ને આલિયાના વિચારનું વહેણ બદલાયું.વાસ્ત વિકતાને સ્વીકારી પોતાની લાગણી વ્યક્ત કરવાં આગળ વધી.પણ સામે અથાગ કશા જ પ્રતિભાવ વગર એમ જ સ્થિરને બધિર જ રહ્યો.તેનું આખું શરીર ચાદરથી ઢંકાયેલું હતું.માથા પર પાટો બાંધ્યો હતો આમ કહો તો માત્ર આંખો ખુલ્લીને ઉઘાડી હતી.આ ક્ષણે અથાગ અને તેનાં મમ્મીના ચહેરાનાં ભાવ અકળ હતાં.ખુદ કુદરતે કેમેરો ધર્યો હોતતો પણ સાચા ભાવને કેદ કરી શક્યા ન હોત.આલિયા થોડી આગળ વધી એટલે અથાગના મમ્મીથી સહેવાયું કે રહેવાયું નહી.તેમણે કહ્યું:‘તું શું વિચારીને આમ રાખડી બાંધવા આવી !?’આમ કહેવું સમજાયું એટલે આલિયા એકદમ સતર્ક થઇ ગઈ,તેના પગ નીચેથી જમીન સરકવા લાગી. ઊભા રહેવું ભારે થઇ પડ્યું.પણ પછી સ્વસ્થતા કેળવીને કહે:‘હું ભાઈ,સમજીને...’તે આગળ બોલી શકી નહી.મનમાં પાર વગરની હોંશ હતી.પોતે સંબંધની સરપ્રાઈઝ આપશે,તેને બહેન નથી તે રાજી રાજી થઇ જશે અને આ નિમિતે પોતે પણ ભાઈના પ્રેમને પામશે.પણ કંઈક જુદો જ ભાસ થયો.પાછા ફરવું કે આગળ વધવું અઘરું થઇ પડ્યું હતું.આમ આવવાની ભૂલ કરી હોય એવું આલિયાને થયું.સાથે એમ પણ થયું કે ત્યારે ભૂલ ન કરી હોતતો આ પ્રકરણ જ ઊભું ન થાત.વળી મનને વાર્યું.‘હું એકલી આમ ક્યાં કરું છું,ઘણી છોકરીઓ રોડ પર સાઈટને જોયાકે ગણકાર્યા વગર વાહન લઈ સડસડાટ નીકળી જાય છે !’આલિયા ત્યારે એક સ્ટાઈલ મુજબ કશું જ જોયા,ગણકાર્યા વગર સડસડાટ નીકળી હતી તેનાં અથાગ અથડાઇ ગયો હતો.પોતે ફંગોળાઇને દૂર પડી હતી પણ અથાગ ત્યાં જ રોડ પર પડી જવાથી પાછળ બીજા વાહનોનો ખડકલો થઇ ગયો હતો.અથાગને ગંભીર ઇજાઓ થઇ હતી.શું ઉતાવળ હતી ? શું કરવા ટ્રાફિકની એસીતેસી કરી આમ ઝડપથી નીકળી હતી ? પોતાને વાગ્યું હોતતો..

‘તું બેન થવા આવી છો પણ...’અથાગના મમ્મી આગળ બોલી શક્યાં નહીને ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગ્યાં. વળી આલિયા મુંઝાણી.થયું કે અકસ્માત કરતાં અહીં આમ આવ્યાંની ભૂલ ભયંકર છે.પણ હવે શું થાય !? આલિયા ઘણીવાર ખબર પૂછવા આવી હતી.પણ આજે કેમ અજુગતું લાગે છે તે તેની સમજમાં આવતું નહોતું. વળી મન પર સાંત્વનનો પાટો બાંધ્યો.પોતે અહીં અથાગ પાસે બેસતી,વાતો કરતી એટલે કશી ગેરસમજ ન થાય એટલે આમ રાખડી બાંધવા આવી છે.આલિયા ખૂબ સંવેદનશીલ છે.નહિતર આવી ઘટનાઓ ભૂલવા માટે જ ઘટતી હોય છે.ઘણાં અકસ્માતમાં તો ભાગો અને ભૂલો..આવું વલણ અખત્યાર થતું હવે જોવાં મળે.

‘જીવનસાથીની જરૂરિયાત છે !’ઘડીભરતો આલિયાને કશું સમજાયું નહી.પછી સહજતાથી કહે:‘એ પણ મળી જશે !’આલિયાનો શક સાચો પડ્યો હતો.પોતાના માટે ગેરસમજ ઉભી થઇ હતી.‘કોણ હા પાડે હવે !?’આમ કહીને અથાગ પરથી ચાદર ખેંચી.પાટામાં લપેટાયેલા હાથ જોઈ આલિયાની આંખો ચાર થઇ ગઈ.તે મૂળસોતી ઉખેડાઈ ગઈ.તેણે આમ ખૂલ્લા હાથ જોયા નહોતા તેનું રહસ્ય સમજાયું. વાહન ચલાવવાની બેદરકારી કોઈના જીવનને કેવું છિન્નભિન્ન કરી નાખે છે તેનું જીવંત ઉદાહરણ હતું.આલિયાની કાપોતો લોહી ન નીકળે તેવી સ્થિતિ થઇ.સંબંધનું સાચું તર્પણ કરવું હોયતો ભૂલ સ્વીકારી અથાગને જીવન અર્પણ દે.એકાએક આલિયાના મનમેદાન પર ભયંકર યુદ્ધ ફાટી નીકળ્યું.માત્ર રાખડીના રૂપકડા સંબંધથી અથાગનું આયખું નહી જાય.જીવનસાથી થવાના સંબંધની સરપ્રાઈઝ આપી દે...આલિયા આવેશમાં આવી ગઈ.ત્યાં કોણ જાણે કેમ અથાગના મમ્મી આડશ થઈ ને ઊભા રહી ગયાં.પછી તેમને શું સુઝ્યું તે આલિયાને ઉદ્દેશીને કહે:‘બેટા,કોઇપણ સંબંધ પર ભાઇ-બહેનના સંબંધનું થીગડું મારી શકાય પણ ભાઇ-બહેનના સંબંધ પર બીજા કોઈ સંબંધનું થીંગડું મારી ન શકાય !’ આલિ યા ફરી અવઢવમાં મુકાઈ ગઈ.ત્યાં અથાગના મમ્મી આગળ બોલ્યાં:‘બહેન થઈને આવી છો,બહેન થઈને જ રહે.’તેમનાં ગળે ડૂમો બાઝીજવાથી આગળ બોલી શક્યા નહી.અથાગના પાટાવાળા હાથ પર આલિયાએ રાખડી બાંધી ત્યારે ત્રણેયની આંખો નીતરતી હતી.પણ આંસુ સુખના હતાં કે દુઃખના તે નક્કી કરવું મુશ્કેલ હતું.

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.