દમુ

રાષ્ટ્રપતિભવનના વિશાળ પટાંગણમાં એક સફેદ એમ્બેસેડર કાર આવીને ઉભી રહે છે. ભૂરા રંગની કિનારી વાળી એકદમ સાદી સફેદ કોટન સાડીમાં સજ્જ મહિલા કોઈ નવાજ વિશ્વમાં ડગલા માંડતી હોય એમ મોઢા પર આશ્ચર્યના ભાવ સાથે ઉતરે છે. સામાન્ય કદ, ગૌર વર્ણ, કોઈજ પ્રસાધનો લગાવ્યા વગરનો તેજવંત ચહેરો, આભુષણમાં ફક્ત કાચની બંગડીઓ અને પગમાં તદ્દન સામાન્ય ચપ્પલ. એક નજર આખી ઈમારતપર કુતહુલવશ નાખે છે. આંખોમાં આશ્ચર્ય જરૂર છે પણ અહોભાવ બિલકુલ નથી. સાથે આવનાર સરકારી મદદનીશની જોડે ધીમા પણ મક્કમ ડગલે એ આગળ વધે છે. અતિભવ્ય અશોકા હોલમાં નિર્ધારિત ખુરશીપર ગોઠવાઈ જાય છે. અશોકા હોલ બધા ક્ષેત્રના ખેરખાંઓથી ભરેલો છે. મંત્રીશ્રીઓના આવ્યા પછી પ્રધાનમંત્રીશ્રીનું આગમન થાય છે અને આખરે રાષ્ટ્રપતિ મહોદય પધારે છે. એમનું અભિવાદન કર્યા પછી અવોર્ડ સેરેમની શરુ થાય છે. દરેકની વિશેષતા સાથે એક પછી એક નામ બોલતા જાય છે, પુરસ્કારો અપાતા જાય છે. મહેમાનો તાળીઓથી બધાને વધાવે છે. એક નામની જાહેરાત થાય છે ............. શ્રીમતી દમયંતી ગોપાલ પટેલ, સંચાલક 'સખી-સહેલી', પાલઘર,મુંબઈ, મહિલા સશક્તિકરણ ક્ષેત્રમાં અદ્ભુત પ્રદાન માટે પદ્મશ્રીથી નવાજવામાં આવે છે. રાષ્ટ્રપતિશ્રીના વરદ હસ્તે તાળીઓના ગડગડાટ વચ્ચે સ્ક્રોલ, શાલ અને ચંદ્રક ગ્રહણ કરે છે. અત્યાર સુધી નેપથ્યમાં કામ કરતા રહેલા દમયંતીબેન ઉર્ફે દમુબેન આજે મીડિયા અને આમ જનતાની સામે પહેલીવાર પ્રકાશમાં આવ્યા. ફંક્શન પતાવ્યા પછી દમુબેન દિલ્લી - મુંબઈની લો કોસ્ટ ફ્લાઈટમાં બેઠા અને જાણે ઘણા વર્ષોનો થાક ઉતારતા હોય એમ એક ઊંડો શ્વાસ લઈને આંખો બંધ કરી. જોત જોતામાં એમના માનસપટલ પર વીતી ગયેલી જિંદગીનું ચલચિત્ર દોડતું થયું ........

બારેજડી પાસે ગેરતપુર ગામમાં અત્યંત ગરીબ પરિવારમાં જન્મ. બાપ અમરત અને મા ભૂરી - એક-બે વીઘા જમીનમા તનતોડ મહેનત કરી માંડ માંડ બે ટંકનું ખાવાનું મળે એટલું રળતા. પહેલા ખોળેજ દીકરીનો જન્મ. નામ દમયંતી પણ લોકો દમુ બોલાવતા. પછી તો સમયાંતરે બીજા ત્રણ સંતાન પણ થયા. દમુ ભણવામાં ખુબ હોશિયાર પણ દેવાના વધતા ડુંગર નીચે અમરો અને ભૂરી દબતા જ ગયા. દીકરીતો દિવસે ના વધે એટલી રાત્રે વધતીતી અને રાત્રે ના વધે એટલી દિવસે વધતીતી પણ દેવું પણ એજ રીતે વધી રહ્યું હતું. ગામના શાહુકાર કાનાજી પાસેથી વ્યાજે લીધેલ રૂપિયા કેમેય કરી ચુકવાતા નહોતા. મુદ્દલ પેટે જમીન હડપ કર્યા પછી પણ કાનાજીના લોભને થોભ નહોતો અને વ્યાજ વસુલ કરવા એના બખાળા રોજ રોજ ચાલતા. ચાર ચોપડી માંડ ભણી ત્યાં દમુને સ્કૂલમાંથી ઉઠાવી લીધી.

કાનાજીના વંઠેલ દીકરા ગોપાલની બદ-નજર ગભરુ દમુ પર જ હતી. અમરા અને ભૂરી માટે એની ચુંગાલમાંથી છટકવું મુસ્કેલ હતું. ક્યાંતો આખું કુટુંબ ગામ નો કુવો પૂરે અથવા તો ગામમાંથી ઉચાળા ભરે એ બે વિકલ્પ જ રહ્યા હતા. એટલામાં એક સાંજે ગોપાલ અમરા પાસે આવ્યો. પોતાને બોલીવુડનો અદાકાર માનતો ગોપાલ હાથમાં ચાંદીનું જાડુ કડુ, પ્લાસ્ટિકના ગોગલ્સ, ચુસ્ત જીન્સ અને T શર્ટમાં મવાલીઓનો સરદાર લાગતો હતો. મોઢામાં પાનનો ડૂચો એની બદ્સુરતીમાં વધારો કરતો હતો.

"અમરા, બોલ તને એક ઉપાય બતાવું? તું કાયમ માટે આ દેવામાંથી બહાર નીકળી જઈશ અને તને તારી જમીન પણ પછી મળશે" ગોપાલ બોલ્યો. અમરો બિચારો શું બોલે? અસમંજસના ભાવ સાથે એ ગોપાલ સામે તાકી રહ્યો. ગોપાલ આગળ ચલાવ્યું. "જો અમરા, દમુને મારી હારે વાળ તો મારો બાપ તારું દેવું માફ પણ કરશે અને જમીન પણ પછી આપી દેશે. જલ્દી વિચાર અને મને જવાબ આપ. હું કાલે પાછો આવીશ." આમ કહી ગોપાલ એની મસ્તીમાં બાઈકની ઘરઘરાટી બોલાવતો ઉડી ગયો. પાછળ પેટ્રોલના ધુમાડા અને અમરાના મગજમાં ધુમ્મસ મુકતો ગયો.

ઘણી કશ્મકશ પછી અમરા અને ભૂરી એ વિચાર્યું કે દમુ વ્હાલી નહોતી એવું નહોતું પણ બીજા પાંચ જીવોને બચાવવા માટે દમુનું બલિદાન આપેજ છૂટકો. આ સમાજની કડવી વાસ્તવિકતા એ છે કે દીકરીને પોતાની પસંદ-નાપસંદ જેવું પૂછવામાં નથી આવતું અને ખાસ કરીને ગરીબ પરિવારમાં તો નહિજ. દમુ કઈ નાસમજ નહોતી. ૧૫-૧૬ વર્ષની કુવારી કન્યા, ભલે અમીર હોય કે ગરીબ, ઉચ્ચ વર્ણની હોય કે કચડાયેલા વર્ગની, ભણેલી હોય કે અભણ, પણ કોડ ભરેલી હોય છે. એની આંખોમાં સપનાનો સાગર હુલાળા મારતો હોય છે. પરંતુ કુમળી વયે પણ પોતાના ભાઈ-ભાંડું-માં-બાપના કલ્યાણ માટેજ જીવન હોય છે એવી સમજ કોણ જાણે ક્યાંથી આવી જતી હોય છે. નસીબ આગળ લાચાર દમુએ કોઈ આનાકાની કર્યા વગર ગોપાલ સાથે પ્રભુતાના પગલા માંડ્યા. એક ઉઘડતી કળી ચગદાઈ જવા માટે સામેથી તૈયાર થઇ ગઈ.

ગામમાં પાંચમાં ગણના થાય એવા સમૃદ્ધ કુટુંબમાં પરણીને આવી તો ખરી પણ એનું સ્થાન કામવાળીથી વિશેષ નહોતું. સવારથી રાત સુધી આખા ઘરનો ઢસરડો કરતા રહેવો અને રાત્રે હવસ પૂરું કરવાનું એક સાધન બની જવાનું. દારૂ પીને છાકટો બનીને આવતા ગોપાલનો જુલમ સહેવાનો. ભગવાન નારીને ખબર નહિ કઈ જડી-બુટ્ટી પીવડાવીને જન્મ આપે છે કે એની સહનશક્તિની પણ કોઈ મર્યાદા નથી હોતી. આમજ સમય વીતતો ચાલ્યો. દમુ મનોમન વિચારતી કે આજે નહિ ને આવતી કાલે પારણું બંધાશે અને ગોપાલ પર સંતાનની જવાબદારી આવવાથી એ સુધરશે, પોતાને જીવવા માટે કોઈ કારણ મળશે. આમતો લગ્ન થયા ના એક વર્ષમાંજ એની સાસુનો ગણગણાટ ચાલુ થઇ ગયો હતો અને જેમ જેમ દિવસો જતા ગયા એમ એમ 'વાંઝણી', 'કાળમુખી' જેવા ઉપનામો મળતા રહ્યા.

એક રાત્રે ગોપાલને થોડો ખુશ જોઈ દમુએ કહ્યું "આપણે ડોક્ટરને બતાવીએ તો કેવું? ખબર તો પડે કે આપણી શેર માટીની ખોટ કેમ પુરાતી નથી." પોતાના પુરુષાતન ઉપર મુસ્તાક એવા ગોપાલે હા પડી. બધા પરીક્ષણોનું તારણ એ આવ્યું કે દમુ મા બની શકે એમ નથી અને બસ એ પળથી દમુની જિંદગી દોજખ બની ગઈ. નાની નાની વાતો પર ઢોર માર પડતો રહ્યો. દમુ ચુપચાપ બધું સહન કરતી રહી. જાય તો ક્યાં જાય? પણ એક દિવસ એની સહનશક્તિની બધી સીમાઓ પાર થઇ ગઈ જયારે ગોપાલ એનાથી અડધી ઉંમરની જ્યોતિને પરણી લાવ્યો.

બીજા દિવસે કોઈને કહ્યા વગર દમુ ચાલી નીકળી. ક્યાં જવું છે? શું કરવું છે? કંઇજ ખબર નહોતી. બસ એક વાત નક્કી હતી કે હવે એ ઘર તરફ વળીને જોવું નથી. ગેરતપુરથી મુંબઈની ટ્રેઈનમા વિના ટીકીટ ચઢી અને એક ખૂણામાં ક્ષુબ્ધ થઈને બેઠી. ટીકીટ ચેકર આવ્યો અને ટીકીટ નથી એવું જાણતા આજુ બાજુના બે-ચાર પ્રવાસીઓ ભેગા થઇ ગયા. એમાં એક સજ્જન ધનિક દેખાતા ભાઈએ આગળ આવી દમુનો દંડ ભરી દીધો અને પછી બાકીની સફરમાં દમુની આપવીતી સાંભળી. મુંબઈના ગુજરાતી સમાજના અગ્રણી એવા એ હરિભાઈ શેઠ, આગ્રહ કરીને દમુને એમની સાથે ઘરે લઇ ગયા. એમના પત્ની હર્ષાબેન પણ એટલાજ લાગણીશીલ, પ્રેમાળ, સાક્ષાત વાત્સલ્ય મૂર્તિ.

આખી વાત જાણી એમણે પણ દમુને હૈયાધારણ આપ્યું. "બેટા, ભગવાનની મરજી હશે તો બધું બરાબર થઇ જશે. તું બિલકુલ હિંમત ના હારતી. અમે તારી સાથેજ છીયે. તું હમણાં ફ્રેશ થઇ જા, જમી લે અને આરામ કર. પછી આપણે શાંતિથી વાત કરીશું" દમુના માનવામાં નહોતું આવતું કે જે દુનિયામાં એના સાસરીયા જેવા લોકો છે એજ દુનિયામાં હરિભાઈ અને હર્ષાબેન જેવા ફરિસ્તા પણ છે. એજ રાત્રે હરિભાઈ અને હર્શાબેને હવે શું કરવું એ નક્કી કરી નાખ્યું.

બીજે દિવસે દમુ નાહી-ધોઈને બહાર આવી. હર્ષાબેને આપેલા થોડા સાડલા માંથી એક સાદો સાડલો પહેર્યો હતો. બંને વડીલોને ડાઈનીંગ ટેબલ પર બેઠેલા જોયા. એમને પગે લાગી "જય શ્રી કૃષ્ણ" કહ્યું. નાસ્તો પૂરો થયો અને દમુની એક નવી સફર શરુ થઇ.

પાલઘરમાં હરિભાઈનું એક જુનું મકાન હતું એ સાફસુફ કરાવીને એક ઓફીસમા તબદીલ કર્યું. બિનસરકારી સેવાભાવી સંસ્થા'સખી-સહેલી' ની રચના થઇ. શરૂઆતની નાણાકીય સહાય શેઠે પોતે કરી. એમના ૧૦ લાખ રૂપિયાથી એ યજ્ઞ શરુ થયો. થોડા સીવવાના સંચા, કોમ્પુટર, માટીકામ, ભારત-ગુંથણ વિગેરેના સાધનો વસાવ્યા અને પછી તો પાછું વળીને જોવું નથી પડ્યું. દમુની કાર્યશૈલી, પ્રમાણિકતા, ગંભીરતા, સકારાત્મક અભિગમ અને લગન ઉડીને આંખે વળગતા. દમુએ દિવસ રાત જોયા વગર બસ એક જ લક્ષ્ય રાખ્યું કે જે મારી સાથે થયું છે એવું બીજી કોઈ બેન સાથે ના થાય. બધાના નસીબમાં હરિભાઈ-હર્ષાબેન ક્યાં હોય છે? જ્ઞાતિ-જાત-પાત ના ભેદ-ભાવ વગર બધીજ બેનોને એક સરખું ધ્યાન અપાતું અને પગભર કરવામાં આવતી, એમને જીંદગી જીવવા માટે છે એ અહેસાસ કરાવાતો.

પહેલા આસપાસના લોકોમાં ખબર પડી અને નિરાધાર બેનો જોડવા લાગી. મુંબઈમાં ગુજરાતી ધનપતિઓની ખોટ નથી. ઉત્તમ કામ થતું જોઈ સહાયનો પ્રવાહ પણ અવિરત ચાલુ રહ્યો. જયારે આશય પવિત્ર હોય છે ત્યારે આખી સૃષ્ટી એ કામ પૂરું થાય એ માટે કામે લાગી જતી હોય છે. ધીમે ધીમે દેશભર માંથી બેનો જોડતી થઈ. એક નાનો અંકુર ક્યારે મોટું વટવૃક્ષ બની ગયો એ પણ ખબર ના પડી, દમુ માંથી ક્યારે દમુબેન બની ગયા એ પણ ખબર ના પડી. દમુબેનની કાબેલિયત અને કોઠાસૂઝ ને કારણે આજે 'સખી-સહેલી'ના કેન્દ્ર આખા દેશમાં ઠેર ઠેર છે. હજારો નિ:સહાય મહિલાઓને તુટતા બચાવી છે,સંભાળી છે. એટલુજ નહિ એક લીગલ શેલ પણ ઉભો કર્યો છે જેમા નામાંકિત વકીલો વિનામૂલ્ય સેવા આપે છે અને કેટલાય ભાંગવાના આરે આવી ગયેલા લગ્ન જીવન બચાવ્યા છે. જ્યાં બધા પ્રયત્નો પછી પણ લગ્ન જીવન નથી જ બચી શક્યું ત્યાં જીવન-નિર્વાહ માટે માસિક ભથ્થા પણ અપાવ્યા છે. હરિભાઈ અને હર્ષાબેન પણ બધો કારોભાર પુત્રોને સોંપી હવે આજ સેવામાં પૂરો સમય આપે છે.

વિચારો ને વિચારોમાં મુંબઈ ક્યારે આવી ગયું એ પણ ખબર ના પડી. એક નાની હેન્ડ બેગ સિવાય બીજો સામાન તો કઈ હતો નહિ એટલે ફટાફટ બહાર નીકળ્યા. રાત્રીના ૧૧ વાગ્યા હતા અને આવતીકાલે 'સખી-સહેલી' એક નવાજ ક્ષેત્રમાં પગરણ માંડી રહ્યું હતું. એક મલ્ટી-નેશનલ કંપનીના સહયોગથી એની ટેકનોલોજી વાપરી પોટેટો વેફર્સ બનાવવાનું યુનિટ શરુ થવા જઈ રહ્યું હતું કે જેમાં ફક્ત 'સખી-સહેલી' ની બહેનોજ બધી જવાબદારી વહન કરવાની હતી. દમુબેનને થોડો ઉચાટ હતો કે આટલું મોટું અભિયાન સમુસુતરું પાર પડે તો સારુ. દમુબેનની વિશ્વાસુ સહાયિકા તૃપ્તિ દમુબેનને એરપોર્ટ પર લેવા આવી હતી. તૃપ્તિએ દમુબેનને ગળે ભેટીને અભિનંદન આપ્યા અને બંને કારમાં ગોઠવાયા.

કારમાં બેસતાજ દમુબેને 'સખી-સહેલી'ની આજની પ્રવૃતિનો હેવાલ લેવાનો શરુ કર્યો અને સાથે સાથે આવતીકાલના ફંક્શનની તૈયારી વિશે પણ માહિતી મેળવી. "તૃપ્તિ મને એક વાતની ચિંતા છે. ભલે પેલી કંપનીએ આપણને પૂરે પૂરો ટેકનીકલ સપોર્ટ આપવાનું કહ્યું છે પણ મને એવું લાગે છે કે આપણી પાસે અમુક બહેનો એવી પણ હોવી જોઈએ કે જે નાના મોટા ટેકનીકલ પ્રોબ્લેમ જાતે સોલ્વ કરી શકે. કોઈના ઉપર વધારે પડતા નિર્ભર રહેવું એ મને રાસ નથી આવતું." તૃપ્તિ તો જાણે દમુબેને એના મનની વાત જાણી લીધી હોય એટલી ખુશીની મારી ઉછળી અને દમુબેનનો હાથ જોરથી દબાવતા બોલી. "બેન, જુઓને ઉપરવાળો પણ આપનું કેટલું ધ્યાન રાખે છે. આજે જ એક બેન આપણી ઓફીસ પર આવી હતી. નામ પ્રજ્ઞા છે, સારા કુટુંબની ભણેલી ગણેલી લાગે છે પણ હજુ પેટ છૂટી વાત નથી કરતી. એણે એટલુ જ કહ્યું કે એણે મીકેનીકલ એન્જીનીઅરીંગ કરેલું છે અને લગ્ન પછી અણબનાવ થતા સાસરિયાએ એને કાઢી મૂકી છે. મેં એને કાલે ઉદઘાટન પહેલા ઓફીસ આવી જવા જણાવ્યું છે. તમે એને કાલે મળશો તો કદાચ ખુલ્લા મોઢે વાત કરશે. યોગ્ય લાગશે તો આપણે એનેજ ટેકનીકલ જોબની જવાબદારી આપીશું, બરાબરને?" દમુબેનને તૃપ્તિની કોઠાસૂઝ માટે માન થયું અને એક વાત્સલ્ય ભર્યું સ્મિત આપ્યું. ભાયંદરમાં એમના એક BHK ના ફ્લેટ પાસે ઉતારી તૃપ્તિ એના ઘરે જવા રવાના થઈ.

આખી રાત દમુબેન નહિ જેવુજ ઊંઘી શક્યા. સવારે ૭ વાગે તો ઘરેથી નીકળી ગયા અને રસ્તામાંથીજ તૃપ્તિને ફોન કરીને કહ્યું કે ઓફીસ પર આવી જા. એમના આશ્ચર્ય વચ્ચે તૃપ્તિએ જણાવ્યું કે એતો ઓલરેડી ઓફીસ પહોચીજ ગઈ છે અને પ્રજ્ઞા પણ આવી ગઈ છે. તૃપ્તિની સિન્સિયારીટી માટે એમને ફરીવાર ખુબ માન થયું. ઓફીસ પહોચી, નિત્યક્રમ મુજબ પહેલા ભગવાનના ફોટા આગળ દીવો - અગરબત્તી કરી, શીશ નમાવી એમની ખુરશીમાં બેઠા અને તૃપ્તિને ઇન્ટરકોમ પર પેલી બેન ને લાવવા કહ્યું.

બીજી જ મીનીટે તૃપ્તિ અને પ્રજ્ઞા એમની સામે હતા. બંનેને બેસી જવા હાથથી ઈશારો કર્યો. થોડી આડી અવળી વાત કરી જેથી આગંતુકને સેટલ થવાનો સમય મળે. એવું લાગ્યું કે હવે વાત કરવામાં વાંધો નથી પછી એમણે પેલી યુવતીને ઉદ્દેશીને કહ્યું "બેટા પ્રજ્ઞા, મને તૃપ્તિએ તારા વિષે એને જેટલી ખબર છે એટલી માહિતીતો આપી જ છે. પણ તારા માટે શું શ્રેષ્ઠ થઈ શકે એ નક્કી કરવા માટે તારે મને થોડી વિગતે વાત કરવી પડશે." આટલું બોલ્યા અને પ્રજ્ઞાની આંખના ખૂણે આવીને અટકેલું એક મોટું આંશુ એમના ધ્યાન બહાર ના જ રહ્યું. એમની પોતાની આંખોમાંથી બહાર કુદી પડવા તત્પર એવા ટીપાને બીજું કોઈ જોઈ ના જાય એટલે અમસ્તી અમસ્તી આંખો ચોળતા હોવાનો ઢોંગ કર્યો. આજે કોણ જાણે કેમ પણ પ્રજ્ઞાને જોયા પછી દમુબેનને કૈક વિશેષ વ્હાલ ઉભરાતું હોય એવું લાગ્યું.

ખુરશીમાંથી ઉભા થઈ પ્રજ્ઞાની ખુરશીના હાથા પર બેઠા. પ્રજ્ઞાને હળવું આલિંગન આપ્યું. પ્રજ્ઞાની આંખોનો બંધ તૂટી ગયો. એક ગ્લાસ પાણી પીધા પછી સ્વસ્થ થઈ પ્રજ્ઞા બોલી .......

"મારું નામ તો તમને ખબર છે જ.

પતિનું નામ પ્રેરક જયંતીલાલ પટેલ.

સાસરું અમદાવાદ.

પિયર ગેરતપુર

પિતાનું નામ ગોપાલ કાનાજી પટેલ

માતાનું નામ જ્યોતિ ........... "

અને પછી રૂમ માં એક અજબ સન્નાટો ......................................

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.