પ્રાયશ્ચિત

"તને ખબર છે, મેં કાલે જ વાંચ્યું કે એક સ્ત્રી અને પુરુષ ક્યારેય મિત્ર ન બની શકે." ધરાએ આકાશને કહ્યું.

"કેમ?" આકાશ બેધ્યાન પણે બોલ્યો.

"ખબર નહીં."

"પણ આપણે બન્ને તો છીએ."

"કદાચ આપણે બન્ને અપવાદ છીએ."

"કેટલા વર્ષ થયા હશે આપણી ફ્રેન્ડશીપને?"

"પાંચમા ધોરણથી ગણી લે ને. એટલે દશ વરસ થયા.” ધરા ગણતરી કરીને બોલી.

"ઘણા વરસ કહેવાય." આકાશ હજુ બેધ્યાન હતો.

"આટલા વર્ષોમાં આપણે કેટલા ફ્રેન્ડશીપ ડે ઉજવ્યા?" ધરાએ આકાશનું ધ્યાન ખેંચવા પુછ્યું.

"એક પણ નહી...તારે મને થેન્ક યુ કેહવું જોઈએ. મારા સીવાય તારી સાથે ફ્રેન્ડશીપ કરેત કોણ? યાદ છે તને પાંચમા ધોરણમાં બધા શું કેહતા?" આકાશ હસીને બોલ્યો.

ધરા ગુસ્સે થઇ ગયી.

"મેં તને ના પાડી છે ને તારે મને એ નામે નહીં બોલાવવાની.."

"ચિંતા ન કર હું તને ક્યારેય ચિબાવલી નહિ કહું." આકાશ હસતા હસતા બોલ્યો.

ધરાએ તેને એક જોરથી ધબ્બો માર્યો અને બોલી, " માર ખાવો છે તારે?"

"ઓકે...ઓકે...હવે મને એમ કે એવી તે કઈ ઇમરજન્સી છે કે તે મને અત્યારે અહીંયા બોલાવ્યો છે?"

ધરા અચાનક સીરીયસ થઇ ગઈ.

"તું પવનને ઓળખે છે?" ધરા થોડું ગભરાઈને બોલી.

"હાં, કેમ?" આકાશ મર્માળુ હસ્યો. તેને ખબર હતી કે વાત કઈ તરફ જઈ રહી છે.

"તું હસે છે એટલે તને ખબર તો હશે." ધરા તેની સામે જીણી નજરે જોઈને બોલી.

"કોલેજમાં બધાને ખબર છે. તે ભલે મારાથી છુપાવ્યું હોય પણ કોલેજમાં તમારી બન્ને વિશે ચાલતી વાતો મેં પણ સાંભળી છે." આકાશ ધરા સામે હસીને બોલ્યો.

"સોરી, મેં તારાથી છુપાવ્યું. તે અમારા બન્ને વિશે સાંભળ્યું એ સાચું છે. અમે બન્ને....અમે બન્ને એકબીજાને ડેટ કરી રહ્યા છીએ...ઘણા સમયથી." ધરા થોડું શરમાતા બોલી.

"તું પવનની આંખો ચેક કરાવ તેને તારા જેવા ચીબા નાકવાળી છોકરી ગમી કેવી રીતે?" આકાશ હસતા હસતા બોલ્યો.

"મસ્તી ના કર. હું કહું તે ધ્યાનથી સંભાળ અમે બન્ને પ્રેમમાં છીએ અને એકબીજા વગર નથી રહી સકતા. પવને તેના મમ્મી પપ્પાને વાત કરી છે તેઓ લગ્ન માટે તૈયાર છે. તારે હવે મારા મમ્મી પપ્પાને વાત કરવાની છે. મને ખબર છે પપ્પા તારી વાત ચોક્કસ માનશે. અમારી નાવ પાર કરાવવાની જવાબદારી તારી પર છે. તું મારુ આ કામ કરીશને?" ધરા આજીજી ભરી નજરે આકાશ તરફ જોઈ રહી.

"કેમ? એમાં મારો શુ ફાયદો? એક તો અંકલનો ગુસ્સો મારે સહન કરવાનો અને પાછા તેમને મનાવવાના. ના...હું મારી જાતે મારી કબર ખોદવા નથી માંગતો." આકાશ દ્રઢતાથી બોલ્યો.

ધરા રડવા જેવી થઇ ગઈ.

"અરે, હું તો મસ્તી કરતો હતો અને તું સીરીયસ થઇ ગઈ. ચાલ હસ હવે. તારું કામ થઇ જશે પણ એક શરતે।.." આકાશ ધરા સામે જોઈને બોલ્યો.

ધરાના ચેહરા પર ખુશી છવાઈ ગઈ.

"કઈ?"

"હું તને આજથી ચિબાવલી કહીશ." આકાશ હસીને બોલ્યો.

ધરાએ તેને ધબ્બો માર્યો પણ આ વખતે તેમાં ખોટો ગુસ્સો હતો.

*********

ડોરબેલ વાગી. ધરાએ બારણું ખોલ્યું. સામે આકાશ ઉભો હતો.

"કેમ છે, ચિબાવલી?" આકાશ હસીને બોલ્યો.

"અરે, વાહ, આજ તો મારા ભાગ્ય ઉઘડી ગયા. અંદર આવ." ધરા ખુશ થઈને બોલી.

આકાશ અંદર આવીને સોફા પર ગોઠવાઈ ગયો.

"પવન ક્યાં છે?" આકાશે પુછ્યું.

"તે જોબ પર ગયો છે. સાંજે આવશે।. આજે પાંચ વરસમાં તું પેહલીવાર મારા સાસરે આવ્યો છે. બોલ શું લઈશ?" ધરાએ પુછ્યું.

"તને તો ખબર જ છે મને શું ભાવે છે? ચા લઇ આવ બીજું શું..."

ધરા ચા બનાવવા ગઈ. આકાશે ત્યાં સુધી ડ્રોઈંગરૂમનું નિરીક્ષણ કર્યું. તેને ખબર હતી કે ધરાને ઘર ચોખ્ખું રાખવાનો બહુ શોખ હતો. તેને રૂમમાં બધી જ વસ્તુઓ તેમની જગ્યા પર વ્યવસ્થિત રાખેલી જોવા મળી. તે મનોમન હસ્યો ધરા હજુ એવી જ છે.

થોડીવાર બાદ આકાશ ધરાના હાથની ચા પી રહ્યો હતો.

"હવે કહે...ઘરે બધા કેમ છે? નિશા શું કરે છે?" ધરાએ પુછ્યું.

"બધા મજામાં છે. નિશા ઘર અને મને બન્નેને સંભાળે છે."

"તું બહુ લકી કહેવાય કે તને નિશા જેવી વાઈફ મળી."

"હાં, એ વાત તો સાચી....પણ એવું હું તારા માટે નહી કહી શકું." આકાશ અચાનક ગંભીર થઇ ગયો.

"એટલે...તું કેહવા શું માંગે છે? હું લકી નથી." ધરાના ચેહરાના હાવભાવ બદલાયા.

"હાં, મને ખબર છે કે તું ખુશ નથી. યાદ છે તને જયારે તું લગ્નના એક વરસ પછી તું મને પેહલીવાર મળી ત્યારે મેં તને પુછ્યું હતું કે તું ખુશ તો છે ને અને તે મને હાં પાડેલી. મને ત્યારે જ ખબર પડી ગયેલી કે કઈંક ગડબડ છે. જયારે તમે કોઈને વર્ષોથી ઓળખતા હો ત્યારે તે વ્યક્તિ જુઠ્ઠું બોલે તો તમને તરત જ ખ્યાલ આવી જાય અને આપણે તો જીવનના ઘણા વર્ષો સાથે પસાર કર્યા છે. તેના પછી તું મને જેટલીવાર મળી તેટલી વાર મને અંદાજો આવતો ગયો કે તું ખુશ નથી." આકાશ બોલતો ગયો અને ધરા તેને સાંભળતી રહી.

"છેલ્લે જયારે તું મળી ત્યારે તારા હાથ અને શરીર પરના ઘાવ જે તું દુનિયાથી છુપાવે છે તે પણ મને દેખાઈ ગયા." આકાશ ધરાની આંખોમાં જોઈને બોલ્યો.

અને ધરા તુટી ગઈ. જાણે કોઈએ તેના મનનો બંધ દરવાજો ખોલી નાખ્યો. તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે પોતે છેલ્લા પાંચ વરસથી પોતાના પર શું વિતી રહી છે તે કોઈને નોહતું કહ્યું.

પાંચ વર્ષમાં પેહલીવાર કોઈ તેની મનની વાત જાણી ગયું હતું. પવન સાથે તેનું લગ્નજીવન એક નર્ક જેવું હતું. તે ચુપચાપ પવનના અત્યાચાર સહન કર્યે જતી હતી.

"ચાલ, ઉભી થા, હું તને લેવા આવ્યો છું. તારા મમ્મી પપ્પાને મેં વાત કરી દીધી છે. તેઓ તારી રાહ જુએ છે. અમારે બધાએ તને નર્કમાં ધકેલવા માટે પ્રાયશ્ચિત કરવાનું છે." આકાશ ઉભો થતા બોલ્યો.

"થેન્ક યુ, આકાશ." ધરા આંસુ લુછીને ઉભા થતા બોલી.

"લે...એમાં થેન્ક યુ શેનું ચીબાવલી? દોસ્તો હોય છે શા માટે?" આકાશ હસીને બોલ્યો.

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.