પંદર વખત રીંગ ગઈ પણ એનો ફોન વ્યસ્ત જ આવ્યા કર્યો ,આજે તો મારે વાત જાણીને જ છૂટકો અને હું ઓફિસથી જલ્દી નીકળી ઘર તરફ સ્કૂટી ભગાવી,વિચારોએ આંધી ની જેમ અનિતાના મગજને કબજા માં લીધું અને આતંકિત થઈ વિચારવા લાગ્યું, કોઈ દિવસ એકથી વધુ રીંગ ન વાગવા દેતા અમિતને આજે શું થયું છે કે ફોન જ નથી ઉપાડતો,સારા-ખરાબ વિચારો નો ઢ્દ્ધ તેનો અજંપો વધારતો રહ્યો. પોતાના ફોનની બે કે ત્રણ રીંગ થી અકળાઇ જતો અમિત પોતે પંદર રીંગ વાગવા દે ? શું થયું હશે ? મન ફ્લેસ બૅકમાં જતાં,એને યાદ આવ્યું કે અઠવાડિયાથી તેનું વર્તન કઈ અજુગતું હતું,બધી જ વખત જાણે કોઈક ઊંડા વિચાર કે ચિંતા માં હોય એમ લાગતુ.પટાવી પટાવીને અને પ્રેમથી સમ દઈ ને કેટલું પુછ્યું પણ બસ એક જ વાત,”કઈ નથી થયું,કેટલીક વાર આમ જ મન ઘેરાયેલું અને બોઝલ રહે એવું કઈક, ચિંતા નું કારણ નથી,એતો એક બે દિવસમાં ફ્રેસ થઈ જઈશ,ચલ ચા બનાવી દે.”એમ વાત ટાળી દેતો.પણ આજે એણે એની પ્રકૃતિ અને નિયમ વિરુદ્દ ફોન ન લીધો એ અસમાન્ય વાત છે.આમ અસમંજસમાં એ ઘરે પહોચી,તો ઘરે તાળું લટકતું હતું.ચોક્કસ ફોન ઘરે મુકીને ગાર્ડનમાં ચાલવા ગયો હશે. પણ મનને શાંતિ ન થઈ,રસોડામાં જઈ યંત્રવત ચા બનાવી પીધી અને નાના મોટા રોજના કામો આટોપવા માંડી.

કલાકમાં અમિતના પગલાં દાદર પર સંભળાયા,એકદમ સોળ વરસની કિશોરીની સ્ફૂર્તિથી અનીતા બારણું ઉઘાડવા દોડી,તેને સાજોસમો જોઈને મનને હાશ થઈ અને એક વનલતાની જેમ એ અમિતને વળગી પડી. ઘણી વારે અળગી ન થઈ અને આંસુ થી અમિતનું શર્ટ ભિજાયું ત્યારે અમિતે એને અળગી કરી કપાળે ચુંબન કર્યું અને કહ્યું”ગાંડી આ શું છે ?મને શું થવાનું છે ?

રોષ ભર્યા અવાજે તાડૂકી,મારે કઈ થાય ત્યાં સુધી રાહ નથી જોવી,તને મુજાતો જોઈ મને પલભર ચેન નથી પડતું,જીવ બળ્યા કરે છે.આજે તારા હ્રદય પરનું કવચ દૂર કરી મને તારી મુજવણ જણાવવી જ પડશે,નહિતો નહિતો..... અમિતે એના હોઠ પર હાથ મુકી એને બોલતા રોકી લીધી અને કહ્યું, “હા શાંત થા, મે નક્કી કર્યું જ હતું કે આજે હું આ વાત તને કહીશ ,વાત એમ છે કે, આપણાં લગ્ન થયા એ પહેલા અમારા ઘરની સામે રહેતી ઇલા સાથે મારે દોસ્તી હતી અને અમુક શુભ ચિતક ને અમારા બે ની જોડી પતિ-પત્ની તરીકે યોગ્ય પણ લાગતી,પણ મને અને ઇલાને અમારા સબંધ માટે મૈત્રી થી વિશેષ કોઈ અપેક્ષા કે લાગણી ન હતી,અમારી શેરીના અમુક પંચાતિયાને અવળચંડાઈ સુજી તે ઇલાને જોવા આવનાર મુરતિયા ને અમારા સબંધ માટે આળુંઅવળું બોલી ભગાવી દીધો,પછીતો નાત માં ખોટી વાત ફેલાતા ઇલા ને માટે સગપણ ની વાત આવતી બંધ થઈ ગઈ.આજે પણ ૨૯ વરસે ઇલા અપરણિત અને નોકરી કરી એકલી જીવે છે,કારણ માતપિતા એની ચિંતા કરી વારાફરતી મૃત્યુ પામ્યા. એની આવી દશા માટે હું મારી જાતને ગુનેગાર માનું છું,મે મિત્રતા ન કરી હોત તો ઇલા નું ભવિષ્ય કદાચ જુદું હોત .આ વાત મને હમણાં એટલે વધારે ડંખે છે કારણકે ઇલા ની બદલી આપણા શહેરમાં થઈ છે, અને રોજ હું તેને બસમાં બેસીને નોકરી પર જતી જોઉ છું.મારા એક મિત્રના પાડોશમાં જ એણે ઘર રાખ્યું છે, અને એ મિત્રે મને એને બતાવીને આ વાત કરી.મને એને જોઈને પારાવાર દુખ થયું, પણ આપણાં સંસારમાં કઈ અડચણ કે રૂકાવટ ન આવે એની કાળજી રાખવા મનમાં મુજાતો રહ્યો અને તને જાણ ન કરી. તારા અતિશય પ્રેમાળ સ્વભાવને કારણે તું નાની સરખી ચિંતા કે શંકા કરી દુખી થાય એ મને ન પાલવે.મારી પહેલી અને પવિત્ર ફરજ તારી તરફ છે.તને આજે આ વાત કરીને મને ઘણું સારું લાગ્યું કારણ તારાથી કોઈ વાત છુપાવું તો હું મારી જાતને માફ ન કરી શકું.આટલું બોલી એ ચુપ થઈ ગયો.

અમિત આપણાં પ્રેમલગ્ન છે અને આદર્શ પ્રેમી ની કોઈ શરત કે રીત આપણે અવગણી નથી,શરૂઆત ના લગ્ન જીવનનો તબક્કો કેટલો કઠિન હતો છતાં આપણે ફકત પ્રેમ...પ્રેમ...અને પ્રેમ લાગણીને જ પ્રધાન્ય આપી,પહાડ જેવી શારીરિક,માનસિક અને આર્થિક વિપતિઓ સહી. એક બીજા ના સુખે સુખી અને એકબીજાના દુખે દુખી, તો તારે આવી નાની વાત માં શું મુજાવાનું?હું તારી અર્ધાગિની છું,તારી વ્યથા મારી વ્યથા નથી શું ? તારો અજંપો મારો અજંપો નથી શું ?તારા મનમાંથી ગુનાહિત ભાવના કાઢી નાખી હવે શું થઈ શકે તે વિચાર.પહેલા તમે બે મિત્રો હતા, હવે આપણે ત્રણ મિત્રો ન બની શકીએ? અરે અમારી સાથેના ભાવનાબેન તો કેટલી બધી નારી સંસ્થાઓ સાથે જોડાયેલા છે એ અંતર્ગત એક લગ્ન બ્યુરો પણ તે ચલાવે છે,આપણે બે ભેગા મળી ઇલાબેનને રંગે ચંગે પરણાવીશું. આપણને પણ આ શહેરમાં કોઈ સગુવાહાલું ન હોવાનો રંજ છે તે ઇલાબેન જેવા સ્નેહી થકી દૂર થશે. અમિત તો પોતાની ગુસ્સા વાળી પણ પવિત્ર હ્રદય ધરાવતી પત્નીને સાંભળી જ રહ્યો.મનોમન ઈશ્વરને વંદતો રહ્યો કે હું ખરેખર નસીબદાર છું,શયનેશું રંભા...ગૃહેશું મંત્રી...ના મંત્રને ચરિતાર્થ કરતી પત્ની મને મળી છે.

ત્યાં જ પત્નીનો અવાજ આવ્યો ચાલો હવે તૈયાર થઈ જાઓ,આપણે ઇલાબેનના ઘરે જઈ આવીએ અને હા તમારે જે કહેવું હોય તે કહેજો પણ આજે હું રસોઈ નથી બનાવવાની,આપણે બહાર જ જમી લઈશું.આ વાત સાંભળી અમિત હસવા માંડ્યો,કારણ એ પત્નીને હમેશા ચીડવતો કે કોઈ પણ વાતમાં ધીમે રહીને તું તારો રોટલો શેકી લે છે,પત્નીએ બહાર જમવા જવાનો રોટલો શેકી લીધો.ઘણા દિવસે અમિતને આમ હસતો જોઈને અનીતાને કોઠે ટાઢક વળી અને ઘરમાં ફેલાયેલી નિરાશાની વાદળી વિખેરાઈ અને પ્યારની સુગંધ રેલાઈ ગઈ.gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.