મમ્મીઓ અને સ્કૂટરો

હાલમાં મારાં સાસુ ગુજરી ગયાં, પણ મને રડવું ન આવ્યું. આમ પણ કોઈના મોતથી મને બહુ રડવું નથી આવતું. ઈવન શરીરમાં બહુ પીડા થાય તો પણ મને રડવું નથી આવતું. એવું નથી કે મને રડવું આવતું જ નથી. ક્યારેક બહુ ગુસ્સે ભરાઉં ત્યારે હું ક્રોધથી રડી પડું છું.

તો, સાસુના મૃત્યુ છતાં હું ન રડ્યો એ વાતે પત્નીને ખરાબ લાગ્યું. એ દિવસોમાં તો તે કંઈ બોલી નહીં, પણ ત્રણ અઠવાડિયાં પછી વાત નીકળી... અને વાત લાંબી ચાલી.

થયું એવું કે બપોરે પત્નીએ મને ઑફિસમાં ફોન કર્યો : મારા સેલફોનની બૅટરી બગડી ગઈ છે, સાંજે લેતો આવજે. ઓકે, લેતો આવીશ. મેં કહી તો દીધું, પણ પછી એ વાત હું ભૂલી ગયો. ઘરે પહોંચ્યો ત્યારે પત્નીએ બૅટરી માગી. મેં કહ્યું : ભૂલી ગયો. પત્ની પણ ભૂલી ગઈ કે વાત ફક્ત બૅટરીની હતી. તે બૅટરીથી મમ્મી સુધી પહોંચી : ‘હું કંઈ પણ કહું, તારું ધ્યાન જ નથી હોતું. તને ફક્ત તારી જાતમાં જ રસ છે. તારી નોકરી... તારાં ભાઈ-બહેન... તારા મિત્રો... મારી તને કશી પડી જ નથી. મારી મમ્મી ગુજરી ગઈ તો પણ તું સહેજેય નહોતો રડ્યો.’

‘અરે, પણ એમ તો મારી મમ્મી ગુજરી ગઈ ત્યારે પણ ફક્ત એક જ વાર રડેલો.’ ‘એક વાર તો એક વાર, રડેલો તો ખરોને.’

‘કમ ઑન... પપ્પા પચીસ વર્ષ પહેલાં ગુજરી ગયેલા. મમ્મીએ એકલા હાથે અમને મોટા કરેલાં. પછી તે પણ જતી રહી. તે ચિતા પર હતી. કોઈએ મને મમ્મીનો અંગૂઠો દેખાડ્યો અને હાથમાં ધુમાડા કાઢતું લાકડું પકડાવીને કહ્યું, અંગૂઠાને અડાડ. અગ્નિદાહની ફૉર્માલિટીમાં ફક્ત ગરમ લાકડું અંગૂઠાને અડાડવાનું હોય છે. પછી ચિતા તો સ્મશાનવાળા પોતે જ સળગાવે. તો... મારે ફક્ત અંગૂઠાને ડામ આપવાનો હતો, પણ મારે ડામ નહોતો આપવો. હું મમ્મીને ડામ આપી જ ન શકું. હું ભૂલી ગયો કે તે જીવતી મમ્મી નહોતી. છતાં, ડામ આપવા બાબતે મને એટલી પીડા થઈ, એટલી પીડા થઈ કે હું રડી પડ્યો. મોટેથી રડી પડ્યો. ખૂબ રડ્યો. હું ત્યાં જ બેસી પડેલો. બસ, ત્યારે એક જ વાર હું રડેલો. એ સિવાય નહોતો રડ્યો. હમણાં તારી મમ્મીને તારા પપ્પાએ લાકડું અડાડ્યું એ જોઈને પણ હું ગળગળો થયેલો...’

‘પણ તને રડવું નહોતું આવ્યું, કારણ કે તે મારી મમ્મી હતી, તારી નહોતી.’

‘તું યાર...’ હું કંટાળ્યો.

‘તારામાં લાગણી જ નથી.’

‘સાવ એવું નથી. રડવું તો મને પણ આવે, પણ હું ઝટ રડતો નથી. હું મારી જાતને રોકી લઉં છું.’

‘અચ્છા? તેં તારી જાતને રડતી રોકી હોય એવો એક દાખલો આપ.’

અને મને કોઈ દાખલો ન સૂઝ્યો. હું અટવાઈ પડ્યો.

માન્યું કે ક્યારેક હું ખોટો હોઉં ત્યારે પત્ની તેની ટિપિકલ ઊલટતપાસ દ્વારા થોડી જ વારમાં મને પકડી પાડે છે, પણ એ દિવસે હું ખોટો નહોતો. હું ખરેખર છેક આંખ સુધી આવેલાં આંસુને પાછાં ધકેલી શકું છું, પણ કોઈ અચાનક પૂછે કે સાબિતી આપ, દાખલો આપ... તો તરત એવો કિસ્સો યાદ ન પણ આવે.

હું ખિજાયો: ‘માથું ન ખા.’

તેને પણ ગુસ્સો ચઢ્યો. તેણે રિમોટથી ટીવી ચાલુ કરી દીધું. હું આંખ બંધ કરીને ધૂંધવાતો બેઠો રહ્યો. થોડી જ મિનિટોમાં મને એક ઉદાહરણ યાદ આવ્યું. મેં રિમોટ ઉપાડીને ટીવી બંધ કર્યું અને મારી નિર્દોષતાનો પુરાવો સંભળાવ્યો: ‘અમારું એક સ્કૂટર હતું. કાકાએ આઠેક વર્ષ વાપરેલું. પછી નવેક વર્ષ મેં ચલાવ્યું. છેવટે ૨૬ જુલાઈ (૨૦૦૫)ના દિવસે મીઠી નદીમાં પૂર આવ્યું. સ્કૂટરના એન્જિનમાં પાણી ઘૂસી ગયું. સત્તર વર્ષના સ્કૂટરને ફરી ચેતનવંતું બનાવવા બાબતે ગૅરેજવાળાએ હાથ ઊંચા કરી દીધા. મેં પણ હાર સ્વીકારી લીધી. મેં મારા પ્રિય સ્કૂટરને તોડીફોડીને ભંગારમાં વેચી કાઢવા માટે ગૅરેજવાળાને આપી દીધું. જાણે મિત્રને મોતના મુખમાં હોમી આવ્યો. જેવાતેવા મિત્રને નહીં, ખાસ મિત્રને. સ્કૂટર આપીને હું ઘરે આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં મને લાગ્યું કે હું કદાચ રડી પડીશ, પણ હું નહોતો રડ્યો.’

પણ પત્નીને મારી સ્ટોરીમાં દમ ન લાગ્યો. તેણે હળવેકથી રિમોટ ઉપાડીને ફરી ટીવી ઑન કર્યું. હું વાળ પકડીને બેસી રહ્યો. થોડી વાર બાદ ફરી મગજમાં બત્તી થઈ. આ વખતે મેં રિમોટથી ટીવી બંધ કરવા ઉપરાંત ઊભા થઈને સ્વિચ પણ બંધ કરી દીધી.

અને મેં બકવાસ શરૂ કર્યો : ‘મારું એકલાનું સ્કૂટર મરી ગયું ત્યારે તો હું નહોતો રડ્યો, પણ એના ચાર-પાંચ વર્ષ પછી બજાજ કંપનીએ ચેતક સ્કૂટર બનાવવાનું બંધ કરવાની જાહેરાત કરી એ ન્યુઝ મેં છાપામાં વાંચેલા. એ વખતે હું રડેલો. જાહેરમાં રડેલો. ટ્રેનમાં ઊભાં ઊભાં રડેલો.’

પત્ની મને જોઈ રહી.

મેં આખો મામલો વિગતે સમજાવ્યો : ‘સ્વાતિ, એ સવારે હું લોકલમાં જઈ રહ્યો હતો. ભીડમાં છાપું ફોલ્ડ કરીને સમાચાર વાંચી રહ્યો હતો. બજાજવાળાએ ચેતકનું ઉત્પાદન બંધ કરવાનો નિર્ણય લીધો એવા એક સમાચાર હતા. મને બરાબર યાદ છે કે એ ન્યુઝમાં રાહુલ બજાજનો ક્વોટ હતો કે બજાજ-ચેતકના અંતથી તેમને દુ:ખ થયું છે. હું આંખ બંધ કરીને વિચારે ચડ્યો... થાય, થાય... દુ:ખ તો થાય. જે સ્કૂટરના જોરે બજાજજૂથ બહુ આગળ આવ્યું હોય એ સ્કૂટર વિદાય લે ત્યારે એના નિર્માતાને પીડા તો થાય, અને રાહુલ બજાજ તો એ સ્કૂટરના સર્જક હતા, જ્યારે હું કોણ હતો? હું તો એ સ્કૂટરનો ફક્ત એક ગ્રાહક હતો. છતાં એ દિવસે મારું ચેતક ભંગારમાં આપતી વખતે મારી અંદર કશુંક તૂટ્યું હોય એવું મને લાગેલું. દિલની બે-ચાર નાજુક રગો તૂટેલી. તો પછી રાહુલ બજાજને તો દુ:ખ થાય જને!... બજાજના એ સ્કૂટરનો એક આખો યુગ હતો. પપ્પા ચલાવે. પાછળ મમ્મી બેસે. આગલી-પાછલી સીટ વચ્ચે ગૅપ હોય. એક આમન્યા જાળવવાની. પાછળ બેઠેલી સ્ત્રીએ ચાલક પુરુષનો ખભો ન પકડવો પડે કે સાથળ પર હાથ ન મૂકવો પડે, કારણ કે ટેકો લેવા માટે પાછળનું સ્પેરવ્હીલ હાથવગું હોય. આગળ છોકરું ઊભું હોય. તે વચ્ચે વચ્ચે કારણ વગર હૉર્ન વગાડે... ટીં ટીં... અને એ સ્કૂટરનો અવાજ... સારી કન્ડિશનમાં હોય ત્યારે એન્જિનના અવાજને આપણે ઘૂઘરી જેવો અવાજ કહેતા.

સ્કૂટર આકારમાં ગોળમટોળ... સહેજ ભરાવદાર ભારતીય સ્ત્રી જેવું. એની કાયા મને કમનીય લાગતી. ક્યારેક પહેલી કિકે ચાલુ ન થાય તો કિક મારનારે સ્કૂટરને પોતાની તરફ સહેજ ઝુકાવવાનું. બસ, પછી એ તરત ચાલુ થાય જ. એને લીધે એવી મજાકો પણ થતી કે ભારતનું અવકાશયાન પણ સ્ટાર્ટ ન થાય તો એને સહેજ નમાવીને ચાલુ કરવાથી ચાલુ થઈ જાય... આહાહાહા... શું એ સ્કૂટર હતું. ના, એ સર્વગુણસંપન્ન નહોતું... વ્હીલ નાનાં હોવાથી રેતીમાં કે ચીકણી સપાટી પર તરત લપસી પડતું... એમ તો સ્પીડ ૫૦થી વધારો તો એ લફલફવા લાગે, પણ આખા ભારતને એ બહુ ગમતું. સ્કૂટર નોંધાવ્યા પછી બે-ત્રણ વર્ષે ડિલિવરી મળતી. લોકો શાંતિથી રાહ જોતા. શું કરે? ત્યારે ઝાઝા વિકલ્પો પણ નહોતા. ધીરજ ધરવી જ પડે. એ ધીરજવાળા, ઝાઝી ચૉઇસ વિનાના જમાનાનું એક પ્રતીક હતું બજાજનું સ્કૂટર. છોકરો પોતાની કમાણીથી સ્કૂટર વસાવે એટલે વડીલોને લાગતું કે હં... હવે છોકરો લાઇફમાં સેટ થઈ ગયો... ભારતીય જનતાના એક આખા યુગનો એ સ્કૂટરે સાથ નિભાવ્યો. એ આપણા સુખ-દુ:ખનું જાણે સાથી હતું. એ બહુ લાંબું ચાલ્યું.

બાકી તો પેજર-ફ્લોપીથી માંડીને મોબાઇલનાં મૉડલો હવે આજે આવીને કાલે ભુલાઈ જાય છે, પણ આ સ્કૂટર બહુ દોડ્યું... બહુ દોડ્યું... છેવટે એ થાક્યું, હાંફ્યું અને ખતમ થઈ ગયું. મારા એકલાનું સ્કૂટર ખતમ થયું ત્યારે થયેલું એથી પણ વધુ દુ:ખ ઓવરઑલ સ્કૂટરનું ઉત્પાદન બંધ થવાથી થયું. મને એવું લાગ્યું, જાણે મારા બાળપણ અને જુવાનીનો એક હિસ્સો મરી ગયો. જાણે એક આખો વાહનયુગ આથમી ગયો. એ વાતે રાહુલ બજાજનું જ નહીં, મારું દિલ પણ ઉદાસ થયું. તો, એ દિવસે સવારે, ટ્રેનમાં ઊભાં-ઊભાં હું બજાજના એ જૂના સ્કૂટરને અંજલિ આપી રહ્યો હતો કે હે દોસ્ત, તું હંમેશાં યાદ રહેશે... તારા-મારા સાથનો એ યુગ... એક-એક ઘર સાથે દોઢ-દોઢ બબ્બે દાયકા સુધી સાથ નિભાવવાની તારી વફાદારી... પરિવારના સભ્ય જેવું તારું એક આગવું સ્થાન... તારી કમનીય કાયા... તારી ઠરેલ ગતિ... ઘૂઘરી જેવો તારો અવાજ... આંગણામાં તારી હાજરીનો દબદબો... સમાજમાં તારો રુતબો... બધું યાદ રહેશે... સલામ દોસ્ત... શાબાશ... વેલ ડન... બસ, આટલું વિચારતાં-વિચારતાં મારી બંધ આંખમાંથી એક ટીપું પડી ગયેલું.’

પછી શું બોલવું એ મને સૂઝ્યું નહીં.

હું ચૂપ થઈ ગયો. થોડી વારે પત્ની ધીમેથી બોલી: ‘મારા પપ્પા પણ અમને સ્કૂટર પર લઈ જતા. ત્યારે હું ફ્રૉક પહેરતી. મમ્મી બે ચોટલા વાળી આપતી. હું સ્કૂટરમાં આગળ ઊભી રહેતી. પછી કારણ વગર હૉર્ન વગાડતી. ટીટી...ટ ટીટી...ટ. પપ્પા મને કંઈ ન કહેતા. પ્રેમથી માથે હાથ ફેરવતા. પછી મારો નાનો ભાઈ સ્કૂટર પર આગળ ઊભા રહેવા જેટલો મોટો થયો. તે પણ હૉર્ન વગાડતો. પપ્પા તેને ખિજાતા. મમ્મી પપ્પાને ખિજાતી કે સ્વાતિ હૉર્ન વગાડે એ ચાલે, પણ કેયૂર હૉર્ન વગાડે એટલે ખિજાવાનું? એટલે પપ્પા હસીને કેયૂરના માથે હાથ ફેરવતા. પછી કેયૂર તરત હૉર્ન વગાડતો... ટીટી...ટ, ટીટી...ટ.’

આટલું કહેતાં સ્વાતિ રડી પડી. તેણે મારો હાથ પકડ્યો.

અને મારા ગળે પણ ડૂમો બાઝ્યો.

સાચું કહું તો મને આવા લાગણીવેડા નથી ગમતા. કમસે કમ મારા માટે હું માનું જ છું કે હું વેવલો નથી. તો પછી હું અને મારી પત્ની આટલાં ભીનાં-ભીનાં કેમ થઈ ગયાં? અમે મમ્મી માટે રડી રહ્યાં હતાં કે સ્કૂટર માટે?

ના, કારણ એટલું સંકુચિત નહોતું. અસલમાં આપણે નાના, લાચાર, પરવશ હોઈએ ત્યાંથી માંડીને પગભર થઈએ ત્યાં સુધી આપણો ટેકો બનનારાં, આપણને આગળ ધપાવનારાં આપણાં સ્કૂટરો, મમ્મીઓ, પપ્પાઓ, સાઇકલો, શિક્ષકો, ફૅમિલી-ડૉક્ટરો, ઓળખીતા રિક્ષાવાળાઓ, થિયેટરો, મકાનો, ગલીઓ, વૃક્ષો, પેન્સિલો, નોટબુકો, દફ્તરો, દુકાનવાળાઓ, રૂ પીંજનારાઓ, DDT છાંટનારાઓ, દૂધવાળાઓ... આ બધા ધીમે-ધીમે ખર્ચાઈને, ખખડીને ખતમ થતા હોય છે... આ જે એક છૂપી શહીદી છે, નવી પેઢીને આગળ વધારવા જૂની પેઢીનું ઘસાઈને ધીમે ધીમે ખતમ થવું... આ સિલસિલો માનવજાત જેટલો જ જૂનો છે. આપણે પણ પછીની પેઢીને બધું સોંપીને જવાનું જ છે, પણ આપણા ઘડતરમાં ભાગ ભજનવાર એક પેઢીની વ્યક્તિઓ અને વસ્તુઓના આપણે ઋણી હોઈએ છીએ. એ ઋણસ્વીકારની લાગણીને લીધે અમે રડ્યા?

ખબર નથી.

હા, એટલી ખબર છે કે મારી કિશોરાવસ્થામાં અને જુવાનીમાં સાથ આપનાર એ સ્કૂટરે ઉત્પાદન બંધ થયાના ચાર-પાંચ વર્ષ પછી પણ, પત્ની સાથેના એ નાનકડા ઝઘડામાં મને સાથ આપ્યો, જૂની દોસ્તી નિભાવી. એ વાતે ફરી એક વાર એ મારા અતિ પ્રિય સ્કૂટરને સલામ, ભીની આંખે...

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.