છેલ્લા ત્રણ દિવસથી મિત્રા નામની એક રમતી ભમતી ઢીંગલી રિસાઇ,ભીંસાઇને ગભરાઈ ગઈ છે.ઘરમાં કોઈના સાથે કશું બોલતી નથી,ગુમસુમ રહે છે.હાથમાં રહેલા મોબાઈલમાં વારંવાર જોયાં કરે છે ને કોલેજ જવાનું પૂછ્યુંતો કહે છે,રજા છે.કોલેજમાં રજા,મજા ને સરવાળે સજા સિવાય બીજું હોય પણ શું ? આર્ટસ કોલેજ માટે મમ્મી-પપ્પાએ આમ માની લીધું છે.બે દિવસ એમ પસાર થઇ ગયા.પણ ત્રીજા દિવસની સાંજ થઇ, પપ્પા ઓફિસેથી આવ્યા,મિત્રાને બોલાવી.તેની હાલત જોઈ.પપ્પાને પેન્શન લઈ લેવું પડે તેવું ટેન્શન થઇ ગયું !

‘પૂછ શું છે આ બધું ?’પપ્પાનું આમ કહેવું મિત્રાના મમ્મીને બરાબરનું ખટક્યું.મનમાં બોલ્યા પણ ખરા :‘આ બધું મારે જ જોવાનું, તમારે નહી !?’ફળફળતા પાણી જેવી નજરની છાલક ફેંકી,મમ્મી મિત્રા પાસે તેનાં રૂમમાં આવ્યાં.પછી બીજાનો ગુસ્સો,બીજા પર ઉતારવાનો હોય એમ છણકો કરીને કહ્યું:‘અલી શું થયું છે તને, કંઈ બોલતી નથી ને સાંભળવું મારે પડે છે !’આમ કહી મિત્રાના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી લીધો.પછી કહ્યું :‘તારી બહેનપણીને પૂછવા દે !’પણ ત્યાં મિત્રાએ મોબાઇલ સામેથી ખેંચી લીધો.ખેંચાખેંચીમાં પડી ગયો ને અંદર આવીને ઊભા રહેલા તેના પપ્પાએ ઉપાડી લીધો.તેમણે જોયું તો છ્ક થઇ ગયા. ન જોઈ શકાય તેવા ફોટા હતાં.અને એ પણ તેના ફ્રેન્ડ મુંજાલ સાથેના ! પપ્પાને પળવારમાં પરિસ્થિતિનો ખ્યાલ આવી ગયો.

મુંજાલ મિત્રાનો ફ્રેન્ડ છે.ઘણીવાર ઘેર આવે છે. કોઈ ઘરમાં ન હોય તો પણ મિત્રા સાથે રહે છે, ઘરના એક સભ્ય તરીકે વર્તે છે. પણ આ સભ્ય,અસભ્ય થઈને ઊભો રહ્યો છે તેવું મિત્રાના મમ્મી-પપ્પાએ માની લીધું. કોઇ આવી ઘટના ઘટે ત્યારે સાવ એક હાથે ક્યારેય તાળી પડતી નથી આવું જાણતા હોવા છતાંય દોષ સામા વાળાનો જ દેખાય તે સ્વભાવગત હોય છે.પોતે કે પોતાના માણસો સારા છે, બાકીના બધાં ખરાબ છે ને તેમણે આ કૃત્ય કર્યું છે. આવી ઘટનામાંથી છટકવાનો સરળ ઉપાય, બીજા પર દોષનો ટોપલો ઢોળી દેવો તે !

મિત્રા સામે તેનાં મમ્મી કોઈ,એંઠવાડ કે ગંદવાડ ભરેલા વાસણ સામે જુએ તેમ જોઈ રહ્યાં. એક ક્ષણેતો આડાહાથની અડબોથ વળગાડી પછી પૂછવાનું લાગી આવ્યું:‘આ શું છે, શું કર્યું તે !?’પણ સામે મિત્રાની ભીનીને ગભરું આંખોમાં ઉભરાતાં આંસુ જાણે કશું કહી કે ફરિયાદ કરી રહ્યાં હોય એમ લાગતું હતું. ઘરમાં કોઈ સભ્યનું આકસ્મિક મૃત્યુ થયું હોય એમ તેના આઘાત સાથેનો શોક સર્વત્ર છવાઇ ગયો.

‘મિત્રા !’ પપ્પા આગળ બોલી શક્યા નહી. કોઈ નજર મેળવી શકે તેવી સ્થિતિમાં રહ્યાં નહોતા.ઘરમાં ફ્રી ને મૂક્ત વાતાવરણ છે,અમે એવાં નેરો માઇન્ડેડ નથી.છોકરા-છોકરી મળે,રહે..તેમાં શું થઇ ગયું ?આ સઘળું પરિણામ આમ કહેવા ને રહેવાનું છે.ફ્રી ને નેરો માઇન્ડેડ વચ્ચેની પાતળી ભેદરેખાને સમજવી જરૂરી છે.વૈચારિક રીતે આમ હોય તે શ્રેષ્ઠ ને બેસ્ટ.પણ શારીરિક રીતે કયાં સુધી ફ્રી,મૂક્ત હોવું તેની કોઈ બોર્ડર કે મર્યાદા ખરી ?અને એ પણ આવી ઉઘડતી ઉંમરે ! એકાંત ભારે ખતરનાક હોય છે.મિત્રાને હજુ ઓગણીસમું બેઠું છે.કોલેજના ફર્સ્ટયરમાં અભ્યાસ કરે છે.સોળે શાન આવે ને અઢારે વાન ઉઘડે આવી કહેવત છે પણ છોકરીને સોળ પહેલા શાન કે સમજણ આવી જતી હોય છે.આ ઉંમરે પ્રેમના આછાપાતળા સ્પંદનો મીઠી પજવણી કરવા લાગતાં હોય છે. હર્ષ-શોક, આવેગ-ઉન્માદ ને લાગણીનાં ઉભરા આવતાં હોય છે. ધોરણ બારની બેતાબ બાદશાહ જેવી પરીક્ષા સામે પ્રેમના સ્પંદનો પાણી ભરવા લાગે છે ને જેવો કોલેજમાં પ્રવેશ થાય તેવા જ જાણે તમામ બંધનો છૂટીને વછૂટી જાય છે.પછી કોઈ તરસે ટળવળતો ને લૂલવતો માણસ કશું જોયાં,જાણ્યા કે પૂછ્યા વગર જે જિજ્ઞાસાથી પાણીની ઘૂંટ ભરે, એવી સ્થિતિ પ્રેમના પ્રાંગણમાં પગ મૂકનારા કોલેજીયનોની થતી હોય છે.અહીં યુવાનીનાં ઉઘાડ સાથે મિત્રાને મુંજાલ વચ્ચે બહુ ઓછા દિવસોમાં ફ્રેન્ડશીપ બંધાઈને એકબીજાના ઘેર આવ વાનો સંબંધ સંધાઈ ગયો હતો. આ સારી બાબત કહેવાય કે મમ્મી-પપ્પા સંતાનના મિત્રોથી પરિચિત હોય.પણ બંને બિન્ધાસ્ત થઇ કોલેજ છૂટવા સાથે જ સમયને લૂંટવા લાગ્યાં હતાં.બાગ-બગીચાને એકાંત સ્થળો પ્રિય થઇ પડ્યા.આપણે ત્યાં છોકરીનાં પગલેપગલાની ગણતરી રાખવાનો રીવાજ છે તેવો રીવાજ છોકરાને લગભગ લાગુ પડતો નથી.જયારે કોઈ છોકરી સાથે અઘટિત ઘટના ઘટે તેમાં કોઈ મા-બાપનો લાડકવાયો સામેલ હોવા નો ! આવા લાડકવાયાની પૃચ્છા કે પગલેપગલાની ગણતરી રાખવાનો રીવાજ બળુકો બનેતો ઘણાં એવાં બનાવો છટકીને અટકી જાય.મિત્રાને મુંજાલ જેવાં યૌવનને આમ મળવાની મોકળાશ ક્યાં સુધીની હોવી જોઈએ ? ક્યાંક ફોરવર્ડ હોવોનો ગર્વ ગળી કે ઓગળી જાય છે.મિત્રાનાં મમ્મી-પપ્પા એકબીજા પર દોષારોપણ કરવાં તત્પર થયાં હતાં.આંખો રડ્યાં પહેલાં લડી ચૂકી હતી પણ નાજૂક પરિસ્થિતિને સંભાળી લેવાની હતી.મમ્મી મિત્રા પાસે બેસી,પોતાના પડખે ખેંચી સાંત્વન આપવા લાગ્યાં.દોષ કોઈને દીધા જેવો નથી,આ સમયમાં ન બનવાનું બધું જ બને.આ સાર્વજનિક સમસ્યા છે,કોના ઘરે આવું બને ને કોના ઘરે ન બને એવી પોકળ ધાર ણાનાં પકીડા બાંધવાના બંધ કરવાં પડે.કોઈ સંસ્કારની જીવતી લાશ લઇ ફરતાં,લડતાં,નડતાં કે ઝઘડતા હોય તોતેને બધું મુબારક.હવે સંસ્કારની સંકલ્પના પણ બદલવી પડે તેવું છે. હવે સંતાન અને મા-બાપ બંને પક્ષે જરૂર છે,સાવચેતી કે અગમચેતીની. પરિપક્વ થયેલ યંગસ્ટર્સ ઝપટમાં કે એમ લપેટમાં આવતાં હોતાં નથી.

મિત્રાને મુંજાલ કોલેજમાં બંક મારી છટકી જતાં,એકાંત શોધી અટકીને ત્યાં લટકી જતાં.છૂટછાટ, છેડછાડ થઈને ઉભી રહે ત્યારે સ્થિતિ ગંભીર બને છે.નાદાનિયતમાં બંનેને ગમતું હતું.પણ કોઈએ કેમેરામાં કેદ કરી, ફરતાંને રમતાં કરી દીધા એટલે આ હોળી સળગી.દુઃખ જાહેર થયાનું હોય છે બાકી ચોરી-છુપીનું સુખ અનન્ય ગણાય છે. મિત્રાને સપનામાં કે કલ્પનામાં પણ નહી હોય કે આવું બને ! તે રીતસરની ડઘાઇ ગઈ હતી.

‘મેં આવું કશું કર્યું નથી !’આમ કહેવા મિત્રા મથી રહી હતી પણ જીભ ઉપડતી નથી.સાબિતી સામે છે. બચાવની કોઈ બારી નથી.યંગસ્ટર્સ ખૂલ્લા ને બિન્ધાસ્ત હોય છે.એને પોતીકા જગત સિવાય કોઈની પરવા હોતી નથી પણ માં-બાપ આગળ આમ બને તે અસહ્ય લાગે છે.મિત્રાનું ફ્રેન્ડસર્કલ વસ્તીની ઐસીતૈસી કરી, આવી સસ્તી વાતોની મસ્તી માણી લેતું. એકબીજાને મદદ પણ કરે.કંઈ એવું બનેતો સાચવી લે. પણ અહીં કોઈનું અળવીતરાપણું નડી ને લડી ગયું. મિત્રાનાં આળા હ્રદયમા આઘાતનાં ઉજરડા પડી ગયાં હતા.

‘બેટા !’તેના પપ્પાએ કહ્યું:‘માણસ માત્ર ભુલનાં પાત્ર...થાય.ચાલ ફ્રેશ થઇ જા પછી કંઈક કરીએ !’ આ દરમ્યાન પતિ-પત્નીએ સામે જોઈ નજરથી સંતલસ કરી લીધી. થોડીવારે મિત્રા ફ્રેશ થઇ સોફા પર બેઠી. ક્યાં ગફલત કરી,ક્યાં સંભાળવાનું હતું તે સમજાય ગયું હતું.પણ તેને એક પ્રશ્ન પજવતો હતો કે, ફોટામાં જે છે તેટલી હદે પોતે આગળ વધી ગયાં હતાં ખરાં ! ત્યાં તેના પપ્પાએ પાસે બેસી, મોબાઇલ હાથમાં લઇ સાવ હળવેકથી કહ્યું :‘બેટા,તારાં જેવું કોઈક છે,તેમાં તું નથી !’મિત્રા મોં વકાસી પપ્પા સામે જોઈ રહી.‘બેટા, આ બધી ટેકનોલોજીની કરામત છે પણ..!’ પપ્પા જે આગળ ન બોલ્યા તે મિત્રાને સારી પેઠે સમજાઇ ગયું હતું.

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.