આજે કેટલાંક કામસર દૂર જવાનું ગાડી લઈ ને બહાર નીકળ્યાં. રસ્તા પર ગાડી માં પેટ્રોલ ભરાવવા પંપ પર રોકાયા. ત્યાં જ વધામણી સાંભળવા મળી. ‘સાહેબ,કાર્ડ નહિ ચાલે. મશીન બંધ છે.’ વાંધો નહિ કહી ને મે વટ થી ફોન માં ટકટક કરી પે ટીમ ખોલ્યું. થોડી વાર હલાવ-હલાવ કર્યું. પણ લટકી ગયું તે લટકી જ રહ્યું. વોલેટ માં અંદરના નાના ખાના માં ઈમરજન્સી ફંડ ફંફોળ્યું, જેમાં પહેલાં હંમેશા એક પાંચસો ની નોટ કાયમ માટે ઘર કરી ને રહેતી હતી. હવે તો પાંચ નોટ રાખતાં ફુગ્ગો થઈ જતો ( અને આમ પણ સો ની પાંચ નોટ હતી પણ ક્યાં?)અને વળી તેમાં કાર્ડ ને માતાજી(ઘરનાં અને બહારના બંને) ના ફોટા વ. પણ હોય ને! આવડા અમથાં કેટલું સમાય? ખાંખા ખોળા કરતાં 300 જેટલાં રૂપિયા ભેગા થયા. સો ની ત્રણ મૂલ્યવાન નોટો બચાવવા ખાલી હાથ ને તળિયું ટાંકી સાથે પાછા ફરવા નું યોગ્ય લાગ્યું. ગાડી બહાર લેવા માટે ઘૂમાવી. સામે જ મોટું બોર્ડ હતું: મારા પૈસા સુરક્ષિત છે-કાળા બજાર સામે ના જંગ માં.

જો જો વાર્તા અહી પૂરી નથી થતી. ખેર અડધે થી પાછા ઘેર જઈ હાથી ને મૂકી બકરી જેવા ટુ-વ્હીલર લઈ ને લાંબા અંતર સુધી જવા માટે કમર કસી. એકાદ કિલોમીટર ગયા ત્યાં તો બકરી ને પોતાની જાણે માનહાનિ થયેલ લાગતી હોય તેમ પાછલાં પગ ને ઊંચો કર્યો. એક મોટો ફટાકડો અને સ્કૂટી ના રિસામણા એવાં કે હટવા નું તો શું હલવા નું જ નામ ન લે. ભાઈ-બાપા કરીને થોડી ચલાવી. નસીબજોગે થોડેક જ દૂર જાણે સાક્ષાત ભગવાન, મારો કાળિયો ઠાકોર જાણે દેખાયો.નાયર જ સ્તો! પંકચર રિપેર વાળાએ જાહેર કર્યું- નવી ટ્યુબ નાંખવી પડશે. અને પછી ફટાફટ કામે લાગ્યો. એમાં ને એમાં અડધો કલાક નીકળી ગયો.

‘સાહેબ બસો રૂપિયા...’

ભારે હ્રદયે પ્રાણપ્યારી સો ની બે નોટ ને વિદાય કરવી જ પડી. હવે બચી ગયેલી એક માત્ર નોટ ને સાચવી રાખવા માટે ઘર તરફ જ પ્રયાણ કરવાનું ઠીક લાગ્યું. ફરી સામે એ જ બોર્ડ

–ઈન્ડિયા ગોઝ ડિજિટલ.

હું ઘડી માં બોર્ડ સામે, ઘડી માં પંકચર ની દુકાન સામે અને ઘડી માં મારા પાકીટ સામે જોઈ રહ્યો.


gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.