તું રોક શકે તો રોક ..વરના બરદાસ્ત કર લે મેરી જોક ..

અમેરિકાના દેશીઓમાં કે ભારતનાં સ્વદેશીઓની પાર્ટીઓમાં એક વાત કોમન હોય તો પાર્ટી દરમિયાન કહેવાતા જોક્સ . સામાન્ય રીતે આ જોક્સ રમૂજ માટે કહેવાતા હોય છે પણ ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે આ જોક્સ કરતા જોક્સની ડીલીવરી વધારે રમુજ આપનારી હોય છે. "મનુ સ્મૃતિ" એ જણાવ્યા પ્રમાણે (એટલેકે અમારા ગ્રુપના મનુ ભાઈ અને તેમના પત્ની સ્મૃતિ બેનના જણાવ્યા પ્રમાણે ) , દરેક જોક કહેનારે જોક કહેતા પહેલાં મનોમન એનું રીહર્સલ કરી જાવું જરૂરી હોય છે . જો કે રંગમાં આવી ગયેલા આપણા "દુલ્હન એક રાતકી" ની જેમ એક રાતના આ "કલાકારો" ને આ મનુ સ્મૃતિની સલાહની મનમાંથી વિસ્મૃતિ થઇ જાય છે , અને જાત જાતના ભાંગરા વટાય છે .

સૌથી પહેલા તો દરેક શુભ કાર્યક્રમનો આરંભ ગણપતિની સ્તુતિથી થાય તેમ ...દરેક બિનસત્તાવાર જોક સેશનની શરૂઆત , આદરણીય શાહબુદ્દીનભાઈ રાઠોડના જોકથી શરૂઆત થાય છે . પચાસ વાર સાંભળેલી આ "જોક ", જો શાહબુદીન ભાઈ પોતે એકાવનમી વાર સંભળાવે તો તો હજી સહન થઇ જાય ..પણ કોઈ "એમેચ્યોર " જયારે અચકાતાં અચકાતાં જયારે આ જોક કહે ત્યારે 0.5% રમુજ અને 99.5% શ્રોતાઓની સહનશીલતાનું તત્વ રહેલું હોય છે . "વનેચંદ " થી શરુ થયેલી આ યાત્રા અમદાવાદી કાકા , મારવાડી ,સિંધી અને સરદારજી જેવા સ્ટેશનો પસાર કરતી આગળ વધે છે . સ્ટેશને સ્ટેશને આ ગાડીના ડ્રાઇવર બદલાતા રહે છે . દરેક ડ્રાઇવર પોતાની કાબેલિયત મુજબ પાર્ટીમાં આવેલા લોકોના દિમાગનું દહીં કરતા રહે છે .

સૌથી અજ્ઞાની લોકો એ હોય છે કે "જો હું એક જોક્સ કહું છું ..." કહીને શરુ કરે . "એક જોક્સ" બોલીને ખરેખર તો એણે પોતાની જ જોક કરી નાખી હોય છે એનો એને ખ્યાલ સરખો નથી હોતો . એક વર્ગ એવો હોય છે કે FBI નું કોઈ "ટોપ મોસ્ટ સીક્રેટ " કહેતો હોય તેમ કોઈની ચાલુ જોકે , બાજુવાળાના કાનમાં ફૂસફૂસ કરીને પોતાની જોક અલગથી કહેવા માંડે . આનું કારણ એટલું જ કે આ "ગુપ્તેશ્વર " જો પોતે જાહેરમાં જોક કરવા જાય તો એની જીભ ખાંડવીની જેમ ગૂંચળુ વળીને તાળવાના ખૂણે થપ્પો રમતી હોય તેમ સંતાઈ જાતી હોય , અને ગળામાંથી અધકચરા કક્કો બારાખડીની જેવા "આ આ ઈ ઈ ઉ ઉ " એવા સ્વરો જ નીકળે . આ વર્ગનો બીજો એક "હમશકલ " વર્ગ પણ છે ..આ વર્ગના માણસોને પણ ટેવ હોય છે , પોતાના પાડોશીના કાનમાં "ગણ ગણ " કરવાની ... પણ આ "ગણ ગણ" પાછળ એક ચોક્કસ ગણિત હોય છે , એમની જોક "નોન વેજ " હોય છે એટલે જાહેરમાં કહી શકાય તેમ નથી હોતી .

આ નોન વેજ જોકનું પણ એવું છે કે ઘણી વાર SOCIAL NORMS થી અજાણ એવો કોઈ અબુધ , વડીલોની હાજરી વચ્ચે આવો કોઈ અણછાજતો જોક કરી નાખે ,. ત્યાર પછીની થોડીક પળોનું વાતાવરણ અદભુત રીતે આર્ટીફીશીયલ થઇ જાય છે ...આ ઉપદ્રવી તો પોતાનું હૈયું ઠાલવી નાખીને યથા સ્થાને "હેં હેં હેં " કરતો બેસી જાય , પણ એની આજુબાજુ બેઠેલાઓમાં સંકોચ સંતાડવા માટે કારણ વગરની ચહલ પહલ શરુ થઇ જાય . કોઈ પાણીનો જગ ખાલી હોવા છતાં, ઉભો થઈને ગ્લાસમાં પાણી ભરવાનો ડોળ કરવા માંડે , તો કોઈ સ્વીચ ઓફ કરેલો પોતાનો ફોન કાને વળગાડીને અગત્યની બીઝનેસ ડીલ કરતો હોય તેમ વાત કરવાનો ડોળ કરવા માંડે . કોઈ વળી છેલ્લા વર્ષોથી આ પાર્ટીના હોસ્ટના ઘરમાં આવતો હોવા છતાં,દાઢી પર હાથ ફેરવતાં ફેરવતાં (પોતાની દાઢી , હોસ્ટની નહી ..!!!) બોલવા માંડે "આ પંખો નવો નખાવ્યો ..?" ....હવે પંખાની મેલને પૈડ ભઈલા .... પેલાના કરપીણ જોક પછી પંખો નહી . તું અને તારો યજમાન બંને નખાઈ ગયા છો .જરા તારા હોસ્ટ પર નજર કર ...બિચારાનું મોઢું અડદિયાની જગ્યા એ દેડકો ચવાઈ ગયા જેવું થઇ ગયું છે .

આ "જોક સેશન્સ " માં ઘણાં હસબંડ વાઈફ નો "કોમ્બો " જોવા લાયક હોય છે . ઘણી પત્નીઓને એમના વરમાં "કપિલ શર્મા" કરતા પણ વધારે હુન્નર દેખાતો હોય છે . આવી પત્નીઓ જે રીતે ઘરે એના વરને હુકમ કરતી હોય કે "કણક બાંધી નાખજો ".. "કપડા સુકવી નાખજો .. ." એ રીતે જ " એ પેલા ઊંટ વાળો જોક કહો તો " ..એ પેલો ચિમ્પાન્ઝી ની ચડ્ડી વાળો જોક કહો તો .." એવા એવા હુકમો છોડીને પાનો ચડાવે રાખતી હોય છે . હસબંડ પણ બીચારો " ઊંટ વાળો જોક તો આ લોકો એ સાંભળ્યો હશે .." કહીને છટકવાની પેરવી કરતો હોય ..આ નાજુક ક્ષણે દરેક શ્રોતાઓની જીભે આ શબ્દો આવી જાતા હોય છે કે .." હા .હા . આ જોક તો તમે ગયા મહીને ભેગા થયા ત્યારે જ કહ્યો હતો , પણ વિવેકના માર્યા આ શબ્દો બહાર નથી પડતા .. પરંતુ બહાર નીકળે છે ..." ના .. ના ...અહી ઘણા નવા છે એમણે નહી સાંભળ્યો હોય .." ..આમ આપણે છેલ્લા બાર મહીનામાં સતરમી વાર એના ઊંટ પર સવાર થાવું પડે છે , અને આ ઊંટ પરથી ઉતરીયે ત્યાં જ ચિમ્પાન્ઝીની ચડ્ડીમાં અટવાઈ જઈએ છીએ . તો પેલા આ પાર્ટીમાં નવા આવેલાઓ લમણું કૂટતા હોય છે કે જૂની પાર્ટી છોડીને આ નવા ગ્રુપમાં આવ્યા તો અહી યાં પણ "ચિમ્પાન્ઝીની ચડ્ડી " પાછળ પાછળ આવી ..જોક કહેનાર બદલાય છે , જોક નથી બદલાતો . "મંઝીલ વહી હૈ પ્યારકી , રાહી બદલ ગયે ..!!!"

કોઈ વાર પત્ની જોક શરુ કરે ," એક સરદારજી હૈદરાબાદ ગયા ..." અને ત્યાં તો એનો હસબંડ ખુરશીમાની સ્પ્રીંગ નીચેથી છટકી હોય તેમ ઉછળે , ..."હૈદરાબાદ નહી હવે ...અલ્હાબાદ ... તને નહી ફાવે " ..ખલ્લાસ ...જોકની પતંગની દોર વાઈફના હાથમાંથી આ અનાડી હસબંડના હાથમાં આવી જાય . વાત તો સાચી ..આ બીચારી વાઈફને તો હસબંડ પસંદ કરતા પણ ના ફાવ્યું ત્યારે તો તારી જેવા જામ્બુવાનને પસંદ કર્યો . તારી જેવા સરમુખત્યાર સાથે આની લાઈફ લોક થઇ ગઈ એના શોકમાંથી એ બહાર આવે તો એને જોક સરખી રીતે કહેતાં ફાવેને .? ...સરદારજી હૈદરાબાદ જાય કે અલ્હાબાદ , .ભલા માણસ ,હવે તું વચ્ચે મુરાદાબાદના લોટા ની જેમ ગબડવાનું બંધ કર એટલે પત્યું ...

ઘણા એવા ગંભીર થઈને જોક કહેતા હોયકે એ જોક કરે છે, કે કટોકટીના સમયે ઓલ ઇન્ડિયા રેડીઓ પરથી સમાચાર વાંચે છે એ ખબર જ નાં પડે . આવા ગૌતમ "ગંભીર" નો જોક પૂરો થાય ત્યારે ગેરસમજમાં ઘણી વાર સાંભળનારાઓ હસવાને બદલે "અરરરર ...બહુ ખોટું થયું ." એવા ઉદગાર કાઢી નાખતા નજરે આવે છે . તો આથી વિરુધ્ધ કેટલાક પોતે જોક કહેતા કહેતા જ વચ્ચે વચ્ચે અસંખ્ય વાર "ખી ખી ખી ખી " કરે રાખતા હોય છે . પરિણામે આપણે જેમ ભાત વચ્ચેથી કાંકરી કાઢી કાઢીને ભાત ખાઈએ તેમ એમનું "ખી ખી ખી ખી " અલગ પાડીને જોક સમજવાની મહેનત ઉઠાવવી પડે છે .

હવે છેલ્લા થોડા વર્ષોમાં એક નવો technologically advanced ક્લાસ અસ્તિત્વમાં આવ્યો છે . જેમ અમેરિકાની અમુક એકઝામમાં ચોપડી સાથે લઈને બેસવાની છૂટ હોય છે તેમ આ લોકો યાદ કરી ને જોક કહેવાની મહેનત કરવાને બદલે પોતાનો સ્માર્ટ ફોન ખોલીને "વ્હોટસ એપ " કે sms પર આવેલા વાસી જોકસ આપણી સાથે આંખ પણ મેળવ્યા વગર વાંચવા માંડે છે . આપણા કમનસીબે આ ઘટના આટલેથી નથી અટકતી . આ ફોનની પાછળ ચહેરો છુપાવીને જોક વાંચતી વ્યક્તિની આજુબાજુ બેઠેલા,અચાનક કોઈ મોટા ખજાનાનો ભાગ પડી રહ્યો હોય અને પોતે ભાગ વગર રહી ગયા હોય તેમ જોક કહેનારને વિનંતી કરવા માંડે છે ..." આ મને ફોરવર્ડ કરી દેજોને .." . આ સમયનું દ્રશ્ય પણ આલ્હાદક હોય છે . આવી વિનંતી કરનારા ખાલી વિનંતી જ નથી કરતા . "ફોરવર્ડ કરી દેજો ને" કહેતાં કહેતાં , ખિસ્સામાંથી પોતાનો ફોન કાઢીને પેલાના ફોનની સામે ધરે છે . તમે જ કહો હવે આનો શું અર્થ ..? આ તે ફોન છે કે દિવાળીનાં તારા મંડળ ? ..કે એક બીજાની પાસે રાખવાથી સળગે ..? આવા ભાગ લેવા નીકળનારાઓ ના ફોન, ,ગંજીપાની કેટની જેમ ભેગા કરીને બાલ્કનીમાંથી ઘા કરવાની ઈચ્છા થઇ જાય . ભલા માણસ , હજી હમણાં જ તો આણે આ જોક કહી સંભળાવ્યો .હવે એને પાછો તું તારા ફોનમાં સંઘરીને તું શું કરીશ ..?...તારા છોકરાને વારસામાં આપીને જઈશ ..?..પછી આજથી દશ વર્ષ પછી તારો છોકરો આ જર્જરિત જોક સંભળાવીને મારા છોકરાનું માથું ખાય એમ ..?

આ બધા વચ્ચે એક્ર કલાકાર એવો પણ મળી આવે કે જે બિલકુલ હોમવર્ક કર્યા આવ્યો હોય અને અધૂરામાં પૂરું એના જોકમાં બેથી પણ વધારે પાત્રો હોય . આવડો આ શરૂઆત કરે "એક વાર એક બ્રિટીશ , એક અમેરિકન અને આપણા સરદારજી એક લીફ્ટમાં સો માં માળે જતા હતા ." ...આપણા કાન બરાબર સેટ થયા હોય ત્યાં વળી પેલો પલટી મારે ..."ના .. એક્ચ્યુલી ..એક રશિયન ,એક અમેરિકન અને આપણા સરદારજી લીફ્ટમાં સો માં માળે જતા હતા , લીફ્ટ પચાસમાં માળે પહોંચીને ત્યાં રશિયન બોલ્યો ...", વળી પાછો બ્રેક ..."ના ઈનફેક્ટ લીફ્ટ ચાલીસમાં માળે હતી ત્યાં અમેરિકને કહ્યું ..." ...આ ટાઈમે બોસ ,તમારે તમારા છોકરાનું સ્કૂલમાં એડમીશન કરાવવું હોય તો બેફિકર થઈને કરાવી આવો . તમે ડોનેશન આપીને,ફી ભરીને , છોકરાનો યુનિફોર્મ દરજીને ત્યાં આપીને આવશો ત્યારે પણ આની લીફ્ટ પેલા ત્રણને લઈને ચાલીસથી સો માં માળ વચ્ચે ઉતર ચડ કરી રહી હશે એની પૂરી ગેરેન્ટી હું આપું છું .

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.