શોખ વ્યવસાય બન્યો અને પછી લખાયો પુરો ઇતિહાસ!

કરણ જોહરની 'ધ અનુસ્યુટેબલ બોય' પ્રકારની પેજ 3 આત્મકથાઓ થેન્ક્સ ટુ પીઆર એજન્સીઓનાં પ્રતાપે જેટલા સમાચાર ગ્રેબ કરી લે છે એટલું ખરા અર્થમાં પ્રદાન કરતા માણસ વિષે ભાગ્યે જ લખાતું હોય છે! બહુ જુજ નસીબદાર માણસો હોય છે જે પોતાના શોખને વ્યવસાય બનાવી શકે છે, મોટા ભાગના લોકો પોતાના વ્યવસાયને શોખ માનવાની જિંદગીભરની ગલતફહેમી માં આયુષ્ય વિતાવી દે છે! આપણે ત્યાં ક્રિયેટિવ ફિલ્ડને બહુ ગંભીરતા થી લેવામાં નથી આવતું કારણકે એમાં કોઈ ડિગ્રી ઈન્વોલ્વડ નથી હોતી. ઇન્જીનિયર કે એમબીએ થઈએ તો તરત નોટિસ થઈએ અને સારી નોકરી મળી જાય, પોતાની એક ઓળખ બને. પણ ગાયિકી, સંગીત, રમતગમત, લેખન કે ફોટોગ્રાફી જેવી પ્રવૃતિઓ કેટલાય બની બેઠેલા એક્સપર્ટ લોકોના હાથમાં જજ થવા માટે જઈ ચઢે છે. પરિણામે એ શોખ બની ને રહી જાય છે અને ક્યારેય કરિયર નથી બની શકતી.

ફિલ્મ ‘થ્રી ઈડિયટ્સ’માં માધવન ને ફોટોગ્રાફર બનવું હોય છે પણ બાપ હંમેશા ઈચ્છે છે કે દીકરો ઇન્જીનિયર બને, ફિલ્મના એક સીનમાં બાપને ફીલ થાય છે કે દીકરાને એનું મનગમતું કરવા દેવું જોઈએ અને દર્શકો ખુશ થઇ જાય છે! હકીકતમાં આવું અને આટલું જલ્દી પરિવર્તન આવતું હોય છે? ફિલ્મ ‘વેક અપ સિદ’ (ઘણા લોકો ખોટી રીતે સીડ લખે છે!)માં રણબીર કપૂરને પણ ફોટોગ્રાફીનો ખુબ જ શોખ હોય છે. છેલ્લે એવું બતાવાય છે કે એક જાણીતા મેગેઝીનમાં એ ટ્રેઈની ફોટોગ્રાફર તરીકે જોડાય છે એનો એક ફોટો મેગેઝીન માટે સિલેક્ટ થઇ જાય છે. કહેવાનો મતલબ એટલો જ કે શોખ ને કોઈ ડિગ્રી થી જજ નથી કરી શકાતો, પરિણામે એ એની મંઝિલ સુધી ભાગ્યે જ પહોચતો હોય છે.

ગૌતમ રાજાધ્યક્ષ પર લખવાનું આવે એટલે મોટેભાગે લોકો પહેલો સવાલ એ કરે કે એ કોણ?? હિન્દી સિનેમામાં ‘પાયોનિયર લેન્સમેન’ કહેવાય એવા ગૌતમ ગત ૧૩મી સપ્ટેમ્બરે માત્ર ૬૧ વર્ષની ઉંમરે અલવિદા કહી ગયા. અહિં કોઈ શ્રધ્ધાંજલિ નથી લખવી પણ એણે યાદ કરી એની વાતો કરવી એ કોઈ ઉત્સવ થી કમ નથી! ફોટો જર્નાલિઝમમાં ભારતમાં રઘુ રાયનું જેટલું મોટું નામ છે એટલું જ મોટું નામ ગૌતમ રાજાધ્યક્ષનું ફિલ્મ અને ફેશન ફોટોગ્રાફીની દુનિયામાં કાયમ થયેલું છે.

ગૌતમ મૂળ તો એડવર્ટાઈઝિંગનો માણસ, ૧૯૭૪માં લિનટાસ નામની એડ એજન્સી જોઈન કરીં. છુટક ફોટોગ્રાફીના અસાઈનમેન્ટ કરે એ ઉપરાંત ફુલટાઈમ કોપી રાઇટર તરીકે જાહેરાતોની સ્ક્રિપ્ટ્સ લખે. કઝિન શોભા ડે એ ‘સેલેબ્રિટી’ મેગેઝીન માટે ગૌતમને ઇન્ટરવ્યું વખતે વિવિધ સેલેબ્રિટીઝના ફોટોઝ લેવાનું કહ્યું. ગૌતમે શબાના આઝમી ને ૧૯૮૦માં સૌ પ્રથમ કેમેરામાં કેદ કરી, જે શબાના એની કોલેજમાં બેચમેટ પણ હતી. એ પછી ગૌતમે જેકી શ્રોફ, ટીના મુનીમના પુરા ફેશન ફોટોગ્રાફ્સ પોર્ટફોલીયો બનાવી આપ્યા. અને પછી ગૌતમ ને આમાં એક સ્વતંત્ર કરિયર દેખાતા ૧૯૮૭માં એડ એજન્સી છોડી ફેશન અને સ્ટીલ ફોટોગ્રાફી ફૂલ ટાઈમ અપનાવી.

‘ઈલ્લસટ્રેટેડ વીકલી ઓફ ઇન્ડિયા’, ‘સ્ટારડસ્ટ’, ‘ફિલ્મફેર’, ‘સિનેબ્લિટ્ઝ’ જેવા મેગેઝિન માટે ફ્રી લાન્સિંગની ગાડી સડસડાટ દોડી અને ગૌતમનું નામ ધીમે ધીમે બેન્ચમાર્ક બનવા તરફ આગળ વધ્યું. નુતન, દુર્ગા ખોટે, અમિતાભ અને રાજેશ ખન્ના, લતા મંગેશકર અને આશા ભોંસલે, રતિ અગ્નિહોત્રી, કમલ હસન વગેરે ના રેર કહી શકાય એવા એક થી એક ચઢીયાતા ફોટોઝ ગૌતમે શુટ કર્યા.

ભારતીય સિનેમામાં બ્લેક & વ્હાઈટ ફોટોગ્રાફી ગૌતમે પોપ્યુલર કરી, એક અલગ પરિમાણ ઉમેર્યું એમ કહેવામાં સહેજ પણ અતીશયોક્તી ન કહેવાય. અમિતાભ થી લઇ મોટી મોટી ફિલ્મ હસ્તીઓના ઘરમાં આજે બાળપણ થી અત્યાર સુધીના એમના ફેમિલી આલ્બમ્સ ગૌતમે શુટ કર્યા છે! બીજી તરફ જનરલ શામ માણેકશા, જેઆરડી તાતા, એમ એફ હુસૈન (ગેટ વે ઓફ ઇન્ડિયા પાસે કબુતરોની વચ્ચે લીધેલી અદભુત તસ્વીર!) અને બીજા જેટલા નામ ગણાવીએ એટલા ઓછા છે. સ્ટિલ ફોટોગ્રાફી બહુ ચેલેન્જિંગ કામ છે, પ્રખ્યાત ફોટોગ્રાફર જગદીશ માલી કહે છે કે ક્રિયેટિવ ફીલ્ડ માં કોઈની કોપી કરવી એવું કઈ ન હોય પણ જો તમે ગૌતમ રાજાધ્યક્ષના ૨૫% સુધી પણ જો પહોંચી શકો તો બહુ મોટી ઉપલબ્ધી કહી શકાય.

કાજોલને ‘બેખુદી’ થી ડાયરેકટર રાહુલ રવૈલએ નહિ પણ ગૌતમ રાજાધ્યક્ષએ લોન્ચ કરી કહેવાય કારણકે ગૌતમે જ રાહુલ ને પોતાના અનુભવ પર થી કહેલું કે આ છોકરીમાં એક હિરોઈન મટીરિયલ અને કેલીબર છે. બીજી તરફ ટીના મુનીમ, ટ્વિન્કલ ખન્ના, માધુરી દીક્ષિત ના એક થી એક વિન્ટેજ કહેવાય એવા ફોટોઝ ગૌતમે લીધા છે. ૧૯૯૭માં ‘ફેસીઝ’ નામ ના એના ફોટો કલેક્શનમાં ગૌતમે પોતે લીધેલા ૨૦૦ જેટલી સેલેબ્રિટીઝ માંથી ૪૫ જેટલી પર્સનાલીટીઝ ને ઇન્ક્લુંડ કર્યા છે. મરાઠી મેગેઝિન ‘ચંદેરી’ માં એઝ એન એડિટર અને કેટલાક છુટ્ટા છવાયા ટોક શોઝ માં પોતાની જાત ને બિઝી રાખી ગૌતમ નું એક સ્વપ્ન હતું કે પોતે એક ફોટોગ્રાફી ની ઇન્સ્ટીટયુટ શરુ કરે.

ગૌતમ રાજાધ્યક્ષ પોતાનો ૬૧મો જન્મદિવસ પુણેની સિમ્બાયોસીસ સંસ્થામાં ૧૬મી સપ્ટેમ્બરે વિદ્યાર્થીઓ સાથે મનાવવાના હતા પણ કિસ્મતમાં કંઈક અલગ જ લખેલું. ફોટોગ્રાફી જેવા હટકે શોખ ણે વ્યવસાય બનાવી અને દંતકથા કહી શકાય એવી તસ્વીરો લઇ ગૌતમ તો લાંબી સફરે નીકળી ગયા પણ એ કેવું કહેવાય જયારે એની શ્રદ્ધાંજલિ છપાય ત્યારે એના નહિ પણ એણે લીધેલી અમિતાભ-રાજેશ-ડીમ્પલ કે કાજોલની તસ્વીરો છપાય. પડદા પાછળ રહી પોતાનું હુન્નર બતાવનારા આ લેજન્ડરી લેન્સમેનને હેટ્સ ઓફ જેના લીધેલા ફોટોઝ જોઈને આ લખનાર જેવા કેટલાય દોસ્તોના બાળપણ વીત્યા છે!

પાઈડ પાઈપર:

‘મને જિંદગીભર અફસોસ રહેશે કે હું મીનાકુમારી, સંજીવ કુમાર અને મધુ બાલા જેવી હસ્તીઓને મારા લેન્સમાં કેદ ન કરી શક્યો!’ – ગૌતમ રાજાધ્યક્ષ

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.