જૂનાં પ્રેમી-પ્રેમિકા સાથે પનારો પાડવાની કળા!

તેર વર્ષ પહેલાં મુંબઈના વિખ્યાત ઓલિવ પબમાં એક રાતે સલમાન ખાન અને રણબીર કપૂર વચ્ચે ઝઘડો થઈ ગયેલો. ઝપાઝપીમાં રણબીરનું શર્ટ ફાટેલું. એ વખતે રણબીર ફિલ્મસ્ટાર નહોતો. તેની ઓળખ ફક્ત નીતૂ-રિશીના દીકરા તરીકેની જ હતી. તો, નશો ઉતર્યા બાદ બીજા દિવસે સલમાન પહોંચ્યો રણબીરના ઘરે. સાથે પપ્પા સલીમ ખાનને પણ એ લઈ ગયેલો (શક્ય છે કે ઘટનાની જાણ થયા પછી પપ્પા સલીમ દીકરા સલમાનને ‘કાન પકડીને’ રિશીને ત્યાં લઈ ગયા હોય). પછી તો સલમાને રણબીરની માફી માગી અને એક મસ્ત શર્ટ ભેટમાં આપ્યું. રણબીરે શર્ટ સ્વીકારી લીધું. વાત ત્યાં પૂરી થઈ, પણ ખેલ ત્યાં પૂરો ન થયો. એ ઘટનાના તેર વર્ષ બાદ ફિલ્મ 'તમાશા'ના પ્રચાર માટે હાલમાં એવું નક્કી થયું કે સલમાનસંચાલિત શો 'બિગ બોસ'માં રણબીર-દીપિકા સાથે જશે. પણ રણબીરે સલમાનવાળા શોમાં જવાની ના પાડી દીધી. આ ઇનકારનું કારણ પેલા ફાટેલા શર્ટ કરતાં કેટરીના હોવાની શક્યતા વધારે છે. સૌ જાણે છે કે કેટરીના અગાઉ સલમાનની ખાસ ફ્રેન્ડ હતી અને હવે રણબીરની ગર્લફ્રેન્ડ છે. પોતાની નવી પ્રેમિકા કેટરીનાના 'એક્સ' (જૂના પ્રેમી) સલમાનને મળવાનું રણબીરે ટાળ્યું.

નવા સાથીના જૂના સાથી સાથે પનારો પાડવાના આવા કિસ્સા માત્ર ફિલ્મજગતમાં જ નહીં, આખા સંસારમાં વધી રહ્યા છે. આમ પણ, છોકરા-છોકરી મોડાં પરણી રહ્યાં હોવાથી આજકાલ લગ્ન પહેલાં બે-ચાર પ્રણયસંબંધો સામાન્ય બની રહ્યા છે. એમ તો લગ્ન પણ બેચાર તૂટે પછી માંડ ગાડું ચાલે કે પછી આખી જિંદગી બ્રિટિશ અભિનેત્રી એલિઝાબેથ ટેલરની જેમ લગ્ન-છૂટાછેડાનો સિલસિલો ચાલતો રહે એવા કિસ્સા પણ જોવા મળી શકે. આવામાં નવા પાર્ટનરના જૂના પાર્ટનર સાથે પનારો પાડવાના પ્રસંગો ઊભા થવાના જ.

એક વ્યક્તિ આપણી સાથી બને ત્યાર બાદ એ અગાઉ કોની કોની સાથે કેવી રીતે કેટલી સંકળાયેલી હતી એ બધું ગૌણ બની જાય છે. હા, એ વાત સાચી છે કે પુરુષના માલિકીભાવ અને સ્ત્રીના ઇર્ષ્યાભાવને લીધે 'એક્સ' સાથેનું મિલન અકળાવનારું બની શકે. એમ તો 'એક્સ' સાથેની મુલાકાતમાં એવું જોખમ પણ રહે કે ક્યાંક 'એક્સ' સાથેની જૂની આગ ફરી ભડકી ઊઠે તો! આવી સ્થિતિમાં ખરેખર તો નવા સાથીને હક છે નવી ભૂલ સુધારીને જૂના સંબંધમાં પાછા ફરવાનો. ખેર, આટલી હદે આગથી ખેલવાની હિંમત ન હોય કે પોતાના પ્રેમ પર ભરોસો ન હોય તો પણ એક વાત ખાસ સમજી લેવા જેવી છે કે 'હાલની વ્યક્તિ કે એક્સ, એ બેમાંથી વધુ સારું કોણ?' એ સમજવા જેટલી સમજણ તો પ્રત્યેક માનવીમાં હોય જ છે. એટલે જો આપણે સારા હોઈએ તો ભલભલા એક્સ સાથેની મુલાકાત છતાં આપણી વ્યક્તિ ડગવાની નથી અને આપણે સારા ન હોઈએ તો આપણી વ્યક્તિ એક્સને ન મળે તોય ડગમગ્યા કરશે, સતત. મુદ્દો આટલો જ છેઃ આપણે સારા જીવનસાથી છીએ કે નહીં? તમે સારા છો? તો ફિકર કી કોઈ બાત નહીં. નથી? તો ચેતતા રહેજો. જમાનો 'ખરાબ' છે. સંબંધવિચ્છેદ કે છૂટાછેડા થવામાં હવે જૂના જમાના જેટલી વાર નથી લાગતી.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 'એક્સ' સાથે પનારા પાડવાના કિસ્સા વધુ જોવા મળે છે, કારણ કે આ એક નાનકડી ઇન્ડસ્ટ્રી છે અને અહીં સ્ત્રી-પુરુષની નિકટતાનું પ્રમાણ વધુ હોવાથી સંબંધોનું તથા સંબંધવિચ્છેદનું પ્રમાણ ઊંચું રહે છે. આવામાં, નવા સંબંધ પછી જૂના સંબંધ સાથે પનારો પાડવાની કળામાં હીરો કરતાં હીરોઈનો વધુ કૂલ હોવાનું જોવા મળ્યું છે. જેમ કે, શાહિદ કપૂર અને કરીના કપૂર એક તબક્કે પાક્કા પ્રેમી હતાં. પછી કરીના પરણી સૈફને અને શાહિદ પરણ્યો મીરાંને. ગયા જુલાઈ મહિનામાં શાહિદ-મીરાં પરણ્યાં ત્યારે કરિનાએ (પતિ સૈફ સાથે મળીને) એક સુંદર ગિફ્ટ શાહિદ-મીરાંને આપવાનું સૌજન્ય દાખવેલું. અને કેટરીનાને જુઓ.

કેટરીનાને બરાબર ખબર છે કે એનો પ્રેમી રણબીર કપૂર અગાઉ દીપિકાના પ્રેમમાં હતો, છતાં કેટરીનાએ રણબીરને એની જૂની પ્રેમિકા દીપિકા સાથે 'તમાશા'માં કામ કરતો રોક્યો નહીં (અથવા એણે રોકવાની કોશિશ કરી હોય તો રણબીરે એને ગણકારી નહીં). એમ તો દીપિકાના નવા પ્રેમી રણવીરે પણ એને જૂના પ્રેમી રણબીર સાથે કામ કરતી રોકી નહીં કે પછી દીપિકા રોકાઈ નહીં (આ દીપિકાને રણબીર-રણવીર જ ગમે? ભારે રણપ્રેમી!) ખેર, એ બધું જે હોય તે, એક વાત નક્કી છેઃ દુનિયા બહુ નાની છે. છોટી સી યે દુનિયાના પહેચાને રાસ્તેં પર કહીં તો 'એક્સ' મિલેંગે, કભી તો મિલેંગે... જેમ કે, ગયા જ મહિને એક જિમમાં શાહિદ-મીરાં અને સૈફ-કરીના ભટકાઈ ગયાં ત્યારે બન્ને કપલે દસેક મિનિટ સુધી ભદ્ર મનુષ્ય તરીકે શાંતિથી વાતો કરેલી.

આર્ટ ઓફ ડીલિંગ વિથ એક્સ ('વો ભૂલી દાસ્તાં' સાથે પનારો પાડવાની કળા) હવે સમાજે શીખવી જ રહી, પુરુષોએ ખાસ. ૪૦ વર્ષ પહેલાં યશ ચોપરાની ફિલ્મ આવેલી, 'કભી કભી'. એમાં અમિતાભ-રાખી (અમિત-પૂજા) કોલેજકાળનાં પ્રેમી હતાં, જે પારિવારિક કારણોસર પરણી ન શક્યાં. પછી અમિતાભ આખી જિંદગી દુઃખી દુઃખી રહ્યો, જ્યારે રાખી તો શશી કપૂર (વિજય ખન્ના)ને પરણીને એક દીકરાની માતા બનીને સરસ રીતે જિંદગી ગાળવા લાગી. વર્ષો પછી જ્યારે અમિતાભ-શશીને મળવાનું થયું અને અમિતાભ-રાખીના જૂના સંબંધ વિશે શશીને જાણ થઈ ત્યારે શશીને વાત ચચરી તો ખરી જ. એ ચચરાટ બદલ શશીએ પોતાની જાતને જ ધીમા સાદે ઠપકો આપ્યો, 'બહોત હી છોટે આદમી નિકલે વિજય ખન્ના (જાતેપોતે).' નજીકમાં ઊભેલા અમિતાભે પૂછયું, 'શું કહ્યું?' જવાબમાં શશીસાહેબે કહ્યું: 'યે મર્દ જાત બડી ખુદગર્ઝ હોતી હૈ... ઇતની સી બાત કા અફસાના બના દિયા? (મારી પત્ની તમારી પ્રેમિકા હતી એ વાતને મેં આટલું બધું મહત્ત્વ આપ્યું?) અરે યાર, વો ઔરત જો આપકે બચ્ચે કી માં બનતી હૈ. બીસ સાલ આપ કે સાથ યૂં ગુઝારતી હૈ જૈસે પાની ખુશ્ક ઔર બંઝર ઝમીં પે બરસતા હૈ. ઔર ફિર મર્દ યે સોચને લગે કે ક્યા ઉસકા કોઈ માઝી થા, અતીત થા... ફલાં આદમી સે વો મિલી થી યા નહીં, ઉસે ચાહા થા યા નહીં. મૈં સમઝતા હૂં ઐસી છોટી ઔર ઘટિયા બાતેં સોચકર મર્દ અપને આપ કો ગિરા દેતા હૈ.'

આ બધી વાત પત્ની રાખી (પૂજા) પણ સાંભળે છે. ઘરે આવીને એ રડી પડે છે અને પતિ શશીને કહે છે, 'સચ માનો વિજય, તુમ્હારા યે રૂપ દેખકર તુમ પર બહોત માન હુઆ હૈ.' માન થાય જ, નેચરલી. સાથીનો રોમેન્ટિક ભૂતકાળ હોય તો હોય. તેથી શું થયું? ક્યારેક પ્રેમી કે પ્રેમિકાના (પતિ કે પત્નીના) 'એક્સ' સાથે અકસ્માતે ભેટો થઈ જાય ત્યારે શાંતિથી હાય-હેલો કરવા જેટલી ખેલદિલી તો દાખવવી જ રહી. આખિર મેનર્સ-સૌજન્ય ભી કોઈ ચીજ હૈ!

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.