''સરકારની તિજોરી ઉપર *** કરોડનો વાર્ષિક બોજ''

''સરકારની તિજોરી ઉપર *** કરોડનો વાર્ષિક બોજ''

(૧) ''રાજયના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વઘારો'' (ર) ''સરકારની તિજોરી ઉપર *** કરોડનો વાર્ષિક બોજ'' (૩) ''સરકારી કર્મચારીઓને બખ્ખા'' આવી હેડલાઈનો કોઈના ધ્યાનમાં ના આવી હોય, એવું બને જ નહી.. અને ધ્યાનમાં આવ્યા પછી કોઈએ કંઈ 'ખાસ કોમેન્ટુ' પાસ ન કરી હોય એવું પણ બને જ નહી.. બરાબર ને.?

સામાન્ય રીતે આવા સમાચાર વર્ષમાં બે વખત આવે છે, જયારે સરકાર ધ્વારા પોતાના કર્મચારીઓના પગારમાં મોંઘાઈ વધારો કરવામાં આવે છે.. શું કોઈ જાણે છે (કે પછી વિચારે'ય છે) કે આ મોંઘાઈ વધારો છે શું.? આ કેવી રીતે નકકી થાય છે.? શા માટે નકકી કરવામાં આવે છે.? કયારેય કોઈ ન્યુઝ કે ન્યુઝપેપરમાં આ બાબતે કાંઈ સ્પષ્ટતા આવી છે ખરી.? નહી ને.?

તો'ય વગર જાણ્યે, વગર મતલબે, વગર જ્ઞાને, ''સરકારી માણુસોને તો જલ્સા'', 'આ લોકોને શું ચિંતા'', ''લ્યો, વરી પાછો આ લોકોને પગાર વયધો''.. વગેરે વગરે જેવી કોમેન્ટો તમામ બિનકર્મચારીઓ ધ્વારા કરવામાં આવતી હોય છે.. (આમ તો ઘણી ખરાબ ભાષાનો પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે, પણ એ અહીં ટાળવામાં આવી છે.. બોલે તો કી ફરક પેંન્દા હે.?)

હા તો મુળ વાત.. શા માટે સરકારી કર્મચારીઓનો દર છ મહીને પગાર વધે છે.? શા માટે સરકારની તિજોરી ઉપર બોજ પડે છે.? જો કોઈને આજ સુધી આ ના સમજાયું હોય, તો એક સરકારી કર્મચારી હોવાના કારણે મરણીયા પ્રયાસો ધ્વારા સમજાવવાની કોશિષ કરૂ છું..

ચાલો, સૌ પોતપોતાના ભૂતકાળમાં ડોકિયું તાણી જુઓ.. અરે અરે વધુ નહીં, બસ થોડા વર્ષો પહેલાના એટલે કે પાંચેક વર્ષ પહેલાના સમયને યાદ કરો.. અડધી ચા કેટલામાં આવતી.? 3 રૂપીયામાં.? અને અત્યારે? સાલી એ જ ચા 8 રૂપીયાની, બોલો.. સિધ્ધો 267% નો વધારો.. (અહીં ઉલ્લેખનીય છે કે, છેલ્લા પાંચ વર્ષમાં 2011 થી સરકાર ધ્વારા કર્મચારીઓને મોંઘાઈ વધારા તરીકે કટકે કટકે કુલ 74% નો વધારો કરવામાં આવ્યો છે..) આમ તો આ એક જ ઉદાહરણથી વાત સમજાઈ જવી જોઈએ, પણ ભવ્ય ભૂતકાળને માણવાની મજા જ કંઈક ઓર છે, નહી.? તો ચાલો માણીએ.. પણ હા, હવે વારંવાર 'પાંચ વર્ષ પહેલા' શબ્દને રિપીટ ના કરતા આગળ વધીએ..

પહેલા છોટા થમ્સ અપ તો 5/- માં ગટગટાવતા, હવે 11/- માં.. બ્રેડનું પેકેટ 12/-ની સામે હાલ 23/- નું.. અટરલી બટરલી ડિલીશીયસની એક લાટી 22/-માં આવતી, હવે તો કોઈને માખણ મારવું (આઈ મીન ખાવું) હોય તો 35/- ખર્ચો કરવો પડે.. ગોલ્ડ મિલ્ક 23/-માંથી સિધ્ધા 46/- (સાલુ રીયલ ગોલ્ડ કરતાં'ય બમણો ભાવ વધારો, નહી.?).. અને 'દિકરીની ઉંમર ઝટ વધે' એમ સૌ ની લાડલી પાણીપુરી 10/- માંથી કયારે 25/- ની થઈ ગઈ એની તો ખબરે'ય ના પડી..

આ તો હતા જલ્સાના ઉદાહરણો, હવે કેટલાક ધ્યાનખેંચ જરૂરી છે એવા (એક-બે) દાખલા ગણીએ.. જામનગરથી અમદાવાદ (વોલ્વો)ની ટિકીટ 250/- ની હતી, હાલમાં 450/-ની.. (એકમાત્ર પેટ્રોલ ડીઝલ જ એવા છે જેમાં કોઈ ખાસ ભાવ વધારો-ઘટાડો નથી આવ્યો, તેમ છતા ટ્રાવેલ એજન્સીઓ કયા કારણોસર ભાવ વધાર્યે જ રાખે છે, એ માટે રઘુરામ રાજન પણ મુંઝવણમાં આવી જાશે).. જમીનના પગ (એટલે કે ભાવ) કોઈ પણ જાતના અભિમાન વગર જમીનને અડેલા હતા, પણ ગગનચુંબી ઇમારતો બનવા લાગી એમાં તો જમીન અને મકાન બે'યે સંપીને પોતાના ભાવો ગગનને ચૂમવા માટે ઉંચા કરી દીધા..

બસ આ જ રીતે, અનાજથી લઈને ઇન્ટરનેટ સુધી, તુરીયાથી તરબુચ સુધી, સ્ટેશનરીથી સ્કુલ સુધી, દવાથી દારૂ સુધી, સાઈકલથી મોટરસાઈકલ અને પછી મોટર સુધી, નેપીથી નેપકીન સુધી, કુરીયરથી ફર્નિચર સુધી, ટાંચણીથી (વોટર) ટેન્ક સુધી, ORS થી R.O. સુધી, હવાબાણની ગોળીથી હવાઈ સફર સુધી, હીરા-માણેકથી માણેકચંદ (ગુટખા) સુધી, મેગેઝિનોના રાઈટરથી લઈને ફીલ્મોના ફાઈટર સુધી, વાણંદથી લઈને વકિલ સુધી, માસ્તરથી દાકતર સુધી, સુથારથી સુનાર સુધી, અભિષેક(?)થી અમિતાભ સુધી, લાઈટથી લઈને જીવન જીવવા માટે કરવી પડતી તમામ ફાઈટના બીલ સુધી, ગળથૂથી થી ચાલુ કરીને છે'ક ગંગાજળ સુધી.. તમામ જગ્યાએ ભાવ વધારો આવ્યો ને?

આ તમામ ચીજો વેચનાર કે સેવા આપનારના ભાવ વધ્યા જ છે.. તો આ લોકોની આવકોમાં પણ વધારો થયો જ હશે, કે નહી.? અને આજના જમાના પ્રમાણે નફાનો ગાળો-આવક નહી વધ્યા હોય તો શું એ લોકો હિંદુસ્તાનની બદલે પાગલીસ્તાનમાં જન્મ્યા છે કે નુકસાની ખમીને પણ જનતાને રાજી રાખવા પોતાનું ગાડું હાંકયે જ રાખે.? અને આ બધા માણસોની-જણસોની મોંઘારત, જેમ સામાન્ય વ્યકિતના જીવનમાં અસર કરે, બસ એ જ રીતે સરકારી કર્મચારીના જીવનમાં પણ અસર કરતી જ હોય ભાઈ..

અને આમ પણ, સમગ્ર બજારમાં વધતી જતી મોંઘવારી પર ચાંપતી નજર રાખીને, નિષ્ણાંતો ધ્વારા કેટકેટલા એનાલીસીસ કરીને, હજાર ટકોરા મારીને જ સરકાર ધ્વારા તેમના કર્મચારીના પગાર વધારવામાં આવે છે.. બાકી તો કોઈ સરકાર, પાંચ લાખ કર્મચારીઓ (ગુજરાતના) માટે થઈને સવા છ કરોડ પ્રજાને અન્યાય તો ના જ કરે એ સમજવા જેવી વાત છે દોસ્તો..

અને રહી વાત સરકાર પરના બોજની.. તો એક અંતિમ ઉદાહરણમાં 'ગાંઠીયા' ખવડાવું.. આઈ મીન ઉદાહરણ સમજાવું.. આ તો સાવ સહેલું 'ને સટ છે.. થોડા વર્ષો પહેલા જ ખાદ્ય તેલ અને વેસણના ભાવવધારાને ધ્યાને લઈ, ગામેગામના ફરસાણ વાળાઓએ ફરસાણનો ભાવ વધારી નાખ્યો હતો, (જે આજે પણ વધતો જ જાય છે) અલબત એ સમયે સિંગતેલના ભાવવધારાનો હવાલો આપીને ફરસાણનો ભાવ વધાર્યો હતો, જયારે 90% વેપારીઓ કપાસીયાનું તેલ વાપરતા હતા અને વાપરે છે.. હવે આ ફરસાણ એટલે કે ગુજરાતીઓના ઓલ ટાઈમ ફેવરીટ 'ગાંઠીયા'ને, સરકારી કર્મચારીઓના મોંઘાઈ વધારાની જેમ જ કન્વર્ટ કરીને જોઈએ, કે જેમ સરકારની તિજોરી પર બોજ વધે એમ આપણા સહુની તિજોરીમાંથી કેટલા ઘટે છે..

પુન:, પાંચ વર્ષ પહેલાના 70/- ના કિલો ગાંઠીયા, હાલમાં 160/- માં મળે છે.. એટલે કે પાંચ વર્ષમાં 90/-નો વધારો.. હું મારા શહેર જામનગરને જ કેન્દ્રસ્થાને લઈને હિસાબ કરૂ તો.. જામનગરમાં આશરે ગાંઠીયાની 500 રેકડી-દુકાનો હશે.. દરેક રેકડી-દુકાનવાળો 24 કલાકમાં એવરેજ 100 કિલો ગાંઠીયા વેંચતો હશે.. તો હવે 500 દુકાનવાળા ગુણ્યા 100 કિ.ગાંઠીયા ગુણ્યા 18/- નો વાર્ષિક ભાવ વધારો ગુણ્યા 30 દિવસ.. હિસાબ શું થયો ખબર છે.? 500*100*18*30=27000000.. જી હા બે કરોડ સિંતેર લાખ પુરા.. આ તો થયો એક નાનકડા (આમ તો પૂછડીયા) શહેરનો હિસાબ.. રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા અને ઓફકોર્સ ભાવનગર જેવા મોટા શહેરો અને નાના-નાના ગામડાઓ (એક આંકડા મુજબ ગુજરાતમાં 33 જિલ્લા એટલે કે 33 મુખ્ય શહેર, 249 તાલુકા એટલે કે નાના શહેરો, અને 13996 ગ્રામપંચાયતો એટલે કે નાના ગામો) આ બધાનો હિસાબ કરીએ તો.? તો થશે 27000000*282=7614000000 (282 એટલે 33 જિલ્લા+249 તાલુકા.. બાકીના નાના મોટા ગામડાઓને નથી ગણવા.. કારણ કે વળી બિનકર્મચારી વાચકવર્ગ કહેશે કે, શું રામભાઈ સાવ ટાઢા પ્હોરની હાંકો છો, ભઈ એક ગામમાં 500 રેકડી-દુકાનો થોડી હોય.? રેકડીદીઠ રોજના 100 કિલો ગાંઠીયા? ના હોય.. એ મુજબ નાના ગામડાને કાઢી જ નાખ્યા) તો બોલો, આ હિસાબે ''ગાંઠીયા ખાનારાઓ પર 761 કરોડનો માસીક બોજ'' આવી હેડલાઈન આવવી જોઈએ કે નહી.?

...સેજપાલ શ્રી'રામ', ૦ર૮૮ (૦૯/૧૦/ર૦૧પ)

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.