ઓસ્ટ્રેલિયા જયારે ટેફ શરુ કર્યો તેના એકાદ મહિનામાંજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આવ્યો. સ્ટુડન્ટ એસોસિયેશન તરફથી આ ઉજવણી કરવી અંગે ચર્ચા થઇ અને અચાનક જ મને કચ્છી હેન્ડીક્રાફ્ટ સ્ટોલ કોલેજમાં કરવાની ઈચ્છા વ્યક્ત કરી અને તેને સહર્ષ સ્વીકારાઈ. 3 કલાક માટેના આ સ્ટોલમાં મુકવાકેટલીક કચ્છી હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ જે હું મારા માટે લાવ હતી તે મૂકી અને ખુબ સારો પ્રતિસાદ મળ્યો. કોઈ એ સજેસ્ટ કર્યું કે મારે અહીં યોજાતી માર્કેટ ટ્રાય કરવી જોઈએ (હું હજુય શોખ માટે માર્કેટ કરું છું -પણ નિયમિત નથી). માર્કેટમાં સ્ટોલનો વિચાર તો સારો હતો પણ સહેજ ખચકાટ હતો - માર્કેટ કેમ શોધવી ? કેમ જાણવું કે આ સ્થળ કેટલું દૂર છે ? વળી, વીમાની જરૂર આ બધી બાબતોથી બચવા એક રસ્તો શોધ્યો, ઉમેશ ભાઈ ને પૂછ્યું કે જો તેઓ મારી વસ્તુઓ તેમની દુકાનમાં ડિસ્પ્લેમાં મૂકે અને જો વેંચાય તો અમુક ભાડા પેટે ચૂકવી આપવાની. તેમને આ વાત ગમી અને મેં બીજી વસ્તુઓ તેમને મોકલી આપી અને સાથે મમ્મી જે સેલ્ફ હેલ્પ ગ્રુપ ની બહેનો ને ઓળખે તેમની વસ્તુઓ મંગાવી.

આવું કરવા પાછળ બે કારણો હતા - 1)ઓસ્ટ્રેલિયન સમુદાયમાં ભળવાની ઈચ્છા અને 2) કચ્છથી જોડાયેલ રહી ને કચ્છી કલાની સેવા કરવી .

ઉમેશભાઈને વસ્તુઓ તો આપી પણ થયું કે સર્ચ તો કરું આ માર્કેટ વિષે. જ્યાં પૂછપરછ કરી ત્યાં સ્ટોલ ફી અને વીમો જરૂરી હતો. વીમો લાયબિલિટીનો જરૂરી હતો કે મારા સ્ટોલમાં આવનાર કોઈ પણ ગ્રાહકને કંઈ લાગે કે તેમનું કઈ નુકસાન થાય તો રક્ષણ માટે. શેલહાર્બરની રોટરી માર્કેટ મહિનામાં એક વખત ભરાય. આ જગ્યા મારા ઘેરથી bhujથી કુકમા જઈએ તેટલી દૂર થાય. સમય સવારે 9 થી 3. તેના સંચાલકો એ મારી આખી વાત સાંભળી અને મને સ્ટોલ ફી અને ઈન્સુરન્સમાં રાહત આપી. એટલે હું મારી માર્કેટ માટે તૈયાર. મારી પાસે માર્કેટ સ્ટોલ માટે જરૂરી ગઝીબો કે ટેન્ટ ન હતા. ફ્લોઈની એક પોર્ટેબલ ટેબલ લઇ તેના પર થેલા, થોડી જવેલરી અને થોડા ચેઇન મુક્યા . . . શરૂ માં તો લોકોને એજ નવાઈ લાગતી કે હું ફક્ત એક ટેબલ સાથે વસ્તુઓ વેંચતી. આમ બીજી માર્કેટ વિષે ખબર પડતી ગઈ અને મેં બીજી 3 માર્કેટ શરુ કરી... પોતાના પોકેટ મની અહીંથી મળી જતા. માર્કેટ માટે ગઝીબો લેવો હતો એક મિત્રે કહ્યું ઈ બે થી એક ખાસ કમ્પનીનો ગઝીબો લેવો ખુબ સારો આવે છે. કોઈ ચાઈનીઝ કંપની હતી - ગઝીબો ખુબ ભારે મારા અને પ્રતીક થી સરળતાથી ન ઉપડી તેવો, તેને કેમ સેટ કરવો કોઈ જ ઇન્સ્ટ્રક્શન નહિ !! માંડ માંડ સેટ કરી શક્યા. છ મહિના બાદ મારી પાસે ટેક ગઝીબો અને બે ટેબલ હતા મારા માર્કેટ સ્ટોલ માટે. લોકોને મારી વસ્તુઓ ગમતી, ગામડાની બહેનોની વાતો તેમના જીવન વિષે સાંભળવું ગમતુ. આમ મને લાગ્યું કે સોશિયલ એન્ટરપ્રાઇઝ શરુ કરી શકાય. એટલે સહેજ ગંભીરતા આવી.

પણ માર્કેટ એ લોકોના મૂડ અને વાતાવરણ પર આધાર રાખે છે. એટલેકોઈખાસસિક્યુરિટી નહિ કે આપ અમુક રકમ ક્માઈજ શકશો.

માર્કેટ કરવા દરમ્યાન મેં જાણ્યું કે અહીં વાલીઓ નાનપણથી જ બાળકોમાં આત્મનિર્ભર બનવાના ગુણને પ્રોત્સાહન આપે છે. જેમકે મારો સ્ટોલ એવો હતો કે ત્યાં $1 ની વસ્તુ પણ મળી જતી!! તો ઘણી વાર બાળકો મારા સ્ટોલ પર આવે વસ્તુ પસંદ કરે અથવા કહી જાય કે માર્કેટમાં બીજું કઈ નહિ મળે તો ફરી આવીશું. પોતાની પ્રિય વસ્તુ માટે પોતાનું બજેટ જોય કે $5 ને કઈ કઈ વસ્તુ માં ખર્ચવા ના છે. જો તેમના વાલીઓ સાથે પણ આવ્યા હોય તો પણ તેમની વસ્તુના પૈસા પોતાની નાનકડી પર્સ માંથી કાઢી ને આપે.

માર્કેટમાં ખાટા - મીઠા અનુભવ તો થયા જ કરે !! જેમકે ભારતીય લોકો સ્ટોલ પર આવે અને વસ્તુઓની ભારતીય કિંમત પ્રમાણે મુલવણી કરે અને સલાહ આપે કે કેમ આટલું મોંઘુ વેંચો છો ? કેટલાક લોકો વસ્તુ ખરીદવા એ ટી એમ થી પૈસા લઇ આવું કહીને રાખાવેલ વસ્તુ જ લેવા ન આવે, કેટલાકને ના કહો કે આ હેરમ તમારા માપ ના નથી તો પણ ટ્રાય કરે અને તેમાં ફસાઈ જાય, ક્યારેક સ્ટોલ ફી ભરવાના પૈસા પણ ના કમાઈ શકાય તો ક્યારેક એક જ ગ્રાહક પાસે આખા દિવસનો વકરો થઇ જાય. કેટલાક ગ્રાહકો ફરી ફરીને આવતા તો કેટલાક તેમના ઓળખીતા જે કમ્યુનિટી સર્વિસમાં હોય તેનો સંપર્ક આપી જતા.

માર્કેટના લીધે અન્ય સ્ટોલ ધારકો સાથે દોસ્તી થઇ. જેમાં ખાસ દોસ્તી થઇ 8 વર્ષ ની સીલ્વી સાથે, એક માર્કેટમાં તેની માતા સાથે તે પણ સ્ટોલ પર પાઇ -કેક વેંચતી. મારી પાસે તેના નાના બજેટમાં ફિટ થાય વસ્તુ તેને મળી રહેતી અને પછી તે એમજ કમ્પની આપવા આવતી. એક વખત મેં 2 મહિનાની માર્કેટ મિસ કરી તો જયારે તેણીએ મને જોઈ તો ક્યાંય દૂરથી આવીને બધાની સામે મને ભેટી!! આસપાસના લોકો તો જોતા જ રહી ગયા, અરે તેની મમ્મી પણ દોસ્તી આવી એ જાણવા કે શું થયું ??

મેં આગળ કહ્યું તેમ માર્કેટનો વાતાવરણ પર ખુબ આધાર હોય છે - જેરીન્ગોન્ગની માર્કેટ નો દિવસ,સુંદર વાતાવરણ હતું, કલાક એકમાં પવન ફુંકાવાનો શરુ થયો, તેનું જોર વધ્યું તો મેં પ્રતીક ને ફોન કર્યો કે મને લઇ જાય. પણ આસપાસના સ્ટોલવાળાએ જમીનમાં વધુ ખીલ્લા મારીને કહ્યું કે હવે પવન સામે વાંધો નહિ આવે. મેં પ્રતીકને ફોન કરી આવવાની ના પાડી. મારી બાજુના સ્ટોલવાળી છોકરી સાથે અન્ય માર્કેટ વિષે વાત કરતી હતી ત્યાં હવા ના જોરથી આખો ગઝીબો બધી વસ્તુઓ સાથે ઉડી ગયો .. . . અને મારી સાથે બાજુના સ્ટોલવાળા તેને પકડવા દોડ્યા . . . કેટલાકે વિખરાયેલ વસ્તુઓ ભેગી કરી કેટલાકે ગઝીબોને પકડ્યો . . . કેટલાકે તેમાં લટકાવેલ થેલા ઉતારવા મદદ કરી . . .. અને પવનમાં ઉડી જવાથી ગઝીબો તૂટી ગયો !!!


એક ક્રિસ્મસ માર્કેટ ખુબ પ્રસિદ્ધ હસ્તકલાની વસ્તુઓ વેચવા માટે, એ માર્કેટમાં વચ્ચોવચ સ્ટોલ મળેલ. સેટ કરતી વખતેતો જગ્યા સારી લાગેલી, પણ જયારે માર્કેટ શરુ થઇ તો લોકો ગોળાકારના સ્ટોલની મુલાકાત લઇને બહાર નીકળી જતા હતા, વચ્ચે મારો એક જ સ્ટોલ હોવાથી કોઈ જ ન આવ્યું !!! આમ ખુબ જ ઉત્સાહ -રોમાંચથી શરુ કરેલ માર્કેટ છુસ થઇ ગઈ . . .


નવો ઓછા વજન ગઝીબો લીધો, જે સેટ કરવામાં સરળ હતો, વરસાદના દિવસો માં તો વસ્તુઓ બચાવવી અઘરી બનતી. ફરી બીજી માર્કેટમાં ખુબ જ સુંદર દિવસ ચર્ચની માર્કેટ હતી માટે, મને સરસ જગ્યા મળેલ, મેં ગઝીબો સેટ કર્યો અને પવન શરુ થયો તો મેં સંચાલકને વિનંતી કરી જગ્યા બદલવા , મારી વિનંતી સ્વીકારાઈ. મેં બધું જ મોટાભાગે ગોઠવી દીધેલ તો મેં વસ્તુઓ ફરી બોક્સમાં ભરવાની શરુ કરી ત્યાં ચર્ચના મિનિસ્ટર આવ્યા અને મને કહે અમે તારો ગઝીબો આખા સેટઅપ સાથે જ મુવ કરી દેશું. તેમણે અન્ય 3 લોકોની સહાય લીધી અને મને ગોઠવેલ ગઝીબો મુવ કરી આપ્યો. લોકો પણ ખુશીથી આવવા લાગ્યા અને બધું આરામથી ગોઠવાયું તેવામાં એકાએક વાતાવરણ બદલાયું - વીજળી - વરસાદ અને પવનના તિકડમે પરિસ્થિતિ ગંભીર બનાવી. હું વસ્તુઓ પલળતી બચાવવા ફટાફટ ઉતારવા લાગી, તેવામાં ગઝીબો ખીલ્લીઓ અને વજનીયા સાથે ઉડવા લાગ્યો . . . વસ્તુઓ બચાવવી કે ગઝીબો બચાવવો, એવામાં એક દંપતી ગ્રાહક ત્યાં હેરમ પેન્ટ લેવા આવેલ તેઓએ મદદ શરુ કરી .. તેમણે મારો આભાર માન્યો કે મારા ગઝીબોના લીધે પલળતા બચી ગયા ... પણ આ પરિસ્થિતિ અમારા ત્રણેયથી કાબુમાં આવે તેમ ન હતી . . . ચર્ચના મિનિસ્ટર દોડી આવ્યા કે કઈ મદદ જોઈએ . . .પણ મારા કરતા અન્ય સ્ટોલ્સની હાલત ખરાબ હતી તો મેં તેમને જે -તે સ્ટોલવાળાને મદદ કરવા કહ્યું . .. 20 મિનિટમાં તો ભારી નુકસાન સાથે તોફાન શાંત થયું. બીજો ગઝીબો તૂટ્યો અને વસ્તુઓ ને પણ બગડી!! પણ , અહીં લોકોનો જે અભિગમ હતો અને મને જે રીતે તોફાન બાદ મદદ મળી તેનાથી મને ખુબ સારું લાગ્યું . મારા સમાનને તોફાન બાદ ચર્ચમાં રાખવાનું કહ્યું જેથી પ્રતીક મને લેવા આવે ત્યાં સુધી વધુ નુકસાન અટકાવી શકાય. અને મારો સમાન ઉપાડનાર ચર્ચના મિનિસ્ટર હતા!!

આ માર્કેટના લીધે ઘણું શીખી - અહીંના લોકો ના સ્વભાવ, રીતભાત , વર્તન. ગમે તેટલી હેરાનગતિ થાય પણ માર્કેટ કરવાની મજા અલગ જ છે !!

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.