જમુના મા

જમુનામાનો આનંદ આજે સાતમે આસમાન સુધી ઊછળી રહ્યો છે, તેમના પૌત્ર વિકાશનો આજે પ્રથમ જન્મદિવસ, દરોજની જેમ નિત્ય ક્ર્મ પતાવી, નાહીને પૂજા કરવા બેઠા,રોજ કલાક ચાલતી પૂજા આજે અડધા કલાકમાં પૂરી કરી, દિવાનખંડમાં આવ્યા, “ભાઇ બધી વ્યવસ્થા બરાબર થઇ ગઇ છે? મીકી માઉસની કેકનો ઓર્ડર આપ્યો છે, કેટલા વાગે લેવા જવાની છે? ડ્રાઇવર સાથે હું જઇશ લેવા”, મહેશે માનો અવાજ સાંભળી મુંબઇ સમાચાર બાજુ પર મુક્યું, ‘મા આજે તમે ભગવાનને જ્લ્દી મનાવી લીધા?આજે તમારા કાનુડાને સ્નાન ના કરાવ્યું? મને ભજન નહીં સંભળાયું

“યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું સામળા”

‘તું તારા છાપામાં મસગુલ હોય તને ભજન ક્યાંથી સંભળાય, આખી રાત વરસાદ પડ્યો છે, કાનાને નવડાવાય નહીં, આજે સ્પંજ કરી દીધું ને નવા વાઘા પહેરાવી દીધા, હવે આડી અવળી વાત પછી કરજે, પહેલા મારા સવાલના જવાબ આપ’, ‘મા તારે ચિંતા કરવાની જરૂર નથી બધી વ્યવસ્થા થઇ ગઇ છે. તારે ચાર વાગે તૈયાર થઇ બધાને આવકારવાના.” કેક તો હું અને ઈશા જ લેવા જવાના”, સારુ બાબા તમે બે જજો.

મહારાજ ચા નાસ્તો લાવો માની પૂજા પતી ગઇ છે’.જી શેઠ તૈયાર છે, ગરમ ભાખરી, મેથીના ખાખરા, ગરમ ઉપમા, મોરબીવાળાના ગાંઠીયા સાથે મરચા પપૈયાનો સંભાર બધુ મહારાજે અને નોકર કાનજીએ મળી ટેબલ પર ગોઢવી દીધુ, મહેશભાઇના પત્નિ ચાર વર્ષની દીકરી ઈશાને લઇ આવી ગયા, ‘ઈશા સીધી દાદી પાસે ‘દાદી મારી મમ્મી મને નવો ડ્રેશ નથી પહેરાવતી તેને વઢ’, ‘ઈશુ મને તો આ નવો લાગે છે’, દાદી તમે પહેલી વાર જોયો ને એટલે મેં આ ત્રણ વખત પહેર્યો છે’,તો મેં કેમ પહેલી વાર જોયો!’ તમે ને ફીયા જાત્રા કરવા ગયેલાને ત્યારે પહેરેલો એટલે તમે ન જોયો હોય’, ‘મેં પહેલીવાર જોયો એટલે નવો,’ ચાલો જલ્દી નાસ્તો કરો પછી આપણે બેઉ જણાએ કેટલું બધું કામ કરવાનું છે’, ઈશા કપાળ પર હાથ મુકી લહેકાથી ‘અરે હું તો ભૂલી જ ગયેલ દાદી સારું થયું તે યાદ કરાવ્યું, મમા જલ્દી મને દુધ અને ચિરિયોસ આપી દે, હું ક્યારની રાહ જોવ છું મને મોડું થાય છે મારે કેટલા બધા બલુન તૈયાર કરવાના છે’,દીપા હસવું દબાવી ‘સોરી આ મારી ઈશુના દુધ ચિરિયોસ’.

જમુનામાએ ઈશુને ડ્રેશ ભૂલવાડી દીધો. બધાએ આનંદથી નાસ્તાને ન્યાય આપ્યો.

જમુનામાએ આમ હસતા હસતા પોતાના ચાર બાળકોને મોટા કરેલ. બે દીકરી બે દીકરા. બીજા વિશ્વયુધ્ધ પછી કચ્છથી મુંબઇ દોરી લોટો લઇને પતિ પત્નિ આવેલ, જમુના વૈશ્નવ વાણિયાની દીકરી, ધનજી જૈન વાણિયાનો દીકરો, બન્નેના પિતા લંગોટિયા મિત્રો, વૈશ્નવ, જૈનનો ભેદ રાખેલ નહીં, બન્ને વાણિયા, અને મિત્રો સંબંધી બની ગયા. મુંબઇ મસ્ઝિદબંદરની હોલસેલ અનાજની દુકાનમાં પતિ ધનજીને નોકરી મળી ગઇ. મુંબઇમાં રોટલો મળે પણ ઓટલો મળવો મુશ્કેલ. દિવસ આખો ધનજી દુકાનમાં મજુરી કરે, જમુના શેઠના ઘેર રસોય કરે અને શેઠાણીના આડા અવળા કામ કરે. રાત્રે સુવા પુરતા શરુઆતના ત્રણ મહિના દુરના પિત્રાઇભાઇને ત્યાં પેટા ભાડુઆત તરીકે જતા, ત્યારબાદ શેઠની લાગવગથી કચ્છી જૈન ચાલમાં રૂમ રસોડું ડીપોઝિટથી મળી ગયા.

બન્ને પતિ પત્નિ મહેનતું અને પ્રમાણીક. શેઠે પગાર વધારી દીધો અને હિસાબનું કામ આપ્યું, જમુના સવાર સાંજ રસોઇના કામ કરે, રાત્રે કચ્છી ભરત કામ, આભલા ભરેલા ચણીયા ચોળી, ચાકળા, મોતીના તોરણ બનાવે અને ઘર ઘરા વેંચે. આમ બન્ને પતિ પત્નિએ જાત મહેનતથી પૈસો ભેગો કર્યો, ધનજીએ કિંગસર્કલમાં પોતાની અનાજ કરિયાણાની દુકાન કરી, મોટો દીકરો મેઘજી સવારની શાળામાં ભણે, ઘેર આવે જમે, તુરત બાપાનું ટીફિન લઇ દુકાને જાય, બાપા જમે ત્યાં સુધી ગરાઘને સાચવે, જોત જોતામાં આખા કીંગસર્કલ વિસ્તારમાં ધનજીનો ‘આદર્શ અનાજ કરિયાણા ભંડાર’ પ્રખ્યાત થઇ ગયો.

ધનજીએ મિત્રોની સલાહથી, કોઓપરેટીવ સોસાયટિમાં બે બેડરૂમ, હોલ, કિચનનો ફ્લેટ નોંધાવ્યો, ડીપોઝિટ, અને પછી દર મહિને હપ્તા, વીસ વર્ષમાં ફ્લેટ પોતાની માલિકીનો. બે વર્ષમાં બહુમાળી સોસાયટિનું બિલ્ડીંગ તૈયાર થઇ ગયું. જમુનામા પરિવાર સાથે પોતાના ફ્લેટમાં રહેવા આવ્યા. સૌથી નાની નયના બે વર્ષની મહેશ ત્રણ વર્ષનો. જમુનામાના મોતીકામ, ભરતકામના ગૃહ ઉદ્યોગને ફ્લેટમાં આવ્યા બાદ વધુ તક મળી, જૈન સિવાયના સોસાયટિના પરિવારોમાં પણ જમુનામા પ્રખ્યાત થઇ ગયા. નાના મહેશને માતા પિતાની બહુ ઇચ્છા નહોવા છતા, મેઘજી અને બન્ને બેનોના આગ્રહથી અંગ્રેજી માધ્યમમાં ભણવા મુક્યો.

ધનજીના નસિબમાં સુખ ભોગવવાનું નહીં લખાયું હોય, મહેશ પાંચ વર્ષનો હતોને ધનજીનું જીવલેણ હાર્ટઍટેકમાં અવસાન થયું. મેઘજીની નાનપણથી કેળવાયેલ ધંધાકિય સુજ, અને જમુનામાની હિંમતથી, ઘર અને દુકાન બન્નેને કોઇ આંચ નહીં આવી. મોટી દીકરી કમલે એસ. એસ સી. પાસ કરી, સારા ઘરનું કહેણ આવ્યું, છોકરો ખાસ ભણેલો નહીં, બાપના કાપડના ધંધામાં હોશિયાર એટલે હા, નાની પંચાતમાં પડ્યા વગર પાંચ જ્ઞાતિના આગેવાનોની હાજરીમાં બોલ બોલાયા, બન્ને પક્ષે ગોળ ધાણા ખાધા. સારો દિવસ જોઇ સગાઈ કરી, મહિનામાં લગ્ન, કમલ સાસરે સુખી છે. કમલના લગ્ન પછી જમુનામાએ મેઘજી માટે છોકરીઓ જોવાનું શરું કર્યું, એ જમાનામાં કચ્છી જૈન ભણતર કરતા ગણતરને વધારે મહત્વ આપતા, મેઘજીએ નાની ઉમરમાં પિતાનો ધંધો સંભાળી લીધો, એટલે દાણા બજારમાં સારી છાપ, એક દિવસ જમુનામાએ દેરાસરમાં મીનાને તેના બા કનકબેન, સાથે પૂજા કરતા જોઇ, તેમને ગમી ગઇ, પૂછપરછ કરી જાણી લીધું એસ. એસ. સી પા્સ મીના લગ્નની બઝારમાં છે. વાત ચલાવી, મેઘજીને વાત કરી “ભાઇ હવે વહુ લાવ, મારો હાથ વાટકો કમલ સાસરે ગઇ મને થાક લાગે છે,” મા તું શોધ મને છોકરી જોવા જવાનો સમય નથી”, મેં જોઇ છે તું હા પાડ એટલી વાર છે”, મા તેં જોઇ એમા કેવા પણું ન હોય મારી હા જ હોય”, “તોય આપણે વ્યવાહર પ્રમાણે દીકરીના મા બાપને ત્યાં કહેણ મોકલાવું પડે”, ‘તો તું અને કાકા જઇ આવો, અને આમ મેઘજીના લગ્ન મીના સાથે થઇ ગયા.

નાની નયના કોલેજમાં છેલ્લા વર્ષમાં હતી મહેશ મેડીકલ કોલેજમાં મહેશ ભણવામાં હોશિયાર, મેડીકલ કોલેજમાં બીજા વર્ષમાં હતોને સારા સારા ઘરની દીકરીઓના માગા મહેશ માટે આવવા માંડ્યા, કચ્છી જૈનમાં ભણેલા છોકરા બહુ ઓછા, અને ડૉ.તો જવ્લે જ મળે, એ જ રીતે ભણેલી દીકરીઓ પણ ઓછી એટલે બી.એ.પાસ જાસ્મીન મીલ માલિકની દીકરી દીપાની સાથે મહેશની સગાઈ થઇ અને છ મહિનામાં વિલેપારલેમાં અમૃતબાગમાં ધામધુમથી લગ્ન થયા.એમ.બી.બી.એસ પદવી મળી તુરત જ પારલામાં પોતાનું દવાખાનું શરું કર્યું. કીંગસર્કલનો બે બેડ રૂમનો ફ્લેટ નાનો પડવા લાગ્યો, જુહુ સ્કીમમાં મોટો ફ્લેટ લીધો. મોટાભાઇ ભાભી કીંગસર્કલનો ફ્લેટ છોડવા નહોતા માંગતા દુકાનની નજીક, અને જૈનની વસ્તીવાળૉ એરિયા દેરાસર નજીક, મીનાને ધર્મધ્યાનમાં નાનપણથી વધારે રસ, એટલે મહેશે અને દીનાએ તેમની ઇચ્છાને માન આપ્યું. જમુનામાને જ્યાં ફાવે ત્યાં રહે.

નયનાને હાઇસ્કુલથી જ પટેલ છોકરા સુરેશ સાથે પ્રેમ થયેલ, કોલેજ દરમ્યાન પ્રણય પરિપકવ થયો, એ જમાનાના રુઢિચુસ્ત કચ્છી જૈન કુટુંબે આ માન્ય નહીં રાખ્યો, મહેશે મોટાભાઇ અને જમુનામાને ઘણું સમજાવ્યા, છેવટે સુરેશના કુટુંબને વાંધો નહી હોવાથી એક દિવસ નયના મહેશભાઇ અને દીનાભાભીને જણાવી ઘેરથી કપડાની બેગ અને પુષ્તકો લઇને સુરેશના ઘેર પહોંચી ગઇ. બન્નેના વિધીસર લગ્ન થયા, મોટાભાઇ ભાભી અને જમુનામાની હાજરી વગર,મહેશભાઇ, અને દીપાભાભીએ કન્યાદાન આપી નાની બહેનને વળાવી. મોટાભાઇ ભાભી, જમુનામાં આ વાતથી અજાણ. તેઓએ માન્યું, નયનાએ સુરેશ સાથે કોર્ટમાં રજીસ્ટર મેરેજ કરી લીધા છે.

દીપા અને મહેશ અવાર નવાર સારે માઠે પ્રસંગે નયનાને સાસરે જતા, જૈન જ્ઞાતિમાં સીમંતની વિધી ખાસ ન હોય પટેલ જ્ઞાતિમાં ખોળો ભરવાની વિધી ધામધુમથી થાય, દીપાએ નણંદના ઘેર વ્યવહાર સાચવી લીધો, નાની નયનાને પિયરીયાની ખોટ વ્યવાહર કુશળ નાની ભાભીથી પુરાઇ ગઈ, દીપાએ નયનાના સીમંત પ્રસંગે શ્રધા ભાવથી રાંદલમાના ગરબા ગાયા ખોળો પાથરી માના દર્શન કર્યા, જોઇ નયનાના સાસુ ગીતાબેન બોલ્યા ”દીપાબેન માના આશીર્વાદ, આવતા વર્ષે તમારે ત્યાં દીકરો, મોટીબેન કમલ બોલી ગીતામાસી તમારા મોંમા ઘી સાકર.અને ખરેખર ગીતાબેનની વાણી અને મોટી નણંદની ઈચ્છા ફળી, દીપા સગર્ભા થઇ બીજા વર્ષે મહેશને ત્યાં વિશાલનો જન્મ થયો.

આજે વહેલી સવારે દીપાએ નયનાને ફોન કર્યો, “હલો, ‘હલો’ નયનાબેન” હા નયના બોલો ભાભી આજે સવારના પહોરમાં યાદ કરી? ભૂલી ગયા આજે તમારા ભત્રીજાનો પહેલો જન્મદિવસ, અને મારા ભાણિયાનો બીજો”, “યાદ છે ભાભી મારા ભત્રીજાને નાની ફીયા અને નાનાફુવા વતી ખૂબ પપી કરજો”, “અને તમે આકાશને મામા મામી વતી ખૂબ કેક ખવડાવજો”. “ચોક્કસ, ભાભી તમને બધાને બહુ મિસ કરું છું’, “બેન અમે પણ મિસ કરીએ છીએ, મારા અને તમારા ભાઇના પ્રયત્નો ચાલુ છે, મા અને મોટાભાઇ ભાભી જરૂર એક દિવસ માનશે, બેન તમે જરાય ઓછું નહીં લાવતા, કાલે ઈશાને સ્કૂલે મુકી હું જરૂર આકાશને રમાડવા આવી આવીશ, જોજો મારા અને ઈશાના ભાગની કેક રાખવાનું ભૂલતા નહીં”. “મારી સ્પેશિયલ ભાભી ભૂલાતી હશે”, “આવજો”, “આવજો કાલે મળીએ”.આમ હળવી રમુજ સાથે નણંદ ભોજાઇની વાત પૂરી થઇ.

જમુનામા, ઈશા મહેશ અને કિશને હોલમાં સુંદર સજાવટ કરી જમુનામાના સુચન પ્રમાણે દિવાલ પર મોતીના અને આભલાના ચાકળા ગોઢવ્યા, હોલની છત રંગ બેરંગી ગેસ બલૂનથી સુશોભિત કરી, બારણે સુસ્વાગતમ્ લખેલ જમુનામાએ ખાસ આજના દિવસ માટે બનાવેલ તોરણ લટકાવ્યું. મહેશે પુછ્યું “મા આ તોરણ ક્યારે બનાવ્યું? કે દેશમાં ગઇ ત્યારે લઇ આવી?” “તારી માના હાથ અને આંખ ભગવાનની દયાથી હજુ સારા છે, મેં અને કમલે સાથે મળી બનાવ્યું, બરાબર અગિયાર મહિને પુરું થયું”.’મા મારા દવાખાના્ના ઉદઘાટન વખતે તો જુનું “ભલે પધાર્યા” લખેલ લટકાવેલ આજે નવું નકોર”,કમલને દરવાજામાં પ્રવેસતા મા દીકરાનો વાર્તાલાપ સંભળાયો બોલી “ભાઇ રૂપિયા કરતા વ્યાજ વધારે વહાલું હોય.”મોટીબેન બધું પત્યા પછી આવી! વહેલા આવવું જોઇએને તારા સલાહ સૂચનનો લાભ મળત”, “ભાઇ રવિવાર એટલે તને ખબર છે ને બધા મોડા ઊઠે”, “બેન તારે ઘેર તો રોજ રવિવાર, માર્કેટ ખુલે દસ વાગે, નવ વાગ્યા પછી જ બધા નીકળે”.”ચાલો બેન તમારા ભાઇની વાતો નહીં ખૂટે આપણે ઘણું કામ કરવાનું છે”, મા બોલ્યા મહેશ તું હવે અંદર આરામ કર, હું અને ઈશા કેક લેવા જઇએ. મહેશ બગાસુ ખાતા “હા એ બરાબર છે, હું મારા દીકરા સાથે નેપ લઇ લવ”.

જમુનામા અને ઇશા બહાર નીકળ્યા ડ્રાયવર નાનુ રાહ જોતો હતો, ગાડીમાં બેઢા કે તુરત જમુનામા બોલ્યા નાનુભાઇ પહેલા નયનાબેનના ઘેર લૈ લે, મા કેક લેવા જવાનું છે ને! ત્યાં પછી પહેલા હું કહું તેમ કર, જમુનામાએ અને ઈશાએ બે દિવસથી નક્કી કરી રાખેલ વિશાલનો પહેલો અને આકાશનો બીજો જન્મદિન આખા ફેમિલીએ ભેગા મળી ઉજવવાનો, કડક જમુનામા નાની ઈશાથી ઢીલા પડી ગયા, ઈશા તેના મમ્મી સાથે નાની ફીયાના ઘેર જતી, ફીયા ઈશાના જન્મદિવસે ખાસ ભાઇના દવાખાને ઈશાની ગીફ્ટ આપવા જાય, ઈશાના મનમાં પ્રશ્ન ઊઠે નાની ફીયા ઘેર કેમ નથી આવતી? મમ્મી ડેડીના જવાબથી ઈશાને સંતોષ ન થાય.

નાના બાળકો ઘણા સ્માર્ટ હોય છે, વડિલો પાસેથી નિખાલસ ભાવે યુક્તિ કરી સહજ સવાલ કરે અને જવાબ મેળવે.

એક દિવસ જમુનામા અને ઈશા બે એકલા ઘેર હતા, ઈશા જમુનામા પાસે બેસી સિન્ડ્રેલાની બુક વાંચતી હતી જમુનામાએ ઇન્ટરેસથી આખી સ્ટૉરિ સાંભળી. બુક બંધ કરી ઈશાએ ધડાકો કર્યો દાદી તું નાની ફીયાની સ્ટૅપ મધર છે? એટલે ફીયા તારાથી બીવે છે ઘેર નથી આવતી? જમુનામા ગળગળા થઇ ગયા “ના બેટા એવું નથી નાની ફીયા મારી સૌથી નાની દીકરી છે”.”તો તું મને પ્રોમિસ આપ આ વખતે વિકાશ અને ફીયાના આકાશની બર્થડે સાથે ઉજવવાની બે કેકનો ઓર્ડર આપવાનો, જમુનામા પણ આનંદમાં આવી બોલ્યા તું પણ પ્રોમિસ આપ આ વાત આપણા બે સિવાય કોઇને નહીં કહેવાની આપણે કેક લેવા જઇએ ત્યારે ફીયાના આખા ફેમિલિને આપણી સાથે ઘેર લઇ આવવાના”, “વાઉ સુપર્બ પ્લાન દાદી” અને ઈશાએ હાથ ઊંચા કરી દાદી સાથે હાઇ ફાઇ કર્યા. આગલે દિવસે ઈશાએ ફીયાને ફોન કરી આખો પ્લાન જણાવી દીધેલ.

નયનાનું ઘર આવ્યું, ઈશાએ બેલ વગાડી દરવાજો ખૂલ્યો ફીયા સરપ્રાઝ દાદી ઇસ હિયર, સુરેશ અને નયના દરવાજામાં જ માને નીચા નમી પગે લાગ્યા માએ આશીર્વાદ આપ્યા “ખૂબ સુખી થાવ”, વિકાશ દાદી સાથે હતો, “આવો વેવાણ તમારા દોહિત્રને આશીર્વાદ આપો, આજે તો તમને બમણો આનંદ પૌત્ર અને દોહિત્ર બન્નેના જન્મદિવસ”,ગૌતમભાઇ નયનાના સસરા બોલ્યા ગીતા આનંદ બમણો અને ખર્ચ અડધો એક જ દિવસે બે પ્રસંગ ઉજવાઇ જાય.

ઈશાની ધીરજ ખૂટી ફીયા જલ્દી ચાલો મોડું થાય છે, “ઈશા બેટા તારા દાદી પહેલી વખત અમારે ત્યાં આવ્યા છે થોડીવાર બેસો”, બધા બેઠા નયનાએ ચા નાસ્તો તૈયાર રાખેલ, ઈશાને ફુવાએ કેડબરી આપી, ચા નાસ્તો પત્યો, નયના વિશાલ અને ગીતાબેન જમુનાબેન સાથે બેઠા, સુરેશભાઇ અને ગૌતમભાઇ એમની ગાડીમાં, બેઉ કેક તૈયાર હતી બે કેન્ડલ નયનાએ લઇ લીધી, બે સરસ હેપિ બર્થડેના બેનર સુરેશભાઇએ બનાવડાવેલ તે લીધા.

જુહુ સ્કીમના ફ્લેટનો દરવાજો ખૂલ્યો, સૌથી આગળ જમુનામા અને ઈશા સરપ્રાયસ બોલતા અંદર આવ્યા પાછળ નયનાનું ફેમિલિ. સૌના મુખ પર આશ્ચર્ય ભર્યો આનંદ,મહેશ માને ભેટ્યો સૌએ સાથે જમુનામાની જય બોલાવી, નયના અને સુરેશ મોટાભાઇ ભાભીને પગે લાગ્યા, ભાઇ ભાભીએ આશીર્વાદ આપ્યા.

સૌ મહેમાનો સગા વાહલા આવ્યા, સહ કુટુંબને સાથે જોઇ સૌને આનંદ થયો.


gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.