અમેરિકામાં ભારતીય સ્વાદનો પ્રભાવ


લોકલ ૪૧૧ પરથી પોલીસને એક કોલ મળ્યો કે કોઈ કસ્ટમર અહીં પોતાનું પર્સ ભૂલી ગયું છે. જવાબમાં પોલીસે કહ્યું કે તમે ક્યાંથી બોલો છો? જવાબમાં સ્ટોરઓનર લેડીએ કહ્યું હું 81, લેનકેસ્ટર એવન્યૂ માર્લવનથી બોલું છું. સામેથી જવાબ આવ્યો કે આપ ફોન મૂકો થોડીવારમાં જ આપને ત્યાં અમે હાજર થઈ જઈએ છીએ.

સ્ટોરઓનર ફોન મૂકી પોતાના કામમાં લાગી જ હતી કે થોડીવારમાં જ ત્યાં એક પોલીસ ઓફિસર આવી ગયો. આવીને તેણે સ્ટોરલેડી પાસેથી પર્સ લઈ લીધું અને સ્ટોરમાં આમતેમ નજર ફેરવવા લાગ્યો, પણ રેગ્યુલર અમેરિકન વસ્તુઓથી તદ્દન ભિન્ન વસ્તુઓ જોઈ તેણે આશ્ચર્ય સાથે પૂછ્યું...... મિસ, આ કેવા પ્રકારની વસ્તુઓ છે? આ શું છે? સ્ટોર લેડીએ કહ્યું કે ઓફિસર આ ઇન્ડિયન સ્વીટ્સ, ઇન્ડિયન ગ્રોસરી, ઇન્ડિયન સ્પાઇસીસ, સ્નેક્સ, અને પિકલ્સ છે. ઈન્ડિયન...? ધેટ મીન નેટિવ ઇન્ડિયન...? તેણે પૂછ્યું. પછી સ્વગત જ “નો ઇટ્સ નોટ લૂક લાઈકે નેટિવ ઇન્ડિયન ફૂડ “ કહી અસંજસમાં મુકાઇ ફરી જોવા લાગ્યો. વન મિનિટ સર કહી સ્ટોરલેડીએ પોતાનું કામ પૂરું કર્યું પછી ઓફિસર પાસે જઇને તેણે ઈન્ડિયાની આ બધી જ વસ્તુઓ વિષે માહિતી આપવા માંડી. માહિતી કહેતા કહેતા લેડીએ પોલીસને પૂછ્યું કે શું તમે ક્યારેય ઇન્ડિયન ફૂડ ટ્રાય કર્યું છે? તે કહે ના ક્યારેય નહીં. લેડીએ કહ્યું કે અહીં બાજુમાં જ ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે નેક્સ્ટ ટાઈમ અહીં આવીને ઇન્ડિયન ફૂડનો સ્વાદ લેશો જેથી કરીને આપ આ વસ્તુઓને વધુ સારી રીતે જાણી શકશો. શું આપને સ્પાયસી ફૂડ ભાવે છે? ઓહહ યસ યસ....આઇ લવ હોટ ફૂડ તેથી ઘણીવાર હું હોટ ફૂડ લેતો હોઉ છું પણ મે ક્યારેય ઇંડિયન ફૂડ ટ્રાય નથી કર્યું. શું ઇન્ડિયન ફૂડ હોટ હોય છે? હા ઇન્ડિયન ફૂડ પણ એટલું જ હોટ હોય છે આપને તે ઘણું જ ગમશે. આમ સામાન્ય વાતચીતને અંતે થોડીવારમાં તે પોલીસ ત્યાંથી ચાલ્યો ગયો. બીજા વીકએન્ડ પર તે પાછો સ્ટોરમાં આવ્યો અને સ્ટોરલેડીને ઉત્સાહમાં આવીને કહેવા લાગ્યો કે તેણે તેના પરિવાર સાથે ઇન્ડિયન ફૂડ માણ્યું તેથી હવે ફરી મને ઇન્ડિયન સ્પાઈસીસ વિષે જણાવ અને ઇન્ડિયન ફૂડ ઘરમાં કેવી રીતે બનાવાય તે વિષે જણાવ. શું ઇન્ડિયન ફૂડ ઘરમાં બનાવવું સરળ હોય છે ને? બસ તે દિવસથી સ્ટોરલેડી સાથે બેસીને તે પોલીસ ઓફિસર અવનવી ઇન્ડિયન વસ્તુઓ શીખવા લાગ્યો. ધીરે ધીરે તે ઓફિસર પરોઠા, પૂરી, પાલક પનીર, દાળ, રીંગણાંનું ભરેલ શાક સાથે ઘી બનાવતા પણ શીખ્યો. હા એ લેશન સેસનનો પિરિયડ લાંબો હતો પણ આજે પોલીસ ઓફિસરને ત્યાં જે કોઈ ડિનર માટે જાય તેને પાલક-પનીરનાં અને ચિકનનાં ચણાનાં લોટમાં બનાવેલ પકોડા ચોક્કસ ખાવા મળે છે. (અહીં રહેલો આ પ્રસંગ માત્ર પ્રસંગ નથી પણ મારી સાથે બનેલો આ બનાવ છે.) તે પોલીસ ઓફિસરની જેમ અહીં ઘણા અમેરિકન એવા છે જેમને ઇન્ડિયન ફૂડ ગમતું હોય. બ્રિટનમાં ઇન્ડિયન ફૂડ અંગ્રેજોને કારણે ગયું પણ અમેરિકામાં આ ફૂડ અહીં વસેલા ઇન્ડિયનોને કારણે વધુ પ્રખ્યાત થયું.

થોડા સમય પહેલા યુ એસ માં મોસ્ટ પોપ્યુલર વિદેશી ફૂડ વિષે સર્ચ કરવામાં આવ્યું હતું ત્યારે ૮૫ ટકા સાથે બલૂનરોટી (ફૂલકા) અને નાન, સ્વીટ સ્ટફ્ડ ફ્લેટ બ્રેડ (પુરણ પોળી), દાળ, પિકલ્સ, પાપડમ, બાસમતી રાઈસ, સમોસા, રંગબેરંગી તીખા-મીઠા સ્વાદ ધરાવતી ચટનીડીપ, સાથે ઈન્ડિયા અગ્ર રહ્યું હતું, અને તેમાં પણ વધુ વોટ બાસમતી રાઈસ, ચટણીઑ, સમોસા, બલૂનરોટી, પાપડમ અને દાળને મળ્યાં. જ્યારે અમુક વોટ સૌથી ઓછા સોલ્ટવાળા પાઠકનાં પિકલ્સને (બ્રિટિશ કંપની) મળ્યાં. (ભારતના પિકલ્સ અમેરિકનોને ખૂબ જ સોલ્ટી લાગે છે. ભારતીય પિકલ્સમાં ૪૦૦ ગ્રામની જારમાં ૬૪૦ ગ્રામ સોલ્ટ રહેલું છે જ્યારે પાઠકનાં પિકલ્સમાં ૪૪૦ થી ૪૬૦ ગ્રામ સોલ્ટ રહેલું હોય છે તેથી અમેરિકન લોકો સખત તીખું ખાઈ શકે છે પણ સોલ્ટી નથી ખાઈ શકતાં) આજે યુ એસના ન્યૂજર્સી, ન્યૂયોર્ક, પિટ્સબર્ગ, ઇન્ડિયાના પોલીસ, એટલાંટા, શિકાગો, હ્યુસ્ટન, સાનફ્રાન્સિસ્કો, વગેરે મોટા શહેરોની અનેક સ્ટ્રીટો ભારતીય રેસ્ટોરાંટ્સથી મહેંકી રહી છે, ત્યારે નાના નાના ટાઉનોમાં રહેલી એકાદી રેસ્ટોરાંન્ટ્સને પણ ભૂલી શકાય તેમ નથી.

આધુનિક યુ એસનો ઇતિહાસ ભલે ૩૦૦ વર્ષથી હોય પરંતુ છેલ્લા ૧૦૦ વર્ષમાં નેશનલ ક્વોટા માટે અને પરદેશી વસાહતીઓ માટેનાં કાયદા બદલવા માટે અમેરિકી ફરજ પડી ત્યારથી ભારતીય ઇમીગ્રેશનનો પ્રવાહ નોંધપાત્ર રહ્યો. પરંતુ ફૂડ બાબતે લોકપ્રિયતાનાં આ સ્તરે પહોંચવા માટે યુ એસની પ્રજાને ઘણો લાંબો સમય લાગ્યો. તેનું મુખ્ય કારણ એ હતું કે યુ. એસના ઇતિહાસમાં બ્રિટિશરોનું રાજ્ય હતું. બ્રિટિશરોએ યુ.એસની ધરતી પર પોતાનું રાજ્ય રાખ્યું પણ એશિયન ઇન્ડિયનોને પોતાના ગુલામ માનવાની મનોવૃતિમાંથી તેઓ છૂટી શક્યા ન હતાં તેથી ઈન્ડિયાનાં રોજિંદા જીવનમાં વણાઈ ગયેલ ભારતીય સ્વાદોને તેમણે મહત્વ ન આપ્યું, બલ્કે તેઓ તો વર્ષો સુધી એમ જ કહેતા રહ્યાં કે આજે ટીક્કાની (પનીર ટિક્કા, ચિકન ટિક્કા વગેરે) ગ્રેવી, લીલી ચટણી, નાન બ્રેડ વગેરે બ્રિટિશરોની જ શોધ છે તે બ્રિટિશરો સાથે જ ઈન્ડિયા ગઈ, અને ઇન્ડિયન સ્પાઇસ સાથે મિક્સ થઈ વધુ સ્વાદિષ્ટ બની. આજ માન્યતાને કારણે તેઓ ભારતીય ગ્રેવીઓને પોતાની દેન માનતા હતાં અને પોતાની દેનને ભારતનો સ્વાદ કેમ કહી શકાય? આથી જ્યાં સુધી અમેરિકામાં બ્રિટિશરોનું રાજ્ય રહ્યું ત્યાં સુધી ભારતીય સ્વાદનું વર્ચસ્વ સ્થાપાયું ન હતું. બ્રિટિશરોથી છૂટા પડ્યા બાદ યુ એસમાં અનેક યુરોપીયન પ્રજા આવીને વસી. આ પ્રજામાં સૌથી વધુ પ્રજા ઇટાલિયનોની હતી તેથી સૌથી વધુ ફૂડ જે રોજિંદા અમેરિકી ફૂડમાં વણાઈ ગયું હતું તેમાં ઈટાલિયન સ્વાદ સૌથી અગ્ર રહ્યો. સિવિલ વોર પછી વિસ્તરેલા યુ એસમાં સાઉથથી અને કેલિફોર્નિયાથી અનેક સ્પેનિશ મેક્સીકન પ્રજા આવીને અહીં સ્થિર થઈ જેને કારણે ઇટાલિયન પછી બીજો સ્વાદ જે સૌથી વધુ મિક્સ થયો હોય તે મેક્સીકન છે. ૧૯૬૦ પછી યુ એસમાં ભારતીયોની સંખ્યા ધીરે ધીરે વધવા લાગેલી પણ ભારતીય સ્વાદ હજુ પણ એટલો લોકપ્રિય થયો ન હતો, પરંતુ ૧૯૮૦ પછી વધતી જતી ભારતીય વસ્તીને કારણે પ્રથમ વાર ભારતીય સ્વાદને યુ.એસમાં વિદેશી ફૂડ તરીકે માન્યતા આપવામાં આવી. આજ અરસામાં (૧૯૮૩માં) પરંતુ ન્યૂયોર્કમાં સર્વપ્રથમ "લક્ષ્મી" બ્રાન્ડ શરૂ થઈ જે આફ્રિકાથી ભારતીય ડ્રાય ગ્રોસરી લાવતી હતી પરંતુ હજુ સુધી ઇન્ડિયન શાકભાજીએ અમેરીકામાં પગલાં મૂક્યા ન હતાં. ૧૯૮૭માં પૂરી ભારતીય ગ્રોસરી અને ભારતીય શાકભાજી સાથે પટેલ બ્રધર્સે નાનકડા સ્ટોર દ્વારા અમેરિકી બજારમાં પગ મૂક્યો. (આ પગ આજે વિશાળ કદમ બનીને અમેરિકાનાં બધા જ રાજ્યમાં ચેઇન સ્ટોર બનીને છવાયેલ છે. ) પરંતુ, કેટલાક કારણોસર આ ઇન્ડિયન શાકભાજીઑ ઈંડિયાથી નહીં બલ્કે સાઉથ અમેરિકાથી અહીં યુ.એસમાં આવે છે. (આ વાતનું તાત્પર્ય એ કહી શકાય કે ભારતીયો વિશ્વમાં સર્વત્રે વસેલા છે.) પટેલ બ્રધર્સ અને લક્ષ્મી બ્રાન્ડને કારણે સિટી તરફ વસેલા ભારતીયોને વાંધો ન આવતો પણ યુ.એસનાં ઇનર કન્ટ્રી સાઈડ વસેલા ભારતીયોને હજુ પણ ભારતીય મરી-મસાલાઓ અને સ્વાદની ખોટ સારતી હતી, તેથી પંજાબીઓએ પંજાબની વિવિધ કરીઑ સાથે નાની નાની રેસ્ટોરંન્ટ્સ શરૂ કરી ત્યારે તેમણે બ્રિટિશ ક્વિનની ફેવરિટ Curry તરીકે પોતાની એડ આપી. પરંતુ બ્રિટિશ ક્વિનની “Curry” તરીકે આ કરીઑ યુ.એસની જનતા પર પોતાનું સ્થાન તો ન જમાવી શકી, પણ હા સ્પાઈસી અને હોટ ફૂડ તરીકે તેને યુ.એસની માર્કેટમાં આવકાર જરૂર મળ્યો. જો,કે Pujabi Curryથી શરૂ થયેલ તે સફરમાં આજે કાંદા–લસણનાં તામસી સ્વાદથી ભરેલી પંજાબી કરીને મ્હાત કરીને લો-કેલેરી અને પ્રોટીનન્ડ યુક્ત ગુજરાતી-રાજસ્થાની Yogurat Curryનું (કઢીનું) વિશેષ સ્થાન રહેલું છે. જેમાં કઢીને હેલ્થી ડ્રિંક તરીકે અને મસાલા ચાયને બોડી વોર્મર તરીકેની માન્યતા મળેલી છે. આજે યુ.એસમાં ઈડિયન કરી, શાક, રોટી, નાન અને ચાયની આ સફળતાને જોઈને વિવિધ અમેરિકન ફૂડ સ્ટોર્સ જેવા કે જાયન્ટ, માર્કેટ બાસ્કેટ, વેગમેન, વોલગ્રીન, એકમે, વગેરે માર્કેટે પણ પોતપોતાની ભારતીય બ્રાન્ડ શરૂ કરી છે. જેમાં પ્રખ્યાત અને નોન પ્રખ્યાત ભારતીય ફૂડનો અને ભારતીય રેડી ટુ ઈટ ની અનેક વેરાઇટી સમાવેશ કરાયો છે.

યુ.એસ માર્કેટમાં ભારતીય સ્વાદનું નામ મોટું કરવામાં ભારતીય ફૂડ, સાથે ભારતીય ફિલ્મોનો પણ ફાળો રહેલો છે. આ ઉપરાંત અહીં વસેલ આમ પ્રજાની સાથે કેટલીક ખાસ વ્યક્તિઓનો પણ છે જેમાં ડો. દિપક ચોપરા, શેફ વિકાસ ખન્ના, મન્નિત ચૌહાણ, આરતી સિકવેરા, સુવીર સરન વગેરેનો સમાવેશ થાય છે. ફિલાડેલ્ફિયાની મેઇન લાઇન લાઇબ્રેરીએ અમેરિકન શેફને તૈયાર કરવા માટે ભારતીય સ્પાઇસ, ટેસ્ટ, અને આયુર્વેદ ઉપર ખાસ ધ્યાન આપ્યું છે અને આજ વિષયને લગતા ભારતીય ફૂડ અંગેની હિસ્ટ્રી, રેસિપીઓ વિષેની અનેક બુક્સો વસાવી છે, જેમાંથી અમુક બુક્સ તો પ્રાચીન એશિયન બૌધ્ધ ધર્મમાંથી પણ લેવાઈ છે. અમેરિકન શેફ એમરીલ અગ્ગસી ભારતીય ફૂડને મનને પવિત્ર કરનાર "રસાયણ ફૂડ" તરીકે ઓળખે છે, તેથી તેમણે પોતાની ઘણી રસોઈ ટેકનિકમાં ભારતીય કૂકિંગ ટેકનિકને મહત્વ આપ્યું છે. ૧૯૯૫ પછી યુ.એસની ધરતી પર ભારતીય સ્વાદ અને સુગંધે વધુ પોતાના પગ દ્રઢ કર્યા. આ સમયમાં ઓસ્કાર નોમિનેટ મૂવી "લગાનને "કારણે ભારતીય સ્વાદ માટે એક આકર્ષણ ઊભું થઈ ગયું. પરંતુ "સ્લમ ડોગ મિલ્યોનેર" મૂવી પછી ભારતીય સ્વાદનો પ્રભાવ આખા યુ.એસમાં છવાઈ ગયો અને આજ સ્વાદમાં જ્યારે આયુર્વેદ અને યોગ ભળ્યા ત્યારથી અમેરિકાની ધરતી પર ભારતીય સ્પાઇસીસ અને સ્વાદ હેલ્થીએસ્ટ અને ટેસ્ટીએસ્ટ મિરાકલ્સ તરીકે પ્રખ્યાત થઈ ગયા છે.gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.