બ્રિટનની ઓક્સફર્ડ યુનિવર્સીટી દ્વારા વિદ્વાનોનું એક સંગઠન ચાલે છે, ધ ઓક્સફર્ડ યુનિયન સોસાયટી. એ સોસાયટી દર વર્ષે કોઈને કોઈ વિષય પર ચર્ચા વિચારણાનું આયોજન કરે છે. આ ચર્ચાસભા અત્યંત પ્રતિષ્ઠિત છે. ડો.આઈન્સ્ટાઈનથી માંડીને પ્રોફેસર સ્ટીવન હોકિંગ સુધીના વિજ્ઞાાનીઓ, દલાઈ લામાથી માંડીને ડિયેગો મારાડોના અહીં બે શબ્દો કહી ચૂક્યા છે. આ વખતે મે મહિનાના અંતે આવી જ સભા યોજાઈ હતી અને તેમાં ચર્ચા કરવા માટે ભારતના સાંસદ અને વિદ્વાન લેખક ડો.શશી થરૃરને આમંત્રણ મળ્યુ હતું. ચર્ચાનો વિષય ભારે રસપ્રદ હતોઃ શું બ્રિટને ભારતને ગુલામ રાખ્યુ એ બદલ વળતર ચૂકવવુ જોઈએ?

વિવિધ વિદ્વાનોએ આ વિષયની તરફેણમાં અથવા વિરૃદ્ધમાં વાત કહેવાની હતી અને એ માટે પોતાની દલીલ રજૂ કરવાની હતી. ડો.થરૃરનો વારો આવ્યો એટલે તેમણે પોતાનું ભાષણ શરૃ કર્યું. સ્વાભાવિક રીતે જ તેઓ પક્ષમાં હતાં કે બ્રિટને ભારતને ગુલામ રાખ્યુ એ માટે વળતર આપવું જ રહ્યું. પોતાના ભાષણની શરૃઆતમાં જ તેમણે ધારદાર દલીલ રજૂ કરી કે બ્રિટને ભારતમાં પ્રવેશ મેળવ્યો એ પહેલાં (એટલે કે ૧૭૫૭) ભારતનું વૈશ્વિક અર્થતંત્રમાં પ્રદાન ૨૩ ટકા હતું. ૧૯૦ વર્ષ પછી ૧૯૪૭માં ભારતને ખાલી કરીને બ્રિટીશ સરકારે ઉચાળા ભર્યા ત્યારે તેઓ ખરા અર્થમાં ભારતને ખાલી કરી ચૂક્યા હતાં. કેમ કે ત્યાં સુધીમાં વૈશ્વિક અર્થતંત્રમાં ભારતનું પ્રદાન ઘટીને ૪ ટકા થઈ ગયું હતું. થરૃરનું આ ભાષણ અત્યારે યુટયુબમાં ભારે લોકપ્રિય બન્યું છે અને વાઈરલ પણ થયું છે.

ભાષણણાં થરૃરની દલીલો અત્યંત મજબૂત છે અને એટલે જ જગતભરના વિદ્વાનો બ્રિટિશ અમીર-ઉમરાવો વિચારે ચડયા છે. કેમ કે થરૃરે કહ્યું એ પ્રમાણે બ્રિટિશ કાળ દરમિયાન ભારતના ઉદ્યોગ-ધંધા ભાંગી પડયા. લોકોનો વધારે પડતો સમય બ્રિટિશરોના જુલ્મો સામે લડત આપવામાં જતો હતો. પોતાનો અને રાષ્ટ્રનો વિકાસ થાય એવી કાર્યવાહી કરી શકાય એવી હાલત જ નહોતી. એમ કરવાથી ધીમે ધીમે ભારતનું અર્થતંત્ર ખોખલુ થયું અને આઝાદીનો વખત આવ્યો ત્યાં સુધીમાં વિશાળ દેશનું વૈશ્વિક માર્કેટમાં વર્ચસ્વ ઘટી ગયું. બસ એટલા માટે જ ભારતને વળતર મળવું જોઈએ.

બ્રિટિશરોના આગમન પહેલાં ભારતનું વણાટ કાપડ આખા જગતમાં જાણીતુ હતં. બ્રિટિશરો આવ્યા, તેમણે વણાટ અટકાવ્યુ, કાચો માલ બ્રિટન ભેગો કરવા માંડયા અને પછી ત્યાંના કારખાનામાં ઉત્પાદિત થતો માલ વેચવાની શરૃઆત કરી. ઢાકાનું મલમલ અત્યંત પ્રસિદ્ધ હતું. અંગ્રેજોએ એવી અનેક ચીજોનું અપહરણ કરી લીધું. ભારતીય ઉત્પાદકોને તેની બહુ મામૂલી કિંમત મળતી હતી, જ્યારે બ્રિટિશ વેપારીઓ સેંકડો ટકાના હિસાબે નફો કરતાં હતાં. એટલું જ નહીં, ભારતનો જ માલ ભારતને ઊંચી કિંમતે વેચવામાં આવતો હતો. ભારતીયોને એ જ ખરીદવા મજબૂર કરવામાં આવતા હતાં. અંગ્રેજકાળ પહેલાં બ્રિટનની આયાતમાં ૨૭ ટકા હિસ્સો ભારતનો હતો. એ ઘટીને ૨ ટકા થઈ ગયો હતો. એટલે તો પછી આઝાદીની ચળવળમાં પરદેશી પેદાશોની હોળી કરવામાં આવતી હતી.

બ્રિટિશ સરકારે ભારતને કાયદેસર પાયમાલ જ કર્યું તેનું વધુ એક ઉદાહરણ લૂંટ શબ્દ છે. રોબર્ટ ક્લાઈવ ભારત આવ્યો ત્યાં સુધી તેને (કે અંગ્રેજી ભાષાને) લૂંટ શબ્દ અંગે ખબર જ ન હતી. ભારતમાં એ શબ્દ સંસ્કૃતમાંથી હિન્દીમાં આવ્યો હતો. ક્લાઈવ અને એ પછીના અંગ્રેજોએ ભારતની સંપત્તિ તો લૂંટી જ. પણ વર્ષો પછી લૂંટ શબ્દને સત્તાવાર રીતે ઓક્સફર્ડ ડિક્શનરીમાં સ્થાન પણ આપ્યું. અંગ્રેજી ભાષામાં લૂંટ શબ્દ આજે મોજથી વપરાય છે અને એ કદાચ પહેલો એવો અંગ્રેજી શબ્દ હશે, જેને અભણ ભારતીયો ગુજરાતી કે હિન્દીમાં અનુવાદિત કર્યા વગર સમજી શકે છે. ક્લાઈવ જેવા અનેક બ્રિટિશ અમલદારો હતાં જે ખાલી ખિસ્સે ભારત આવ્યો હોય અને પછી પટારાઓ ભરીને સંપત્તિ લઈ બ્રિટન ગયા હોય.

ભારતમાં અંગ્રેજો આવ્યા તો ઘણી સુવિધાઓ આવી એવી દલીલ પણ થતી હોય છે. પણ એ સુવિધા આપવાથી અંગ્રેજો દૂધે ધોવાઈ જતાં નથી. બ્રિટિશરોએ જે સુવિધાઓ વિકસાવી એ પોતાના લાભ માટે હતીં, ભારતીયોના નહીં. જેમ કે રેલવે. તો ભારતમાં થતો કપાસ બ્રિટનમાં સરળતાથી આયાત થઈ શકે એટલા માટે રેલવે લાઈન નખાઈ હતી. અગાઉ તો અમેરિકાથી કપાસ આવી જતો હતો, એટલે ભારતના કપાસનું કશુ મૂલ્ય ન હતું. પણ અમેરિકાનો કપાસનો પાક નિષ્ફળ ગયા પછી કાપડ ઉદ્યોગ પર નભતા બ્રિટને ભારત તરફ નજર દોડાવી. અહીં કપાસની ખેતી થતી હતી, પણ ઘણી ખરી ઉપજ ભારતના અંતરિળાય વિસ્તારોમાં હતી. એ બધો કપાસ સરળતાથી બંદરો સુધી પહોંચે અને ત્યાંથી બ્રિટન રવાના થાય તો જ ઉપયોગી નીવડે. એટલા માટે બ્રિટિશરોએ રેલવેના પાટા બિછાવવા શરૃ કર્યા.

ટપાલ સેવા શરૃ કરી, ટેલિગ્રામનું નેટવર્ક ગોઠવ્યું. કેમ કે ભારતના વિવિધ પ્રાંતમાં ફેલાયેલા રાજવીઓ-પ્રજાજનો ગમે ત્યારે વિરોધ કરે તો લડત આપવાનું કામ મુશ્કેલ થઈ પડતું હતું. પરંતુ સંદેશાવ્યવહારની સગવડ હોય તો જેવો ક્યાંય હૂમલો થાય એ સાથે જ નજીકની બ્રિટિશ લશ્કરી ટૂકડી ત્યાં પહોંચી જઈ સંભવિત હૂમલાને અટકાવી દે.

ભારતમાં છેલ્લો ભૂખમરો બ્રિટિશરાજ વખતે આવ્યો હતો. ૧૯૪૩માં બંગાળમાં દુષ્કાળ પછી ભૂમખરો શરૃ થયો અને ધનપતિ બ્રિટિશ સત્તાધિશોએ ભારતીઓને અનાજના અભાવે મરવા દીધાં. એ વખતે ત્રીસેક લાખ લોકો મૃત્યુ પામ્યા હતાં. એ પછી એવી ગરીબ સ્થિતિ ભારતે જોઈ નથી. અપલખણા બ્રિટિશ વડા પ્રધાન ચર્ચીલે જાણી જોઈને ભારતીયોને મરવા દીધા હતાં. કેમ કે તેમની સફેદ ચામડી સામે કાળા લાગતા ભારતીયો પ્રત્યે ચર્ચીલને ભારે નફરત હતી. એટલી બધી કે જ્યારે કોઈને તાર કરીને વડા પ્રધાન ચર્ચીલને મૃત્યુની ગંભીરતા સમજાવી તો ચર્ચીલે વળતો સવાલ કર્યો કે સામાન્ય માણસોના મૃત્યુ તો ઠીક છે, પણ શું ભૂખમરાથી હજુ સુધી ગાંધી નથી મરાયા? એટલે ચર્ચીલ રાહ જોતા હતાં કે ગાંધીજી પણ અનાજના અભાવે મૃત્યુ પામે.

સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે બ્રિટને જગતભરમાંથી દંડ વસૂલવામાં કશુ બાકી રાખ્યુ નથી. પોણા બસ્સો દેશ પર ક્યારેકને ક્યારેક બ્રિટનનું શાસન હતું. એટલે આજની ઘણીખરી સંપત્તિ સરવાળે તો લૂંટ-ફાંટમાથી જ આવેલી છે. પહેલું વિશ્વયુદ્ધ ૧૯૧૪માં પુરું થયું એટલે બ્રિટનની આગેવાનીમાં બધા મિત્ર દેશોએ ભેગા થઈને ન્યાય કર્યો કે યુદ્ધ માટે જર્મની જવાબદાર છે. માટે તેને દંડ ફટકારો. દંડની રકમ નક્કી થઈ ૧૩૨ અબજ રિક્સ માર્ક. વધુમાં જર્મનીએ સેના કેવડી રાખવી, કેટલાં યુદ્ધ જહાજો બાંધવા.. વગેરે પર બ્રિટનની નજર રહેતી હતી. એટલું ઓછુ હોય એમ જર્મની ઉત્પાદિત કરે એ ચીજો પૈકી કેટલાક ટકા હિસ્સો તો સીધો મિત્ર દેશોને સીધુ-સામાન તરીકે ધરી જ દેવાનો. એ દેવાને પ્રતાપે જ જર્મનીમાં મંદી આવી અને પછી બીજું વિશ્વયુદ્ધ પણ સળગ્યું. તો પણ જર્મનીના દંડમાં કશો ફરક પડયો ન હતો. વર્ષો સુધી જર્મનીએ હપ્તે હપ્તે દંડ ભર્યો. છેલ્લો હપ્તો સપ્ટેમ્બર ૨૦૧૦માં (વિશ્વયુદ્ધ ખતમ થયાના ૯૫ વર્ષ પછી) ચૂકવ્યો જે ૬ કરોડ પાઉન્ડનો હતો!

બ્રિટનના આગમન પહેલાં ભારત મદારીઓનો દેશ હતો. પણ બ્રિટિશરોએ આવીને લૂંટારાઓનો બનાવી દીધો. બ્રિટિશરોએ ભારતમાં ઉનાળુ વેકેશન, ક્રિકેટ, હિલ સ્ટેશનો જેવા નવા ગતકડાં કર્યા. ભારતીઓએ તેમને અપનાવ્યા પણ ખરાં. પરંતુ આઝાદી પછીથી આજ સુધી કોઈ રાજનેતાએ બ્રિટિશ સરકાર પાસે વળતરની હિંમત કરી નથી. થરૃરે પોતાના ભાષણમાં ખરેખર તો બહુ મોટી વાત કહી દીધી છે. પચ્ચીસેક લાખ ભારતીય સૈનિકો બ્રિટિશરો માટે બીજું વિશ્વયુદ્ધ લડયા હતાં. તેમના પરિવારોને વળતર આપે તો કરોડો પાઉન્ડની રકમ બ્રિટિશ તિજોરીમાંથી ચૂકવવાની થાય. બ્રિટનનું અર્થતંત્ર એટલુ બધુ તાગડધિન્ના કરતું નથી કે ભારતને કરોડો પાઉન્ડનું વળતર ચૂકવે પણ એક કોહિનૂર હીરો પરત કરી દે તોય ઘણુય.

અલબત્ત, આંતરયુદ્ધમાં પડેલી ભારત સરકાર અને રાજકીય પક્ષોમાં દેશાભિમાન જેવુ કશું છે નહીં. માટે થરૃરની વાત તેમના કાને પડી નથી. દેશવાસીઓના કાને તો ક્યાંથી પડે?

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.