ચીસ એક સત્યકથા છે. આપ્તજનોની બેરહેમીનો શિકાર બનેલી અને તેની સામે અવાજ ન ઉઠાવી શકનાર એક અબળાની મૂંગી ચીસ, જે અવાજમા પરિવર્તિત ન થતા, એના હ્રદયના ઉંડાણમા જ સમાઇ ગઇ અને તેના માનસપટલના તારને ધૃજાવી ગઇ.આ સભ્ય સમાજની એક દીકરી પોતાના મગજની સમતુલા ગુમાવી બેઠી. એની વેદનાના તરંગો અમારી આસપાસની હવામા જરૂર વહેતા હતાં, પણ અમારા કાન કે ર્હદય સુધી ના પહોંચ્યાં. એ અમારી બેદરકારી અને એની કમનસીબી હતી, કે જેથી અમે સર્વે, એના સહકાર્યકર્તાઓ એની અંતરની ચીસ ના સાંભળી શક્યાં. એનુ રૂદન ના સાંભળ્યું, એને મદદ ના કરી અને તે બદલ પસ્તાવાના ઝરણામાં ભીંજાઇ રહ્યાં છીએ. આટલી પ્રસ્તાવના બાદ હુ, યાને વર્તાકાર તમને મારી ઓળખાણ આપું અને આ પાત્ર સાથે હું કેવી રીતે સંકળાયેલી, તે સમજાવું.

હું રાષ્ટ્રિયકૃત બેંકમા નોકરી કરતી હતી. બેંકની નોકરી. ત્રીસ વર્ષ,અનેક શાખાઓમાં, ભિન્ન, ભિન્ન પ્રકૃતિના વ્યક્તિઓ સાથે કામ કર્યુ. આ હરએક વ્યક્તિને પાત્ર ગણવાથી અનેક સત્ય કથાઓનુ નિર્માણ કર્યુ. પણ વેદનાની સીમાથી પણ અધિક તડફડાટ તમને આ કથામાંથી જાણવા અને વાંચવા મળશે. આ પાત્રને કાલ્પનિક પાત્ર ના ગણતા , એક વ્યક્તિની સંવેદના સમજીને ઝિલજો.

વિજયા (નામ બદલ્યુ છે) મ્યુનિસિપાલિટીના ચોથા વર્ગના, મહારાષ્ટ્રિયન કર્મચારીની પહેલી દીકરી હતી. નાનપણથી જ તે દેખાવડી, તંદુરસ્ત અને હસમુખ હતી. ત્રણ વર્ષ બાદ આ કુટુમ્બમાં બીજી વખત લક્ષ્મીજી પધાર્યા. નામ કરણ થયુ, ધરા. ભારતીય સમાજમા પુત્રજન્મને આગવું સ્થાન છે. રાજ્યાભિષેક કરવાનો હોય, એમ મા-બાપ દરેક ખોળે પુત્રની રાહ જોતા હોય. ભલે પછી, જવાબદારીનો ઢેર અને દેવાનાં ડુંગર આપે. આ મનોદશામાં ત્રીજા ખોળે પણ દીકરી જ જન્મી. નામ સુપ્રિયા. વિજયા ચૌદ વર્ષની થઇ ત્યારથી જ ટ્યુશન કરીને અને ચિત્રકલાના વર્ગો ચલાવીને, પોતાના અને બહેનોના ભણતરનો ભાર ઉપાડતી. બી. કોમ. ના અભ્યાસ દરમ્યાન બેંકની પ્રવેશ પરીક્ષામા ઉત્તીર્ણ થઇ અને બેંકમા નોકરી મેળવી, પિતાનો અર્થિક ભાર હળવો કર્યો. વિજયા મુસાફરીના અને હાથખર્ચીના થોડા જ પૈસા રાખી ,બાકીના ઘર ખર્ચમાટે આપતી.પણ રંકને ઘેર તો મુસીબતોનો ઢેર હોય છે. પિતાજીને ટી.બી. ની અસર જણાઇ. તમાકુનુ સેવન કરનારને શરીર ઉપર અસર જણાય પણ કુટુમ્બીજનોને આર્થિક બોજ સહન કરવો પડે, એમના જીવન નિર્વાહ ઉપર અસર થાય. પિતાજીએ વગર પગારે રજાઓ લેવા માંડી અને વિજયાની આર્થિક જવબદારી વધી ગઇ. આ વિકટ સમય દરમ્યાન તેની જિંદગીમાં એના સપનાનો રાજ કુમાર આવ્યો, નામ પ્રતિક. એ સ્વભાવે હસમુખ હતો અને વિજયાના રોજબરોજનાં સુખદુ:ખનો ભાગીદાર બન્યો. વિજયાની સૂની, વેરાન જિંદગી સુખના સ્વપ્નોથી ભીંજાવા માંડી. તે આસમાનમા ઉડવા લાગી. પણ સચ્ચાઇનો સામનો થતાં જ તે ધરા ઉપર પટકાઇ ગઇ..મા સમક્ષ લગ્નની વાત કરી તો માએ મો વાળ્યુ,” તારા મા-બાપ-બહેનો ભૂખે મરી જશે. આટલી સ્વાર્થી કેમ થઇ ગઇ? બે ત્રણ વર્ષ ખમી જા. ધરાની કોલેજ પતશે એટલે એ ભાર ઉપાડી લેશે અને તુ તારા મનની મરજી પ્રમાણે જજે ” વિજયાએ પોતાના પ્રથમ પ્રેમને મનના ઊંડાણમા ડૂબાડી દીધો. ઉપરથી શાંત દેખાતો મનનો મહાસાગર અંતરાળમા સુનામી ભરીને બેઠો હતો. પ્રતિકને ઘેરથી લગ્નનુ દબાણ વધતું હતું. બેંકની નોકરી હોવાથી ઇંકમટેક્સ , સચિવાલય અને કસ્ટમ જેવી સરકારી નોકરી કરતાં મહારાષ્ટ્રિયન ઘરોમાથી આ જમાઇને પકડવાની હોડ લાગી હતી. પ્રતિકને પણ પોતાના ભાઇ ને એંજિનિયર બનાવવા માટે કમાતી પત્નીની જરૂર હતી. પ્રતિક અને વિજયા કોઇ પણ જાતની કડવાશ વગર છૂટા પડ્યા..સાચો પ્રેમ તો ,પોતાના પ્રેમીની મર્યાદાઓને સ્વીકારીને, એકબીજાના અસ્તિત્વને મોકળાશ આપવામા માને છે. પ્રેમમાં પરણવાની અને પામવાની શરત કે જીદ નથી હોતી. પ્રેમ તો આખી જિંદગી એકબીજાને મનોમન કરી શકાય એવો પવિત્ર સંબંધ હોય છે. વિજયાએ પ્રતિકને બંધન મુક્ત કર્યો. પ્રતિકના લગ્ન એલ.આઇ.સી.માં નોકરી કરતી છોકરી સાથે નક્કી થયાં. પ્રતિકે પોતાની ભાવી પત્નીને,પોતાના પહેલા પ્રેમની વાત કરી અને બન્નેએ વિજયાને મળીને અડધી રાત્રે પણ જરૂર પડે તો મદદ કરવાનુ વચન આપ્યું. વિજયાનુ પોતાનુ દુઃખ કોની સાથે વહેંચે?એનુ દુ:ખ એના અંતરના ઉંડાણમાં સમાયેલુ હતું. લોકલ ટ્રેનની ભીડમાં કે બેંકનાં પાંચસો કર્મચારીઓ વચ્ચે પણ, તે મનોમન એકલી હતી. પુરુષો દુ:ખમા શરાબનો સહારો શોધે છે, પણ વિજયા પાસે તો આંસુ સારવા પ્રતિકનો રૂમાલ ના હતો કે એનો મજબૂત ખભો પણ ના હતો..

બેંકમા પાંચ વર્ષ થતાં જ વિજયાએ ઘરમાટે હાઉસીંગ લોન લીધી. પિતાએ ખૂટતા એક લાખ રૂપિયા નિવૃત્તિ ફંડમાંથી ઉપાડીને આપ્યા. ગીરગામની એક રૂમની ચાલીમાંથી, દહીસરમાં એક બેડરૂમ હોલ કીચનનો 450 સ્કે.ફૂ. નો ફ્લેટ ખરીદ્યો. મોકળાશવાળી આ જગ્યામાં દરેક જણે રાહતનો શ્વાસ લીધો. વાત 1980-90 ની હતી, જ્યારે 5/6 લાખમા બોરીવલી બાદનાં પરામા ફ્લેટ મળતો હતો. પિતાજીની તબિયત હવા-ઉજાસવાળા ઘરમા સુધરવા લાગી. ફરી નોકરી પર હાજર થયા.પણ તબિયતને ધ્યાનમાં રાખીને સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. નોકરીના આખરી દિવસે, હારતોરા અને વિદાયગીરીની ભેટ લઇને પાછા ફરતાં, ટ્રેનમા જ ર્હદયરોગનો હુમલો થયો. સહપ્રવાસીઓ એમને મુમ્બઇ સેંટ્રલની હોસ્પિટલમા લઇ ગયાં. એમની પાસે બેગ હતી, તેમાંથી નામ નંબર મેળવી ફોન કર્યા. વિજયાને ખબર મળતા જ ,તે અને તેની ઓફિસનાં કર્મચારીઓ, પોતાની પાસે હતાં તેટલા પૈસા ભેગા કરીને, હોસ્પિટલ પહોંચ્યાં. પણ પિતાજી ના બચ્યા. રાત્રે નવ વાગે એમના આત્માએ દેહ છોડ્યો. પોસ્ટ મોર્ટમ બાદ રાત્રે બાર વાગે મૃત્યુદેહ મળ્યો. કોઇ ભાઇ-ભત્રીજાને બોલાવીને અગ્નિસંસ્કાર કર્યા. દીકરી આખા ઘરનો આર્થિક ભાર ઉપાડે તો પણ આપણા સમાજે એને અગ્નિસંસ્કાર કરવાની પરવાનગી આપી જ નથી. આખી રાત ઓફિસના કર્મચારીઓએ સાથે રહીને વિજયાને સહારો આપ્યો. મુંબઇ પચરંગી પ્રજાનુ શહેર છે. સગાવહાલા હોય કે ના હોય, તમારી ઓફિસના અને પાસ પડોશના લોકો હમેશા મદદ કરવા તત્પર રહે છે. કોઇની તકલીફમા સહારો આપવો, હોસ્પિટલ જવું, આર્થિક અને વ્યક્તિગત મદદ કરવી, એ અમારા મુંબઇગરાનાં વસુધૈવ કુટુમ્બનો વણલખ્યો નિયમ છે. જાત-પાત ,ઉંચ-નીચ ની પરવાહ ન કરતાં, બધાં મુંબઇગરાઓ સાથે જ મદદનો હાથ લંબાવીએ. પિતાના મૃત્યુ બાદ ખબર પડી કે નિવૃત્તિ લાભના પૈસા એમની માંદગી અને ઘર માટે ઉપાડી લીધાં હતાં. વગર પગારે રજા લીધી જેથી ગ્રેજ્યુઇટી ઓછી થઇ ગઇ હતી. માએ દીકરીઓના લગ્નમાટે બચાવેલાં પૈસાથી, મૃતકના આત્માની શાંતિ માટે વિધિ કરી. ગામમા હતી તે ટુકડો જમીન વેચીને ગામ જમાડ્યુ. આ એક કુરિવાજ છે. મૃતકના આત્માની શંતિ માટે જીવતાનો કોળીઓ છીનવી લેવાનો? પણ જો ગામના લોકોને ના જમાડે તો એમને ન્યાત બહાર મુકે.ગાંધીજી કહેતાં હતાં કે ખરું સ્વરાજ્ય ગામડાઓમાં લાવજો, પણ આપણા નેતાઓને શહેરનુ જીવન ગમી ગયું છે એમને ગામડામાં વોટ માગવા શિવાય જવું જ નથી. જેથી ગામડામા પંચો 2000 વર્ષ પુરાણા નીતિ-નિયમો અને કાયદા પ્રમાણે રાજ ચલાવે છે.

ઘરની આર્થિક જવાબદારી હવે સંપૂર્ણ પણે વિજયા ઉપર હતી. વાત સામાન્ય હતી પણ ઉપરવાળો આપણા જીવનમા ક્યારે અવળા પાસા નાખીને ખળભળાટ મચાવશે એજ ખબર પડતી નથી.

વિજયાએ આર્થિક મોરચે માત આપી પણ સામાજિક મોરચો યુધ્ધ માટે ઉભો હતો. ધરા કોઇ ઓછુ ભણેલા ,ઓછુ કમાતા, અસંસ્કારી, પહેલી પત્નીથી છૂટા પડેલા, મોટી ઉમરના તથા સેલ્સમેનની નોકરીમાં ફ્રોડ યાને પૈસાનો ગોટાળો કરેલા, મી. રાઇટના પ્રેમમા પડી. મા-બહેને ખૂબ સમજાવી પણ પરિણામ શૂન્ય. પ્રેમમા ઉડતા પંખીઓને ધરતી ઉપરના નિયમો સમજાતાં નથી. ઘર કેવી રીતે ચાલશે? કેટલા વીસે સો થશે? એવી પાયાની વાતો અગત્યની નથી લાગતી. માએ સમજાવી કે, આ સંબંધને થોડો સમય આપે તો સમય જ દૂધ અને પાણીને જુદાં કરી આપશે. ધરાએ એમ.કોમ નુ ભણતર વચ્ચેથી છોડી દીધું અને ભાગીને લગ્ન કર્યા. તે કોલેજનો સમય પત્યા બાદ બ્યુટી પાર્લરમા કામ કરતી હતી. એના મી. રાઇટ મૂડી વગરના ધંધા કરતો હતો. બન્ને પેઇંગેસ્ટ તરીકે રહેતાં હતાં. એક જગ્યાએ ભાડું ચડી જાય તો બીજા માળામાં વસવાટ કરતાં હતાં. મા આ આઘાત સહન ના કરી શકી અને સુપ્રિયાની જવાબદારી વિજયાને સોંપીને પ્રભુને ધામ ચાલી નીકળી. ધરા માની અંતિમ ક્રિયામા પણ ના આવી. વિજયાએ સુપ્રિયાને એસ.એન.ડી.ટી.માં કાર્યલક્ષી શિક્ષણ અપાવ્યું. ભણતર બાદ જમાનાની માંગ પ્રમાણે કમ્પ્યુટરનો કોર્સ શરૂ કરાવ્યો. એ પગભર થશે એ આશા ફરી એક વાર ઠગારી નીકળી. કમ્પ્યુટર ક્લાસના ટીચરે સુપ્રિયાની જિંદગીમાં ધીમો પણ મક્કમ પગલે પ્રવેશ કર્યો. સુપ્રિયાએ બહેનની તપસ્યા અને ત્યાગનો વિચાર ના કરતાં, સ્વકેન્દ્રી બનીને, પોતાના સુખનો રસ્તો શોધી લીધો. મા સમાન બહેનની આજ્ઞા કે આશિષ લેવા પણ ના રોકાઇ..બે મહિનાની ઓળખાણ વીસ વરસના વાત્સલ્ય પ્રેમથી પણ ચડિયાતી થઇ ગઇ. બાન્દ્રા કોર્ટમાંથી ફક્ત એક ફોન કર્યો, ”દીદી,મે લગ્ન કરી લીધાં છે. હવે તારી જિંદગીમાં પરેશાની વધારવા પાછી નહી આવું.“ અંહી સુધીની વાતમા કોઇ આશ્ચર્યજનક વળાંક ના આવ્યો. 60-70 ના જમાનામા આવેલી ત્રીશ્ના જેવી ફીલ્મો મોટી દીકરીના ત્યાગની ભાવના ઉપર આધારિત હતી. પણ હવે પછીનો વળાંક તમને ધૃજાવી જશે.

મનની જેમ ઘર પણ ખાલી થઇ ગયું. બેંક્માથી સાંજે પાછી આવે ત્યારે એકલતા એને વીંટળાઇને ગૂંગળાવી જતી. એવી જ એક સૂની સાંજે, ધરા અને એના નરાધમ પતિનુ આગમન થયું. વિજયાની આંખમા મોતીની સેર જેવા આંસુ ઝળક્યા. એકલતા પાછળ મૂકીને, એ ધરાને વળગીને ખૂબ રડી. ધરા પણ રડી, માફી માંગી, મા-બાપને યાદ કર્યા અને પછી ગૃહપ્રવેશ કરીને દીદીની સૂની જિંદગીમાં ભળી ગઇ. આ પળ એની જિંદગીની સૌથી નબળી પળ હશે, નસીબે એના ભવિષ્યમા કોઇ ખરબચડો વળાંક લખ્યો હશે. આ ક્ષણે, એણે સંવેદના સંભાળીને, દીદી- જીજુને આશ્રય ના આપ્યો હોત તો એની જિંદગીમાં આટલું દર્દ-વેદના ના હોત. સ્વાર્થીને સગપણ હોતું નથી, એ વિજયા ના સમજી. ઘરબાર વગરનાં બન્નેએ વિજયાને ત્યા તમ્બુ તાણ્યાં.આ મા જણીની, લોહીની સગાઇ હોવાથી, વિજયા તેને ના કહી શકી નહી. શરૂઆતમાં બધુ સામાન્ય હતું. પણ આ બે ઉંટ આરબના તમ્બુમા પ્રવેશ કરીને, આરબને જ બહાર કાઢવાની વેતરણમાં હતાં. ધરા ઘરમા કોઇ જ કામ કરતી ન હતી. વિજયા સવારની ચા તથા શાક- રોટલી બનાવી, ત્રણેનાં ડબ્બા ભરતી. બન્નેને મફત લોજીંગ, બોર્ડીંગની વ્યવસ્થા થઇ ગઇ હતી. મહિનાના અંતે વિજયાએ ધરાને ઘરખર્ચમાં ભાગ આપવા વિનંતી કરી ત્યારે બન્નેએ તેવર બતાવ્યાં.

“આ ઘરમા પિતાજીના પૈસા પણ છે ,જે તું દબાવીને બેઠી છે. આપવા હોય તો એ એક લાખ રુપિયા આપ. હુ અહીથી જતી રહીશ .નાનુ ઝૂંપડું લઇને રહીશ, પણ તારે આશ્રયે પાછી નહી આવુ.“ વિજયા પાસે એક લાખ રૂપિયા ન હતાં.આ એક સોનેરી તક હતી.જો પૈસા અપાઇ ગયાં હોત તો દીદી-જીજુ ઘરની બહાર હોત. પણ આપણી જિંદગીનો પ્રવાહ તો ઉપરવાળાએ તય કર્યો હોય છે. એક કમનસીબ ક્ષણે લેવાયેલાં ખોટા નિર્ણયને સુધારવાની તક પ્રભુએ આપી, પણ વિજયા એ તકને ઓળખી ના શકી, વધાવી ના શકી. ધરા બ્યુટીપાર્લરમા કામ કરતી હતી. તે રાતે આઠ વાગ્યા પછી જ ઘેર પાછી આવતી. તે પહેલા તો એનો મી. રાઇટ જેને આપણે વીનુના નામથી સંબોધીશું એ મહાશય, ઘેર આવીને દેશી દારૂની બાટલી લઇને વિજયાના મંદિર જેવા ઘરને ભ્રષ્ટ કરતો. વિજયાએ વ્યથિત થઇને જીજુને સમજાવવાની કોશિશ કરી, તો વીનુએ દારૂના નશામાં, પોતાની પેંટ્ના પટ્ટાથી એને મારી. રાત્રે ધરા ઘેર આવી ત્યારે વિજયાએ રડતાં રડતાં પોતાની વીતક કથા જણાવી. ધરાનો પ્રત્યુત્તર સાંભળી એ ડઘાઇ જ ગઇ. ધરાએ કહ્યુ ,”તુ મારા પતિને વારનાર કોણ છે? આજે અમારી વચ્ચે આવી છે તો માફ કરું છું, પણ ફરી તે વીનુને કાંઇ પણ કહ્યું છે તો હું જોઇ લઇશ.“ આ ધમકી હતી કે ચેતવણી એ વિજયા સમજે એ પહેલા જ ધરા પોતાનુ જમવાનુ લઇને બેડરુમમાં, વીન્યાનો હાથ પકડીને જતી રહી. વિજયા બહાર સોફા ઉપર આંસુ સારતી બેસી રહી. માનવતા સામે દાનવતા જીતી ગઇ. આ બધા કળીયુગના નિયમ છે. વિજયાના હાથમાથી બેડરૂમ પણ જતો રહ્યો .ત્યાર બાદ, બીજે ત્રીજે દિવસે ઘરમા ઝગડો થતો અને વિજયાને માજણી દીદી અને જીજુનો માર ખાવો પડતો. મનની મુંઝવણમાં સાથ આપનાર પ્રતિક પણ બીજી શાખામાં ટ્રાસફર થઇ ગયો હતો. અમારા જેવા સાથીઓએ સલાહ આપી કે ક્યાં તો, એ લોકોને ઘરમાથી કાઢી મૂક અથવા પોલીસમા ફરિયાદ કર. પણ વિજયા પાસે એ લોકોને કાઢવાનાં એક લાખ રૂપિયા ન હતાં. એણે અમને પણ આ વાત ના જણાવી કે પેલા બન્નેની માંગણી લાખ રૂપિયાની હતી. એ લાચાર હતી અને ઘરના હાંડલા ઓટલે ના આણવાની બેડી એણે પોતે જ પગમા પહેરી હતી એટલે પોલીસમાં ફરિયાદ ના કરી. પોલીસનો પણ શો ભરોસો? વીનુ કરતાં પણ વધારે ત્રાસ પોલીસનો શરૂ થાય. શારીરિક અને માનસિક ત્રાસને લીધે વિજયા પોતાના અંતરમા ઉંડી ખોવાયેલી રહેતી. ધરા પાર્લરની નોકરીમાથી મોડી આવતી ત્યારે વીનુ દારૂના નશામા એને કોઇ ને કોઇ બહાને હાથ અડાડીને અડપલા કરતાં કહેતો કે,” વિજુ પાપડ શેકી આપને. વિજુ કંપની આપને” એને ગંદી મનોવૃત્તિથી સ્પર્ષ કરતો. વિજુ એની બીભત્સ હરકતોથી કંટાળતી અને વાઘની ગુફામા પોતાની જાતને બચાવવાની કોશિશ કરતી. ધરા તો મફતની સગવડો ભોગવતી અને દીદીને સંભળાવતી કે એના પતિ પર નજર બગાડી તો પરિણામ ભોગવવા તૈયાર રહેજે. એક વાર ધરા પાર્લરના કામે, કોઇની જાન સાથે બહારગામ ગઇ હતી. ત્યારે વીનુએ એકાંતનો લાભ લઇને વિજુને ભ્રષ્ટ કરી. એની ઇજ્જત લૂંટી . હવે તે ભયભીત રહેવા લાગી. પોતાના પ્રતિબિંબને આયનામા જોતા કે આંખ મિલાવતા પણ ડરી જતી. બે-ત્રણ દિવસ બેંકમા પણ રડતી જ રહી .અમને કશું કહી ના શકી .અમને લાગ્યું કે સામાન્ય રીતે થતો હતો, એવો ઝગડો ફરી થયો હશે. અમે એને આ મફતિયાઓને કાઢી મુકવા કે પોલીસમા ફરીયાદ નોંધાવવાની ફરી એક વાર સલાહ આપી. અમને એ કાળી રાતની વાત તો ખબર જ નહોતી. વિજયા ગભરાઇ. પોલીસ ! અરે ના ના, કેવા ગંદા પ્રશ્નો પૂછશે? આપણા સમાજમાં બળાત્કારની ભોગ બનેલી અબળાને ગુનેગાર હોય એવી નજરથી જોવામાં આવે છે. સમાજની દ્રષ્ટિમાં એને માટે ધૃણા અને તિરસ્કાર જોવા મળે છે. કહેવાતી સમાજસુધારક સંસ્થા, પોતાની જાહેરખબર કરતાં હોય એમ, દેખાવો યોજીને પોતાની વાહ-વાહ કહેવડાવે છે. સમાજની અને પોલીસની અંગત પૂછપરછનો સામનો તો અબળાએ જ કરવાનો હોય છે. સુધારક હોવાનો દાવો કરનારા આપણે હજી પણ સંકુચિત મનોવૃત્તિ ધરાવીએ છીએ અને આવા પીડિતોથી છેડો ફાડી, દૂરી કરી લઇએ છીએ. આવી ગંદી ઘટના ફરી સર્જાશે, એવો ભય વિજયાનાં મનમાં ઘર કરી ગયો. બંદૂક જોઇને ડર લાગે કે ફૂટશે તો પરિણામ કેવું આવશે.? મૃત્યુ કરતા મૃત્યુ આવશે એ ડર વધુ ભયાનક હોય છે. ડર શૂન્યતામાં પરિવર્તિત થાય છે. વિજયાએ પોતાની આસપાસ એક લક્ષ્મણ રેખા બનાવી અને પોતાની જાતને એમા કેદ કરી નાખી.અમને એ રેખાની બહાર જ રાખ્યા. આવા હાદસા વારંવાર થવા લાગ્યા. વીનુ એની ઇજ્જત ઉપર પ્રહાર કરતો અને વિજયાની પ્રતિકારક શક્તિએ જવાબ દઇ દીધો. ધરાએ આંખ આડા કાન કરી જાણે-અજાણે વીનુનો સાથ આપ્યો. એની વેદનાને સમજવા કે એના મૌનની ભાષા સમજવા સંવેદનાની જરૂર હતી. વેદનાને સમજવાનો કોઇ અભ્યાસક્રમ નથી આવતો. હુ અમને સર્વે સહકર્મચારીને આ માટે દોષી સમજુ છું, કે અમે એને સમજી ના શક્યાં. આવી જ એક નબળી ક્ષણે વિજયા પોતાના મગજ ઉપર નો કાબૂ ગુમાવી બેઠી. .એક ચીસ પાડી અને અમે એની સામે જોયુ ત્યારે એ અમારી ઓળખાણ પણ ના હોય એવા અહોભાવથી અમારી સામે જોઇ ધૃજવા અને ગભરાવા લાગી. એક વડીલ જેવા ઓફિસરે, પોતોની બહેનના અનુભવ ઉપરથી તારાણ કાઢ્યુ કે વિજયા માનસિક સમતુલન ગુમાવી ચૂકી હતી. બેંકના ડોક્ટરની સલાહથી અમે એક-બે મનોચિકિત્સક પાસે લઇ ગયાં. તેના લક્ષણ પરથી અને એની સલામતી માટે એને ગાંડાની હોસ્પિટલમા દાખલ કરવાનો નિર્ણય લેવાયો. આ પરિસ્થિતિમાં શરૂઆતમાં તો ઘેનનું ઇંજક્શન આપીને, મગજને આરામ આપવાની પ્રાથમિક ચિકિત્સા હતી જ. પણ વિજયાને ઘેર આરામ આપવામા મોટું જોખમ વીનુનું હતું. ગાંડા માણસો પ્રત્યે પણ આપણે આપણો અભિપ્રાય અને અભિગમ બદલવાની જરૂર છે. એ લોકોમા બુધ્ધિ અને યાદશક્તિ હોય છે પણ એક પ્રકારનો ડર એમને વિચિત્ર વર્તન કરવા પ્રેરે છે. સવારે ઉઠવું, નહાવું, તૈયાર થઇને બેંકમા આવવું, એવી રોજીંદી પ્રવૃત્તિ એ કરતી. પણ કામ કરવુ, ખાવુ, વગેરે એની સમજની બહાર હતું. કેંટીનમા એક રુપિયાની રોટલી અને બે રુપિયાનુ શાક મળતાં હતાં, જે અમે અનુકંપાથી એને ખવડાવતાં. જાણે શેરીના કૂતરાને રોટલો નાખતા હોઇએ. એને ઉઠવા-બેસવાનુ ભાન ન હતું. ગાંડાની હોસ્પિટલમા બે-ત્રણ મહિનામાંજ એની તબિયતમાં સુધારો થયો. વીનુની ગેરહાજરીમાં ડરની માત્રા ઓછી થઇ. એનાં પગારનુ ટ્રસ્ટ બનાવ્યું. જેમાથી એનો દવાઓનો ખર્ચો નીકળતો. છ મહિનામાં વિજુ પાછી આવી. એની યાદશક્તિમાં અમે બધા અકબંધ હતાં. પણ પહેલાની જેમ તે શાંત અને સહેમી ન રહેતી. હવે એને પરિસ્થિતિની ગંભીરતા સમજાતી ન હતી. મનોચિકિત્સકની દ્રષ્ટિએ સમાન્ય વર્તન કરતી આ છોકરી, સમાજમાં કે સંસારમાં આવવા લાયાક ન હતી. લેડીસ કેંટીનમા તે ધમાલ મચાવતી. લોકોના ડબ્બા પર હાથ મારતી. ફક્ત બહેન બનેવીથી ગભરાતી. ઘરમાં માનસિક અને શારીરિક ત્રાસ હતો, પણ વિજયાને એની અસર થતી ન હતી. એક દિવસ બેંકની કેંટીનમા પોતાનુ ફ્રોક ઊંચુ કરીને અમારી સામે દોડતી આવી. છોકરીઓ કેંટીન છોડીને ભાગવા માંડી ત્યારે એણે રોટલીનો છુટ્ટો ઘા કર્યો. પણ ભાગતી વખતે અમે માણસાઇથી પાછળ વળીને જોયું હોત તો, એ અમને આગલી રાત્રે એના ઉપર અત્યાચાર થયો હતો એના ઘાના ચીન્હો બતાવતી હતી. ફરી એક વાર એને હોસ્પિટલમા ભરતી કરવી પડી.

બસ અહીં મારી વાત સમાપ્ત થાય છે. પણ તમારી વિચક્ષણ બુધ્ધિને અહીથી કામે લગાડો. વિજયા માત્ર વાર્તાનું પાત્ર નથી. એ એક જીવતી જાગતી, સળગતી સમસ્યા છે. અભ્યાસ કરવા ખાતર પણ ગાંડાની હોસ્પિટલમા જઇને એક તારણ કાઢો કે આ પાત્રો ક્યારે, કેવી રીતે, કેમ સંવેદના ગુમાવી બેઠા છે? વિજયા ફરી બહાર આવશે , બળાત્કારનો ભોગ બનશે, મા બનશે તો આ બાળકની જવાબદારી કોણ લેશે? ધરા જવાબદારી લેવા તૈયાર થશે? કદાચ ના. મુંબઇના એક સેવાભાવી ગાયનેકોલોજિસ્ટે માનવતાની દ્ર્ષ્ટિએ એક ગાંડાની હોસ્પિટલનાં સ્ત્રી દર્દીઓનુ ગર્ભાશયનું ઓપરેશન કર્યુ હતુ ત્યારે કહેવાતાં સમાજ સુધારકોએ એમની સામે દેખાવો યોજ્યાં હતાં. સમાજસેવકોનો અભિપ્રાય હતો કે જો આ સ્ત્રીઓ સમાજમા પાછી ફરે, તો એનો મા બનવાનો અધિકાર છીનવાઇ જાય છે. પણ પાછા આવવાની , સમાજમા સ્વીકૃતિ પામવાની, લગ્ન કરવાની કે બાળકને જન્મ આપવાની શક્યતા એક ટકાની છે જ્યારે નવ્વાણુ ટકા સ્ત્રીઓને સમાજના શિકારીઓથી બચાવવાની જરૂર છે.

બીજી વાત એ છે કે ,મગજનો કાબુ ગુમાવવાથી જિંદગીનો અંત નથી આવતો. ભગવાને આપેલું આયુષ્ય ભોગવવાનુ જ છે. તો આ સમસ્યાનો અંત ઇચ્છા મૃત્યુ છે? કોની ઇચ્છા? પાગલને ઇચ્છા કરવાની સમજ નથી અને કહેવાતા સગા-વહાલાં-હિતેચ્છુ તો આવા કાયદાનો લાભ લઇને એમનો રસ્તો સાફ કરીને, આખી મિલકત હડપ કરી જશે. ધરા પણ આ જ તકની રાહ જોતી હતી પણ અમે બેંકના લોકોએ એના ઘરને બચાવીને રાખ્યું હતું. બદલાતાં સમય સાથે, સમાજના સમિકરણો બદલાયા છે. અઘરા થઇ ગયાં છે. સમાજના ગુનાહની સજા પામનારા અનાથાશ્રમ, વૃધ્ધાશ્રમ, મહિલાશ્રમ કે પાગલખાનામાં ,વગર ગુનાહે સજા કાપી રહ્યાં છે. સરકારે સ્ત્રી સુધાર, શિશુ સુધાર ,જેલસુધાર કેન્દ્રો ખોલ્યાં છે. સમાજસુધાર કેન્દ્ર ક્યારે ખુલશે? સમાજનુ વર્ગીકરણ જાત-પાતથી નહી પણ સંસ્કાર-સભ્યતાને આધારે થવું જોઇએ. પણ એ શક્ય છે? સંસ્કાર અને સભ્યતા ભાવવાચક શબ્દો છે, પરિમાણ વાચક નહી . એનો તોલ-મોલ શક્ય નથી. મને તમારો હકારાત્મક ઉકેલ જોઇએ છે. મળશે?લેખિકા . ચેતના ઠાકોર.

ટે.ન. 9920656360

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.