'હા હું છેલછબીલી ગુજરાતણ છું. અને વળી છેલછબીલી ગુજરાતણ હોવાને કારણે હું નખરાળી રમતિયાળ અને નમણી નાગરવેલ જેવી પણ છું. બોલ હવે તું શું કરીશ?''

''પણ બંસરી, મારી વાત સંભાળ. તું છેલછબીલી ગુજરાતણ છો, એ વાતની ક્યાં હું તને ના કહું છું? પણ મારુ તને એમ કહેવું છે કે, તું જે આ સાજ શણગાર કરે છે, અને ભભકદાર પહેરવેશ પહેરે છે, એ તને જરા પણ નથી શોભતો.''

''મને નથી શોભતો? કેમ નથી શોભતો? મને તો આ બધું બહુ જ ગમે છે. અને મને સારું પણ લાગે છે. તો તું એમ શા માટે કહે છે કે, મને આ પહેરવેશ નથી શોભતો?''

''કારણ કે તું કાળી છે. તારા આ શરીરની આખી ચામડી કાળી કાળી છે. એટલે તને એક પણ પહેરવેશ એટલે કે સાડી કે ચણીયા ચોળી કે પછી તું જે રીતે તૈયાર થાય છે તે જરા પણ સારું નથી લાગતું.''

બંસરીનો ચહેરો પડી ગયો. તે કાચ સામે જઈને ઉભી રહી ગઈ. અને પોતાના પ્રત્યેક અંગને નીરખી નીરખીને જોવા લાગી. તે સાથે જ તેની અંદરથી એક અવાજ આવ્યો. ''બંસરી, જિંદગી માત્ર કાળા અને ધોળા રંગોમાં જ વંહેચાયેલી નથી. જિંદગીમાં હંમેશા પ્રેમનું જ વધારે મહત્વ હોય છે. કારણ કે જિંદગીનો એક છેડો કાળો હોય છે; તો એક છેડો સફેદ હોય છે. પણ જિંદગીના મોટા ભાગના હિસ્સામાં તો કાળા અને સફેદ રંગનું મિશ્રણ હોય છે. એક યુવતી રૂપાળી અને ગોરી છે, તો બીજી શ્યામ, નમણી અને કામણગારી હોય છે. માટે બંસરી જા કહી દે તારા પતિને કે હું કાળી, પણ કામણગારી છું.''

બંસરીનો વધતો આત્મવિશ્વાસ હવે મક્કમ બનતો જણાયો. અને તે પુરા આત્મવિશ્વાસ સાથે પોતાના પતિ કદંબ પાસે આવી; અને કહ્યું: ''હા તો જરા ફરીથી કહો, હું કેવી લાગુ છું?''

કદંબે કહ્યું: ''બંસરી, તું પણ કેવા સવાલો કરે છે? મેં હમણાં જ તને કહ્યું ને કે, તું કાળી છો, એટલે તું ગમે તેટલી તૈયાર થા, પણ સારી નહિ લાગે.''

ત્યારે બંસરી એ કહ્યું: ''ફરીથી કહો તો, હું કેવી લાગુ છું?''

કદંબે કહ્યું: '' બંસરી, તું કાળી છો; એટલે તને આ બધું સારું નથી લાગતું.''

બંસરીએ ફરીથી કહ્યું: ''ફરીથી કહો તો હું કેવી લાગુ છું?''

ત્યાં જ કદંબ ગુસ્સે થઇ ગયો અને બોલ્યો: '' બંસરી.... બંસરી.... બંસરી ....''

બંસરી કદંબની નજીક ગઈ અને કદંબના ગાળામાં હાથ નાખીને બોલી:'' કદંબ હું કાળી છું પણ કામણગારી છું. તું ભલે મને કાળી કહે પણ તું જયારે ચાંદની રાતમાં મને પ્રેમ કરે છે ને, ત્યારે તો હું તારા માટે કમલનયના, કાંતા, કામા, રંભા,ઉર્વશી, કામિની, પદ્મિની, પ્રમદા અને ભામિની જેવી લાગુ છું. અને તું કહે છે કે હું કાળી છું, એટલે મને સાડી કે ચણીયા ચોળી જરાય સારા નથી લગતા? પણ તું જયારે મને પ્રેમ કરે છે ત્યારે, સાડી કે ચણીયા ચોળીમાં ઢંકાયેલા મારા શ્યામલ અંગોને પણ તું પ્રેમ તો કરે જ છે. ત્યારે હું તને સોળે કળાએ ખીલેલી રાતરાણી જેવી સુગંધિત લાગુ છું. અને વળી નટખટ, મારકણી અને સૌંદર્ય મૂર્તિ લાગુ છું. મારા તરફથી તને મળતું સહચર્ય, મારા અંગ ઉપાંગોનો માદક સ્પર્શ, અને મારી સુંદરતાને, શણગારને તારા જેવો રસિક પુરુષ કેટલો બધો પ્રેમ કરે છે? અને કાળી પણ કહે છે? તેનો મતલબ એમ થાય કે કાળી પણ કહે છે અને પ્રેમ પણ કરે છે?’’

કદંબને લાગ્યું કે જો તે હવે કઈ વધારે બંસરીને કહેશે તો તે રડી પડશે. અને પછી પોતાનો મુડ પણ ખરાબ કરી નાખશે; તેથી તે કઈ જ બોલ્યો નહિ. પોતાનો અભાવ પ્રગટ ન થાય તે માટે તે પણ બંસરીને પ્રેમ કરતો રહ્યો.

કદંબની ઓફિસમાં તેનો એક ખાસ મિત્ર હતો, મેહુલ. બંને સુખ દુઃખની વાતો કરતા. કદંબે નક્કી કર્યું કે આ બંસરીનું આમ તો હવે કઈ થઇ શકે તેમ નથી. પણ મેહુલને વાત કરીને મનનો ભાર થોડો હળવો જરૂર કરી શકાય. મનોમન આમ નક્કી કરીને કદંબ ઓફિસે પહોંચ્યો અને ક્યારે રીસેસ પડે તેની રાહ જોવા લાગ્યો. તે રિસેસમાં હંમેશા મેહુલની સાથે જ કંપનીની કેન્ટીનમાં જમતો. કેન્ટીનનું જમવાનું બહુ સારું ન આવતું તેથી કદંબ ઘરેથી ટિફિન લાવતો. પણ મેહુલ એવી ઝંઝટમાં પડતો નહિ. તે કેન્ટીનનું જ જમી લેતો. કદંબના ટિફિનમાં હંમેશા થોડું વધારે ભોજન જ હોય. તે કદંબ મેહુલને આગ્રહથી જમાડતો. આમ થોડું કેન્ટીનનું અને થોડું કદંબના ટિફિનનું; એમ મેહુલનો રોજનો ક્રમ હતો.

ક્યારેક ક્યારેક કદંબને થતું કે મેહુલને આવું કેન્ટીનનું જમવાનું કેમ ફાવતું હશે? પણ તે આ સવાલ ક્યારેય મેહુલને પૂછી શક્યો ન હતો. રિસેસમાં બંને સાથે જમવા બેઠા. કદંબ વિચારી રહ્યો કે બંસરીની વાત કહેવાની શરૂઆત કેવી રીતે કરવી? પોતાના દિલનો બોજ કેવી રીતે હળવો કરવો? કદંબે કહ્યું: '' મેહુલ મારે તને ઘણા જ વખતથી એક વાત કરવી છે.''

તરત જ મેહુલનું મોઢું પડી ગયું. કદંબ સમજી ન શક્યો કે, કેમ અચાનક મેહુલ ઉદાસ થઇ ગયો. મેહુલે કહ્યું:'' મને ખબર છે; તારે મને શું કહેવું છે. તારે એમ જ પુછવું છે ને, કે હું કેમ કદી પણ ટિફિન નથી લાવતો? દોસ્ત, તું તો મારો સાવ અંગત મિત્ર છે. તને નહિ કહું તો કોને કહીશ? તને તો ખબર જ છે કે મેં પ્રેમ લગ્ન કર્યા છે. કોલેજમાં મેં તેને પ્રથમ વખત જોઈ ત્યારથી જ હું તેના રૂપનો પાગલ થઇ ગયો હતો. તે કેટલી બધી સુંદર અને ગોરી ગોરી છે; તેની તને ક્યાં ખબર નથી. હું તો તેના રૂપમાં પાગલ થઇ ગયો હતો. પછી આ પ્રેમ સબંધ 2 વર્ષ ચાલ્યો અને અમે લગ્ન કરી લીધા. બસ ત્યારથી મારી કઠણાઈ બેઠી છે. તેનામાં રૂપ સિવાય કઈ નથી. તેને ઘરનું કોઈ કામ સરખી રીતે કરતા આવડતું નથી. કંઈ કહીયે તો ઝઘડો કરવા માંડે છે. મોટે મોટેથી બોલીને આડોશ પાડોશમાં તમાશો કરવામાં તેને જરા પણ નાનમ લગતી નથી. સંસ્કારોમાં તો સાવ મીંડું જ છે. તેની રસોઈમાં તો કોઈ ભલીવાર જ નથી હોતો. એની માં એ તેને કઈ શીખવ્યું હશે કે કેમ તેમાં પણ મને શંકા છે. મારા દોસ્ત, તે એટલી બધી ઝઘડાળુ છે કે; તેણે મારુ જીવવું હરામ કરી નાખ્યું છે. મને તો તારી ઈર્ષા આવે છે કે તને કેટલી બધી સારી પત્ની મળી છે. તારા ઘરે આવીએ તો તારું ઘર કેટલું સુંદર અને સુઘડ હોય છે તારી પત્ની કેટલા મિઠાસથી આવકાર આપે છે. તેની રસોઈ પણ કેટલી સરસ અને સ્વાદિષ્ટ હોય છે ખરેખર તારા જેવો નસીબનો બળીયો કદાચ આપણી આખી ઓફિસમાંથી કોઈ નહિ હોય.

તારે આ જ વાત કહેવાની હતી ને? કે હું કોઈ દિવસ કેમ મારા ઘરે કોઈને લઇ જતો નથી? પણ દોસ્ત કોઈને ય ઘરે લઇ જવાય તેવું રહ્યું નથી. તેને સાથે લઈને કોઈને ત્યાં જવાય તેવું રહ્યું નથી. બસ મારા ફૂટેલા કર્મને આખી જિંદગી રડવા સિવાય બીજો કોઈ રસ્તો મારી પાસે નથી. તને આ બધું હું દુઃખી કરવા નથી કહેતો; પણ તને કહેવાથી, મારા દિલનું દુઃખ હળવું થશે, તેમ માનીને તને કહું છું. બસ દોસ્ત વધારે મારે કઈ કહેવાનું નથી.''

કદંબ તો આ વાત સાંભળ્યા પછી એક અક્ષર પણ બોલી શક્યો નહિ. તે દિવસે સાંજે તે ઘરે ગયો અને બંસરીને કહ્યું ''ચાલ આજ તો સુભાસ નગરના જોગર્સ પાર્કમાં વૉકિંગ માટે જઇયે. અને હા આજે પેલી લાલ સાડી પહેરી લેજે; જે તેં, તે દિવસે સાઈબાબાના મંદિરે દર્શન કરવા ગયા, ત્યારે પહેરી હતી. તેમાં તું બહુ જ સરસ લાગે છે.''

બંસરીએ કહ્યું: '' મને તો ખબર જ હતી કે હું ઘણી સાડીઓમાં અને ચણીયા ચોળીમાં તો ખાસ સરસ જ લાગુ છું. પછી અમથા અમથા મને ચીડવતા ન હો તો?''

કદંબે કહ્યું: '' તને ન ચિડાવું તો કોને ચિડાવું મારી નાજુક, નમણી અને સુંદર બંસરી?''

બંસરીએ કહ્યું: '' પણ હું તો કાળી છું ને?''

કદંબે કહ્યું:''પણ કામણગારી છો ને?''

અને બંસરી ખુશીની મારી કદંબને વળગી પડી.


gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.