દુઃખ આવતું રહ્યું છે ને આવતું રહેશે, છતાં સવારે સુખ શોધવા નીકળવું પડે, એનું નામ જિંદગી. આ બાબતે આપનો અભિપ્રાય ?

- છાપું અને ટોયલેટ... બન્ને પતી ગયા પછી સુખ આપે છે. (દીપક આશરા, ગાંધીનગર)


ચા એ પુરુષવાચક છે કે સ્ત્રીવાચક ?

- એ સવારે કોણ બનાવી આપે છે, એના ઉપર આધાર છે. (મૂકેશ પડસાલા, અમદાવાદ)


ફિલ્મ 'દંગલ'માં હીરો તમે હોત તો ?

- આ હું નહોતો, એમાં રૃા. ૧૦૦ કરોડનો બિઝનેસ થયો. (રવિ દિયોરા, સુરત)


આલિયા ભટ્ટે રાહુલ ગાંધીને કહ્યું કે- લોકોએ તો મને બેવકૂફ ચીતરી હતી..

- તમારે માટે એવી મેહનત તો કરાવો. (મલ્હાર બ્રહ્મભટ્ટ, વડોદરા)


કોઇ પંખો ચાલુ કરો... એ વાક્યથી તમે શું સંદેશો આપવા માંગો છો ?

- આખો 'દિ એસી ચાલુ ન રખાય. બા ખિજાય. (તરુણા પુરોહિત, દહીંસર-પૂર્વ)


તમે હાસ્યકલાકારની ક્રેડિટ કોને આપો છો ?

- ક્રેડિટમાં કાંઇ નહિ આપવાનું... બધું રોકડેથી જ ! (પાયલ દુધરેજીયા, જામનગર)


જીવનમાં પ્રેમ જરૃરી કેમ હોય છે ?

- એ તો બસ.. એમ જ ! (શાહિસ્તા કાજી, રાજકોટ)


વિરોધ પક્ષોએ સંસદ ચાલવા ન દીધી... ક્યાં સુધી આવું કરશે ?

- જે લોકો પોળને ઓટલે બેસવાને લાયક નહોતા, એ પાર્લામેન્ટમાં બેસી ગયા... અંજામ-એ-ગુલિસ્તાં ક્યા હોગા ? (પ્રવીણ ઓઝા, સુરત)


વૈભવી ગાડીઓમાં ફરનારાઓ ટૉલટૅક્સ ભરવા કેમ ઠાગાઠૈયા કરતા હશે ?

- ટૉલટૅક્સ શાને માટે અને ક્યાં સુધી ભરવાનો હોય, એ જાણી લેશો તો આ સવાલ નહિ પૂછો. (જિતેન્દ્ર કેલા, મોરબી)


સ્ત્રી હોવાની ગરીમા હોય છે. સ્ત્રીઓ જ શા માટે સ્ત્રી-પુરુષ વચ્ચેના ભેદ મિટાવવા માંગે છે ?

- તોડફોડ એમનો પહેલેથી સ્વભાવ. (જય પટેલ, સુરત)


તમારે કોઇ સ્ત્રી સાથે ઝગડો થાય કે નહિ ?

- પ્રેમો કરવાના ફાંફાં છે ત્યાં ઝગડા ક્યાંથી કરવા ? (દિલીપ સુથાર, દેવકાપડી-ભાભર)


તમને સૌથી વધુ ગુસ્સો ક્યારે આવે ?

- ગુસ્સો નહિ પણ દયા આવે, જ્યારે ૫૦થી વધુ ભારતીયો ભેગા થયા હોય ને રાષ્ટ્રગીત ન ગવાય ! (પ્રતીક અંતાણી, ભાવનગર)


અનામતો રહે ત્યાં સુધી સમરતતાનો ભાવ ક્યાંથી જગવવો ?

- સાંભળ્યું છે કે, હવે બ્રાહ્મણો, વૈષ્ણવો, સિંધી અને પારસીઓ માટે ય અનામતો આવી રહી છે. (હલક હિમતભાઇ ત્રિવેદી, સુરેન્દ્રનગર)


પશુચિકિત્સકો વિશે તમારું શું માનવું છે ?

- એટલું જ કે, મારે માટે હજી સુધી એમની જરૃર પડી નથી. (મધુરી કોડિયાતર, ગાંધીનગર)


શિયાળામાં તડકે ઊભા રહેવાથી વિટામિન-ડી મળે, તો ઉનાળામાં કેમ નહિ ?

- ઠેઠ શિયાળે ઊભા હો અને ઉનાળે બેસો, એ બહુ લાંબું ન પડે ? (નીલેશ જી. વાળા, સરખડી-કોડિનાર)


આજકાલ ડિમ્પલ ભાભીનો ઉલ્લેખ ઓછો કરો છો.. બ્રૅક-અપ ?

- લખુ... આઈ મીન લક્ષ્મણ... તુમ સે યે ઉમ્મીદ નહિ થી ! (જયેશ અંતાણી, ભાવનગર)


મેહમાનો ન આવે, એટલા માટે સોફા ઉપર કૂવૈચ લગાવો છો, તો બા ખિજાતાં નથી ?

- પછી તો સોફો જ કાઢી નાંખ્યો ! (દીપક એસ. માછી, વડોદરા)


નામ તો આવી ગયું છાપામાં... હવે ફોટો છપાવવા શું કરવું ?

- અમારી 'ઝગમગ' પૂર્તિમાં ભૂલકાંના ફોટા છાપે છે. (કૌશલ પંડયા, અમદાવાદ)


પત્ની અને પ્રેમિકા વચ્ચે શું તફાવત ? એમાં કોની બા ખિજાય ?

- પ્રેમિકા સુધી બરોબર છે... એની બાને જાવા દિયો ! (નયન રાઠોડ, વડોદરા)


આપણા દેશ ઉપર સૌથી વધારે જોખમ કોનું ? તમારા દોસ્ત જેન્તી જોખમનું કે રાહુલ ગાંધીનું ?

- બસ. મરતા પહેલાં જેન્તી એક આંટો દિલ્હી મારી આવ્યો હોત... (મહેશ ચાવડા, ગાંધીનગર)


ફિલ્મોવાળાઓનું લગ્નજીવન ડામાડોળ કેમ હોય છે ?

- આપણે શી પંચાત ? (ચંદ્રકાંત બગરીયા, પૂણેં-મહારાષ્ટ્ર)


ભૂદેવ બની આશીર્વાદ આપો છો, છતાં ચમનાની ભલી કેમ થતી નથી ?

- એ મફતમાં આશીર્વાદ લઇ જાય છે, બોલો ! (બકુલ એચ. વૈદ્ય, રાજકોટ)


હું માનું છું કે, લોકો પ્રેમનો અસલી અર્થ જાણતા નથી. તમે જાણો છો ?

- ના. (ચેતન ત્રિવેદી, અમદાવાદ)


કહે છે, દીવાલોને કાન હોય છે... હશે, પણ એમને જીભ હોતી નથી, તો પછી વાત બહાર જાય ક્યાંથી ?

- દીવાલોની પાછળ પડોસી રહેતા હોય છે. એમને કાન હોય છે. (રોહિન્ટન બાંધાનવાલા, મુંબઇ)


માત્ર 'એનકાઉન્ટર' વાંચવા છાપું મંગાવવું પડે છે.

- મારે 'લખવા' મંગાવવું પડે છે. (સોનલ પ્રદીપ જોશી, ભાવનગર)


તમે ફ્રેન્ચ-કટ દાઢી વધારી ? છાપામાં ફોટો તો મૂકો ?

- હું પછી બહુ હૅન્ડસમ લાગું, એ મને ના ગમે...! (પુરંજય જોશીપુરા, અમદાવાદ)


gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.