ગુજરાતી નાઈટ લાઈફ : રાત ગઈ, બાત ગઈ!

ગુજરાત એટલે આમ ઔપચારિક રીતે ડ્રાય સ્ટેટ, અને એટલે જ ગુજરાતીઓને પીવાનું મન બહુ થાય. કોઈ પણ વિકેન્ડમાં ગુજરાતીઓ રતનપુર કે દમણ તરફ દોટ લગાવે! જગજાહેર સત્ય છે કે ગુજરાતીમાં આઈટી અને બીજી મલ્ટીનેશનલ કંપનીઓ ન આવવાનું કારણ લિક્વર બેન છે. પણ અહીં આપણે દારૂની વાત નથી કરતા, વાત ગયા અઠવાડિયે ચાલતી હતી નાઈટ લાઈફની!

ગુજરાતીઓ મુંબઈ, બેંગ્લોર કે હૈદરાબાદ જાય ત્યારે ત્યાંની નાઈટ લાઈફની તારિફ કરતા થાકતા નથી! મોડે સુધી ડિસ્કોથેક, બાર વગેરે ચાલુ રહેતા હોવાથી માહૌલ વધુ હેપનિંગ રહે એ સ્વાભાવિક છે. તો ગુજરાતીઓ ગુજરાતમાં રહીને ખાસ કરીને આવા કાળઝાળ ઉનાળામાં રાત્રે ટહેલવા નીકળી શું કરે છે? નાઈટલાઈફની તાસિરને ચકાસવા ચાલો થોડું ઊંડા ઉતરીએ!

આપણે ત્યાં પુસ્તકમેળો હોય કે ફ્લાવર શો, હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન હોય કે સાહિત્યિક મેળાવડાઓ, લોકો બસ ખાવાનું જ શોધતા હોય છે. ડિટ્ટો નાઈટલાઈફમાં ઝાઝા ઓપ્શન ન હોવાથી ગુજરાતીઓ રાત્રે જમી લીધા પછી બહાર નીકળે અને ફરી ખીચું-ગોળા-ગાંઠિયા-ફાફડા-પાસ્તા-મેગી-સેન્ડવિચ-નાચોઝ ગળચતા જ રહે છે. એમ પણ દિલ ખુશ હોય ત્યારે પણ માણસ પાર્ટી કરે છે અને જયારે સ્ટ્રેસમાં ડિપ્રેસ્ડ હોય ત્યારે પણ ખાઉધરો બની જાય છે.

રાત્રે સાડા અગિયાર થતા જ પોલીસ રાજાપાઠમાં આવી જાય છે, લોકો સાડા દસ આસપાસ બહાર નીકળે અને આઈસ્ક્રીમ ખાવા કે સૌરાષ્ટ્ર સ્તાઈલમાં ચાર રસ્તે સાઈડમાં કાર કે બાઈક પાર્ક કરી ગપ્પા મારતા હોય કે પોલીસ દંડાઓ અને સિટી વગાડવાનું ચાલુ કરી બધું બધ કરાવવા નીકળે! અમદાવાદમાં જજીસ બંગલો રોડનાં ‘ગોળા’ હોય કે રાજકોટનાં જોકરનાં ગોલા, ઉનાળો અત્યારે ગુલમહોરની જેમ ખીલે છે અને રોજ્જે ઉજવાતો રહે છે.

એકદમ વિષમ ગરમી વચ્ચે હવે તો કેટલાય લોકો એવા છે જે રાત્રે એસી ચાલુ કરી ઘરમાં જ ભરાઈને બેસી રહે છે, તો કેટલાય રાત્રે કાનમાં હેડફોન ભરવી ચાલવા-દોડવા નીકળી પડે છે. ચારેકોર સ્માર્ટફોનનાં સ્ક્રિન ચાલુ હોય, ચા ની ચૂસકી વચ્ચે રાત્રે કેટલાય લવર્સ ઘરની બહાર નીકળી શાંતિથી ફોન પર વાત કરતા પણ જોવા મળે. બેઝિકલી, દારુ કે ડિસ્કોથેક વગરની અહીની આ શાંત નાઈટલાઇફમાં ખાસ્સું ડિસીપ્લીન જોવા મળે છે. ગુજરાતી પ્રજા શાંત અને વેપારી દિમાગની, એટલે રાત્રે નાઈટ લાઈફમાં પણ દોઢ-બે કલાક બેસવા કે બહાર નીકળે ત્યારે પણ સવારે જલ્દી ઉઠવાનો હિસાબ મગજ માંથી જતો નથી!

અમદાવાદનો એસજી હાઈવે હોય કે રાજકોટનો કાલાવાડ રોડ, રાત્રે એકદમ ધમધમે છે! યંગ ચિક્સ કારનાં બોનેટ પર બેસીને સેલ્ફી લેતી રહે છે, જુવાનિયાઓ અલખમલખની માંડે છે, વ્હોટ્સએપ પર ચેટિંગ પણ ચાલતા હોય છે અને જુવાનિયાઓનું ગ્રુપમાં ફ્લર્ટ પણ ચાલે છે અને સિનિયર સિટીઝન્સ પણ અહીં રાત્રે ચાલવા નીકળી મોદી-અમિત શાહનો ટોપિક કાઢી રાજકીય વિશ્લેષણ કરતા રહે છે.

સૌરાષ્ટ્ર બાજુ અગાસીઓ (અમદાવાદમાં ધાબા!) પર લોકો કેરમ-ચેસ-પત્તા રમે છે, ટેણીયાઓ પ્લાસ્ટિકની દડી થી ક્રિકેટ રમતા નજરે ચઢી જાય તો ડોસીઓ નવરા બેઠા ગામ આખાની પંચાત લઈને બેસતી જોવા મળે! શનિવારની રાત હોય તો લગભગ બે વાગ્યા સુધી પણ હસવાનાં અવાજ સોસાયટીઓમાં ગુંજતા રહે છે. કાણા વાળા ગંજી પહેરી ગુજરાતી પુરુષો પીઠ અને પેટ વલુરતા પાન માવો સિગરેટ ચલાવતા રહે છે, સ્ત્રીઓને જાણે બે કલાકની પેરોલ મળી હોય એમ ખુશખુશાલ દેખાય છે!

નાઈટલાઈફ એ ગુજરાતી સ્ત્રીઓને મળતી બે કલાકની પેરોલ છે! હવે તો ઠીક છે, નવી પેઢી ઘરે રસોઈયાઓ રાખતી થઇ ગઈ છે પણ જરા વિચારજો કે ૪૪ ડિગ્રી ગરમીમાં રસોડામાં રોટલી કે ભાખરી કેવી રીતે થઇ શકતી હશે! રાત્રે ચાલવા જવામાં સારું સોલફુલ મ્યુઝિક આત્માને ખોરાક પૂરો પાડે છે, નવા વિચારો આવે છે! તો કેટલાક કપલ દરેક નાઈટને ‘ફર્સ્ટ નાઈટ’ બનાવતા રહે છે! ગુજરાતીઓ એમ પણ જિંદગીની મોટા ભાગની મોજ બંધ બારણે જ કરી જાણે છે!

નાઈટ તો કોલ સેન્ટર કે કેપીઓનાં કર્મચારીઓ ની પણ હોય છે, રાત તો ૨૪ કલાક ખુલ્લા રહેતા ઈમરજન્સી વોર્ડનાં કર્મચારી કે રાત્રે સફાઈ કરવા નીકળતા સફાઈ કામદારોની પણ હોય છે. એ રાત જ છે જે બે ઘડી માણસને ચાંદ કે તારાઓ જોવા નજર ઉપર તાકતા કરે છે! એ રાત જ છે જે હેમંત કુમાર થી અરિજિત સિંઘ સુધીનાં ગીતો સાંભળવા સમય અને માહૌલ પૂરો પાડે છે!

શિયાળાની રાત્રે ઠંડોગાર આઈસ્ક્રીમ ખાતા આવડે, ચોમાસાની રાત્રે ધોધમાર વરસાદમાં ભીંજાતા આવડે અને ઉનાળાની રાત્રે આખી રાત એક કોફી કે ચા નાં સથવારે એક પુસ્તક સાથે નીકળી જાય ત્યારે નાઈટલાઈફ સાકાર થઇ જતી હોય છે!

પાઈડ પાઈપર:

Merry a girl who eats ice cream in winter, wear off shoulder corset in summer and kiss you madly in rain!!

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.