આખો દરબારી ડાયરો સોગિયા જેવું મોં કરી આપા શાણા વિંછીયા સામે જોઈ રહ્યા હતા. આપાએ અવઢવ ભાંગતા કહ્યું:‘ક્ષત્રિયનું દુધ છું,આપની આબરૂ માથે હાથ નહી મૂકું,ભરોસો રાખો !’ પછી ઝરુખે નજર નાખીને કહ્યું:‘સોનલદે નો હાથ માગું છું !’સામે પ્રાગમલજીના જીવમાં જીવ આવ્યો.તેઓ પોરસાઇ કહે:‘અમને એમ કે આપ ન માગવાનું માગશો પણ માગાતો દીકરીયુંના જ હોય...’પણ ત્યાં મનનાં આભમાં વીજળી જેવો ચમકારો થયો:‘આપા,અમે રાજપૂતને તમે કાઠી-દરબાર...’ ત્યાં કુંવર હાદલભાએ વણસવાના આરે આવેલી વાતને વળતા કહ્યું: ‘બાપુ ! વચન દીધું છે, માંગે તે આપવું પડે, હવે બીજું ન બોલાય.’

નળિયા-કોઠારાની રાજકુંવરી સોનલદેનું શ્રીફળ લઇ આપો શાણો ફગાહા ગામે આવ્યા.દરબાર માત્રા વાળાને મળ્યા ને પછી કહ્યું:‘લ્યો આપા,શુકનવંતુ શ્રીફળ લઈને કરો જાન જોડવાની તૈયારી !’ માત્રાવાળો વાતને પામ્યા નહી તે આપા શાણા સામે તગતગતી નજરે તાકી રહ્યા. થોડીવારે કહે:‘ભણ્યું કોની વાત કરો છો,આપા!’ રાયના દાણા જેવી વાતનું પહાડ જેવું વેર વાળતા હોય એમ કહ્યું: ‘આપા માત્રાવાળાની..!’

‘હે..!’કહેતા આપો ગોઠણભેર થઇ ગયા.‘આ કાંવ કમત્ય હુઝીતે મુંને ગહઢે ગઢપણ ઘોડે ચડાવવા બેઠા!?’ત્યાં નેણની ઢીંગલીયું અદ્ધર કરી,આપા શાણાએ મહર કરતાં કહ્યું:‘આપા,કમત્ય નથી પણ નવાઇ છે !’

વીજળીના ચમકારા જેમ માત્રાવાળાને સમજાય ગયું કે, આ શેની ને શું કરવા નવાઇ કરી છે !

વાત એમ બની હતી કે,ગોરસના પીંડ જેવા ગિરાસના ધણી આપા માત્રાવાળાને ત્યાં ડાયરો જામ્યો હતો.ગળાના સમ દઈ-દઈને કાવા-કસુંબા લીધા પછી ડાયરો કેફમાં આવી ગયો હતો. અંદરોઅંદર ઠોળ ને મહર થાવા લાગી હતી એમાં આપો શાણો ઝપટે ચઢી ગયેલા.કોઈએ કહ્યું:‘ભણ્યું આપા શાણા,વછેરી લીધી છે તે ઈની કાં’ક વાત કરો !’માત્રાવાળો ને આપો શાણો સગપણમાં મામા-ફુઈના થાય એટલે ઠઠ્ઠા-મશ્કરી કર વાનો વ્યવહાર.તે વાતનો લાગ લઈ માત્રાવાળાએ મહર કરતા કહ્યું:‘આપો કાં’ક નવાઈ કરે પછી કેય ને!?’ આપાને બરાબરની અડી ગઈ.તે હડફ કરતા બેઠા થઇ ગયા.વળી કોઈકે મમરો મુક્યો:‘તાણ કરવાની રે’વા દેજ્યો, આપો નવાઈ કરવા ઉપડ્યા છે !’ હાંઉ, આટલું કહ્યું ને લીલાછમ સંબંધમાં દીવાસળી ચંપાઈ ગઈ.

આપો શાણો ઘેર આવ્યા.પણ મનડાને અસુખના ધાડા રંજાડવા લાગ્યા હતા.હવે નવાઈ કર્યા વગર છુટકો નહોતો.તેમણે વછેરીને રેવાળ હાલ સાથે વહેતિયાણ કરી.જાતવંત ઘોડાઓ સાથે ભેડવી.પછીતો ગામ, પરગણું,રજવાડા...સુધી ઘોડાની ભેડામણમાં આગળ વધતા જાય છે.વછેરી હવે અડાભીડ ઘોડી થઇ ગઈ છે. દેવમણી જેવા રૂપ સાથે નારદની પવન પાવડી જેમ પાંખો ફૂટી છે.ચારેકોર્ય વછેરીની વાહ,વાહ થાવા લાગી હતી પણ કોઈ નવાઈ કરી દેખાડી હોય એવું બન્યું નહોતું. એવું શું કરેતો, નવાઈ કરી કહેવાયતે આપા શાણા ની નજરે ચઢતું નહોતું. અને ભર્યા ડાયરા વચાળે ખમેલો મહર, ભાલાની અણી જેમ છાતીમાં ભોંકાતો હતો.

નળિયા-કોઠારાના રજવાડામાં અનેક જાતના ઘોડા છે એવી વાત આપા શાણાના કાને આવી હતી. વળી રજવાડું ધીંગુને ખમતીધર તે નવાઈ કરી દેખાડાય એવું હતું.આપો નળિયા-કોઠારા આવ્યા હતા. ઠાકોર પ્રાગમલજીએ આપા શાણાની રજવાડી રસમથી સરભરા કરી હતી.ને પછી કહ્યું હતું :‘દરબાર ! સુવાણ કરવા રોકાવું છે ને ?’ તો કહે : ‘ના ઠાકોર, આપને ન્યા અનેક જાતના ઘોડા છે ઈ વાતે આવ્યો છું !’

‘જોઈએ ઈ ઘોડો લઇ લ્યો...!’ઉદારતા દાખવીને કહ્યું હતું.પણ ઘોડા લેવા નહી,ભેડવવા આવ્યા છે, બરોબરી કરવા આવ્યાતે જાણીને કહ્યું હતું:‘ભલે,ભા..!’પછી આપા શાણા સામે નવલી નજરે જોયું હતું. પછી તો ઘોડીએ રાજના જોગાણ ખાધા.દિવસ નક્કી થયો.તેમાં શરત થઇ હતી.જો આપો શાણો હારેતો કાયમ માટે રાજના તાબે અને પ્રાગમલજી હારેતો આપો શાણો માંગેતે આપવું.બરોબરીમાં આપાની ઘોડી આગળ નીકળી ગઈને શરત પ્રમાણે માગી લીધું-કુંવરી સોનલદેનો હાથ અને એ પણ આપા માત્રાવાળા સારુ !

આપા માત્રા વાળાની જાન જોડી,જાનૈયાઓને જણાવ્યું:‘ખાંડાના ખેલ ખેલવાની ત્રેવડ હોય ઈ સાબદા થાજ્યો.સિંહની બોડમાંથી સિંહણને લાવવાની છે,ગીતના બદલે મરશીયાય ગવાય...!’પણ આપા શાણાએ કુનેહ દાખવી,કુંવર હાદલભાને હાથ પર રાખ્યાને જયારે વેલડામાં સોનલદે જોયા પછી જ રામ..રામ કર્યા.

અર્ધખીલી કળી જેવા સોનલદેને સામે આયખાના આરે ઉભેલા માત્રાવાળો, છતાંય ઘરસંસાર માંડ્યો. બે-પાંચ દિવાળીઓ ગડથોલીયું ખાઈ ગઈ હશે ને આપો અસાધ્ય રોગમાં ભરખાઇ ગયા.સોનલદેએ સંદેશો મોકલ્યો :‘સોનલ કાગળ મોકલે, સૂણજે હાદલભા, મરશે કાઠી માત્રો ને તારી માથે રે’શે દા !’

હાદલભા ફગાહા ગામે આવ્યા. ધીંગાણું ખેલાયું. કેટલાય શૂરવીરો શહીદ થયા.હાદલભાએ સોનલદેને લઈ કચ્છની વાટ લાધી...ને જાણે નવી નવાઈ કરી દેખાડી !

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.