વઢીયાર પંથકનું એક અંતરિયાળ ગામ,
નામ લોલાડા.
રાધનપુર-અમદાવાદ ધોરી માર્ગ પર આવેલા જેસડાથી અગિયાર કીલોમીટર અંદર આવેલું પંચરંગી ગામ.આજુબાજુના વીસ ગામડાનું હટાણાનું બજાર.
જેસડાથી લોલાડા તરફ જતાં પાંચેક કીલોમીટરના અંતરે ખીજડીયારી ગામ આવે,
ખીજડીયારીથી સહેજ આગળ વધો એટલે એકાદ કીલોમીટરના અંતરે એક ભયાનક વળાંક આવે,મલાય હનુમાનથી સહેજ ઓરો,
નામ જ એનું ભૂતિયો વળાંક,
ડઝનેક અકસ્માત અને આઠ મોતનો સાક્ષી એટલે આ ભૂતિયો વળાંક,
આજે તો પાકી સડક છે પણ મારે આજે વાત કરવી છે વરસો પહેલાંની,
હા, વરસો પહેલાંની આ વાત છે,
લગભગ બત્રીસેક વરસ પહેલાંની,
કાચા રસ્તા,ધૂળીયો મારગ.
ત્યારે ખાનગી વાહનનો જમાનો નહી,
ગામમાં દિવસમાં બે જ બસ આવે,
હા,એકાદ જીપડું ફરે,બાકી તો સાયકલ,બળદ ગાડાં અને ઉંટલારીનો જમાનો,ગામમાં એકાદ મોટર સાઈકલ,
કોઈ કોઈ પાસે ઘોડાં પણ ખરાં,કંઈ ના મળે તો છેવટે પગપાળા.
પણ આ ભૂતિયા વળાંકનો લગભગ બધાને અનુભવ થઈ ગયેલો,
બળદ અચાનક ભડકે,ઉંટ ચકરી ખાઈને પડી જાય,ઘોડો ઝાડ થઈ જાય, બસ ખાડામાં ઉતરી જાય,ચાલતી જીપમાં થી અંદર બેઠેલો માણસ નીચે ફંગોળાય,ચાલ્યા જતા માણસને ચકકર આવી જાય,ભૂતિયો વળાંક મશહૂર થઈ ગયેલો,ટાણે-કટાણે એકલદોકલ માણસ ત્યાંથી ચાલવાની હિંમત ના કરે.
ના છૂટકે જવું જ પડે એવું હોય તો કોઈને સાથે લઈને જ જાય.બધા વાતો કરતા કે ત્યાં માથા વગરનો ખવીસ બીવડાવે છે.
પણ બધાય કંઈ ભૂતથી બીતા જ હોય એવુંય ના હોયને,
આવા જ બે ભડવીર એટલે રામસિંહ અને વજુભા માસ્તર,
નવા નવા નિશાળમાં નોકરીએ લાગેલા,
કાઠી કોમને મજબૂત માણસ,કોઈ ભૂતની વાત કરે તો ખડખડાટ હસે,કહે અમને કહો,કયાં રહે છે ભૂત?અમે ભૂતના બાપથીય નથી બીતા,ભૂતનેય ભૂ પાઈ દેશું,
કોક વળી ટોણોય મારતું,
એ તો બાપુ અત્યારે ડીંગ હાંકો છો,
સાચી તો નગારે ઘા પડેને ત્યારે ખબર પડે કે કેટલી વીસે સો થાય છે?
ને બંને ઉપાલંભ ભર્યું હસી નાખે.
એક વાર રામસિંહ માસ્તરને અમદાવાદ જવું પડે એમ હતું,
જેસડાથી સવારે છ વાગે અમદાવાદની બસ મળે એટલે પરોઢીયે ચાર વાગે નિકળે તો જ પહોંચી શકે,
કોઈ એ આગલા દિવસે શીખામણ આપેલી કે કોકને ભેગા લેતા જજો, વચ્ચે ભૂતિયો વળાંક આવે છે પણ આ તો રામસિંહ બાપુ, એમ કોઈની શિખામણ માને!
વહેલી સવારે રામસિંહ તૈયાર થઈને નિકળ્યા,
જોગાનુજોગ અમાસની કાળી અંધારી રાત હતી,ભળભાંખરું થવાની હજુ વાર હતી,
અને રામસિંહ ભૂતિયા વળાંક જોડે પહોંચ્યાને હાથબત્તી બંધ થઈ ગઈ, અચાનક વાતાવરણ શિયાળવાંની લારીથી ચીખી ઉઠયું,ઠંડી હવાની લહેરખી રામસિંહને થરથરાવી ગઈ,
રામસિંહના શરીરમાંથી ભયનું એક લખલખું પસાર થઈ ગયું,
અચાનક સામેથી કોઈક માણસ જેવું આવતું કળાયું,ખટ્ ખટ્ ખટ્ અવાજ સૂનસાન વાતાવરણમાં ખતરનાક ભાસતો હતો,
રામસિંહે આવતા ઓળા તરફ નજર કરી ત્યાં તો ,
આ શું? આ ને તો માથું જ દેખાતું નથી,
સાત ફૂટની પડછંદ કાયા,ધડ અને માથું એકસરખું, જાણે ડબ્બો ચોંટાડયો હોય એવું શરીર,ડોલતું ડોલતું ખટ્ ખટ્ ખટ્ અવાજ કરતું રામસિંહ તરફ હાલ્યું આવે છે,
અને રામસિંહને થયું, નક્કી આ તો માથા વગરનો 'ખવીસ'
ને રામસિંહ થર થર થર ધ્રૂજવા લાગ્યા,ઠંડી રાતમાં પરસેવો વળી ગયો,પગ લડખડાવા લાગ્યા,
ને જો મુઠ્ઠી વાળીને ભાગ્યા,તે દિશા જ ભૂલી ગયા,ઝાડી ઝાંખરામાં અથડાતા કુટાતા એકાદ ખેતરવા જઈને બેભાન થઈ ગયા.
સવારે નારણ પટેલે ખેતરમાં કોઈ આદમીને બેભાન પડેલો જોયો,નજીક જઈને જોયું તો આ તો રામસિંહ માસ્તર,ગાડે નાખીને ગામમાં લઈ આવ્યા,ઘરે લઈ જઈને ખાટલામાં સુવડાવ્યા,કેટલાય વાને ભાનમાં આવ્યા,
આંખો ચકળવકળ થતી હતી, તરત જ રાડ પાડી,
કયાં ગયો 'માથા વગરનો ખવીસ'
બધા એ સાંત્વના આપી એટલે થોડી કળ વળીને રામસિંહે આખી વાત કહી સંભળાવી,
આખા ગામમાં વાત વાયરે ચડીને ફેલાઈ ગઈ કે ભૂતિયા વળાંક જોડે રામસિંહને માથા વગરનો ખવીસ ભટકાણો,
રામસિંહ બરાબરના બી ગયા, બેઠા બેઠા ચમક્યા કરે,ત્રણ દિવસે તો તાવ ઉતર્યો
રામસિંહની ધરવાળીએ નારણ પટેલને કહયું કે ભલું થજો તમારું તે ગાડામાં નાખીને એમને ઘરે લઈ આવ્યા.
પણ આ બાજુ વજુભા કહે, હું ખવીસને મારી નજરે જોઉં તો જ માનું.
અને બીજી અમાસે વજુભા હાથમાં ઉઘાડી તલવાર લઈને પરોઢીયે નીકળી પડયા.
ધીરે ધીરે ભૂતિયા વળાંક જોડે પહોંચવા આવ્યા ત્યાં તો અચાનક શિયાળવાંની લારીઓ સંભળાવા લાગી, ઠંડો પવન સુસવાટા નાખવા લાગ્યો, ખટ્ ખટ્ ખટ્ અવાજ સંભળાવા લાગ્યો.
વજુભા સાવચેત થઈ ગયા,
સામે નજર કરી તો એક માણસ હાલ્યો આવે છે, પણ આ શું ? એને તો માથું જ નથી!
પડછંદ ધડ ,ડબ્બો ચોંટાડયો હોય એવું, હાલક ડોલક થતું ચાલ્યું આવે છે,
નક્કી આ તો માથા વગરનો ખવીસ જ લાગે છે,પણ હવે પાછા વળે એ વજુભા નહી, જે હોય તે,હવે તો ભરી પીશ,
વજુભાનો હાથ તલવાર પર જોરથી ભીંસાવા લાગ્યો,શરીરમાં શૂરાતન હિલોળા લેવા લાગ્યું,
હવે તો યા હોમ, આ પાર કે પેલે પાર,જગતમાં વજુભાના ય દાખલા દેવાવા જોઈએ.
અને ઓળો જેવો સહેજ નજીક આવ્યો ત્યાં તો 'હર હર મહાદેવ' બોલીને વજુભા એ જોરથી તલવાર ઉગામી,ઘા કરવા જાય છે
ત્યાં તો ઓળો રાડ પાડીને બોલ્યો,
કોણ વજુભા? હાં હાં આ શું કરો છો?
મને ના ઓળખ્યો,એ તો હું છું, ગિરીજાશંકર ગોર,મુજપુરનો ટપાલી.
રોજ સવારે લોલાડા ટપાલ નાખવા આવું છું.
વહેલી સવારે મુજપુરથી નીકળું છું,ટપાલનો થેલો આપીને દાડા ઉગ્યે તો પાછો વળી જાઉં છું.
અને વજુભા ખડખડાટ હસી પડયા, કહેવા લાગ્યા,તો તમે જ છો માથા વગરના 'ખવીસ' એમને,આ માથા પાછળ ટપાલનો ખાખી થેલો રાખો છો તો અંધારામાં તમારું માથું કળાતું જ નથી,ખાલી ધડ હાલ્યું આવતું હોય એવું લાગે છે, અને વળી આ લાકડીનો ખટ્ ખટ્ ખટ્ અવાજ.
અમારા રામસિંહને તમે તો બરાબરના બીવડાવી દીધા.
ગિરીજાશંકર કહે, હા ગઈ અમાસે એક માણસ જેવો ઓળો મેં ય ખેતર બાજુ નાસતો જોયેલો,મેં બે-ચાર બૂમો પણ પાડી, પણ ઓળો પછી ગાયબ થઈ ગયેલો.
આમ પણ આ મેલી ભોમકા એટલે મેં પણ કંઈક ચરિતર હશે એમ સમજીને ધ્યાન ના આપ્યું.
અને હનુમાનચાલીસાના પાઠ કરતાં કરતાં હું આગળ નીકળી ગયો.
બપોરે ગિરીજાશંકર ગોરને લઈ ને વજુભા રામસિંહના ઘરે પહોંચ્યા,
રામસિંહને કહે, લો આ તમારા માથા વગરના 'ખવીસ'ને લઈને આવ્યો છું,
અને ત્રણેય જણા ખડખડાટ હસી પડ્યા.

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.