વેણની કિંમત

નાના સૂના રજવાડાના ગઢ જેવી ડેલીમાં પટેલ રામ કાનાણી ઢોલીઓ ઢાળીને બેઠા છે.હાથમાં મોર ના ઈંડા જેવો ચાંદી મઢ્યો હોકો રહી ગયો છે ને તેમાંથી ગળચટ્ટી ગડાકુંનાં કસ ખેંચી રહ્યા છે પણ કેફ ચઢતો નથી.આ ડાયરામલ મનેખ પડખે આજે કોઈ મહેમાન કે બેસવાવાળા માણસો નથી, સુવાણ કરે કોના સાથે ? ‘ઠીક છે,જેવી મારા નાથની મરજી. એકલાએ જ રોટલો ખાવાનો સરજ્યો હશે..’એમ કહી ઊભા થયા. પછી ઓસરી પર આવ્યા. સાથે કોઈ બપોરા કરનાર નથી એટલે એકલવાયુંને ઓશિયાળું લાગ્યું.

ત્યાં ડેલીનો ભોગળ ભભડ્યો,એક માણસ અંદર આવ્યો.રામ કાનાણીએ નેણ પર નેજવું માંડી, ઝીણી નજરે જોયુંતો,અઢારેય કોઠે અજવાળું પથરાયું.મોં ભરી આવકારતા બોલ્યા:‘આવો..આવો ભાણાભાઇ ખરા ટાણે આવ્યા.સો બરામણને એક ભાણેજ...’પોરસાઈથી કહે:‘હાથ-મોં વીસળી સીધા બપોરા કરવા આવતાર્યો !’ સાવરકુંડલા પાસેના ઓળિયા ગામથી ભાણેજ કાનાભાઇ દેસાઈ હતાં.પણ મોટેરા મામાના આવકારાનો ઉમ ળકો તેનાં મો પર ઊગ્યો નહિ.તેથી મામાએ થોડી ચિંતા સાથે પૂછ્યું:‘છેતો બધાં સુખે-સુવાણેને ભાણાભાઈ !?’

‘મામા છેતો બધાં સુખે-સુવાણે પણ...’ભાણેજ કાનાભાઈએ તડને ફડ કરતાં કહ્યું:‘આ તમારા ભાઇબંધે ભુંડીયું કરી છે !’પછી મામાને બોલવા કે પૂછવાનો લાગ દીધા વગર જ કહ્યું:‘કુંડલાનો ઈજારો તમે રાખ્યો’તો ને ઇ રામજી છોડવડીયાએ બરોબર્ય રાખી લીધો !’ રામ કાનાણીતો બપોરા કરવાનું ભૂલી બેઘડી,અજુગતી અવઢવમાં અટવાઈ ગયા. ઓળિયા પાસેના સીમરણ ગામના રામજી છોડવડીયા સાથે રામ કાનાણીને હૈયાના હેત,પંથકમાં પંકાઈ એવી ભાઇબંધી.એક ભાણામાં હાથ.એકાદ અઠવાડિયે નવલી નદીમાં ભેગાં થાય,અલકમલકની સુવાણ કરે...ને પછી છુટા પડે. આ ભાઇબંધે જ કુંડલાના દીવાન પાસેથી ઈજારો રાખી, લેખિત કરાવી લીધું હતું.

‘પણ મેં તો ઠાકોરસાબ્ય સાથે મોઢાંમોઢ વાત કરી છે,હા-કબુલા થયાં છે..’રામ કાનાણી નવાઇ સાથે ધીમેકથી બોલ્યા.તેમનું મન કબૂલવા તૈયાર થતું નહોતું. સામે ભાણાભાઇએ મોં ભરીને કહ્યું :‘મામા તમે ભલે રજવાડાનું માનીતું મનેખ ર્યા પણ...ચાવવાનાને બતાવવાના દાંત નોખા હોય ઇ તમે નો સમજ્યા !’ ભાણેજનું આમ કહેવું રામ કાનાણીને બંધુકની ગોળી જેમ બરાબરનું વાગી ગયું. તેમનાં અંગેઅંગમાં લ્હાય લાગી ગઈ.ચચવાળવા માંડ્યા.રામ કાનાણી એટલે ભાવનગર રજવાડાનાં માનીતા પટેલ.રાજ સાથે સારો ઘરોબો.ભાવનગર જાયતો,માસ બેમાસની મહેમાનગતિ માણે.તેમાં એકવખત ભાવેણા નરેશ વજેસંગ બાપુ સામે કુંડલાના ઈજારાની વાત નીકળેલી.તો રામ કાનાણી કહે:‘બાપુ, કુંડલાનો ઈજારો મારે રાખવો છે !’

સામે ભાવેણા નરેશે કહેલું :‘તે રાખોને પટેલ, બીજા કરતાં તમે થોડા ઓછા રૂપિયા આપજો, બસ...!’ ઈજારાના લખાણ બાબતે ભાવેણા નરેશે કહેલું:‘પટેલ,હું ભાવેણાનો ભૂપ બોલું છું...ક્ષત્રિયની જીભાન જ હોય.જાવ તમતમારે...’ભાવેણાભૂપનો બોલ એટલે લોઢે લીટો,પૃથ્વી પલટાય પણ જીભ નો બદલાય.રામ કાનાણીને નરભેનિરાંત થઇ ગઈ હતી.કુંડલા પરગણાનાં ચોર્યાસી ગામનો સુવાંગ ઈજારો રાખી,ટાઢા કોઠે ઘેર આવી ગયા હતા. ત્યાં આવાં અવળા સમાચાર નાગના જેમ ફેણ ચઢાવી સામે આવીને ફૂત્કારવા લાગ્યા હતા.

‘તમે કયો એમ હોયતો ભાણાભાઇ,મોંઢામોંઢ જઈને ખરાઈ કરવી પડે !’આમ કહી મામા-ભાણેજ મારતે ઘોડે કુંડલા આવ્યા. દીવાનને મળ્યાં અને પૂછ્યું :‘ઈજારો દઇ દીધાની વાત ખરી !?’ સામે દીવાન મર્માળુ હસીને બોલ્યા :‘વાત તે વળી ખરી-ખોટી હોતી હશે !’

‘પણ અમારે ઠાકોર સાબ્ય સાથે વાત થઈ છે !’ રામ કાનાણીએ ભાર દઈને કહ્યું.

‘પટેલ ! વજેસંગબાપુતો સાવ ભોળુડા રાજા છે.કોઈને નાં પાડતા જ નથી.’ દીવાન આપવડાઈ કરતાં બોલ્યા :‘કાલસવારે આ કુંડલા તમારા ખાતે કરી દે તો અમારે માની લેવાનું !?’

‘હા..’રામ કાનાણીએ ધડ દઇને કહ્યું દીધું :‘માની લેવું પડે, રાજાએ કહ્યું છે ને એટલે !’

‘પટેલ !’દીવાને રામ કાનાણીને સખત નજરે નોંધ્યા.પછી થોડા ઉંચા અવાજે કહ્યું:‘રાજનો વહીવટ અમારે કરવાનો હોય,રાજાને નહિ..રાજની આવક વધે,ત્યાં ઈજારો દેવાય ને એમાં મોઢાંની વાતો ન ચાલે!?’

રામ કાનાણી કાંઈ બોલે-કારવે એ પહેલાં જ દીવાન તાડૂકી ઉઠ્યા:‘ઈજારાની વાતના ફીફાં ખાંડવા રે’વા દ્યોને છાનામાના ઘરભેળાં થઇ જાવ!’દીવાનનું કહેવું કાનાણીના ગળેન ઉતર્યું.પણ નરવીને નઘરોળ હકીકત હતી.તીખું-તમતમતું વેણ છાતીમાં ભાલાની જેમ ભોંકાયું.અઢારેય કરોડ રુંવાડા અવળા થઈ ગયા. થયું કે,પોતાની પટલાઇ માથે પાણી ફરી વળ્યું છે કે બાપુના બોલ માથે...!? સમજવું અઘરું થઇ પડ્યું હતું. તેમણે ઘડીના ચોથાભાગમાં નિર્ણય કરી લીધો.પછી સાવજ જેવી ગર્જના કરીને બોલ્યા:‘દીવાન,જ્યાં રાજાના વેણની કિંમત ન હોય,માણસનાં મુલ ન હોય ને નોકરો પ્રજાને પીડતા હોય એવાં રાજમાં રે’વું એનાં જેવું ભૂંડું એકેય નઈ...હવેતો ઘડીકેય નો રે’વાય..’પરિણામની પરવા કર્યા વગર રામ કાનાણી મારતા ઘોડે ગામમાં આવ્યા.નાતીલાને સઘળી બીના કહી પછી સૌ સંભાળે એમ બોલ્યા:‘આજથી ભાવનગરના અઢારસોય પાદરનું પાણી અગરાજ !’ આવું આકરું પગલું લીધાથી ગામમાં હાહાકાર મચી ગયો. અને બીજી બાજુ....

રામ કાનાણીના આકરા પગલાંથી,જુવારનાં કણસલાં જેવું લૂમઝુમતું સાવર ગામ આજે પંખીએ ઠોલી નાખેલ ફોતરાં જેવું લાગતું હતું.ગામનું મહેનતુ મનેખ ભીંજાતી આંખે ઉચાળા ભરી રહ્યું હતું.જનમ-ભોમકાથી અળગા થાવાનું અપાર દુઃખ હતું.માના થાનોલેથી વછોડતા શિશુ જેવી પીડા હતી પણ મોભીના મોંએથી વેણ વછૂટી ગયું હતું, હવે ગામને કાયમી રામ રામ કર્યા વગર છૂટકો નહોતો.

ત્રણસોમાંથી લગભગ અડધા કરતાં વધુ પરિવાર ઘરવખરી ભરી રહ્યાં હતાં.મગની સીંગ જેવું ભર્યું ભાદર્યું ગામ,ફોફાં જેવું ખાલીખમ થાવા લાગ્યું હતું.સૌ કોઈના હૈયેને હોઠે એક જ વાત રમતી હતી:‘રામઆતા અમારા મોભી ને વડીલ કે’વાય...’પછી હરખાઈને કહે:‘ભાઈ, જ્યાં રામ હોય ન્યાં અવધ વસે !’

દીવાન સામે ભાવનગરના અઢારસેય પાદરનું પાણી અગરાજ કર્યા પછી રામ કાનાણી સીધા જુના ગઢના નવાબ પાસે ગયા હતા.નવાબે તેમને અંતરના ઉમળકાથી આવકાર્યા પછી સઘળી વિગત જાણી હતી. જુનાગઢ તાબાનો શેરગઢથી ઘૂનાવાળી મોણપરી ગામ સુધીનો ભાગ રામ કાનાણીને ગમી ગયો હતો.તે જમી નને વનરાઈ સાવર ગામ જેવી ભાસતી હતી.તેથી ત્યાં વસવાટ કરવાની કાનાણીએ માગણી કરી હતી. પણ નવાબે ઉનાથી લઇ છેક વિસાવદર ગામ સુધીના વિસ્તારમાં વસવાટ કરવાનું કહ્યું હતું.નવાબ સારીપેઠે સમજતા હતા કે ધરતીપૂત્ર રાજમાં વસશે,પરસેવો પાડી મહેનત કરશે તો રાજની આબાદી વધશે.આ જમીન રસાળ અને ફળદ્રુપ હતી.અહીં વસવાટ કરવા સાવર ગામમાંથી સૌ નીકળવાની તૈયારી કરી રહ્યાં હતા.

જીવતરના ખોળિયા જેવાં ખોરડાને આમ છોડતા કેટલાંયનાં કુણા કાળજા કપાઈ ગયાં હતા.જીવ ઉલે ચાઇને વલોવાઈ ગયાં હતા.પણ ઘર-બાર છોડવાનો વસમો વખત આવશે એવું સોણલુંય નો’તું આવ્યું.એક દિ’ય ઘર રેઢું કે બંધ નો’તું રાખ્યું તેનાં બદલે કાયમી સાંકળ દેવાની હતી.હે ઉપરવાળા,આવા દિ’બાપના દુશ્મનેય નો દેખાડતો.ગયાં પછી અંધારું ન રહે, તેથી ઘરમાં દીવડા સળગતાં રાખીને સૌ નીકળી ગયાં હતાં.

સાવર ગામમાંથી આમ ઉચાળા ભરાયા છે તે વાત આખાય પંથકમાં ફેલાઈ ગઈને છેક ભાવેણાના રાજ-દરબારમાં જઈને પડઘાણી હતી. મહેનતુ મનેખ ઉચાળા ભરે તે, રાજ માટે નાની સૂની વાત નહોતી.

‘એવી તે કઈ આપત્તિ આવી કે પટેલને રાજનું પાણી હરામ કરવું પડ્યું !?’ ઠાકોર વજેસંગ માટે આ સળગતોને સણસણતો સવાલ હતો.પણ કોઈ સામે બોલી તેમ નહોતા.પણ સુલક્ષણા રાજવીએ આકરાપાણી એ થઈને સઘળી હકીકત જાણી લીધીને પછી હુકમ કર્યો:‘મારાં હુકમનો અનાદર કરનાર દીવાનને વહેલીતકે અહીં હાજર કરો...’સંભાળનાર હકાબકા થઇ ગયાં.‘માર્યા ! બાપુના હુકમનો અનાદર કરનારને ખો ભુલાવી દેહે.’ વળી કોઈ કહે : ‘છઠ્ઠીનું ધાવણ ઓકાવી નો દેયતો કે’જો !’ કુંડલાના દીવાન પાણી પીવા પણ રોકાયા વગર ઠાકોર સાહેબ સમક્ષ હાજર થયાં.

‘બાપુ !’દીવાન બે હાથ જોડી,વિનવણી કરતાં બોલ્યા:‘મેં તો રાજની આવક વધારવા આમ કર્યું છે !’ દીવાનનું કહેવું ખોટું નહોતું.પ્રજાવત્સલ રાજવી સઘળું સારી પેઠે સમજતા હતા.આવક વધે તો જ રાજની આબાદી વધે,પ્રજા-વિકાસના કર્યો થઇ શકે. પણ સવામણનો સવાલ હતો,પોતે રામ કાનાણીને આપેલા વચનનો ! રાજાનું વેણ આમ વઢાતું રહે તો,રાજાનું મૂલ્ય સાવ કોડીનું થઇને ઉભું રહે...પછી રાજ ચાલે કેમ !

‘દીવાન ! આપના શુભ ઈરાદાને હું સમજુ છું.’એકાદ પળ અબોલ રહ્યા.‘પણ રાજાની, એક ક્ષત્રિયની જીભાન આમ ફોક જાય તો કાલ સવારે અમારા પર ભરોસો કોણ કરે ? અમારી ક્ષત્રિયાવટ માથે....’ દીવાન સાથે સઘળી સભા નત મસ્તકે સાંભળી રહી હતી.વાત સોળવલા સોના જેવી હતી. ‘જાવ...’ ઠાકોર સાહેબે હુકમ કરતાં કહ્યું:‘રામ કાનાણીને સ્વમાનભેર પાછાં લઈ આવો.નહિતર મારાં દિલમાં સહેજ પણ પસ્તાવો નહી થાય, સજા કર્યા અંગેનો...’ છેલ્લે રાજાશાહી કડપ અદકારૂપે આગળ થયો. આખી સભા ધ્રુજી ઉઠી. એક બાજુ ઠાકોર સાહેબનો તલવારની ધાર જેવો હુકમ હતો અને બીજી બાજુ રામ કાનાણીનું સ્વમાન અને જીદ્દીપણું હતું.... આ બન્ને વચ્ચે દીવાનની ભારે કસોટી થાવાની હતી... ----------------------------------- દરિયાવદિલા બાપના ખોળામાં આળોટતી દીકરી જેવી ધાતરવડી નદી,ડુંગરાળ પટમાં રમતીને વહેતી હતી.મધુરો રવ ઘોરાઈને ગાજતો હતો.રામનો રસાલો ખાંભા ગામ પાસે,ધાતરવડી નદીના કાંઠે વિસામો કરી આગળ વધી રહ્યો હતો. રામ કાનાણીએ ભાવેણાની દિશામાં નજર નાખી...ને હૈયાફાટ નિસાસો નીકળી ગયો.તેમનાથી બોલાઇ ગયું:‘કયા ભવનાં પાપ હશે તે જનમભોમકાને તરછોડવાનો વખત આવ્યો...’ રસાલાના દરેક મનેખના દિલમાં વતન વસોયાનો આવો દર્દનાક વસવસો વલવલતો હતો. ત્યાં ધૂંધળી ક્ષિતિજમાંથી ધૂળની ખેપટ ઉડતી દેખાણી.નજર ત્યાં ખીલો થઇ ગઈ.રામ કાનાણી નેજ વું માંડીને જોતાં રહ્યાં.અસવાર નજીક આવ્યો.ઓળખાયો...ને કાનાણીનાં દિલમાં વીઘા એકનો ધ્રાસકો પડ્યો.

‘દીવાન તમે !?’ રામ કાનાણીથી બોલાય ગયું ને તે ઘોડીના પેઘડા માથે ઊભા થઇ ગયા.

‘હા,પટેલ !’કહેતાં દીવાન ઘોડી પરથી નીચે ઉતર્યા.પછી મો પરનો પરસેવો લૂછીને બોલ્યા :‘પટેલ ! મારા લાખ ગુના હોયતોય માફ કરો પણ પાછાં વળો !’ આમ કહી દીવાન કાનાણીના પગે ઝુંડ લઇ ગયા.

‘બ્રાહ્મણનો દીકરો છું, ખભે જનોઈનો ત્રાગડો છે...’ દીવાનની સ્થિતિ સાપે છછુંદર ગળ્યા જેવી હતી.

‘દીવાન !’ રામ કાનાણીના પંડ્યમાં ફરી એકવાર અંગારા ઉઠ્યા.તે બળબળતા સ્વરે બોલ્યા:‘વેણની વાતું છે. પાછાં વળવાનું આ ભવેતો નહી બને, તમે આવ્યા એ જ રસ્તે માનસોતા પાછાં વળી જાવ.’

‘પણ પટેલ...’લાખ વિનવણી છતાંય રામ કાનાણી એક ટળીને બે ન થયાં.દીવાન મુંઝાયા.શું કરવું તે સુઝતું નહોતું.માથે આવ્યું મોત,હવે આવળ ચાવ્યે ઉગારી જવાય એમ નહોતું.તેમણે ત્રાગડો રચ્યો. અડખે પડખેના ગામની નાતને ભેગી કરી. આપદા જણાવી પછી આખી નાત ઉઘાડા ડિલે રામ કાનાણીનો રસ્તો રોકી આડી ઉભી રહી ગઈ.રામનો રસાલો રસ્તામાં ખીલાના જેમ ખોડાઈ ગયો.કોઈ એક ડગલુંય આગળ વધી શકે એમ નહોતા. રામ કાનાણી આતમરામ કકળવા લાગ્યો. દિલમાં દયાની સરવાણી છૂટવા લાગી....

‘ક્યાંક બ્રહ્મહત્યાનું પાતક માથે ચઢશે કે શું !?’ રામ કાનાણી ધરમસંકટમાં મુકાઈ ગયાં.

‘દીવાન !’આમ કહેતા તેમનો સાદ ભારે થવા લાગ્યો.‘તમે મને રાજનો ઈજારો નો દીધો એનો મને હરખધોકો નથી. વળી હું એવો ખાલખોલ નથી કે, ઈજારો હોય તો જ મારાં છોકરા રોટલા ભેળાં થાય !’ રામ કાનાણીનું આમ કહેવું, સૌના સાથે આખી સીમ પણ એક કાને થઇ સાંભળવા લાગી.

‘પણ..કિંમત ઠાકોર સાબ્યનાં વેણની હતી.’રામ કાનાણી ગળું ખંખેરીને બોલ્યા :‘ઠાકોરનો હું માનીતો પટેલ અને ઠાકોર, ભાવેણાની રૈયતનાં હૈયાનો હાર...કાળજાનો કટકો, એનું વેણ ઉથાપાય !!?’

‘આટલી વાત સાટે પટેલ આવો દાખડો કર્યો પટેલ !?’ દીવાને કહ્યું.

‘હા,તેનું પણ કારણ છે દીવાન !’રામ કાનાણી ખુમારીથી બોલ્યા:‘આમ થાતું રહેતો કાલ્ય સવારે સૌ કોઈ ઠાકોર સાબ્યનાં વેણને ઉવેખ્યા રાખેને!’

‘પટેલ !’દીવાનનું બરછટ દિલ લાગણીની ધારે કપાવા લાગ્યું.પેટ છુટ્ટી વાત કરતાં તેમણે કહ્યું : ‘વાતતો લાખેલી છે,પણ અમેતો રાજના ચાકર,અમારી સ્થિતિ બહુ કફોડી હોય છે.તે જનતાને નહિ સમજાય.’ દીવાનની વાત પણ નાખી દીધા જેવી નહોતી.રાજની ચાકરી એટલે તલવારની ધાર પર ચાલવાનું, મેશની કોઠીમાં ઉજળા લુગડે ઊભા રહેવાનું...સહેજપણ ભૂલ કરો એટલે આવી બને. રાજાને સાંભળવા કાન હોય છે પણ ભાગ્યે જ જોવા માટે આંખો હોય. રાજા,વાજા ને વાંદરા તેમનું કાંઈ કહેવાય નહી.

‘પટેલ !’દીવાને કહ્યું:‘લાખ વાતોના ગાડાં ભરાય.તમે રાજની ઉજળી આબરુ છો,સમાજનું સમજૂ મનેખ છો..ભલા થઈને પાછાં વળો આટલી મારી આજીજી છે.’ રામ કાનાણી દીવાન અને તેમની નાતના મોવડી સામે જોવા લાગ્યા.કોઈ જાતનો સુઝકો પડતો નહોતો.પાછાં વાળવું કે આગળ વધવું...કયો રસ્તો અખત્યાર કરવો તેની મહામૂંઝવણ પટેલના આળા દિલને રંજાડવા લાગી હતી.સૌ નાતીલા અડખેપડખે ઘેરો ઘાલી ઊભા રહી ગયાં હતા.તેમનેતો નાતનો મોવડી કહે તે ખરું !તેથી અવઢવમાં ઊભા ટગરટગર જોતાં હતા. રામ કાનાણીએ ગળું ખંખેરી ખુમારીપૂર્વક કહ્યું :‘દીવાન ! એક વખત મોંમાંથી વેણ નીકળી ગયું હવે પાછું કેમ વળે, એકવાર થૂંકેલું પાછું ગળું કેમ !?’ દીવાન અને તેમની નાત પટેલનું કહેવું પેટભરી સમજતી હતી. જીભાનની કિંમત સારી પેઠે જાણતી હતી તેથી અબોલ રહી હતી. રામ કાનાણીને કાંઈ કહેવા જેવું નહોતું. તે તદ્દન સાચા હતા.

આ બાજુ દીવાન બરાબર સમજતા હતા કે,પોતે પટેલને લીધાં વગર રાજમાં પાછાં ફરશેતો તેનું પરિણામ શું આવશે ! ભલે મોત ન આવે પણ મોતથી ભારે ભૂંડી સજા જીવનભર ભોગવવાનો વારો આવે ! તેમણે એકપણ શબ્દ બોલ્યા વગર છેલ્લીવેળાનાં હાથ જોડ્યા..જોનારા સૌ કકળી ગયાં.જે બન્યું તે...પણ હવે વાતને જાતી કરવી પડે, નહિતર એક કરતાં બીજું થઈને ઉભું રહે.

રામ કાનાણી સમજી ગયાં. તેમણે નિર્ણય કરતાં કહ્યું:‘હું પાછો નહિ આવું પણ મારું કુટુંબ આવશે..ને ઠાકોરસાબ્ય તમને માફ કરશે !’રામ કાનાણીનો નિર્ણય જાહેર થતા આખો રસાલો પાછો ફરવા લાગ્યો. દીવાનના કોઠે ધરપત બંધાણી...છતાંય પટેલ સામે મૌન રહીને વિનવણી કરી..સામે પટેલ રામ કાનાણી વેણ પર અડીખમ ઊભા રહ્યાં.પણ પછી દીવાનની ઉરાઉર જઈને કહ્યું:‘ઠાકોર સાબ્યને હાથોહાથ મળવાના ઓરતા હતા પણ આ ભવેતો અધૂરા રે’શે..’ભડભાદર જેવાં મનેખે આંખોમાં ઉભરાતા આંસુને ફાળીયાના છેડે લૂછીને બે હાથ જોડતા કહ્યું:‘ભાવેણાનાં ઠાકોરને મારાં જજેરા જુહાર કે’જો...’ગળામાં ડૂસકું ભરાઈ ગયું તેથી તેઓ આગળ બોલી શકયા નહી. અને બે હાથ જોડીને ઊભા રહ્યાં.

અને પાછો ફરતો રસાલો આંખોથી અળગો થવા લાગ્યો...

નોંધ:રામ કાનાણીના છ દીકરામાંથી પાંચ પાછાં ફર્યા હતા.ઠાકોર સાહેબે રામ કાનાણીની કદર રૂપે દીકરાને પટલાઇ અને પળતની જમીન આપી હતી. અને એ સઘળું તાંબાનાં પતરા પર લખી આપવામાં આવ્યું હતું. રામ કાનાણીએ તેમનાં એક દીકરા સાથે મોટી મોણપરી (તા. વિસાવદર, જિ.જુનાગઢ) ગામમાં વસવાટ કર્યો હતો.

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.