સતી

બાપુ ... બાપુ ... કરતી માણેક દોડતી આવી . એનું ગોરું મોં લાલઘુમ્મ થઇ ગયું હતું . એ ગામમાં કુવે બેનપણીઓ સાથે પાણી ભરવા ગઈ હતી ,રોજની જેમ જ . સાથે એમનો બળદ પણ હોય . નવડાવી ધોવડાવી સફેદ બાસ્તા જેવો બળદ ધોળિયો અને રૂડી રૂપાળી માણેક માથે હેલ્ય લઇ આવતી હોય ... રસ્તાની રજોટી એના પગની પાનીએ અડી ધન્યતા અનુભવતી હોય . પગે રૂપાના જાડા ઝાંઝર એક સરખા લયમાં છમ છમ બોલતા હોય . પાતળી કમર થી બે વેંત નીચે ચોટલો નાગણની જેમ વળ ખાતો હોય ...

એની ઘૂંટી થી સહેજ ઉંચો ને આભલા ભરેલો ઘેરદાર ઘાઘરો જરા ઘૂમે...ત્યાં ગામનાં જુવાનિયાઓનું હૃદય ઘૂમરી ખાઈ જાય .નમણી કેળ જેવા હાથમાં ચાંદીના બલોયા એની શોભા વધારતા હોય કે માણેકને લીધે બલોયાં રૂપાળા લગતા હોય, એ ચોરા પર ચર્ચાનો વિષય . મોટી મોટી મારકણી આંખો ,નમણું નાક અને પરવાળા જેવા લાલ ચટ્ટક હોઠ વચ્ચેથી ચમકી જતા દાડમના દાણા જેવા દાંત .એના બાપુ ભોળાના ચીથરે બાંધ્યું રતન એટલે માણેક .ઓશરીમાં ખાટલે સહેજ આડો પડી બીડી ફૂંકતો ભોળો સહેજ બેઠો થઇ બોલ્યો ." કાં આટલી અથરી થાય છે . શા ગરાસ લુંટાણા તે આમ નાસ નાસ કરતી ગામ વચાળે દોડેછે ...!!"

"ધોળિયો ક્યાં ગયો ?" કરતોકને ઉભો થઇ કડીયાળી હાથમાં ઝાલી ખાસડાંમાં પગ નાખતોકને ફાળિયું માથે મુક્યું .માણેક ત્યાં સુધીમાં ઘરમાં ઘુસી ને બારણું દઈને આડશે ઉભી રહી નાની ફાટ માં થી બહાર જોતી હતી . " બાપુ ,ગામમાં કોઈ આપણું ઘર પૂછતું હતું .મારી બેનપણી એ કહ્યું કે એ તો મને લેવા આવ્યા છે . એટલે હું તો ભાગી . બાપુ તને છોડીને હુંતો નથી જવાની . ના પાડજે હોં !"

ભોળો હસી પડ્યો .માણેકની નાદાની પર ...ધોળિયો ઘર લગી જાતે જ પુગી ગયો હતો . ભોળાએ એને ખૂંટે બાંધ્યો ત્યાં એક જીપ ઘરઘરાટી બોલાવતી ઘર પાસે ઉભી રહી . કરડાકી ભર્યા બે જણ નીચે ઉતર્યા . " એ રામ રામ ... !"

" આવો આવો ભલા માણસ . લો બિરાજો . " ભોળા એ ઢોલીયો ઢાળી ને એમને આવકાર આપતા બેસાડ્યા .

"ભલે આવ્યા બાપ .કઈ ખાસ કારણ !" ખોંખારો ખાઈ એક બોલ્યો .

"જો બાપા . હું બાજુના ગામનો સરપંચ અને આ મારો ભાઈ . મારા દીકરા હાટુ તારી છોડીનો હાથ માંગવા આવ્યા છે . બોલ તારી મરજી ... તો અટાણે જ રૂપિયો દઈ જાઈયે . મારો દીકરો તારો અને તારી દીકરી મારી .બોલ શું ક્યે છે ?"

"પણ ...!" ભોળો કઈ બોલે એ પહેલા જ સરપંચ બોલ્યો . "એક વાર આવીને ઘરબાર જોઈ જા તો તારા જીવને ધરપત ...!"

ભોળાના આંખમાં પાણી અને હૃદયમાં ખુશી હતી .આવું સરસ મજાનું માંગું આવ્યું છે પણ એક ફેરા જોઈ તો લેવું જ જોઈએ . માણેકને ચા મુકવાનું કહી બધા વાતે વળગ્યા .

ભોળાની પરિસ્થિતિ સાવ સામાન્ય કહી શકાય તેવી . નાનું ખેતર અને આ ધોળિયો . બસ,આ એની પુંજી ઘરવાળા દીકરીને મૂકી પાછા થયેલા,તે બાપ કહો કે મા ... બસ આ ભોળો અને એની માણેક . એને મોટી કરતા એને નાકે ફીણ આવી ગયેલા . ગામના લોકો ફરી પરણવા સમજાવતા પણ ભોળો ટસ નો મસ ન થયો . માણેકે પણ જરા સમજણી થતા જ ઘર , બાપુ , ધોળિયો , બધાનો હવાલો લઇ લીધો .અને ગામમાં કોઈની મજાલ છે કે એનું નામ લે ...!

પગમાં થી મોજડી ઉતારી ધોઈ નાખે બાપડાને . ફરી સીધી આંખ માંડી કોઈ જુવે નહિ .એમ કરતા એ મોટી થઇ . આજુબાજુના પંથકમાં એના રૂપની ચર્ચા તો હતી જ . કોક વાત લાવ્યું એટલે સરપંચે સીધી જીપ જ ઉપાડી .ચા પીતા પીતા એ લોકોની નજર બારણા તરફ હતી જ્યાંથી એક ગોરા ,રૂપાળા ,નાજુક હાથે એના બાપુને ચા નો લોટો અને કપ આપેલા ...

ભોળો નામનો જ નહિ ,સાચે જ ભોળો ભટ . સરપંચને ત્યાં બીજે જ દિવસે પહોચી ગયો અને "એ રામ રામ " કરતાકને ઢોલિયા ઢળાયા . ચા પાણી કરતા કરતા ભોળાની નજર જમાઈને શોધતી રહી ...

સરપંચ હસી પડ્યા ."અરે મારા દીકરાને શોધો છો ? એ તો ખેતરે ગયો છે ."

"ભલે બાપા , તો ખેતરે જતો જાઉં .છોડી ને જવાબ પણ દેવો પડશેને ..!"

સરપંચ મર્માળુ હસ્યા . "આજકાલનાં જુવાનિયા ...!!”

અરજણ થી નાના રાજુને બૂમ પાડી કહ્યું "એ રાજુ ... બાપાને ખેતરે ભાઈને મળાવી લાવ ..!"

અરજણ ને જોઈ ભોળો ખુશ થઇ ગયો ... પાંચ હાથ ઉંચો,પહોળો અને ગોરો, વાંકડિયા વાળ વાળો અરજણ ...

બાપાએ તો ઘરે જઈને તરત કહી દીધું ." મા..ણ...કી ... તારા તો ભાગ ખુલી ગ્યા . કલૈયા કુંવર જેવો છે આપણો અરજણ તો .હું તો હા કહીને જ આવ્યો . તારા બાપુની ઈજ્જત હવે તારા હાથમાં દીકરા ."

માણેકે હા કહી દીધી . રંગે ચંગે જાન આવી . ભોળાએ થાય એટલું બધુ જ કર્યું .પોટલું ભરીને કરિયાવર ,વાસણ કુસણ , એની મા ના બધા દાગીના ... સામે વાળા ના પાડતા રહ્યા ને ભોળા બાપાએ તો ગજા ઉપરાંત ખર્ચો કરી બધાને રાજી કરી દીધા .દીકરીને પરણાવી ભોળો ખુશ ખુશ હતો .મનમાં ને મનમાં એકલો એકલો પોરસાતો હતો માણેક ઘૂંઘટ ની આડશ થી બધું જોવાનો પ્રયત્ન કરતી હતી . ઉબડ ખાબડ રસ્તે જીપ મોટા હવેલી જેવા મકાન પાસે ઉભી રહી .

ઘરના આંગણે સ્ત્રીઓ ઉભી હતી .માણેક ને પોંખીને ઘરમાં લઇ ગયા અને પાટ પર બેસાડી . દરેક સ્ત્રી એનો ઘૂંઘટ ઉઠાવી એના હાથમાં કઈ ને કઈ મુકતી ગઈ. વિધિ પતી એટલે બેઠેલી સ્ત્રીઓમાં કૈક ચણભણ ચાલતી હતી એટલામાં એક કરડાકી ભર્યો અવાજ સંભળાયો . બધી સ્ત્રીઓએ માથે ઘૂમટો તાણ્યો .

"કેમ કઈ કામ નથી બીજું તે અહી ટોળે વળીને બેઠી છો બધી ..!"

"જાવ હવે લગ્ન પતી ગયું ."

બોલનાર જણ પીધેલો હોય એમ લાગ્યું . એ સંકોચાઈને કોકડું વળી ગઈ .પરસેવાના રેલા ચાલતા હતા શરીરે.

આધેડ જણાતી સ્ત્રીએ માણેકને ઉભી કરી અને એક ઓરડામાં લઇ ગઈ . ઓરડામાં મોટો કાચ જડેલો પલંગ હતો . માણેકે તો આટલો મોટો પલંગ જોયો જ પહેલી વાર .મોટા મોટા લાકડાના કબાટો ... ઝુમ્મર ...પંખા ... એ નવાઈથી બધું જોઈ રહી . રૂમનું બારણું ખુલવાનો અવાજ આવ્યો . એને ધ્રુજારી આવી ગઈ . મનોમન બાપાએ કરેલા વર્ણન જેવી કલ્પનાકૃતિ નો સાક્ષાત્કાર કેવો હશે તે વિચારતી માણેક એક ક્ષણ વિચાર કરે એ પહેલા દારૂની વાસ એને ઘેરી વળી . અને એક પુરુષ આકૃતિએ એને રીતસર દબોચી ને આક્રમણ કર્યું . એના મોં પર હાથ દબાવી દીધો હતો જોરથી . માણેક ગભરાઈને બેભાન થઇ એ પહેલા એ પુરુષનું મોઢું એને દેખાઈ ગયું અને અંધકારમાં ડૂબી ગઈ .

ભાનમાં આવી ત્યારે એ આખી પીંખાઇ ગઈ હતી .ભયાનક વેદનામાં એને અચાનક જુગુપ્સા થઇ આવી . આંખ ખોલીને જોયું તો પેલો પુરુષ નહિ પણ બીજું કોઈ એની બાજુમાં હતું .હિંમત કરી ને એ ઉભી થઇ અને આમતેમ નજર કરી . બારણા પાછળ સાંબેલું પડ્યું હતું તે લઇ પેલા માણસના માથામાં ઘા કર્યો એક ચીસ પાડીને શાંત થઇ ગયો એ . ઘર વાળા બધા દોડતા આવીને હૈયાફાટ રુદન કરવા લાગ્યા . આધેડ વયની સ્ત્રીએ ચોટલો ઝાલીને માણેક ને ઢસડી . ખૂણામાં લઇ જઈને કહ્યું ..." આ શું કર્યું રાં ...! ધણીને મારી નાખ્યો ?" એ ચમકી . તો પછી પેલો માણસ કોણ હતો ? એટલામાં પેલી પરિચિત દારૂની વાસ આવી .એ ચોંકીને જોવા લાગી . પોક મુકીને મારા દીકરારે ... એમ રડ્યો ત્યારે એને ખબર પડી કે આતો એનો સસરો ... માણેકને થયું કે જોર થી થુંકે એના ડાચા પર .પેલો માણસ બધાને કહેતો હતો .ખબરદાર જો કોઈએ રોક્કળ કરી છે તો .ખેતરમાં એરુ આભડી ગયો એવુ જ કહેજો .બારોબાર પતાવી દઈશું બધું .એમ કહી લોલુપ નજર માણેક પર નાખી .

માણેક ના શરીરમાં સબાકો બોલી ગયો . એણે કારમી ચીસ પાડી ને ધુણવા માંડ્યું . વાળ છોડી લાલ લાલ અંગારા જેવી આંખો અને પૂજાપાની થાળીમાં થી કંકુનો મુઠો ભરી બધા પર ઉછાળ્યું . કપાળે કંકુની મોટી આડ કરી હાકોટા કરવા લાગી . બધા ભેગા થવા માંડ્યા . એ ણે અરજણ નું માથું ખોળામાં લઇ લીધું . કંકુ અને લોહીનો રંગ એક થતો હતો . એક પછી એક બધા પગે પડવા માંડ્યા . "માવડી ખમ્મા !"

માણેકે જોરથી બરાડો પડ્યો ."મારે સતી થવું છે . જલ્દી ચેહ ખડકો . મારે છેટું થાય છે . "

ગામ આખું ભેગું થયું હતું . સતી મા ની જય ના ગગનભેદી અવાજો ગુંજ્યા અને માણેક ,અરજણ ને લઇ ચિતા પર બેઠી . એની નજર સામે એનો ધોળિયો અને ભોળા બાપા નો ચહેરો તરવરતો હતો .

"મને માફ કરજો બાપુ . આ કુંડાળામાંથી બહાર નીકળવાનો બીજો કોઈ રસ્તો નહોતો .હું મો ખોલત તો તારી આબરુ જાત મારા ભોળા બાપા .ભવે ભવ તારી દીકરી બનીને આવીશ મારા બાપ ."

સતીમાં ની જય નાં પ્રચંડ અવાજમાં હસતા મોએ માણેક બળી ગઈ . કેટલાં રહસ્યો ધરબીને ... બાપની આબરુને લાંછન લગાડ્યા વગર .

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.