મારાં બંને બાળકો સ્નાતક થઇ ગયા ત્યાં સુધી તેઓની જવાબદારી અને મારી પોતાની જોબ, ઉપરાંત સંયુક્ત કુટુંબની જવાબદારી પણ ખરી.પતિની જોબ પણ એવી કે વારંવાર મહેમાનોથી ઘર ભર્યું ભાદર્યું રહ્યાં કરે. એટલી વ્યસ્તતા હતી કે, ભુતકાળ-બાલ્યકાળ કશું જ યાદ નહોતું આવતું. મારો વર્તમાન કાળ જે ધીમી ગતિએ ભૂતકાળ બનતો જતો હતો, તે પણ ભવ્ય જ હતો મને ખુબ ગમતો હતો.મારા બંને જોડિયા દીકરા વિશ્વમ અને સૂર્યમ સ્નાતક થયા પછી તેઓ માસ્ટર્સ કરવા યુએસ જવાના હતા. વચ્ચે ત્રણેક માસનો સમય હતો.એટલે અમે બધાએ સાથે કોઈ પ્રવાસે જવાનું નક્કી કર્યું. ક્યાં જવું ક્યારે અને કેટલા દિવસ તેની ચર્ચા ચાલતી હતી તે વખતે મને યાદ આવ્યું કે, મારા પપ્પાની ૯૦૦ એકર જેટલી જમીન હતી તે આદિવાસી પ્રદેશ મારા બાળકોને બતાવું. વિશાળ ખેતરો અને મબલખ પાકના ઢગલા મારી દ્રષ્ટિ સમક્ષ ઉપસવા લાગ્યા.કેટલી જાહોજલાલી હતી! પપ્પાને સૌ કપાસવાળા શેઠ તરીકે ઓળખાતા. અમે બધા ભણવા માટે બોમ્બે રહેતા, ત્યાં પણ અમારું બીજું ઘર હતું. પણ વેકેશનમાં અમે અચૂક ગામડે જતાં અને ત્યાં કુદરતને ખોળે બેસીને ખુબ મઝા કરતાં. પણ મોટા થયાં પછી મારો એકનો એક ભાઈ માસ્ટર્સ નું કરીને યુકે સેટલ થયેલો અને અમે બે બહેનો પરણીને સાસરે સેટ થયેલી. પપ્પા અને મમ્મી માણસો રાખીને પોતે સારી રીતે બધું જ સંભાળતા હતા.ઘરની ખેતીનું જે અનાજ પાકતું, તે અમને બંને બહેનોને સાસરે, મારા કાકાને ઘરે અને મામાને ઘરે અચૂક મોકલતા. લગભગ બધા જ પ્રકારના ફળોની ખેતી થતી હતી. કેટલાક ફળોના બીજ રત્નાગીરી જેવાં સ્થળેથી મંગાવીને ખુબ માવજતથી ફળોની ખેતી પણ કરવામાં આવતી હતી.

દરેક સિઝનના ફળોનો લાભ સૌ સગાસંબંધી અને મિત્રોને અચૂક મળતો. અમને પિયર તરફની કોઈ ચિંતા નહોતી. એનું કારણ અમારી કામવાળી બાઈ મણકી હતી, ઘરનું તમામ કામ તે સંભાળી લેતી. લગ્ન પહેલાં અમારું બધું જ કામ પણ તે સંભાળતી.કિન્તુ એવું થોડા વર્ષો જ રહ્યું. મારા પપ્પાને પેરાલીસીસીનો એટેક આવ્યો તેમને મરીન ડ્રાઈવ નજીકની બોમ્બે હોસ્પીટલમાં દાખલ કર્યા. પૂરો એક મહિનો તેઓને ત્યાં રાખવા પડ્યાં એ દરમ્યાન ખેતીનું કામ રખડી પડ્યું. પહેલાં પપ્પાનું જમણું અંગ ચાલતું નહોતું પણ રજા આપી ત્યારે તેઓ ધીમે ધીમે ચાલી શકતા હતાં. પણ અમને મળેલી એ ખુશી ઝાઝું ના ટકી. પપ્પાને અચાનક જ એક દિવસ હાર્ટ એટેક આવ્યો અને પપ્પા ગયાં.

થોડા સમય પછી માંડ પોતાને સંભાળીને મમ્મીએ ફરી ખેતીવાડીમાં ધ્યાન આપવા માંડ્યું. ત્યારે મણકી મમ્મીને ખુબ સાથ આપતી. પપ્પાની સાથે હંમેશાથી મમ્મી જ કામ કરતી હતી, અમે ભાઈ બેનો તો ભણવામાં પડેલાં. એટલે મમ્મી માટે તે મુશ્કેલ નહોતું, વળી બધી રીતના તાલીમ પામેલા માણસો હતાં જ, એટલે કામકાજ ચાલતું રહ્યું. છતાં આટલી જમીન એકલા હાથે સંભાળવી મુશ્કેલ હતી. મારા મમ્મીની ઉંમર પણ થયેલી,એટલે અમે ભાઈ બેનોએ અને મમ્મીએ મળીને જમીન વેચી નાખવાનું નક્કી કર્યું. આખો પ્રદેશ આદીવાસીઓથી ભરેલો, તેઓ પાસે તો જમીન લેવાના પૈસા ક્યાંથી હોય? શહેરની આવક અને ઝાકઝમાળથી સૌ આકર્ષાતા, એટલે જેની પાસે પૈસા હોય તેને પણ જમીન લેવામાં રસ નહોતો. સૌને ખબર તો હતી જ કે, આવડી મોટી જમીન અને ખેતી સંભાળવી સરળ નહોતી. એટલે જમીન તો વેચવા કાઢી પણ લેવાળ કોઈ મળે તો ને? છેવટે જે આદિવાસીઓ જમીનના જે ભાગો ખેડતા અને અનાજની ખેતી કરતા તેમને પાણીનાં મુલે તે જમીન આપી. પણ ખરો પ્રશ્ન ઘાસિયા જમીનનો હતો. નાખી નજરો ના પહોંચે તેવા જમીનના ટુકડાઓ લઇ શકે તેટલા પૈસા કોઈનીય પાસે નહોતા. છેવટે મમ્મીની તબિયત વધુ બગડી પછી, જે વેચાયું તેના પૈસા લઈને બાકીની જમીન મુકીને, અમે મમ્મીને શહેરમાં રહેવા લઇ ગયાં જેથી અમે બંને બહેનો તેમની કાળજી લઇ શકીએ. જમીનનું બધું પત્યું ત્યારે મારા લગ્ન થયેલા અને જોડિયા બાળકો સાવ નાના ચારેક વર્ષના હતા.

હું અને મારા પતિ ઘણી વાર અમારી એ જમીન -ખેતી -અઢળક પાકો અને દરેક જાતના ફાળો ના પાક વિષે વાતો કરતાં. બાળકો નાના હતા ત્યારે રાત્રે સુતી વખતે પણ ઘણીવાર બીજી વાર્તાને બદલે એની વાતો કરતાં . તે યાદ આવ્યું હોય તેમ અચાનક મારો દીકરો વિશ્વમ બોલ્યો," મોમ આપણે ગમે ત્યાં જઈશું પણ સૌથી પહેલાં નાના-નાની નું ગામ જોવા ચોક્કસ જવું છે. તરત સૂર્યમ પણ કુદી પડ્યો," યેસ પછી ક્યારે મેળ પડશે?" મને થયું હાશ ભાવતું તું ને વૈદે કહ્યું! અને અમે સિંગાપોરનો પ્રોગામ તો બનાવ્યો પણ તે પહેલાં ગામડે જવા નીકળી ગયાં.

વર્ષો પછી એ દિશામાં જતા હતા એટલે બધું જ નવું અને અજાણ્યું લાગતું હતું.આટલા વર્ષો પહેલાં તો પાકા રસ્તાઓ પણ નહોતા ને લાઈટ પણ નહોતો. એસટી બસ જતી તે પણ દિવસમાં બે જ વાર. જો સવારે ૮ની બસ ચુકી જઈએ તો પછી છેક સાંજે ૪ ની બસ મળે! પણ હવે રસ્તા સારા હતા એટલે અમે અમારી કારમાં ગયેલાં. વારંવાર કાર ઉભી રાખીને અમારું ઘર જ્યાં હતું ત્યાં જવા માટેનો રસ્તો પૂછવો પડતો હતો. છેવટે અમે અમારા ઘરથી થોડે દુર આવેલી નદી -પાલક નદી- પાસે પહોચ્યાં. પહેલાં તો છૂટાં છવાયા આદિવાસીઓના ઝુંપડા જ હતાં. એના પ્રમાણમાં વસ્તી વધી હતી. નદીથી આગળ ક્યા જવું તે સમજાતું નહોતું. એટલે કોઈ દેખાય તો પૂછવા માટે, અમે નીચે ઉતર્યાં. અમે જોયુ કે નદી કિનારે એક આદિવાસી વૃદ્ધા બેઠી હતી. બીજા કોઈને તો આદિવાસીની ભાષા બોલતાં ક્યાંથી આવડે? મેં જ પૂછ્યું, " માડી કપાહવારા હેઠના ઘર બાજુનો રસ્તો કેહે?" " ટે ટો કેવાર નો મરી ગેયલો. તારે ટેનું હું કામ પયડું?" " ઉં ટેની નાલ્લી પોરી, મારા પોયરાને અમારી જમીન બટલાવાની, મને કેહે તેના ઘેર જાવાલો રસ્તો કે બાજુ? " મારું વાક્ય સંભાળીને તે ઉભી થઇ ગઈ. "હું? તું હેઠની નાલ્લી પોરી? હું વાત કરે? આવ દીકરા આવ પોરી, ઉં મણકી, મને ઓલખે કે?" " ઓ ઓ, મણકી બેન તમે? વર્હો થેઈ ગિયા ની કે?" અને મેં તે વૃદ્ધાના બંને હાથ પકડી લીધા. તે હાથમાં મારા વતનની જ નહિ મારી મમ્મીની હુંફ પણ મેં અનુભવી. તે પળે તો મને લાગ્યું, હાશ મારો અહીંનો ફેરો સફળ થયો! " ઉ નાલ્લી ઉટી ટો ટારે ઘેર કામ કરતી, તમારું બધું કામ માડી મને જ હોંપતા યાદ તને?" " હા માડી" અચાનક મારા મોં માંથી માડી શબ્દ નીકળ્યો. " ઓ પોરી તેં માડી કીધી મને?" " હા મુને તારામાં મારી માડી દેખાઈ, હું તુને માડી જ કેવાની બોલ!" તેની આંખમાં અશ્રુની ધાર વહી રહી અને એ જોઇને મને તેને ભેટીને રડવાનું મન થયું. અને મેં તેમ કર્યું. થોડીવાર પછી મેં જોયું તો પેલા ત્રણ જણા -પતિ અને બાળકોની આંખ પણ ખાસ્સી ભીની હતી. "છેક માડી બધું સોડીને ગિયા તાં લગન કામ કયરું. માડી કેવા મોટા મનની! ગેય તો મારું છાપરું ઉતું તે ખેતરું મને આપીને ગયલી." અમે મણકીને ગાડીમાં બેસાડી લીધી.વિશ્વમ કહે આપણી જમીન ક્યાંથી ક્યાં સુધી હતી એ તો કહો મોમ." પણ હું બોલું તે પહેલાં જ મણકી જાણે સમજી ગઈ હોય તેમ કહે,

" પોયરા તું થાંભલે ચડીને ઉભો થાય ને જાં હુધી દેખાય તે બધી જમીન હેઠની - તારા નાનાની!" બંને છોકરાઓ પણ તેની વાત સમજી ગયા. એટલે થાંભલાને બદલે ગાડી પર ચડી ગયા અને ચારે બાજુ જોવા લાગ્યા.અનાયાસ તેમના મોં માંથી ઉદગાર નિકળવા લાગ્યા,

" વાવ મોમ, કેટલી બધી જમીન? અમારી આખો તો તેના એન્ડ સુધી પહોચતી પણ નથી!" અમે જોયું કે,કેટલીક જમીન જેને આપેલી તેઓ ખેડતા હતાં, છતાં હજી બંજર પાડેલી જમીન પણ ઘણી હતી જ્યાં કોઈ રહેતું સુધ્ધા નહોતું. મને યાદ આવ્યું. તે સમયે જમીન માટે સીલીંગ એક્ટ લાગુ પાડેલો એટલે મારા પપ્પાએ બધાના નામે ભાગે પડતી જમીન કરેલી. મારા નામે પણ ખાસી જમીન હશે. એ વાત કરી તો મારા બંને દીકરાઓ કહે, મોમ તારી પાસે આના કાગળો છે?"

" હા મમ્મી મને જ બધા કાગળો આપી ગયેલી."મારા પતિ કહે,

" હવે બધું ઓન લાઈન બતાવે છે જો વિગત મળે તો સાત-બાર ના ઉતારા પરથી કોને નામે જમીન છે તે જાણી શકાય. અને કોઈનો કબજો ના હોય તો વેચી પણ શકાય. સૂર્યમ કહે,"અથવા ત્યાં નાના નાનીને નામે સ્કુલ કે હોસ્પિટલ પણ ખોલી શકાય. વાતોમાં અમે ઘરે પહોચ્યાં. દીર્ઘ દ્રષ્ટિ વાળા મારા પપ્પાએ ઘર ચાર ભાગમાં બાંધેલું.કિચન એક જ, ડ્રોઈંગ રૂમ પણ એક જ સાથે બબ્બે બેડરૂમ્સ અને ઓસરી એવા ત્રણ યુનિટ અમારા ત્રણ ભાઇબેન માટે અને મમ્મી-પપ્પના માટે એક એમ ચાર અલગ યુનિટ. પપ્પા કહેતા મારાં બધાં છોકરાંઓ સાથે અહીં રહેવા આવે તો અગવડ ના પડે! અત્યારે ત્યાં એક ભાઈ રહેતા હતા ઈશ્વર કાકા. અમે તેમને મળ્યા અને ઓળખાણ આપી. તેમણે કહ્યું કે , શેઠ હતા ત્યારે હું ગામમાં કરીયાણાની દુકાન ચલાવતો. તેમણે પૂછ્યું," આ મણકી ક્યાંથી મળી તમને આમ તો એનો છોકરો શહેરમાં રહેવા ગયો ત્યારથી એ બસ નદી કિનારે બેસી રહેતી હોય છે?" મેં કહ્યું, "ત્યાં જ મળી માડી અમને એ જ તો અમને અહીં સુધી લઇ આવી." અમે અમારો કુવો, બાગ, ફળોની વાડીઓ, બધું ફરી ફરીને જોયું. કાજુ કેરીનું ઝાડ અમારા ઘણી સાવ નજીક જ હતું. સૂર્યમ અને વિશ્વમ બંને નવાઈ પામ્યા. કાજુ તો ખાતાં પણ એનું ઝાડ અને ફળ આવાં હોય તે જાણવું તેમને રસપ્રદ લાગ્યું. મણકી પણ અમારી સાથે હતી, તેણે પણ બધે ફરી મીઠી યાદો વાગોળી. અમે બધે ફર્યા અને પછી ત્યાંથી નીકળવાની વાત કરી ત્યારે ઈશ્વર અંકલે કહ્યું,

"જમવાનું તૈયાર છે. બધા જમી લો પછી થોડો આરામ કરીને નીકળો." મારા પતિ કહે,

"ના ના અમે નિકળી જઈએ સમયસર."

" નહિ બેટા, બાપના ઘરેથી દીકરી જમ્યા વગર કેવી રીતે જઈ શકે? " અને ફરીથી અંકલની વાતે મને રડાવી દીધી. પછી અંકલને મણકી માડી વિષે પૂછીને વધારે વિગત જાણી લીધી. તેનો એક જ છોકરો હતો,જે શહેરમાં કમાવા માટે ગયેલો .તેના કોઈ વાવડ નહોતા, એટલે મણકી તેની રાહ જોવા નદી કિનારે બેસી રહેતી. તેનું દુઃખ મારાથી જોવાયું નહિ એટલે પાછા ફરતાં મણકીને પણ અમારી સાથે લેતા આવ્યા.


gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.