ચાલતાં ચાલતાં તે એક પર્વતની ગુફા પાસે પહોંચી ગયો. ગુફાની પાસે એક વિશાળ વૃક્ષ જોઈને તેને આશ્ચર્ય થયું. કારણ કે આવું વૃક્ષ તેણે આ પહેલાં ક્યારેય જોયું ન હતું. તે વૃક્ષના ફળ ફૂલોને જોઈને તે પોતાની જાતને રોકી ન શક્યો. જમીન પરથી પથ્થર ઉપાડી વૃક્ષ પર મારવા લાગ્યો. થોડાંક ફળો નીચે પડ્યાં. તે રસવાળાં ફળ ખાઈને તેને ખુબ સંતોષ થયો. મુસાફરીનો થાક જતો રહ્યો. પછી વૃક્ષની છાંયામાંથી થઈને ગુફાના દ્વારે પહોંચી ગયો. અને અવાક થઈ ગુફાની અંદર જોવા લાગ્યો. ગુફા બહુ મોટી હતી. તેનું ગર્ભગૃહ કોઈ મંદિર જેવું ગોળાકાર હતું. ગર્ભગૃહમાં વચ્ચે કોઈ વૈરાગી સાધુ મહાત્મા ધ્યાનમગ્ન બેઠા હતા. તેમની આસપાસ વૃક્ષના ફૂલનો ઢગલો હતો. તે ફૂલોની સુગંધથી ગુફા મહેંકતી હતી.

તે ચુપચાપ ઉભો રહ્યો. થોડીવાર પછી સાધુએ આંખો ખોલી તેને જોઈને સાધુ મહારાજના હોઠ પર સ્મિત આવી ગયું.

‘આવો, બેસો’

તેણે મનોમન સાધુને વંદન કર્યા અને અંદર પ્રવેશી બેસી ગયો.

‘કોણ છો ? ક્યાંથી આવો છો ?’

‘હું યાચક છું. તમે મને સંન્યાસી કે ફકીર પણ કહી શકો. કોઈ ગામમાં રહેવું, ભિક્ષા માંગી ઉદર નિર્વાહ કરવો. ભિક્ષા મળવામાં મુશ્કેલી જણાય તો તે ગામનો ત્યાગ કરી બીજું પકડવું. મારા જીવનની બસ એજ કહાણી છે. મારાં કોઈ સગાંસંબંધી નથી કે હું પોતાનું કહી શકું તેવું કોઈ ગામ પણ નથી.’

સાધુના ચહેરા પરનું સ્મિત જરા વધી ગયું.

‘તો તો ભલા માણસ તારી હાલત પણ મારા જેવી જ છે. મારું પણ કોઈ ગામ નથી કે, કોઈ સગાંસંબંધી નથી. તું યાચક છો તો હું વૈરાગી છું. બસ એટલો ફરક છે. છેવટે સત્ય એ છે કે આપણે બંને માનવ છીએ. હું પણ તારી જેમ ગામે ગામ ભટક્યો છું. પણ હવે અહીં આવી રોકાઈ ગયો છું. સામેનું વૃક્ષ મને ફળો આપી દે છે. પાણી માટે નજીકમાં એક ઝરણું વહે છે. રહેવા માટે આ ગુફા મળી ગઈ છે. અહીં કોઈ દુઃખ કે ભય જેવું નથી. ધ્યાન કરવામાં કોઈ અડચણ આવતી નથી.’

‘પરંતુ મહારાજ તમે ધ્યાન કોનું કરો છો ? તમારી સામે કોઈ મુર્તિ જેવું તો છે જ નહીં ? ફક્ત ફુલો પડેલાં દેખાય છે.’

‘અરે ગાંડા, ધ્યાન માટે મૂર્તિની શું જરૂર છે? આજ સુધી હું ખુબ ભટક્યો છું. કેટલાંય મંદિરો જોયાં અનેક પ્રકારની મૂર્તિઓ જોઈ. હવે યાદ રહેલી કોઈપણ મૂર્તિને આંખો બંધ કરી જોઈ લઉં છું. તેનું ચિંતન કરું છું. સ્મૃતિમાં સંકોરેલા લોકોને પણ ક્યારેક ક્યારેક યાદ કરી લઉં છું. જીવન સમાપ્ત થશે પણ સ્મૃતિઓ જશે નહીં. આ ફૂલો પણ મેં પોતે ભેગાં કર્યા નથી. હવાથી નીચે પડે છે. હવા તેને ગુફામાં ભેગાં કરી મોકલી આપે છે.’

‘પરંતુ મહારાજ આ કયું વૃક્ષ છે ?’

‘એ તો મને પણ ખબર નથી. તેને ફળફૂલો આવે છે એટલું હું જાણું છું. આ વૃક્ષની એક વિશેષતા છે તે તને કહું છું આ બારમાસી છે. બારે મહિના ફૂલો ફળોથી છવાયેલું રહે છે. તેના પર કોઈ ઋતુનો વિપરીત પ્રભાવ પડતો નથી.’

વૈરાગી ચૂપ થઈ ગયો. યાચક ઘણીવાર સુધી વૈરાગીની પાસે બેસીને કંઈક વિચારતો રહ્યો. પછી તેણે પ્રશ્ન કર્યો, ‘મહારાજ શું તમારે કોઈ શિષ્ય નથી ?’

વૈરાગીએ નકારમાં માથું હલાવ્યું અને પછી ખડખડાટ હસીને પુછ્યું, ‘ખોટું ના બોલતા, તમે આ જગ્યાને ચાહવા લાગ્યા છો.’

તે વિસ્મિત !

‘વત્સ, આમ આંખો ફાડીને મારી સામે ન જો. હું અંતજ્ઞાની નથી. પણ વ્યક્તિની નજરને સારી રીતે પારખી લઉં છું. કંઈપણ કર્યા વગર ફળ આપનાર આ વૃક્ષને જોઈને તને અહીં રહેવાની ઈચ્છા થઈ ગઈ છે. તેનાથી તારે ભટકવું નહીં પડે. પણ મારી વાત ધ્યાનથી સાંભળ. તારા આ વિચારથી તને આ જગ્યા નંદનવન જેવી લાગશે. અહીં દરેક દિવસ એક સરખો લાગશે. પરિણામે એક દિવસ તું આ જગ્યાથી ઉબાઈ જઈશ. ત્યારે તને અહીં રહેવું ગમશે નહીં. તું એ વાત યાદ રાખજે કે આ એક સોનાનું પિંજરું છે. અત્યારે તું સારી હાલતમાં છે. મુસાફરીના દિવસો બાદ કરતાં તને ગામનું સાંનિધ્ય મળી રહે છે. કંટાળી જાય તો ગામ બદલી શકે છે. નવા નવા વ્યક્તિઓ સાથે રહી શકે છે. ભિક્ષા દેનાર નીત નવા સ્ત્રી-પુરુષોનો તને પરિચય થતો રહે છે. અહીં સ્ત્રી-પુરુષ કોઈ નથી. પંખીઓ સાથે સંવાદ કરતાં તું કંટાળી જઈશ. પણ પંખીઓ તારી ભાષા નહીં સમજે. આ વૃક્ષનો પડછાયો પણ સૂર્યની ગતિ પર નિર્ભર છે. જેથી અહીં રહેવાને રવાડે ન ચડીશ. બીજું એ કે તું અહીં રહીશ તો આપણે બંને એકબીજાને ચાહવા લાગીશું. એવું પણ બને કે કોઈ મતભેદ પણ થાય. તેનાથી અનેક સમસ્યાઓ ઉભી થશે અને આખો માહોલ બદલી જશે.’

‘મહારાજ, ઉદર નિર્વાહની વાત છોડો. જો હું પણ તમારી જેમ ધ્યાન કરીને મોક્ષ પ્રાપ્ત કરી શકું તો આ માનવખોળીયું ધારણ કરવાનું સાર્થક થઈ જશે.’

‘વત્સ, મોક્ષ પ્રાપ્તિના અનેક માર્ગો છે. તેના માટે ધ્યાન કરવું જરૂરી છે એવું તને કોણે કહ્યું.’

‘તો પછી તમે અહીં શું કામ રહો છો. માનવ વસ્તીવાળા વિસ્તારમાં કેમ નથી જતાં ?’

‘મારું શરીર તે માટે તૈયાર નથી.’

વૈરાગીએ એવું કેમ કહ્યું તે તેને કંઈ સમજાયું નહીં. એ પહેલાં કે તે કંઈ પૂછે વૈરાગીએ બેઠાં બેઠાં હાથના ઈશારાથી કહ્યું, ‘તું આટલું કર’ કહેતાં તેણે પોતાના વાંસા પાછળ મુકેલ ઝોળી ભીક્ષુકના હાથમાં પકડાવતાં કહ્યું, ‘આમાં આ વૃક્ષના ફળનાં બીજ છે.’

તે આશ્ચર્યમાં પડી ગયો...

‘પરંતુ મહારાજ, મેં હમણાં ફળ ખાધું તેમાં તો એકપણ બીજ નહોતું.’

‘વત્સ, તારી વાત સાચી છે. ફક્ત એકવાર જ એવું ફળ લાગેલું. પછી એ મોટું ને મોટું થતું ગયું. છેવટે તે એટલું મોટું થઈ ગયું કે એમ લાગતું હતું કે ડાળ તૂટી પડશે. પણ એવું થયું નહીં. કારણ કે તે ડાળ બીજી ડાળ પર ઝુકી ગયેલા. તેને આધાર મળી ગયો. એક દિવસ તે ફળ વૃક્ષ પરથી નીચે પડી ગયું. તેને તોડતાં તેમાંથી ખુબ બીજ નીકળ્યાં. હજારો બીજ. તે બીજોને મેં મારી આ ઝોળીમાં ભરી લીધાં. પણ હવે મારે બહાર જવાનું થતું નથી. તેથી મારે ઝોળીની જરૂર નથી. તું આ ઝોળી લઈ જા. સામેની દિશાએ ઝરણું ઓળંગીને જઈશ એટલે હજારો માઈલ પથરાળ જમીન જોવા મળશે. તને જ્યાં યોગ્ય લાગે ત્યાં બીજ વાવતો જજે. અહીંના નિસર્ગને ત્યાં ઉભું કર. વૃદ્ધાવસ્થામાં ત્યાં રહેજે. ક્યારેક તારા પગને પણ વિશ્રામ મળી રહેશે.’

બોલતાં બોલતાં વૈરાગી ચૂપ થઈ ગયો. યાચક વિચારવા લાગ્યો. ‘જો એમ જ હતું તો વૈરાગીએ પોતે બીજ અહીંયા વાવીને વૃક્ષો કેમ ઉછેર્યા નહીં ?’

‘મહારાજ, તમે પોતે તેનો ઉપયોગ કેમ ન કર્યો? અત્યાર સુધી તો અહીં ગાઢ વનરાજી થઈ ગઈ હોત.’

‘મારા માટે તો આ એક વૃક્ષ ઘણું છે. હવે તું અહીંથી જા..’

તેણે ઝોળી ખભે લટકાવી દીધી અને નમન કરવા નીચો નમ્યો ત્યારે જોયું તો વૈરાગીના અદ્યોવસ્ત્રમાં છુપાયેલ પગ જોઈને હતપ્રભ રહી ગયો. તેમના વળેલા પગ દૃષ્ટિગોચર થયા. ભિક્ષુકની નજર ફરી વળી. વૈરાગીના બંને પગ લકવાને કારણે ઢીલા પડી ગયેલા હતા.

તેણે નિર્બળ પગોનો સ્પર્શ કર્યો. વૈરાગી હસ્યો. તેણે ભિક્ષુકના પગ પર નજરનાંખી પછી કહ્યું, ‘જા તારો સમય થઈ ગયો છે. કોઈ જાતની પૂછપરછની પંચાતમાં ન પડ. માણસે અનુભવમાંથી જ બધું શિખવું જોઈએ... છેવટે તું ને હું છીએ તો માનવ.’

વૈરાગીએ બેઠાં બેઠાં જ તેને વિદાય કર્યો.

તેના મનમાં અનેક પ્રશ્નો ઉતરી આવ્યા. વૈરાગીના પગ ઢીલા કેમ પડી ગયા ? શું એ જ કારણે તેને વસ્તીવાળા વિસ્તારમાં જવાનું કષ્ટદાયક લાગતું હશે ? તો પછી એ ઝરણાં સુધી કઈ રીતે જતા હશે ? તેમનું અધોવસ્ત્ર પણ નવું જ હતું. કોણે તેને પહેરાવ્યું હશે? આવી લાચારીજકન સ્થિતિ છતાં તેણે મને પોતાનો શિષ્ય કેમ ન બનાવ્યો ? તે લોકોથી કંટાળી જવા છતાં વૃક્ષ ઉછેર કરવાનું તેણે કેમ કહ્યું હશે ?

ભિક્ષુકને તે વૈરાગી હવે રહસ્યમય લાગવા લાગ્યા. તે વૈરાગીએ બતાવેલ દિશામાં આગળ વધવા લાગ્યો. સાંજ પડવાને હજુ વાર હતી.

પર્વત ઉતરીને તે ઝરણા પાસે પહોંચ્યો. ઝરણાંનું પાણી પીને તેણે સામે નજર દોડાવી. દૂર દૂર સુધી પથરાળ વિસ્તાર સિવાય કંઈ ન હતું. તે બાજુથી જ ઝરણું વહેતું આવતું તેણે જોયું. ઝરણાને કિનારે પણ કોઈ વૃક્ષ ન હતું. ચારે તરફ નિરવ વાતાવરણ ધરતી કોઈ બોજની જેમ તડકાને પોતાના તન પર સહન કરી રહી હતી. જાણે કે તેને પોતાનો નગ્નદેહ સુકાવા મૂકી દીધો હતો.

‘હવે આ બીજને ક્યાં વાવવાં...’ તે વિચારવા લાગ્યો. અચાનક તેના મગજમાં વિચાર આવ્યો. ધરતીની પીઠ પર આલેખાયેલ ભીની રેખાની જેમ આ વિસ્તારમાં વહેતાં આ ઝરણામાં વેરી દઉં તો ? કદાચ સમય જતાં આ બીજ આપોઆપ જ અંકુરિત થઈ જશે. તેને સિંચન પણ કરવું નહીં પડે. ભવિષ્યમાં વૃક્ષ ફળ ફૂલ આપવા લાગશે. એવા સેંકડો વૃક્ષોમાં કોઈ ને મોટું બીજ વાળું ફળ આવશે. ફરી નવા અંકુર ફૂટશે. એવું બને કે આ પ્રક્રિયા સતત ચાલતી રહે અને તેના કારણે ઝરણું જ્યાંથી નિકળે છે ત્યાં સુધીના આખા વિસ્તારમાં બંને કાંઠે નિસર્ગ ખીલી ઉઠે. તેની હરિયાળીમાં હું અમર થઈ જઈશ.

પરંતુ આ નીરસ યાત્રાનું શું કરવું ? તેના બદલે...

તેણે એક ઝાટકે વિચારોને તિલાંજલી આપી દીધી. અને આગળ વધ્યો. તેની આસપાસ ન તો પંખીઓનો કલરવ હતો કે ન કોઈ અન્ય અવાજ. સૂર્ય પશ્ચિમ તરફ ઢળી ગયો હતો. છતાં ગરમીનો પ્રકોપ હજુ એવો જ હતો.

થોડું અંતર કાપ્યા પછી એ એક નાનકડા ગામની ભાગોળે આવીને અટકી ગયો. રસ્તાની એકબાજુ એક ઝુંપડી દેખાઈ. તે તરફ તે ગયો. ઝુંપડી પર અંધકાર ઉતરી રહ્યો હતો. તે ઝુંપડીની પાસે પહોંચી ગયો. બારણું ખૂલ્લું જ હતું. અંદર એક દિવો ટમટમતો હતો. અહીં ગામની ભાગોળે ઝુંપડી બનાવી કોણ રહેતું હશે. તે વિચારવા લાગ્યો. પોતે આવ્યો છે એ જણાવવા તેણે ખોંખારો ખાદ્યો.

અવાજ સાંભળીને ઝુંપડીમાંથી એક યુવતી બારણે આવી તેની સામે ઉભી રહી ગઈ. તેણે ધ્યાનથી તેને જોઈ. બંને હાથે બારણાનું ચોકઠું પકડીને તે ઉભી હતી. તેનો પાલવ નીચે ખસેલો હતો. ચોળીમાંથી તેના ઉરોજ સ્પષ્ટ દૃષ્ટિગોચર થતા હતા. તેણે તીવ્ર સુગંધવાળું કોઈ અત્તર છાંટ્યું હતું. ભિક્ષુકે પોતાની નજર ઝુકાવી લીધી.

તે હંસી, તેણે ફરી તેની તરફ જોયું. તેણે હાસ્યની માદકતા અનુભવી. તેના નખરાળા હાવભાવ છૂપા રહે તેવા ન હતા. તેણે ભિક્ષુકને પોતાની આંખોના ઈશારે નિમંત્રણ આપ્યું. ભિક્ષુકે ઈશારાથી જ ના પાડી. તે ફરી હંસી.

‘નવા લાગો છો, ક્યાંથી આવો છો ? અને આ રીતે શરમાવ છો કેમ? કેટલીયેવાર સુધી તે મૌન રહ્યો. ત્યાંથી પાછો ન ફર્યો.’

‘હું ભિખારી છું. મને ભિક્ષા જોઈએ...’ થોડીવાર બાદ માંડ આટલું કહી શક્યો.

તે અંદર ગઈ અને એક થાળીમાં જમવાનું તેમજ પ્યાલામાં પાણી લઈ આવી. બારણાંની બહાર લીંપીને રાખેલ ચોખ્ખાચણાક આંગણાંમાં તે બેઠો. યુવતીએ થાળી અને પ્યાલો તેની સામે મૂકી દીધો. અત્તરની સુગંધ ચોમેર ફેલાઈ ગઈ.

તે જમવા લાગ્યો. અંધારું હતું. તેથી યુવતીએ દીવો લાવીને ટોડલે મૂકી દીધો અને પોતે તેની પાસે આવી બેઠી.

‘છેવટે બધા લોકો માટે એક વાત મહત્વની હોય છે.’ તે કહેવા લાગી.

‘શું ?’ હાથ ધોતાં ધોતાં તે બોલ્યો.

‘ભુખ... પછી તે ગમે તે પ્રકારની કેમ ન હોય.’

તે ચૂપ રહ્યો. તે તેને નિહાળતી રહી પણ તે અદીઠ રહ્યો. છેવટે થાળી અને પ્યાલો ઉપાડી લઈ તે અંદર જતી રહી. પછી એક ચાદર લાવી તેણે તેના તરફ ફેંકી દીધી.

ઝોળીને માથા નીચે રાખી તે આંગણામાં સુઈ ગયો. આંખો મીંચી દીધી. આજ આખા દિવસની સફળ તેના દૃષ્ટિપટલ પર દેખાવા લાગી. અંતે ઝુંપડીએ આવી તે અટકી ગયો.

‘હું અહીં શું કામ રોકાઈ ગયો.’ તે વિચારવા લાગ્યો. ગામ આટલું નજીક હતું. ત્યાં કેમ ન ગયો? બધું જાણવા સમજવા છતાં કેમ પાછો ન વળ્યો. ત્યારે મેં ઝુંપડીની અંદર જવાનું કેમ ટાળ્યું ?

પોતાની જાતને પ્રશ્નો પુછતાં પુછતાં તે થાકી ગયો. આંખો ખોલી દૂર સુધી નજર દોડવી. ચારે તરફ અંધકાર... આકાશથી વરસતી ચાંદની ગાઢ અંધકાર સાથે હોડ લગાવી રહી હતી....

મોડે સુધી તે સુઈ ન શક્યો. તમામ પ્રશ્નોમાં ગુંચવાયેલો તે અનિમેષ નજરે બારણાં તરફ જોતો પડી રહ્યો. યુવતી દીવો લઈને બહાર આવતી. અંધારામાં કંઈક જોતી અને પછી અંદર જતી રહેતી હતી. પણ બારણું બંધ ન થયું.

વહેલી સવારે યુવતીએ તેને જગાડ્યો. તે અંખો ચોળતો ઉઠ્યો. તે કહેવા લાગી ‘મારા આંગણે કેવળ એકલો સુઈ જનાર તું પહેલો યુવક છે.’

તે સહજ બોલતી હતી કે મજાક કરી રહી હતી તે વાત તેને સમજાઈ નહીં. તેણે તેની તરફ જોયું. તેના વાળમાં લગાવેલ મુરઝાયેલા ફુલોની વેણી જોઈ તે અચંબામાં પડી ગયો.

‘તેણે આ વેણી ક્યાં નાંખેલી હતી.’ તે વિચારવા લાગ્યો. અત્તરની સુગંધ જતી રહી હતી.

હવે તે સંયમીત થઈ ગયો હતો. પોતાની સફરની વાતો તે યુવતીને કહેવા લાગ્યો. ધીરે ધીરે તેની આંખોના ભાવ બદલવા લાગ્યા. આદરથી ડોક નમી ગઈ. તેથી યુવકને સારું લાગ્યું. તેણે ઝોળી ખભે ભરાવી તે બંને ચાલતા ઝુંપડીની સામે પહોંચી ગયા. તે નીચે નમ્યો અને હાથથી ત્યાંની માટી ખોદવા લાગ્યો.

‘આજ અહીંથી હું મારા કામનો શુભારંભ કરી રહ્યો છું. અંત ક્યાં હશે તેની ખબર નથી.’ કહી તેણે ઝોળીમાંથી એક બીજ કાઢી ખોદેલી માટીના ખાડામાં નાંખ્યું અને તેના પર માટી વાળી દેતાં કહેવા લાગ્યો. આ શુષ્ક વાતાવરણમાં વાવેલ બીજ ક્યારેય સડશે નહીં. અહીં પંખીઓ પણ નથી. જેથી બીજને કોરી ખાવાનો પ્રશ્ન નથી. આ બીજ જમીનમાં કોણ જાણે કેટલો સમય પડ્યું રહેશે તે નક્કી નથી. ક્યારેક ને ક્યારેક તો અહીં વરસાદ થશે જ. જળમાં ભીંજાઈ તેનામાં નવચેતન પ્રગટશે. તારી ઝુંપડીની સામે રસ્તાની બાજુમાં એક અંકુર ડોલવા લાગશે. તેમાંથી છોડ અને પછી વૃક્ષ થશે. અને વૃક્ષ મોટું ઘટાદાર થતાં તેના પર પક્ષીઓ માળા કરશે અને કલરવથી તે ગુંજી ઉઠશે.

તેનો ચહેરો ખુશીથી ખીલી ઉઠ્યો. તે રસ્તાની બીજી તરફ પહોંચી ગયો. ત્યાં પણ તેણે એક બીજ વાવ્યું અને યુવતી પાસે રજા માંગી. યુવતીને દ્રવીત થયેલ જોતાં તે ચકિત થઈ ગયો. વિદાય વેળાએ યુવતીએ એટલું જ કહ્યું, ‘તમારી યાદ મારે દ્વારે સદાય રહેવા દેજો.’


તેની સફર ચાલી રહી. અન્ન, વસ્ત્ર અને આવાસ માટે એક ગામથી બીજે ગામ. ગામની આસપાસ લીલોતરી જોવા મળતી પણ ચારે બાજુ ફેલાયેલો પથરાળ પ્રદેશ જાણે પુરો થતો જ ન હતો. તે પણ ક્યાંય અટક્યો નહીં. એક ગામમાં રહેતો અને કંટાળે એટલે આગળ વધવા લાગતો. ચાલતાં ચાલતાં રસ્તાની બંને બાજુ બીજ વાવતો જતો. ન તો બીજ ખલાસ થયા કે ન તેની સફર. તે નિરંતર ચાલતો જ રહ્યો. અને એક દિવસ તેના ધ્યાનમાં આવ્યું કે તેના પગ હવે પહેલાંની જેમ સાથ દેતા નથી. વાળ સફેદ થવા લાગ્યા છે. બીજ વાવતી વખતે હાથ ધ્રુજવા લાગે છે. દૃષ્ટિ પણ નબળી પડવા લાગી છે. છતાં તે આગળ ને આગળ ચાલતો રહ્યો. કમરથી બેવડ વળી ગયો છતાં અટક્યો નહીં. અનુભવના બોજને કારણે હું વાંકો વળી ગયો છું એમ માની તેણે એક હાથમાં લાકડી લીધી. તેની સહારે પોતાની જાતને સંભાળવા લાગ્યો.

અને છેવટે એક દિવસ તેની ઝોળી બિલકુલ ખાલી થઈ ગઈ.

છેલ્લું બીજ વાવ્યા પછી તે લાંબો સમય સુધી ત્યાં જ બેસી રહ્યો. પથરાળ વિસ્તાર હજુ પણ બાકી હતો. તેની આંખમાં આંસુ આવી ગયા. તે પોતાની જાતને સમજાવવા લાગ્યો.

કોઈ એક લક્ષ્યને લઈને હું અહીં સુધી આવી પહોંચ્યો છું. આ રસ્તો ક્યારેય પૂરો નહીં થાય. જીવનની દોર પુરી થવા લાગી છે. સફર અધુરી જ રહી ગઈ અને જીવન પૂરું થઈ ગયું. એ જ તો થવાનું હતું. છેવટે માણસના કર્તવ્યની પણ એક હદ હોય છે. મારી હદ અહીં પુરી થઈ ગઈ. ઝોળી ખાલી થઈ ગઈ.

લાકડીને ટેકે તે ઉઠીને ઉભો થયો.

‘મારું કામ પૂરું થયું. આ ઉજ્જડ પ્રદેશમાં ફરતાં મારી સંવેદના ક્યારેય ઓછી થઈ નથી. મને તે વાતનો સંતોેષ છે. હવે અહીંથી પાછા વળવું જોઈએ. ઉબી જવાય એટલું ક્યાંય રોકાવું જોઈએ નહીં. અટકવું તો બસ બે કોળીયા માટે કે થોડીવાર સુવા માટે. હવે મારી અવળી સફરનો આરંભ થયો છે. શુભારંભના પ્રથમ ચરણથી પ્રારંભ થયેલ હજારો માઈલની લાંબી આ સફર કરી અહીં આવ્યો હવે પાછા ફરતાં જે વનરાજી લહેરાઈ રહી છે તેને પણ મારે મારા જીવન દરમિયાન નિહાળવી છે.

તેને પેલી યુવતી યાદ આવી. વિદાય આપતો તેનો કોમળ હાથ યાદ આવ્યો. તે આગળ વધ્યો.

પાછા ફરતી વખતે તે ક્યાંય રોકાયો નહીં. આળસ આવવા છતાં ક્યાંય વિશ્રામ કર્યો નહીં. રસ્તાની બંને બાજુ જોતો જોતો તે આગળ વધતો હતો. જ્યાં બીજ વાવેલાં તે જગ્યાની ઓળખ સંભવ નહોતી. રસ્તો પહેલા જેટલો જ દુષ્કર હતો. પણ તેણે હિંમત ન હારી.

થોડા જ દિવસોમાં તેણે ઘણું બધું અંતર કાપી દીધું. સેંકડો માઈલનું અંતર કાપ્યા બાદ એક જગ્યાએ તેને એક નાનો અંકુર ઉગેલો દેખાયો. તે રાજી રાજી થઈ ગયો. તે જેમ તેમ કરી અંકુર પાસે પહોંચ્યો અને તેને હલકે હાથે સ્પર્શ કર્યો. તે રોમાંચિત થઈ ગયો. આંખોમાંથી હર્ષના આંસુ છલકાવા લાગ્યા. હવે તે રસ્તાની બીજી બાજુએ પહોંચી ગયો. ત્યાં પણ અંકુર ઉગી નીકળ્યા હતા.

હવે તેનામાં નવા ઉત્સાહનો સંચાર થયો. અંકુરો ને સ્પર્શતો તે રસ્તા પર આગળ વધ્યો. આગળ જતાં અંકુર મોટાં ને મોટાં જોવા મળ્યાં. જેમ આગળ વધ્યો તેમ છોડવાઓ અને તેના આગળ જતાં વૃક્ષો જોવા મળ્યા. હવે તે વૃક્ષોને હળતો મળતો આગળ વધવા લાગ્યો. તેમની છાંયામાં વિશ્રામ કરવા લાગ્યો. તેની સામે રસ્તાની બંને બાજુ વૃક્ષોની કતારો હતી. લાકડીનો ટેકો લેતો તે કોઈ મહાન રાજાની જેમ ચાલી રહ્યો હતો. તેને એમ લાગતું હતું જાણે ગણવેશધારણ કરેલ વૃક્ષો તેને સલામ કરી રહ્યા છે.

હવે વૃક્ષો પર તેને પંખીઓનાં ટોળે ટોળાં દેખાવા લાગ્યા હતા.

થોડા દિવસ પછી તેને ફળફૂલોથી લચી પડેલા વૃક્ષો દેખાયાં તે જોઈને એ ભાવવિભોર થઈ ગયો. પોતાની આટલી લાંબી તપશ્ચર્યા ફળીભૂત થતી દેખાતાં તે લાકડી આકાશ તરફ ઉંચે ઉઠાવી નાચવા લાગ્યો. પંખીઓ સાથે વાતો કરવા લાગ્યો. ‘જુઓ જુઓ પંખીડા હું સફળ થયો છું. મેં મારું આખું જીવન દાવ પર લગાવી દઈ આ રસ્તે વનરાજીના વાવેતર કર્યા છે. હું ખતમ નથી થયો ને થવાનો પણ નથી.’

તેની લાકડી આકાશ તરફ નાચવા લાગી.

હે તરુવરો, મારે હવે કોઈ ગામમાં જઈ હાથ લંબાવવો નહીં પડે. હવે બાકીનું જીવન હું તમારાં ફળો પર ગુજારી દઈશ। આવતા જતાં કોઈની પાસે પાવળું પાણી માંગી તરસ છીપાવી લઈશ.

તેણે એક વૃક્ષ નીચે પડેલ ફૂલો ભેગાં કર્યા. ખભા પરની ખાલી ઝોળીમાં ભરી લીધાં. મંદ મંદ સુગંધના સાંનિધ્યમાં તે પોતાના મારગે આગળ વધ્યો અને જીવનના ઉત્તરાર્ધની સુખદ પળોને તે વધાવી રહ્યો.


આગળનું દૃશ્ય જોઈ તે ઉદાસ થઈ ગયો. તેનું હૈયું ભરાઈ આવ્યું. કારણ કે આગળ વૃક્ષો સુકાવા લાગ્યાં હતાં. પાન ખરવા લાગ્યાં હતાં. પંખીઓની સંખ્યા ઓછી થવા લાગી હતી. તે ઝડપથી પહેલાં વૃક્ષની પાસે પહોંચ્યો. હવે રસ્તામાં આવતાં વૃક્ષો ઘરડાં દેખાવા લાગ્યાં હતાં. તેના પાન, ફળ, ફૂલ ખરી ગયાં હતાં. તેની લાકડી ડગમગવા લાગી. તે વૃક્ષોની સામે એ રીતે જોતો હતો જાણે તેને આંખે દેખાતું ઓછું થઈ ગયું હોય. પછી તો તેણે વૃક્ષો તરફ જોવાનું જ બંધ કરી દીધું.

થોડા દિવસ બાદ તેનું મન જરા સ્થિર થયું. ત્યારે તેણે વિચાર્યું કે ‘જો વધુ બીજ હોત તો કેવું સારું થાત. બીજ વાવતાં વાવતાં જ તેણે પ્રાણત્યાગ કરી દીધો હોત. જેનાથી વૃક્ષોના જન્મ-મૃત્યુને જોવું ન પડત. જ્યાં શરૂઆતમાં બીજ વાવેલા ત્યાં હવે માત્ર ઠુંઠ ઉભા હતા. તેમના જીવનનો ઈતિહાસ તો મારા માટે અજ્ઞાત જ રહ્યો ને !’

ઠુંઠની છાંયામાં તે આગળ વધતો રહ્યો. ગામડે ગામડે ભિક્ષા મેળવતો રહ્યો. એક દિવસ પેલો પર્વત તેને જોવા મળ્યો. હવે તે પેલી જગ્યાની નજીક આવી ગયો હતો. જ્યાંથી તેણે સફરની શરૂઆત કરીહતી.

તેને પેલો દિવ્યાંગ વૈરાગી યાદ આવ્યો. ત્યાંનું વૃક્ષ સુકાઈ ગયા પછી તે વૈરાગીએ શું કર્યું હશે ?

મારું વાવેલું પહેલું બીજ... પેલી ઝુંપડી અને પેલી યુવતી શું ફરી મળશે ?


તે યુવતીની ઝુંપડીની નજીક પહોંચ્યો અને આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે જ્યાં પહેલું બીજ વાવેલું ત્યાં એક મહાવૃક્ષ ઉભું હતું.. તે ફૂલો અને ફળોથી છવાયેલું હતું. સાંજનો સમય હતો. પંખીઓ કિલ્લોલ કરતા હતા. તે વિસ્ફારિત આંખે જોઈ રહ્યો. આ વૃક્ષ આવું તરોતાજા કઈ રીતે ? તેના પછીના અનેક વૃક્ષો હાડપીંજર જેવા થઈ ગયા છે. તો પછીઆ વૃક્ષને પ્રકૃતિના નિયમની અસર કેમ ન થઈ. તેણે બીજી તરફનાં વૃક્ષોની તરફ જોયું. તે પણ ઠુંઠા બુઠાં થઈ ગયા હતા.

તે બારણાંની નજીક પહોંચ્યો. સાંજનો અજવાસ ઝુંપડીમાં કોઈની ઉપસ્થિતિ દર્શાવી રહ્યો હતો. તેણે બારણાંની અંદર નજર કરી. ઝુંપડીમાં તે આંખો મીંચીને બેઠી હતી. તેની આસપાસ ફૂલો વિખરાયેલા પડ્યા હતા. તેની સુગંધ ઝુંપડીમાં ચારે તરફ પ્રસરી રહી હતી. તેને પેલા વૈરાગીની ગુફાની યાદ આવી ગઈ. તેનું ધ્યાન આકર્ષિત કરવા તેણે ખોંખારો ખાદ્યો. પરંતુ તેને ખરેખર જ ઉધરસ આવી ગઈ. તે ખાંસવા લાગ્યો.તે તેના તરફ જોતી બેસી રહી.

‘આવી ગયા ? આવો... બેસો... તમારી રાહ જોતાં આ કાયા કરમાઈ ગઈ’

તે તેની સામે આવીને બેસી ગયો. હવે તેને એ સ્પષ્ટ દેખાતી હતી. તેના વાળ સફેદ થઈ ગયા હતા. ચહેરા પર કરચલીઓ પડી ગઈ હતી. છાતી બિલકુલ સપાટ થઈ ચૂકી હતી.

તેને હવે વૈરાગી યાદ આવવા લાગ્યો.

તેણે પાસે પડેલાં ફૂલો તરફ ઈશારો કર્યો. તે ફળ ખાવા લાગ્યો. તે પોતાની ઘરડી આંખોમાંથી તેને નિહાળવા લાગી. તેણે માથું નમાવી લીધું.

તે હંસી, તે કંઈ પુછે તે પહેલાં જાણે કે કોઈ ઉંડી ગુફામાંથી અવાજ આવ્યો. ‘કંઈ પુછતા નહીં બસ આમ જ નિસ્તબ્ધ મારી સામે બેસી રહો. પ્રશ્ન કરવાની ઉંમર અને સમય વીતી ગયો છે. તેથી હું જે કહું તે સાંભળો. તમારી ઝોળી આ બાજુ મને આપો...’

તેણે ખભેથી ઝોળી ઉતારી તેને સોંપી તેણે ઝોળીને ઉંધી કરી અંદરથી સાફ કરી અને પાસે પડેલ પોટલીમાં બાંધી રાખેલા બીજ તેમાં ઠાલવી દીધાં. સવારે અહીંથી નીકળો, આ બીજ લઈને જાવ. તેનું શું કરવું એ તમે જ નક્કી કરો.’

તેણે ઝોળી હાથમાં લીધી.

‘અરે ! તમારાં કપડાં તો ફાટી ગયાં છે. એમ કરો. મારાં આ કપડાંમાંથી અંગ ઢંકાય તેવું કંઈક કરો.’ તેણે પોતાની ચોકી નીચે મુકેલ કપડું કાઢી તેને આપ્યું.

તે બહાર નીકળી ગયો. કપડાં ઉતાર્યા અને મળેલ કપડું આખા દેહ પર વિંટાળી લીધું. તે ફરી ઝુંપડીમાં જવા પાછો ફર્યો. પણ ત્યાં જ અટકી ગયો. તેણે અંદર દીવો પેટાવી દીધો હતો. અંગ પર વિંટેલ નાનો ટુવાલ જરા સરકી ગયો હતો. તેથી તેણે હથેળીઓના ટેકા વડે ખસવાની કોશીષ કરી. તેનાથી ચીસ પડાઈ ગઈ.. શું એ અપંગ થઈ ગઈ છે!

... તે હસી પડી. હસતાં હસતાં કહેવા લાગી ‘અરે ! છેવટે આપણે સૌ માનવીઓ છીએ તેથી કરેલ કર્મો તો ભોગવવા જ પડે છે. જાવ હવે તમે વૃક્ષના નીચે જઈને સૂઈ જાવ.’

દુઃખી થતો તે પાછો ફર્યો. ખભે રાખેલ ઝોળી સરખી કરી તે ઘટાદાર લીલાં વૃક્ષ નીચે જઈ ઉભો. ત્યાંથી તેણે સામે જોયું. સામે રહેલ વૃક્ષ ચંદ્રના પ્રકાશમાં ઠુંઠા જેવું બિહામણું દેખાવા લાગ્યું.

આંખના આંસુને રોકતો તે ઠુંઠાની પાસે પહોંચી ગયો. ઠુંઠને બાથ ભરી રડવા લાગ્યો. તેને ગુફા યાદ આવી. વૈરાગી યાદ આવ્યો. ઝરણાંનું સ્મરણ થઈ આવ્યું.

શોકનો આવેગ ઓછો થવા છતાં તે વૃક્ષથી અલગ ન થયો. પરંતુ આંખો બંધ કરી યુવતીના પહેલાં જોયેલાં રૂપને યાદ કરવા લાગ્યો.

તેના ભાગે આ વિષાદ શું કામ ? ક્યાં ગઈ અત્તરની સુવાસ અને પેલી મોહક દૃષ્ટિ...?

તે ઉંડા વિચારમાં ખોવાઈ ગયો. તેના શ્વાસ મહેંકી ઉઠ્યા. તારે સફરમાં મારી સાથે આવવું જોઈતું હતું. બંને સાથે મળી જીવન પથ પર આગળ વધ્યા હોત તો. તે વિચારોમાં યુવતીના લાવણ્યમાં ખોવાઈ ગયો. ઠુંઠ પર તેની પકડ વધુ મજબુત થઈ ગઈ. તેણે પુરી તાકાતથી ઠુંઠને ભીંસી નાંખવાનો પ્રયત્ન કર્યો.

સપનામાંથી જાગી ગયો હોય તેમ તેની આંખો ખુલી. હાથથી બાથ ભરેલ ઠુંઠને જોયું. તેને એમ લાગ્યું જાણે કે ઠુંઠ કંપી રહ્યું છે. તેણે હાથની પકડ ઢીલી કરવાનો પ્રયાસ કર્યો. પણ વ્યર્થ. જાણે કે તે ઠુંઠની સાથે બંધાઈ ગયો હતો. તે ઠુંઠે જાણે તેની બધી શક્તિ શોષી લીધી હતી. જાણે કોઈ અજ્ઞાત શક્તિએ તેને નીચે પડતાં રોકી રાખ્યો હતો.

ધીરે ધીરે ઠુંઠ થથરતું અટકી ગયું. તેની પકડ છુટી ગઈ અને તે ધબ દઈને જમીન પર ઢળી પડ્યો. હવે તે પોતાના પગને જોવા લાગ્યો.

પોતે પગે અપંગ થઈ ગયો હોય તેવું જરાવાર માટે તેને લાગ્યું. તેનાથી રાડ પડાઈ જશે. પણ તેના મોંમાંથી અવાજ નીકળ્યો જ નહીં. ધીરે ધીરે તેનું ચેતન જતું રહ્યું.

વહેલી સવારે તે ભાનમાં આવ્યો. ભડભાખરે તે જોવા લાગ્યો. તેની આંખોમાં ચમક આવી ગઈ. ત્યાં હવે ઠુંઠ ન હતું. તે ફળો અને ફૂલોથી લદાયેલાં વૃક્ષ નીચે પડ્યો હતો. ઝુંપડીની સામેવાળાં વૃક્ષની જેમ આ વૃક્ષ પણ હર્યું ભર્યું હતું. પંગુત્વનો અર્થ તેને સમજાવા લાગ્યો.ત્રણેનો...

ઝુંપડીનું બારણું ખુલ્લું હતું. પણ અંદર માત્ર અંધકાર દેખાતો હતો. તેણે બંને હાથ જોડી ઝુંપડીને નમન કર્યા અને ઘસડાતો પર્વત તરફ આગળ વધ્યો. તે ઝરણાંની નજીક પહોંચી ગયો. તેના અંગે વિંટળાયેલ કપડું રસ્તાની ધુળથી ન તો મેલું થયું કે ન કોઈ ખાંપ આવી. વૈરાગીની જેમ તેનું અંગ વસ્ત્ર બીલકુલ નવું લાગતું હતું.

પોતાની જાતને જાળવતો તે ઝરણાંને કિનારે પહોંચ્યો. ખભે રાખેલ ઝોળી હાથમાં લીધી અને તેમાંથી એક એક બીજ કાઢી પ્રવાહમાં તરાવવા લાગ્યો.

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.