સંધ્યાનો સમય છે. તેરસનો ચંદ્રમાં ટોકરીમાં ચાંદની ભરી હળું હળું આભ પર ચડે છે. એક બાજુ વાયરો, બીજી બાજુ ગાંડો વગડો, ત્રીજી બાજુ પશુઓની ત્રાડ ને ચોથી બાજુ રતના લુહારનો લોઠું ટીપતો હાથ. પડછંદ દેહ, પહાડ જેવી છાતી, ખંભા પર વેરાયેલા લાંબા કેશ, લોઠું ટીપતો જાણે કોઈ શૂરો પોતાના શત્રુના મસ્તકને ધડથી અલગ કરતો હોઈ. ઉઘાડા ડીલ પર આગની ઝાપટો વાગે છે પણ વર્ષોથી ટેવાયેલો હાથ લોઠાને આકાર આપવામાં મગ્ન છે.

તેની પત્ની રૂપવતી. જેવુ નામ તેવા જ ગુણ. શ્યામવર્ણી, પાતળો બાંધો, વસંતમાં એકબીજાની સોડમાં ઉગેલા બે ફૂલો જેવા કુમળા અધરો, કાળી ભમ્મર આખો અને એ આખોની ધાર પર આંજેલી મશ, લાંબા કાળા કેશનો અંબોડો. શરીર જાણે ભટ્ટીમાં ઊકળતું સોનું, વેરાન વગડામાં પગ મૂકે તો એ પણ ક્ષણભરમાં જીવંત થાય. પરંતુ અફસોસ! દરિદ્રતામાં આ સોંદર્ય ઠંકાયેલું રહ્યું. પણ દરિદ્રતા તનની, મનની નહીં. આ સૌંદર્ય રતનની સમૃદ્ધ આંખોથી છુપું ન હતું. તે એને મનભરીને જોતો અને માણતો.

ગામને છેવાડે, લોકજાતથી દૂર આ યુગલ એક ઝૂપડીમાં રહેતું. ગામમાં કોઈ સાથે બોલવા-ચાલવાનો વ્યવહાર નથી. લોઠું ટીપી રોટલો રળતા, સાથે જમતા અને રાત પડે એકબીજાની સોડમાં સંતાતા. જીવતર જેવુ મળ્યું એવું સ્વીકાર્યું, વધારેની આશા નહીં અને ઈશ્વર કદી ઓછું આપશે નહીં એમ સમજી બંને રાજી રહેતા. અતૂટ પ્રીત હતી, અતૂટ સંબંધ હતો. એક હ્રદય તો બીજો એનો ધબકાર હતો.

મધરાતનો સમય છે. ટાઢને ઠારવા તાપણું કરી બંને એક બીજાની સોડમાં સંતાઈને બેઠા છે. ત્યાં રૂપવતી બોલી

‘રતન’

‘હં’

‘લાગે સે તને મારો પ્રીતડો વિસરાણો’

‘કાં બાઈ આવું બોલે? તારા વિના તો અમ્રુતનો ધૂંટડો પણ ઝેર જેવો લાગે મને, એમાં તારો પ્રીતડો કેમનો વિસરું?’

‘રાત પડે ને તન મારી સોડ સાંભરે. આખો દી વીતેસ, મારા ભણી ઊચી નજરય નથ કરતો’ રૂપવતીએ કહ્યું

‘અરે ઘેલી! આખો દી તારી સોડમાં પડ્યો રઈ તો રોટલો કોણ રળસે?’

‘તારી સોડમાં હું જ નઇ હોવ તો રળેલો રોટલો કોણ ટીપસે?’ રૂપવતી રતનની સામે જોઈ બોલી.

‘એ બાઈ, જીભડીને આરામ દે, તારા વિનાનો આ રતનો કેમનો સ્વાસ લે? હે?’

સાંભળી રૂપવતી હસે છે, દાંત ભીસે છે, આખો બંધ કરી કપાળને રતનના કપાળ પર ટેકવે છે, રતનના નીચેના અધરને બે દાત વચ્ચે દબાવી ખેચે છે. શ્વાસ બહાર ફેકતી, હસતી, રતનને કહે છે

‘ઘેલો થયો સે તું’

રતન રૂપવતીના વાળને ખેચી તેનું મોં ઊચું કરે છે. લાંબી, પાતળી, શ્યામવર્ણી ડોક પર ઓઠ ફેરવે છે. ઊંડો શ્વાસ ભરી, અધરો વડે રૂપવતીના અધરોને ઝાલે છે. અડધી આખો બંધ કરી શ્વાસ છોડતા રતન બોલ્યો,

‘પ્રેમ કરું સુ તન્ને.’

અને પછી શું? અનંગનું તીર ચાલ્યું, બંનેના હ્રદય વિંધાણા. હાથ ફરતે હાથ વીંટળાયા. જગતું તાપણું લજવાણું, વિચારી ઓલવાણું કે મારા કરતાં વધારે ઉષ્ણતા તો આ યુગલના દેહમાં છે.

બંને એકમેકમાં લીન થયા. બે મટીને એક થયા. અનંગના પ્રહારો ચાલતા રહ્યા. રાત્રિના પ્રહરો વિતતા રહ્યા અને અંતે રતનની ઉષ્ણતા રૂપવતીમાં ઠલવાણી.

* * *

સમય છે, કોઈના ઝાલવાથી ઝલાતો નથી અને મન મૂકીને માણો તો વિસરવાથી પણ વિસરાતો નથી. એક દિવસ બપોરે રતન ભઠ્ઠીમાં લોઠું ઓગાળતો બેઠો છે. ત્યાં ઓચિંતા બાઈ ઝુંપડીમાથી દોડતી બહાર આવી, એક ઝાડના થડને ટેકો દઈ ઓકવા લાગી. રતન જુએ છે. કામ પડતું મૂકી રૂપવતી તરફ દોટ મૂકે છે. તેને સંભાળે છે. વાસામાં હાથ ફેરવે છે. રૂપવતીને રાહત આપે છે. બંને એકબીજાની સામે જુએ છે. બાઈનો હરખ આખોમાં નિતર્યો અને રતનનો હરખ આભે આંબ્યો. બાઈને મહિનો બેઠો. બંને એકબીજાને ભેટી પડે છે.

પણ આ અદેખો વિધાતા, નિર્દય, નિર્લજ વિધાતા. એક નાની ઝુંપડીમાં ઉભરાતું સુખ દેખી ના શક્યો. ન દેખી શક્યો રતનના હરખને કે ન દેખી શક્યો બાઈમાં પાંગરતી પ્રીતને. બન્યું એવું કે એક દિવસ વહેલી સવારે રૂપવતી ઊઠીને ઝૂપડીમાથી બહાર આવે છે. આંખનો એક પલકારો છૂટ્યો, અને બીજા પલકારે રૂપવતીની નજર પ્રાંગણમાં પડેલા એક દ્રશ્ય તરફ જાય છે. દ્રશ્ય દેખી આંખો સામેનું વિશ્વ ભમવા લાગ્યું. ડરની મારી ભ્રમરો ભાલ પર ચડી, ઓઠ ધ્રૂજવા લાગ્યા, પગમાથી પ્રાણ ખેચાણા, રૂપવતી ઘૂંટણભેર બેસી, ભીસ દઈ આખો મિચી, મુંડી નીચે કરે છે પણ દેખેલું દ્રશ્ય કેમ વીસરવું? જીભ તાળવે ચોટી છે. આખો નીતરે છે, શરીર ધ્રુજે છે, અને અંતે માંડ માંડ રૂપવતીના મુખમાથી ચીસ નીકળી. ચીસ સાંભળી રતન દોડી બહાર આવ્યો. રૂપવતીને સંભાળે છે. શું થયું એમ પૂછવા જાય છે ત્યાં રૂપવતી ડરની મારી રતનને રડતી રડતી બાથ ભીડીને ચોટી જાય છે અને એક તરફ આંગળી ચિંધે છે. એ દિશામાં રતને પોતાની નજર દોડાવી. દ્રશ્યની ભયાનકતા જોઈ રતનનું ધબકતું હૃદય પણ એક ધબકારો ચૂકી જાય છે. આ યુગલની આખો સામે એક મડદું પડ્યું છે. કોઈ સ્ત્રીનું શરીર. વિખાયેલા શૃંગાર પર લોહી ઉપસી આવ્યું છે. ફાટી ગયેલા વસ્ત્રોમાથી અંગો બહાર આવે છે. સ્તનને ચિરતો નાભી સુધી પહોચેલો તરવારનો ઘા, લોહીએ નીતરતું ગર્ભ, જુઓ તો આખના ડોળા ફાટી જાય એવી મડદાની હાલત છે. વસ્ત્રો લોહીથી ભરાયેલા છે. રૂપવતી મૃતદેહ તરફ એક નજર કરવા પણ સક્ષમ નથી. તેના હ્રદયના ધબકારા વધવા લાગ્યા. રતન તેને ઓરડીમાં લઈ જાય છે. પાણી પીવડાવે છે. રૂપવતીને ઓરડીમાં બેસાડી રતન બહાર આવ્યો. મૃતદેહ તરફ જુવે છે. કોણ છે આ સ્ત્રી? કોણે આ કૃત્ય કર્યું? કોણે આ દેહને અહી ફેકયો? અહી જ શા માટે? ક્ષણવાર માટે રતન વિચારે છે કે આ દેહને ઉપાડી બીજે કશે ફેકી આવું પણ સ્ત્રીનો દેહ છે, ભલે પ્રાણ વિહોણો દેહ પણ નારીજાતિ, એમાં પણ અર્ધનગ્ન શરીર, આવી હાલતમાં પારકી બાઈને અડકતા રતનનો જીવ ન ચાલ્યો. તે અસમંજસમાં છે. દયામણે ચહેરે મૃતદેહ તરફ જુવે છે. પ્રભાતના પ્રહરો વિતતા જાય છે. રતન મૃતદેહથી દસ-બાર ડગલાં દૂર નમણે હાથ દઈ ઉભડક બેઠો છે. રૂપવતી સ્વસ્થ થઈ ઓરડીમાથી બહાર આવે છે. રડી રડીને આખનું કાજળ ગાલ પર નિતરી આવ્યું છે. તે ધીમા ડગલે રતન તરફ જાય છે. મૃતદેહ તરફ જોતી જોતી રતનના ખંભે હાથ મૂકે છે. રતન તરત જ રૂપવતીને ઝાલે છે અને કહે છે,

‘એ બાઈ, ત્ ત્....તું બહાર કા આવી? અંદર જા તું, જા’

‘રતન, આ બાય કોણ સે રતન? કોણ નરાધમે આવું કર્યું? બિસારીના ઊગતા યૌવનને વાઢી નાખ્યુંસ ’

રતન પોતાના હાથ રૂપવતીના ગાલ પર મૂકે છે. રૂપવતીની આખોમાં જુએ છે અને કહે છે,

‘એય રૂપલી, હું સુ ને અહી, હે? તું એ બાજુ ના જો, આવી હાલતમાં આવું જોવાઈ? હે? જા તું, અંદર જા’

‘પણ રતન....’

‘શશ્ શ્ શ્ શ્ શ્...તું જા’

રૂપવતી ઊભી થઈ ઓરડા ભણી જાય છે ત્યાં ઘોડાઓનો અવાજ તેના કાન પર આવી અથડાણો. તરત જ ઊભા થઈ રતને પણ એ દિશામાં નજર દોડાવી. જુએ છે તો રાજના સિપાહીઓ ઘોડાને હાંકલ મારતા, વગડો ખૂંદતા યુગલ ભણી આવી રહ્યા છે. રૂપવતી રતનની સોડમાં આવી ઊભી રહે છે. ડમરી ઉડાડતા ઘોડાઓ રતનની ઝૂપડી પાસે આવીને શાંત થયા. એક સિપાહી બીજા સિપાહીને ઈશારો કરે છે. તે ઘોડા પરથી ઉતરી મડદા તરફ આવ્યો. મડદાનો ચહેરો દેખતા જ સિપાહીની આખો ધ્રૂજવા લાગી, કપાળ પર કરચલીઓ પડવા લાગી. તે દોડતો દોડતો પોતાના ઘોડા તરફ આવ્યો અને બીજા સિપાહીઓને કહેવા લાગ્યો.

‘સરકાર, સરકાર! આ તો બબ....બેનીબા.’

***

રતન અને રૂપવતી આ દરેકથી થોડે દૂર એકબીજાનો હાથ પકડી ઊભા છે. મન ડરે છે, શરીર કંપે છે, શું થાય છે? ને શું થશે? જેવા સવાલોનું મનમાં તાંડવ ચાલે છે. પરંતુ હાથમાં પોરવેલો હાથ એકબીજાને આજે જે સાંત્વના આપે છે, જે શાતા આપે છે એ કદાચ ન મળેત ઈશ્વરના આશિષમાં કે ન મળેત સુરભૂમિના સોમરસમાં. બંનેની નજર મડદાને ઘેરી વળી ઉભેલા પાચ-છ સિપાહીઓ પર સ્થિર છે. સિપાહીઓની આંખોમાં આવેલો ક્રોધ લોહી બની છલકાણો. આ ક્રોધની અગ્નિ જ્યારે રતન અને રૂપવતીના ચહેરા પર આવી અટકતી ત્યારે યુગલનું કાળજું ફાડી નાખતી. એક સિપાહી લાંબા ડગલે રતન તરફ દોડતો આવે છે. ગળા ફરતે હાથનો પંજો વીંટળાવી રતનને રૂપવતીથી દૂર ફેકે છે. બીજો આવી તરવારનો હાથો રતનના માથા પર મારે છે, ત્રીજો આવી છાતી પર લાત મારે છે, ચોથો બંને હાથની મુઠ્ઠી બનાવી જડબા પર મારે છે. પોતાના પ્રાણને આ રીતે ધૂળમાં આળોટતો દેખી પગભેર ઊભું રહેવું રૂપવતી માટે શક્ય નથી. તે ઘૂંટણભેર બેસી, પેટ પર હાથ ટેકવી રાગડા તાણી રડવા લાગે છે. પણ કોણ સાંભળે આ રુદનને? કોણ સાંભળે એ ઉદરમાં પાંગરતી પ્રીતની ચીસને? કોણ સાંભળે એ રતનના મુખમાથી નીકળતા નિર્દોષ દર્દને?

રતન અધમૂઓ થઈ જમીન પર પડ્યો છે. રૂપવતી આસું લૂસતી લૂસતી દોડતી આવી રતનને સંભાળે છે, અર્ધખુલ્લી રતનની આખો સિપાહીઓના ચહેરા શોધે છે. માંડ માંડ હાથ જોડી તે કહે છે,

‘ના સરકાર ના, આપની ભૂલ થાય છે બાપ, અમે આવું ન કરીએ’

રૂપવતી રડતી રડતી કહે છે,

‘હા ભાઈ, ઈશ્વરનો ડર ખરો અમને, અમાર આંગણે આવેલું પશુ-પંખીડુંય કદી હડસેલો નથ ખાતું જ્યારે આ તો બેનીબા, રાજકુમારી, અમાર માયબાપ, અમે આવું ન કરીયે ભાઈ, ન કરીયે’

ત્યાં એક સિપાહી ‘સરકાર, સરકાર’ ના નામની બૂમ પાડતો આવે છે અને એક પોટલી બીજા સિપાહીના હાથમાં મુક્તા કહે છે,

‘સરકાર! આ પોટલી ભટ્ઠીની દીવાલ પાછળ પડી’તી, જુઓ તો ખરા અંદર શું છે તે’

બીજો સિપાહી તે પોટલી ખોલે છે જેમાં રાજકુમારીના કીમતી આભૂષણો સંતાડેલા હતા. દેખી સિપાહીનો ક્રોધ વધે છે. પોતાની તરવાર ઊંધી કરી તેનો હાથો રતનના માથા પર મારે છે. રતન બેભાન થઈ જમીન પર ઢળી પડે છે. રૂપવતી રડે છે, કગરે છે, ‘રહેમ કરો, રહેમ કરો’ ની ભીખ માંગે છે. પરંતુ સિપાહી રૂપવતીને પણ લાત મારી દૂર ફેકે છે અને દાંત ભીસી કહે છે ‘હરામખોરો, જન્મે પણ નીચ અને કર્મે પણ નીચ’

***

ચંદ્રમણીનું શાશન છે, રાજ્યનું નામ છે મણિપુર. આધેડ વયનો ને શ્યામવર્ણો, નીતરતી ચામડી દેખી એવું લાગે જાણે યુવાનીના દ્વારે આવી વૃદ્ધત્વ ટકોરા મારતું હોય. ચંદ્રમણીના રાજમાં તેની રૈયત સુખ, શાંતિ અને સમૃદ્ધિ ભોગવી અમૃતનો ઓડકાર ખાઈ છે.

ચંદ્રમણીને એક દીકરો કુંવર પ્રતાપ અને એક દીકરી સોનબાઈ. દીકરી સોનબાઈ કુંવર માનસિંહના પ્રેમમાં કે જે પડોશી રાજ્ય લીલીપુરના અધિપતિ વિક્રમસિંહનો પુત્ર છે. વાત એમ છે કે મણિપુર અને લીલીપુરને વર્ષોથી અબોલા ચાલતા આવે છે. ઘણા યુદ્ધો થયા, ઘણા છાના વાર થયા, કેટકેટલીયવાર તો રણભૂમિને લોહીથી રોળી બંને લશ્કરો પાછા ફર્યા. કદાચ એકવાર કોઈ દિવસ હ્રદયમાં વસેલી જૂની-પુરાણી મિત્રતા ભૂલાય પણ હ્રદયમાં વસેલી દુશ્મની, વેર અને બદલાની ભાવનાતો જન્મોના જન્મો સુધી શરીરમાં ઉકળતા લોહીની સાથે ઉભરાઇ આવે છે. આવું જ અતૂટ વેર બંને રાજ્યો વચ્ચે ગુલાટ મારી ઊછળી રહ્યું છે. આ જ ઉછળાટમાં સોનબાઈ અને માનસિંહની પ્રીત પાંગરી. સોનબાઈની પ્રીતતો સાચી પણ માનસિંહના મનમાં ભભૂકતો વેરનો અગ્નિ દાવાગ્નિ બની અંગે અંગને બાળી રહ્યો હતો. પણ એક દી સોનબાઈને જાણ થાય છે કે આ કોઈ પ્રીત નહીં પરંતુ પ્રીતનો બનાવટી શણગાર બનાવી, ઓઠાડી મારા ગાલની લાલાશને ચોરવામાં આવે છે.

વગડામાં બંને એકબીજાની સામે ઊભા છે. સોનભાઈ કેડમાં રહેલી કટાર કાઢી માનસિંહની સામે ધરે છે. ક્રોધમાં શરીર કંપાવતી, ડોળા ફાડતી, આભ પર ચડતા તપતા સુરજની માફક બંને ભ્રમરો કપાળ પર ચડાવી માનસિંહને કહેવા લાગી,

‘ખબરદાર માનસિંહ, એક ડગલું પણ આગળ વધાર્યું છે તો. યૌવનમાં ભાન ભૂલી’તી, પણ આજ જો આગળ આવ્યો તો જે કુમળું હ્રદય તને પોતાનો જાણી આપ્યું’તું એ જ હ્રદય પાષાણ બની તારી કાયા ફાડશે. યાદ રાખજે, હું પણ ક્ષત્રિય કુળની છું. ભલે તરવારના દાવ-પેચ ન જાણું પણ નારીજાત છું, ક્રોધે ભરાણી છું, જગદંબા છું. હું નારીજાતિ, ચંદ્ર સરસી શીતળતા વરસાવી પુરુષને જો પ્રીતથી ભીંજવી શકું તો યાદ રાખજે, ધગતા સૂરજને માથે ધારણ કર્યો છે, એ જ પુરુષને ભસ્મ પણ કરી શકું છું. આજ જો મારા જીવતા મારા શિયળ પર તારી નજર પણ પડે તો મારી જન્મભૂમિ લાજે. મરીશ કે મારીશ, માટે ચેતજે માનસિંહ’

છતાં માનસિંહ આગળ વધે છે. સોનબાઈએ કટાર ફેરવી અને માનસિંહને છાતી પર જખમ આપે છે. માનસિંહ પાછો પડે છે, દાંત ભીસ્યા, ક્રોધમાં ભાન ભૂલ્યો, પોતાની તરવાર કાઢી સોનબાઈના હાથ પર વાર કર્યો. સોનબાઈના હાથમાથી કટાર પડી જાય છે. બીજી જ ક્ષણે માનસિંહે તરવાર આભ ભણી કરી સોનબાઈની છાતી ફાડી, નાભી સુધી તરવાર હંકારી. સોનબાઈ ઢળી પડે છે. ઈશ્વરનું નામ લેતી મૃત્યુને ભેટે છે. માનસિંહ ભાનમાં આવ્યો. વિચારવા લાગ્યો ‘આ તે શું કર્યું? કોઈ સામાન્ય સ્ત્રી હોત તો ઠીક છે પણ આ તો રાજકુમારી. જો જાણ થશે કે આ કૃત્ય મારુ, તો કોઈપણ રીતે મને મારશે. હવે શું કરું?

માનસિંહે સોનબાઈના શરીર પર રહેલા આભૂષણો ઉતારી એક પોટલીમાં બાંધ્યા. ઘોળા દિવસે કોઈ જોઈ જાય માટે અંધકારની રાહે બેઠો. રાત્રિના પ્રહારો શરૂ થયા. સોનબાઈના મડદાને ઘોડા પર ચડાવી વગડાને અંતે રહેલી એક ઝૂપડી સામે ફેકી દીધું અને આભૂષણોની પોટલીને એક ભટ્ઠી પાસે મૂકી ત્યાથી નાસી છૂટે છે.

***


એક અંધારી કાળી કોટડીમાં બે વેતની બારી, જેમાથી આવતો સૂરજનો પ્રકાશ રતનના વાસા પર પડી આગળ પડછાયાનું રૂપ લે છે. હાથોને સાકળથી બંને દીવાલ સાથે બાંધી, અધમૂઓ કરી રતનને લટકતો રાખ્યો છે. ત્રણ ત્રણ દિવસથી તેના પર જુલમ વરસાવવામાં આવે છે. શરીરમાં એકપણ એવું અંગ નથી રહ્યું કે જ્યાંથી લોહીની ધાર ન વછૂટી હોય.

કોટડીનો દરવાજો ખોલી કુવર પ્રતાપ થોડા સિપાહીઓ સાથે અંદર આવે છે. ક્રોધમાં રતનનું જડબું પકડી સ્વાસમાં સ્વાસ પોરવી કહેવા લાગે છે,

‘મોત, મોત, મોત હમ્? નઇ નઇ નઇ નઇ નઇ. આટલું વહેલા નઇ, આટલી સહેલી સજા નઇ. હું જાણું છું તારો દર્દ ક્યાં છે તે. ચિંતા ન કર, કાલ સવારથી તું આઝાદ છે. ફક્ત આજની રાત....’ પ્રતાપ હસતો હસતો પાછો ફરે છે, દરવાજા પાસે પહોચી રતન તરફ ફરી પાછો બોલ્યો ‘અને હા, હું કહેવાનું જ ભૂલી ગયો. આજની રાતે આપણે ત્રણેય સાથે રહેશું. ત્રણ? અરે તારી પત્ની, એ પણ અહી જ હશે, તારી નજરની સામે જ’ સાંભળી રતન દાંત ભીસી ભૂખ્યા સિંહની જેમ ત્રાડ પાડતો આગળ આવે છે. પ્રતાપ હસતો હસતો ચાલ્યો જાય છે.

રાત પડે છે. બે ત્રણ સિપાહીઓ એક પલંગ ઉપાડી લાવી કોટડીમાં રતનની સામે મૂકે છે. રતનનું ઢળેલું માથું ઊચું થઈ અડધી આંખ ખોલી આ દરેક વસ્તુ નિહાળે છે. તરત જ પ્રતાપ આવીને પલંગ પર પલાઠી વાળીને બેસી જાય છે.

‘મે કહ્યું હતું ને? આજે રાત્રે હું તારી સાથે જ રહીશ. પણ કોઈક ઘટે છે, કોણ ઘટે છે? કોણ ઘટે છે? કોણ ઘટે છે? અરે હા’ પ્રતાપ પલંગ પરથી ઉતરી રતનના કાન પાસે જઈ દબાતા અવાજે બોલે છે ‘રૂપવતી’

રતન સમજી ગયો શું થવાનું છે તે. રતન ત્રાડ પાડે છે, દાંત ભીસે છે, હાથ ખેચે છે અને પ્રતાપ હસે છે. એક સિપાહી રૂપવતીને લાવે છે. તેના હાથ બાંધેલા છે. રતનને દેખી રૂપવતી ઘૂંટણભેર બેસી જાય છે. બંનેની આખો મળે છે. રતનની આંખોમાથી પણ અશ્રુધારા વહેવા લાગી . પ્રતાપ રૂપવતીને પકડી પલંગ પર ફેકે છે. અરે ઑ વાચનાર! રતનને તો સજા તનની જ્યારે રૂપવતીનું તો મન છૂંદાઈ છે. ધિક્કાર છે વિધાતા તને. આજ ક્યો ઈશ્વર આવી આ યુગલને ન્યાય આપશે? આ દ્રશ્ય દેખી રતનની આખોના ડોળા ધ્રુજે છે. શરીરમાં લોહી વાયુ વેગે વહે છે. હાથ વડે સાંકળ ખેચી, આંખ મીચે છે જાણે ડોળાને ગળા નીચે ઉતારી દીધા હોય. રૂજાયેલા જખ્મોમાંથી લોહીની ધારો વછૂટી. એક તરફ રૂપવતીની ચીસ ને બીજી તરફ રતનની ત્રાડ આ રાત્રિના અંધકારને ચીરતી આભને આંબે છે.

રૂપવતીને ભોગવી પ્રતાપ રતન તરફ આવે છે. રતનના કેશને ખેચી, દાંત ભીસી, ક્રોધમાં દબાતા આવજે શબ્દો ફેકે છે ‘મુઠ્ઠીભર આભૂષણ સારુ તે મણિપુરની આબરૂ પર હાથ નાખ્યો?’ પ્રતાપનો ક્રોધ વધે છે. હાથમાં તરવાર લે છે. ત્રાડ પાડે છે. અધમૂઇ થઈ પડેલી રૂપવતી માંડ માંડ પોતાની આખ ઉઘાડે છે ત્યાં તો ત્રાડ પાડતી પ્રતાપની તરવાર રૂપવતીના પેટને ચીરી, પલંગ ફાડી જમીનને આંબે છે. એક સાથે બે જીવ વીંધાણા અને દેખી ત્રીજાના હ્રદયનો ધબકાર ચુકાણો. પ્રતાપ તરવાર પાછી ખેચે છે અને તરત જ રૂપવતીના માથાને ધડથી અલગ કરે છે. રૂપવતીના દર્દનો ડકાર ગળા સુધી આવી અટક્યો. ક્ષણવાર માટે કોટડીને ગુંજવી શાંત થયો.

રતનની લાલ આંખો પલકારો ભૂલી, મુખ ફાટેલું રહ્યું. ન આખો રડી શકી, ન મુખમાથી ચીસ નીકળી. શરીરમાથી પ્રાણ ખેચાતા હોય તેમ રતનનું શરીર ઠીલું પડે છે. અંતે તે બેભાન થઈ સાકળ પર લટકતો રહે છે.

થોડો સમય બેભાનાવસ્થામાં રહ્યા બાદ રતન પોતાની આખો ખોલે છે. સાકળમાંથી મુક્ત થઈ તે જમીન પર ઠળેલો પડ્યો છે. નજર આમતેમ ફેરવી રૂપવતીના માથા પર ટેકવે છે. ઢસડાતો ઢસડાતો આવી માથાને ખોળામાં મૂકે છે. ધડને તેની સામે મૂકી, દીવાલને ટેકો દઈ બેઠો છે. વહાલથી હાથને રૂપવતીના માથા પર ફેરવે છે. અને રૂપવતીના દેહમાં પડેલા એક સૂક્ષ્મ મૃતદેહ પર આંખોથી વહાલ વરસાવે છે. નીતરતી આંખે, માથાને પંપાળતો પંપાળતો બોલે છે ‘એય રૂપલી! તમે બંને તો એકલા ચાલ્યા રે! બાઈ તું તો ભારે ઉતાવળી’ રતન રૂપવતીના ગાલ પર હળવી ઝાપટ મારે છે ‘સ્વાર્થી નીકળી તું તો, આટલા સુંદર મલકમાં તું એકલી ચાલી? પણ હું કઈ તને છોડવાનો નથી! હું પણ આવું છું ત્યાં થોડીવારમાં. પણ હા! હું ન આવું ત્યાં સુધી તું ત્યાં જ રહેજે હો. એ દુનિયા અહી જેવી નથી. ત્યાં ન્યાય છે. ત્યાં કોઈ ભેદ નથી. ત્યાં કોઈ સમાજ નથી. ત્યાં આપણને કોઈ પણ નીચ નહીં કહે. આતો ઈશ્વરે આપણને મીઠો દર્દ આપ્યો બાઈ, જેથી આપણે આગળ મળનાર સુખને માણી શકીએ.’ રતન રડતાં રડતાં ગાઈ છે

‘દુ:ખના દા’ડાને સિંચશુ આપણે, સીખશુ નવી રીત.

જગશે દીવડો ત્યાં પ્રીતનો નવો, માણશું નવી પ્રીત’

‘ત્યાં પ્રીતનો દીવડો જગે છે. આપણો પ્રીતડો જગે છે. પહેલા તો રાત પડે ને હું તારી સોડમાં આવતો, ત્યાં તો હું દરેક ક્ષણે તારી સોડમાં રહીશ. ક્યારેક હું તારા ખોળામાં સૂઈશ, ક્યારેક તું મારા ખોળામાં સુજે. ક્યારેક હું તારી આંખોમાં ઊતરીશ. ક્યારેક તું મારી આંખોમાં ઉતરજે. ત્યાં હું દરેક ક્ષણે તારા રૂપના સોંદર્યને તારી જ સામે રજૂ કરતો રહીશ. આજ સુધી ન કહેલી પ્રીતની દરેક વાત હું તને ત્યાં કહીશ. આ દુનિયાથી દૂર ત્યાં હું તને વહાલ કરીશ. વર્ષોના વર્ષ સુધી હું તને મારા આલિંગનમાં રાખીશ. ત્યાં કોઈ જુઠા વચનો નથી, ફક્ત પ્રીતની રજૂઆત છે. ત્યાં આંસુ આવશે એ પણ પ્રીતની પવિત્રતાના હશે. ત્યારે સાથે મળીને રડી લઇશું. ત્યાની મીઠી ટાઠમાં ફરી તાપણું પ્રગટાવશુ, ફરી એકબીજાની સોડમાં સંતાશું. બંને સાથે કોઈ એક મીઠા સ્વપ્નમાં જઈશું અને સદીઓ પછી જાગીશું. પણ હા! હું ન આવું ત્યાં સુધી તું ત્યાં જ રહેજે હો’

રૂપવતીનું મસ્તક રતનના આંસુથી નીતરવા લાગ્યું. રતનનો હાથ હજુ પણ રૂપવતીના મસ્તકને પંપાળે છે.

થોડા સિપાહીઓ હાથમાં તરવાર લઈ કોટડીમાં આવે છે. બે સિપાહીઓ રતનને ઉપાડી ઘૂંટણભેર બેસાડે છે. રતન રૂપવતીના મસ્તકને પોતાના હાથમાં વહાલથી પકડી રાખે છે. હજુ પણ તેનો હાથ રૂપવતીના માથા પર ફરે છે. અને જોત જોતામાં સિપાહીની તરવાર રતનના મસ્તકને ધડથી અલગ કરે છે. અલગ થયેલું રતનનું મસ્તક રૂપવતીની સોડમાં જઈ પડે છે. રતનનું ધડ રૂપવતીના મસ્તકને છાતી સરસું ચાંપી જમીન પર ઢળી પડે છે. અને સિપાહીઓ લોહીએ નીતરતી તરવાર લઈ, શરીર ઠેકતા ચાલ્યા જાય છે. હે વાંચનાર! આ જ કરૂણ અંત છે આ યુગલનો અને આ જ મીઠી શરૂઆત છે આ યુગલની.


NOTE: THIS STORY IS A WORK OF FICTION & ALL THE NAMES, CHARACTERS, INCIDENTS & COMMUNITIES DEPICTED IN THIS STORY ARE IMAGINARY. THE STORY MEANT FOR ENTERTAINMENT PURPOSE ONLY.

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.