એક કપ થી દિલ જીતી લેવાની વાત એટલે ચા!

કહેવાય છે કે જેની ચા બગડી એનો દિવસ બગડ્યો! સવારે અને સાંજે એટલિસ્ટ દિવસમાં બે વાર તો ચા જોઈએ જ, એવું મોટાભાગનાં લોકોને કહેતા સાંભળ્યા જ હશે. ચા ની વાતો પણ ચા જેવી જ કડક હોવાની, પણ ચા વિષે કેટલી વાર વાંચવામાં આવ્યું હશે? બંગાળીઓમાં જેમ છોકરી સાસરાપક્ષ માટે માછલી રાંધે કે પંજાબીઓમાં છોકરી બિરિયાની બનાવે એમ આપણે ગુજરાતીઓમાં છોકરી ચા કેવી બનાવે છે એવી કોઈ અનઓફિશિયલ પ્રથા તો છે જ! પુત્રનાં લક્ષણ પારણા માંથી અને છોકરીનાં લક્ષણ એણે બનાવેલી ચા પર થી?!

તમને કેવી ચા ભાવે? સૌરાષ્ટ્રનાં વાંચકો કહેશે ‘ચા જરા વધુ ઉકાળજો, અમને કડક અને વધુ ખંડ વાળી મીઠ્ઠી ચા જ જોઈએ!’ અમદાવાદ અને મધ્ય ગુજરાતનાં લોકોનાં સ્વભાવની જેમ જ માફકસરની ચા હોય અને બહુ બધી ઉકાળેલી કે થોડી શ્યામવર્ણી ચા ન બને. ‘ચાય પે ચર્ચા’ કરી કરીને તો આપણા વર્તમાન વડાપ્રધાન ગાંધીનગર થી દિલ્હી પહોંચી ગયા! ચા એટલે એક કપ ગોસિપ નો! પ્રમોશન થી ડિમોશન, દોસ્ત હોય કે કલિગ, ગર્લફ્રેન્ડ હોય કે વાઈફ, સવારે પાંચ વાગ્યા હોય કે રાત્રે ત્રણ, ગુજરાતીઓ ચા ની ચુસ્કી લગાવતા કિટલી પર જ ભેગા થાય! અમદાવાદમાં તો રેડિયો સ્ટેશન પર પણ બપોરે ‘કિટલી કલ્ચર’ નામનો શો પણ ચલાવે છે.

અચ્છા ગુજરાતમાં જ અલગ અલગ જગ્યાઓ એ કેવી કેવી ચા બને છે? અમદાવાદમાં તો કિટલી કલ્ચર એટલું વિકસી ગયું છે કે એકંદરે આખું અમદાવાદ એક જ પ્રકારનાં ટેસ્ટની ચા માં ‘ઝીરો ઇન’ થયું છે. લાલ દરવાજા પાસે આવેલો લકી ટી સ્ટોલ તો એમ એફ હુસૈન થી લઈને કંઈ કેટલી સેલેબ્રિટીઝને કારણે પ્રખ્યાત થઇ ચુક્યો છે. એ સિવાય યુનીવર્સીટી રોડ પર આવેલી ઋતુરાજની કિટલી અને નહેરુ નગર કિટલી પણ બહુ જ પ્રખ્યાત. ચા માં બ્રાન્ડેડ દૂધ, પ્રમાણસર ખાંડ, ફુદીનાનાં પાન, લસોટેલુ આદુ, અને થોડી ખાંડેલી ઈલાયચી. ચા ની તાકાત જુઓ સાહેબ, બે ઘૂંટડા અંદર જતા જે કિક વાગે, કાઠિયાવાડી માં કહીએ તો ‘કાંટો ચઢી જાય હો!’

સુરતની ચા અમદાવાદને મળતી આવે, કામરેજ થી ઇચ્છાનાથ થઇ છેક ડુમસ સુધી ચા નો ટેસ્ટ આદુ થી લથબથ હેવી રહે છે, પણ એકદંરે સુરતીઓની ખાવાપીવાની સેન્સ સરસ એટલે ચા પણ ખુબ જ સરસ પીવા મળી જાય એની ગેરેંટી. વડોદરામાં રેલ્વે સ્ટેશન સયાજીગંજ થી ઓલ્ડ પાદરા રોડ તરફ અક્ષર ચોક પાસે સરસ ચા મળી જાય. ખેદ સાથે કહેવું પડે કે વડોદરા ફૂડ ની બાબતમાં ઘણું પાછળ છે છતાં ચા તમને ઠીકઠાક પીવા મળી જાય. સૌરાષ્ટ્રની ચા ખાસ્સી કડક, ચા ની લારી પર એક લોખંડનું પાત્ર હોય, સાઈડમાં એક ચકરડી હેન્ડલ હોય જેમાં કોલસો હોય ફેરવતા જવાનું અને જ્વાળા થાય જેનાં પર ચા મુકાય! ખબર નહિ ક્યાંક કેરોસીન નો ટેસ્ટ આવે તો ક્યાંક ઓલરેડી પાતળા દુધમાં પાણી નાખવામાં આવે અને સવાર ની ભૂક્કી સાંજ સુધી ચાલે એનાં લીધે પણ સૌરાષ્ટ્રમાં ચા નો સ્વાદ જોઈએ એવો નથી આવી શકતો.

એમ તો નાથદ્વારા તમે ગયા જ હશો, અને તમે વૈષ્ણવ સંપ્રદાયમાં આવતા હોય કે નહી, પણ નાથદ્વારામાં ગલી ગલી એ મલ્ટી માટીની કુલ્હડમાં મળતી ફુદીના થી લથબથ ચા તો અવોઇડ ન જ કરી શકો! સાયકલ પર લીંબુ અને ફુદીનાની એવી સરસ ગોઠવણ કરી હોય કે ચા પીધા વગર જ રહી ન શકાય. એ ચા ની જ કમાલ અને કામણ છે કે આજે આખા ગુજરાતમાં ચા નાં સ્ટોલ્સ, ચા ની સરસ ચેઈન અને કોફી ની જેમ એસી શોપ્સ ખુલી ગઈ છે! ચા સાથે બિસ્કીટ-ખરી-ભાખરી-થેપલા-ઢેબરા-પૂરી કોઈ પારસીની જેમ ભળી જાય છે.

ચા ને પણ મેનર્સ સાથે જોડી દેવામાં આવી છે જેમ કે તમે સબળકા બોલાવી બોલાવીને ચા પીવો તો એ રીતભાત ને સારી નથી ગણવામાં આવતી, રકાબી પણ વધુ ચા ભરે એ ન શોભે એવું કહેવામાં આવે છે. ચા ને કિટલી વાળાઓ જેટલી વધુ ઉંચાઈ થી ગાળે એ એની આવડતમાં ખપી જાય છે! ચા પણ હવે તો ગ્રીન ટી નાં નામે કે ‘ડિટોક્સ’ થવાનાં નામે બ્લેક કે દૂધ વગરની ચા નાં રવાડે ચઢીને પીવામાં આવે છે. ચા માં એન્ટિ-ઓક્સિડન્ટ તત્વો હોવા છતાં દિવસમાં ચાર થી પાંચ કપ ચા પી જતા લોકો ચા થી જ એસીડીટી નોતરે છે. કેટલીક છોકરીઓ ચા પીવાથી હોંઠ કાળા પડી જવાની કલ્પિત બીક થી ચા જ નથી પીતી બોલો!

આ લખનાર નું તો માનવું છે કે ઈશ્ક બ્રાન્ડેડ કોફી શોપ માં નથી થતો પણ કોઈ હાઈવે પર ની કિટલી પર જ થાય છે! છોકરી જો તમારી સાથે કિટલી પર ચા પીવા ન આવે તો આ જિંદગી શું કામ ની ભાઈ?! દાર્જીલિંગનાં આહલાદક ચા નાં બગીચાઓ જેટલી ઠંડક આપે છે એટલી જ ચા ની ભૂક્કી કે પત્તી વીણવામાં અને પ્રોસેસ કરવામાં મહેનત જાય છે પણ આપણે અહીં એ વાતો નથી કરવી કારણકે એ બધું ઓલરેડી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે.

દુનિયામાં સૌથી વધુ ચા ભારતીયો પીવે છે અને કશ્મીરનું કેસર માટે પ્રખ્યાત સોપોર હોય કે મૈસુરની ફિલ્ટર કોફી, પણ અમારું માનવું છે કે સૌથી વધુ સ્ટ્રોંગ કિક તો ચા જ આપે છે! કોફીની ડાર્ક ફ્લેવરની શું કોઈ હરીફાઈ ખરી ચા સાથે? બિલકુલ નહી, કોફીમાં એ ચા જેવી રસ્ટિક ફીલિંગ આવતી જ નથી જે એક ચા આપી શકે છે. ચા ની કિટલી કહો કે ટપરી, ચા સાથે ભાખરી ખાવ કે મસ્કાબન, ચા એ ચા છે! અમે તો કહીએ છીએ કે બારાતો કા સ્વાગત પાનપરાગ સે નહિ પર ચાય સે હોના ચાહીએ! બાકી ચા વગર દુનિયા, ટ્રેનમાં મળતી પેલી પાવડર માંથી બનેલી ચા જેવી ફિકી છે!

ડેઝર્ટ:

દરેક ગુજરાતી પુરુષને મેગી નુડલ્સ સિવાય ચા બનાવતા પણ આવડવું જ જોઈએ! શું કહો છો સાહેબ?

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.