સ્મરણો ની વણઝાર ચાલ્યાં કરે હૈયે,આંસુ ની ધાર વહ્યા કરે નયને , પિતા સંગ પસાર કરેલ કાળ- ખંડ ભલે અતીત બની ચૂક્યો હોય પણ તેનો પમરાટ હજી સુધી અનુભવાય છે....!

કેલિડોસ્કોપ માં પહેલું ચિત્ર દેખાય છે –એક નાનકડી છોકરી જેની પાટી માં પિતા એ એકડો લખી દીધો છે અને પછી એ ઘૂંટયા કરે છે, ઘૂંટયા જ કરે છે..જ્યાં સુધી એ એકડો જાડીયો ન થઈ જાય ત્યાં સુધી.. આ વિદ્યાભ્યાસ નાં શ્રી ગણેશ એવાં તો સદ્ધર થયા કે પછી એ નાનકડી છોકરી એ અભ્યાસ માં ખૂબ ઝળકી.ને ઉચ્ચતમ સ્થાને પહોંચી.. એકડાનું સ્થાન પછી લીધું ગણિતશાસ્ત્ર એ અને ભાષાઓ એ.અંગ્રેજી ભાષા નું વ્યાકરણ તો ક્યારેય નીરસ ન લાગ્યું અને હા, બીજગણિત નાં અવયવો તો જાણે એ છોકરી નાં દોસ્તો બની ગયાં..પિતા પાસે બેસી ને ભણતી એ છોકરી કોલેજ માં ગઈ તો પણ એનાં પહેલા ગુરુ તો પિતા જ રહ્યાં. કારણ જાણો છો? દીકરી ને ઉજ્જવળ શૈક્ષણિક ગ્રાફ હોવા છતાં તબીબ કે ઇજનેર બનવાને બદલે અંગ્રેજી ભાષા નાં મુખ્ય વિષય સાથે ભણવાની તમન્ના હતી. હવે તેનાં માટે મેથ્સ અને અંગ્રેજી એવાં ‘રેરેસ્ટ ઓફ ધ રેર’ વિષયો પસંદ કરી ને, પ્રિન્સિપાલ ને ચેલેન્જ આપી ને સારી રીતે ઉતીર્ણ થયેલ પિતા થી વધુ સારા ગુરુ બીજા કોણ હોઇ શકે? અંગ્રેજી ભાષા ની ખૂબી, તેનાં અને વિશિષ્ટ શબ્દપ્રયોગ જાણ્યા અને માણ્યા. અંગ્રેજી માં વપરાતા ફ્રેંચ શબ્દો નો યોગ્ય ઉચ્ચાર પણ મને આવડતો, કારણ પિતા નું ફ્રેંચ ભાષા પર પણ પ્રભુત્વ હતું.

હજી પણ યાદ છે કીટ્સ ની કવિતાઓ અને ડિકન્સ ની નવલકથાઓ. ...યાદ આવે છે પેલાં શેલી ની પંક્તિઓ

Our sweetest songs are those that tale ઓફ our saddest thoughts…

અને તેનો પિતા એ જ કરેલ અનુવાદ,

રહેલાં અધૂરા અરમાન, એ જ મધુરા ગાન ..’

સાહિત્ય ની સાથે જીવન નું ગહન તત્વજ્ઞાન આપમેળે આત્મસાત થતું રહ્યું.

કેલિડોસ્કોપ ફરે છે અને હા મને યાદ છે એ એ વહેલી સવારનાં પિતાજી નાં સ્વરે ગવાતી ‘ઈશાવાસ્યમ ઇદં સર્વમ’ થી શરૂ થતી પ્રાર્થના, જેમાં ગાંધીજી નાં ૧૧ વ્રતો અને ‘ૐ સહના વવત્તું’ની સદભાવ ની કામના નો સમાવેશ થતો હતો.અને એટલે જ એ છોકરી બોલતાં શીખી તેની સાથે શિવ મહિમ્ન સ્તોત્ર મોઢે ગાઈ શકતી. .પિતા પાસે થી સ્તોત્ર પાઠ સાંભળી ને જ અમને સહુ ભાઈ-બેનો ને આખું યે મહિમ્ન સ્તોત્ર અને શક્રાદય સ્તુતિ મોઢે થઈ ગયાં હતા.

ગાંધીજી નાં વચનો માત્ર પ્રાર્થના માં ગાવા માટે ક્યાં હતાં? પિતા સાથે તેમની સેવાગ્રામ –વર્ધા આશ્રમ ની તાલીમ ની વાતો સાંભળી છે, એ તાલીમ ને તેમનાં જીવન માં ઊતરતી જોઈ છે... સ્વાશ્રયી પિતાજી શિક્ષણ ખાતા માં મોટો હોદ્દો ધરાવતા છતાં તેમને ઘરકામ માં મદદ કરતાં જોયાં છે. ‘જો ઘર ચોખ્ખું છે કે નહીં તે તપાસવું હોય તો તેનું પાયખાનું જુઓ, દીવાન ખંડ નહીં’ એમ પિતાજી કહેતાં. અને ખુદ સંડાસ ની સફાઈ કરતાં.

તો ક્યાંક દેખાય છે સાદું જીવન ધરાવતાં પિતા ની એ મુર્તિ નજર સામે જેમણે દીકરા-દીકરી નાં લગ્ન પ્રસંગે ન તો અંગે સોનું પહેર્યું છે, ન તો તેમનો રોજિંદો સુતરાઉ ઝભ્ભો બદલ્યો છે!!

કૌટુંબિક, વ્યાવસાયિક કે આર્થિક તકલીફો સામે અડીખમ ઊભા રહ્યાં છે પિતાજી... સંસ્થાગત કાવાદાવા નો નીડરપણે સામનો કર્યો છે, ‘ચમરબંધી’ ની પણ શેહ-શરમ રાખી નથી. અને એ પહાડ જેવા પિતા દીકરી ની વિદાય સમયે પણ મક્કમ રહ્યાં છે છતાં યે એમનાં કંઠ ની ખારાશ દીકરી થી છાની રહે ખરી?

શિસ્ત નાં આગ્રહી પિતા આજ થી ચાર- પાંચ દાયકા પહેલાં પુત્રી ને પણ જે ગમે તે અભ્યાસ ક્ષેત્ર કે વ્યવસાય ક્ષેત્ર પસંદ કરવા ની સ્વતંત્રતા આપતાં કે પછી સંતાનો ની કંકોત્રીમાં પણ માતા નાં નામ ની પાછળ તેમનાં(માતાનાં) પિતા નું નામ લખાવવાની હિંમત ધરાવતાં પિતા તેમનાં સમય થી ઘણા આગળ હતાં.

અરે હા, જુઓ તો ! આ ચિત્ર તો આઝાદી પછી તરત નાં સમય નું છે. જુનાગઢ ની વિષમ પરિસ્થિતી અને આરઝી હકૂમત ની વાતો નજર સામે બનતી હોય તે રીતે પિતા જી નાં મુખે સાંભળી છે... જુનાગઢ માટે આઝાદી વિશેષ મહત્વ ધરાવે છે, કારણ તે પૂરો દેશ આઝાદ થયા પછી ઘણા સમયે સ્વતંત્ર થયું... આરઝી હકૂમત નાં પચાસ વર્ષ પૂરા થયા નિમિત્તે સહુ સ્નેહીઓ ને ભેટ આપતાં પિતાજી નો આર્દ્ર ચહેરો હજી યે યાદ છે..

ઘણા ચિત્રો હૂબહૂ ઉપસી આવે છે. ખાસ કાળજી થી સ્ટડી-ટેબલ અને ખુરશી ની ખરીદી કરતાં પિતાજી, કેરી ને મોટા તપેલાં માં પલળ્યા પછી ડીંટા પર હાથ રાખી કેરી ઘોળતા પિતાજી,પરિવાર ના દરેક સભ્યો જેમાં ભાણિયા કે ભત્રીજા નો પણ સમાવેશ થાય, -ને સમયસર મોતી ના દાણા જેવાં અક્ષર માં જન્મદિન ની શુભેચ્છા પોસ્ટ કાર્ડ લખતાં પિતાજી, પોતરી ઓ સાથે ક્રોસ-વર્ડ ભરતાં પિતાજી, જરૂર પડે ધમકાવી નાંખતા પિતાજી, ખુદ ની જરૂરિયાત શૂન્ય જેટલી રાખી પોતાનાં જ નહીં, દાદાજી ના પરિવાર ની તકલીફ માં ખડે પગે ઊભા રહેતાં પિતાજી, જિંદગી ના છેલ્લાં વર્ષો માં કાચબો જેમ અંગો ને સંકોરે તેમ અનાસક્તિ ભાવ કેળવતાં જતાં પિતાજી, કેન્સર જેવી બિમારી માં કોઈ પણ પ્રકારની તબીબી સારવાર નહીં લઈ તેને પ્રભુ નો પ્રસાદ ગણી સ્વીકારી લેતાં પિતાજી... અને સંતાનો ને મૂલ્યો નો અમુલ્ય વારસો આપી જનાર પિતાજી....

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.