૧) નોટબંધીમાં તમને શું તકલીફ પડી ?

-આખું ઘર ફેંદી વળ્યા. નવી કે જૂની એકે ય નોટ ન મળી. હોય તો મળે ને ?
(રવિ પ્રકાશભાઈ ઠકરાર, રાણાવાવ-પોરબંદર)


૨) આજ સુધી તમને પુછાયેલો સૌથી સહેલો સવાલ કયો ?

-બુદ્ધિમાં કોણ ચઢે ? રાહુલ કે કેજરીવાલ ?
(સંજય મેહતા, બોટાદ)


3) એકઝામ્સના તમારા અનુભવ વિશે જણાવશો ?

-ભ'ઇ, અમારા વખતમાં કાપલી-બાપલી કાંઇ નહોતું. સીધી ગાઇડ જ પરીક્ષા શરૃ થતા પહેલાં ટૉયલેટમાં મૂકી આવીએ...
(નફીસા માકડા, મહુવા)


૪) પત્નીની હાજરીમાં અન્ય સુંદર સ્ત્રીની પ્રશંસા કરવી એટલે ?

-ઓહોહોહો...તો તો રોજની કેટલી પ્રશંસાઓ આવે ?
(જીતેન્દ્ર કેલા, મોરબી)


૫) રાહુલ ગાંધીનાં લગ્ન હજી સુધી નહિ થવાનું કારણ ?

-'હજી સુધી...?'તમે તો જાણે એ ૭૦ની ઉંમરના થઇ ગયા હોય, એવી વાતો કરો છો ?
(મયંક પંચાલ, અમદાવાદ)


૬) મોદી શાસનમાં ઊછરેલી અમારી જનરેશન વિશે શું કહો છો ?

-એ જ કે, એમાં તમારાં મમ્મી-પાપા જવાબદાર છે.
(ચિરાગ કટારીયા, ટંકારા-મોરબી)


૭) મારી ગર્લફ્રેન્ડનાં લગ્ન એક મહિના પહેલાં થઇ ગયાં, તો હવે મારે શું કરવું ?

-આઠ મહિના તો રાહ જુઓ.
(આશિક શેઠ, અમદાવાદ)


૮) લાગે છે કે, ભારતીય તહેવારો હવે પછી વિદેશોમાં જ ઊજવાશે. ભારતમાં તો ખાલી નામની રજાઓ જ રહેશે.

-ક્યાંક તમારી વાત સાચી લાગે છે. હું જે જે દેશોમાં ગયો છું, ત્યાંના ભારતીયો આપણા કરતાં વધુ દેશભક્તો છે.
(ચિંતન ગાંધી, બોસ્ટન અમેરિકા)


૯) તેજીને ટકોર ને ગધેડાને ડફણું. આ કહેવત કોને લાગુ પડે ?

-અનુક્રમે, તેજીને અને ગધેડાને !
(નૂતનકુમાર ભટ્ટ, સુરત)


૧૦) ઇ.સ. ૨૦૫૦માં ઇન્ડિયા કેવું હશે ?

-હું તો લાંબી રજાઓ ઉપર હોઇશ... તમે હો તો બધું સંભાળી લેજો.
(અમિલ શેલીયા, સુરત)


૧૧) દેશને આવા ૮-૧૦ યોગી મળી જાય તો ?

-એટલા બધાની જરૃર જ નથી. આ એકલા કાફી છે.
(ધીમંત ભાવસાર, બડોલી-ઇડર)


૧૨) શું કરવાથી દેશમાં બેરોજગારી ઓછી થાય ?

-આપણે નોકરી નહિ કરવાની.
(કુલદીપ કે. ત્રિવેદી, પાટણ)


૧૩) મુલાયમે મોદીના કાનમાં શું કીધું હશે ?

-'પુરુષો માટે'કઇ બાજુ છે ?
(રાકેશ પરમાર, કિલ્લા પારડી - વલસાડ)


૧૪) બ્રહ્માંડનો જન્મ એક વિરાટ બિગ-બેન્ગથી થયો હતો, એ જોવા કોણ ઊભું હતું ?

-બધા ડાઉટો મારી ઉપર નહિ લાવવાના !
(જગજીવન બી. મેતલીયા, ભાવનગર)


૧૫) તમારા ઘરની સામે જ પોલીસ ચોકી હોવાનું કોઇ કારણ ?

-દરેક મહાપુરુષના ઘર પાસે પોલીસ-પ્રોટેક્શન તો હોવાનું જ !
(પુરંજય જોશીપુરા, અમદાવાદ)


૧૬) સાડા પાંચની ફ્લાઇટ પાંચ ને ત્રીસે જ કેમ ઊપડતી હોય છે ?

-ને તો ય, રોજ સાડા બે કલાક મોડી પડે છે.
(પકેશ સાયમન ઠાકોર, ગાંધીનગર)


૧૭) હમણાં કોક ટીવી-ડીબેટમાં કોક પત્રકારે કીધું, 'રાહુલ ગાંધી ઈન્ટેલિજૅન્ટ અને સિન્સિયર છે.'મને તો આખી વાત બધી ઉપરથી ગઇ. તમને સમજાઇ ?

-એ પત્રકાર સિન્સિયર જરૃર હશે... ઈન્ટૅલિજન્ટ નહિ !
(મૂકેશ નાયક, એથાણ-જલાલપોર)


૧૮) તમારો મનગમતો હાસ્યલેખક અને ફિલ્મ જણાવશો ?

-એકાદ-બે મજબૂરીઓને બાદ કરતાં મને યાદ નથી, આજ સુધી એકે ય હાસ્યલેખકને મેં વાંચ્યો હોય ! ફિલ્મ તો આ દેશમાં એક જ સર્વોત્તમ આવી છે, 'મુઘલ-એ-આઝમ'.
(સંદીપ પુરાણી, હથિથાના-દેવગઢબારીયા)


૧૯) 'ભદ્રંભદ્ર'જેવી નવલકથા ગુજરાતી સાહિત્યને હવે ક્યારે મળશે ?

-મને એમ કે, તમારે જોઇતી હશે !
(ઉષા વિજય ઢોલરીયા, વાપી)


૨૦) લોકો તો કહે છે, 'પ્રેમ આંધળો હોય છે', તો પછી લગ્ન પછી એ 'લવ'મૂંગો કેમ થઇ જાય છે ?

-અપંગ માનવોની સેવા કરવી એ હરએક પરણેલાની ફરજ છે.
(ધૂ્રવ ચાંલ્લાવાળા, હાલોલ)


૨૧) બૅન્કોના નવા નિયમો બાબતે તમને શું લાગે છે ?

-પહેલાં બપોરે બે-અઢી વાગે બૅન્કનો પૂરો સ્ટાફ ખાલી થઇ જતો. હવે છ વાગે ઘેર જવા ય દયામણા બનવું પડે છે.
(ધર્મેશ વેકરીયા, જૂની ચાવંડ-વિસાવદર)


૨૨) તમારી પ્રિય સીરિયલ 'તારક મેહતા કા ઊલટા ચશ્મા'માં સુંદર આટલું મોટેથી કેમ બોલતો હશે ?

-એ ખૂબ પ્રતિભાવંત કલાકાર છે. ઊંચું કે નીચું તો મને ખબર નથી, પણ એ હસાવી શકે છે ચોક્કસ !
(જયેશ અંતાણી, ભાવનગર)

gujarati@pratilipi.com
+91 9925624460
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.